સિરામિક ઉદ્યોગ : 33 વર્ષથી લાગુ સામાજિક સુરક્ષાના કાયદાના લાભથી થાનના કામદારો વંચિત કેમ?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
સુરેન્દ્રનગરના થાનમાં રહેતા ભરતભાઈ પરમાર સિરામિક્સ ફેકટરીમાં કામ કરતા હતા. બે વર્ષ અગાઉ સીલિકોસિસ બીમારીથી તેમનું અવસાન થયું. તેમની ઉંમર 47 વર્ષ હતી.
સિરામિક ઉદ્યોગના કામદારોને સીલિકોસિસ જેવી ગંભીર બીમારીની શક્યતા રહે છે. જે ફેફસાંનો જીવલેણ રોગ છે.

ઇમેજ સ્રોત, Getty Images
સીલિકોસિસના દર્દીને શ્વાસ ચડે છે અને તેઓ નિવૃત્ત થતાં પહેલાં જ બજારમાંથી ફેંકાઈ જાય છે.
સીલિકોસિસ થયા પછી તેમની સ્થિતિ વકરવા માંડે છે. સારવારના ખર્ચા વધી જાય છે અને ગરીબીમાં ધકેલાઈ જાય છે.
ભરતભાઈ પરમારનાં દીકરી ભાવિકા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "મારા પપ્પા 15 વર્ષની નાની વયે સિરામિક્સ ફેકટરીમાં કામે જોતરાઈ ગયા હતા. 47 વર્ષ એ મરવાની ઉંમર નથી."
આ તો થઈ એક પરિવારની વાત પરંતુ આવા બીજા અનેક કામદાર છે જેઓ સિરામિક કારખાનાંમાં કામ કરતાં-કરતાં સીલિકોસિસની બીમારીથી પીડાઈ રહ્યા છે અને કેટલાયે દુનિયામાંથી વિદાય પણ લઈ લીધી છે.

કામદારોને વ્યાવસાયિક સુરક્ષા ન મળતી હોવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
ખેદજનક વાત એ છે કે ન તો આ બીમારીની એટલી ચર્ચા કે ચિંતા થાય છે કે ન તો એના વિશેના કાયદાની.
સીલિકા સિરામિકના કારખાનામાં વપરાય છે. સીલિકાની રજ જોખમી સૉલિડ વેસ્ટ કહેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત સરકારનો ઈએસઆઈ (એમ્પૉલોય્ઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ) ઍક્ટ નામનો એક કાયદો છે. જે ઉત્પાદન ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. વડોદરાની પીટીઆરસી (પીપલ્સ ટ્રેનિંગ ઍન્ડ રિસર્ચ સેન્ટર) નામની સંસ્થા છે અને તેના ડિરેક્ટર જગદીશ પટેલ છે.
ડિરેક્ટર જગદીશ પટેલ કહે છે કે, "થાનગઢ એ સિરામિક્સ ઉદ્યોગનું મોકાનું સ્થાન છે. એને 1988માં સામાજિક સુરક્ષાનાં ઈએસઆઈના કાયદામાં આવરી લેવામાં આવ્યું હતું. આ કાયદાની જોગવાઈ મુજબ સિરામિક્સ કામદારો અને માલિકો બંને વીમાના પ્રીમિયમ ભરે છે."
"જે કામદારોને ઈએસઆઈના કાયદા હેઠળ આવરી લેવાયા હોય તેમને વિનામૂલ્યે સારવાર મળી શકે છે અને વિકલાંગપણા માટે વળતર મળી શકે છે. તેથી સિરામિક્સ કામદારો માટે આ કાયદો ખૂબ મહત્ત્વનો છે."
ચોંકાવનારી બાબત એ છે કે પીટીઆરસી સંસ્થા દ્વારા થાનગઢના 1,000 કામદારોનો સરવે કરવામાં આવ્યો છે જેમાં બહાર આવ્યું કે 98 ટકા કરતાં વધુ લોકોને ઈએસઆઈના કાયદાનો લાભ મળતો નથી.
પીટીઆરસી સંસ્થાએ એક હજાર કામદારોની યાદી મેળવી તેમાં 200 મહિલાઓ હતાં.
સરવેમાં 70 ટકાથી વધુ લોકો 40 વર્ષ કરતાં ઓછી વયના હતા. સંસ્થાએ પીએફ (પ્રૉવિડન્ટ ફંડ)નો પણ સાથે સરવે કર્યો હતો તો જાણવા મળ્યું કે 1,000માંથી 27 લોકોને જ તેનો લાભ મળે છે. બંને કાયદાનો લાભ મળતો હોય એવા લોકોની સંખ્યા તો માત્ર 15 જ હતી.
સંસ્થાએ એક અખબારી યાદી જાહેર કરી છે. જેમાં લખ્યું છે કે, "આ કાયદાનો લાભ આપવામાં માલિકો કામદારો સાથે ભેદભાવ કરે છે. કારખાનાના અમુક કામદારોને જ લાભ આપવાનો અને બીજાને છોડી દેવાના. અમને સરવેમાં 44 લોકો એવા મળ્યા જેમણે કહ્યું કે 20 કરતાં વધુ વર્ષથી સિરામિક ઉદ્યોગમાં કામ કરતા હોવા છતાં તેમને સામાજિક સુરક્ષાના કાયદાથી વંચિત રખાયા છે."

કારખાનેદારો કામદારોનું શોષણ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સિરામિક ઉદ્યોગમાં કામ કરતા મોટા ભાગના કામદારો એવા છે જેમને પગાર મળે છે, પણ પહોંચ મળતી નથી.
કામદારો ચોપડે નોંધાયેલા નથી. એનો અર્થ એ કે તેમને કાયદાના મળવાપાત્ર લાભ મળી શકતા નથી.
આમાં કારખાનાનાં માલિકની ભૂમિકા કઈ રીતે ભેદી છે એ વિશે જણાવતાં જગદીશ પટેલ કહે છે, "ઈએસઆઈનો કાયદો 1948માં બન્યો હતો. આ એક વીમો છે, જેમાં કામદાર અને માલિકે બંનેએ એના માટેનું પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. એમાં કામદારના પગારના એક ટકા અને કારખાના માલિકના ત્રણ ટકા એમ મળીને કુલ ચાર ટકા ભરવાના થાય છે."
"એની સામે કામદારને મેડિકલ સારવાર મફત મળે છે. એના માટે વીમાનાં દવાખાનાં અને હૉસ્પિટલ હોય છે. અમદાવાદમાં બાપુનગરમાં આવી વીમાની હૉસ્પિટલ છે."
"મુદ્દો એ છે કે કારખાનેદારો તેમને ત્યાં કામ કરતાં કામદારોને પગાર તો આપે છે, પણ પહોંચ નથી આપતા. જો પહોંચ જ ન આપતા હોય તો એનો અર્થ એ થાય કે કામદારો રેકર્ડ પર જ નથી. મતલબ કે તેમને કોઈ લાભ મળી શકતા નથી. કામદારોનો બધો વ્યવહાર ઊચક જ ચાલે છે.
જગદીશ પટેલ કારખાનાંમાલિકો દ્વારા આચરવામાં આવી રહેલી ગેરરીતિ અંગે વાત કરતાં કહે છે કે, "તેઓ કામ કરે છે પણ તેમના નામના વીમાનાં પ્રીમિયમ ભરાતાં નથી અને એ રીતે કારખાનેદારો છટકી જાય છે. પરિણામે બીમારીની ખપ્પરમાં કામદારો હોમાય છે. તેમનું શોષણ થાય છે. તેમને કામદાર તરીકેના સરકારી લાભ જ મળતા નથી. આમાં પહેલ કારખાનેદારે કરવાની હોય છે."
"સૌપ્રથમ જવાબદારી તેમની બને છે. કારખાનેદારે ઈએસઆઈમાં કોડ લેવો પડે. નોંધણી કરાવવી પડે. કોડ લીધા પછી તેમણે કામદારોના પગારમાંથી કાપીને તેમજ પોતાનો ફાળો ભરવો પડે."
"જો કામદારોનાં નામ જ ન નોંધાયેલા ન હોય તો કારખાનેદારો માટે આવું કશું કરવાનું રહેતું નથી. કારખાનેદારોનું વલણ એવું છે કે કારખાનું મારું, કાચો માલ મારો. પ્રોડક્ટ મારી, પણ કામદાર મારો નથી."
મૃતક ભરત પરમારનાં દીકરી ભાવિકાએ જણાવ્યું હતું કે, "અમે ઈએસઆઈની એક અરજી પણ તૈયાર કરી હતી, પરંતુ પપ્પા જે ફેકટરીમાં કામ કરતા હતા તે માલિકે સહી કરી આપી નહોતી."

સરકારની જવાબદારી શું છે?

ઇમેજ સ્રોત, Marco BULGARELLI
ભાવિકા કહે છે કે, "પપ્પાને સીલિકોસિસ થયા પછી સિવિલ હૉસ્પિટલ તેમજ ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. સારવાર માટે ત્યારે સરકાર તરફથી કોઈ સહાય મળી નહોતી."
"અવસાન પછી પણ કોઈ સહાય મળી નથી. પપ્પાના અવસાન પછી અમારી પાસે અમુક દસ્તાવેજ અધિકારીઓએ માગ્યા હતા. જે અમે આપ્યા પણ છે."
આ કાયદામાં મોટી જવાબદારી કારખાનેદારની હોય છે એ ઉપરાંત સરકારની પણ જવાબદારી બને છે.
એ વિશે જગદીશ પટેલ કહે છે કે, "કોઈ પણ કારખાનું જેમાં દસથી વધારે કામદાર હોય તેમને આ ઈએસઆઈનો કાયદો લાગુ પડે છે. સંસદમાં મજૂરો માટેની એક સમિતિ હોય છે. તેણે સૂચન કર્યું હતું કે તમે કાયદામાં સુધારો કરીને માત્ર કારખાનેદારો જ નહીં ઈએસઆઈ કૉર્પોરેશનની જવાબદારી પણ એમાં ઉમેરો."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો એવો છે કે નૉટિફાઇડ વિસ્તારમાં કારખાનું હોય અને તેને કાયદો લાગુ પડતો હોય તો એ કામદારને તમામ લાભ ઈએસઆઈએ આપવા, પછી ભલે તે કામદારનો ફાળો કપાયો ન હોય."
"ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતું ઈએસઆઈ કૉર્પોરેશન એક સ્વાયત્ત સંસ્થા છે. દરેક રાજ્યમાં તેમના પ્રાદેશિક ડિરેક્ટર હોય છે. તેથી સરકારની પણ જવાબદારી તો બને જ છે.”
સ્થાનિક સમાચારો પ્રમાણે ઈએસઆઈ કૉર્પોરેશને મહેસાણા, હાલોલ અને મોરબીમાં નવી હૉસ્પિટલો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
સવાલ એ છે કે જે કામદારો રેકર્ડમાં જ ન હોય તેમને એનો લાભ કેવી રીતે મળી શકશે? દુર્ભાગ્યે આવા ઊચક કામકારોની સંખ્યા ખૂબ મોટી છે.
આટલાં વર્ષોથી લાગુ સામાજિક સુરક્ષાના કાયદાના લાભથી થાનના 90 ટકાથી વધુ સિરામિક કામદારો વંચિત છે એવો રિપોર્ટ છે.
આ મુદ્દે બીબીસીએ અમદાવાદમાં કાર્યરત ઈએસઆઈએસના ડિરેક્ટર સમીર શાહનો એકથી વધુ વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

કામદારો નથી ઇચ્છતા કે તેમનાં નામ ચોપડે નોંધાય અને લાભ મળે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
થાન સિરામિક ઉદ્યોગનું દેશનું મોટું મથક છે. હજારો કામદારો ત્યાં કામ કરે છે. વિટંબણા એવી છે કે કામદારને કોઈ બીમારી કે મોટી ઈજા થઈ હોય તો તેમણે રાજકોટ જવું પડે છે.
થાનમાં સિરામિકનું કારખાનું ધરાવતાં તેમજ પાંચાળ સિરામિક્સ ઍસોસિયેશનનાં એરિયા મૅનેજર અમિતભાઈ પ્રજાપતિએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "વાંક કારખાનેદારોનો જ નથી. થાનમાં હાલમાં એકાદ બે મહિનાથી જ ડૉક્ટરની નિમણૂક કરવામાં આવી છે. એ પણ કામદારોને કોઈ તકલીફ હોય તો માત્ર પ્રાથમિક ઉપચાર આપી શકે."
"જો કામદારને વધુ તકલીફ હોય તો એણે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં કે અન્ય ક્યાંય જવું પડે છે. અગાઉ એવું હતું કે કેટલીક ખાનગી તેમજ પ્રતિષ્ઠિત હૉસ્પિટલો ઈએસઆઈ સાથે સંલગ્ન હતી. હવે એ વ્યવસ્થા ખોરવાઈ છે."
"કામદાર બેથી ત્રણ દિવસ બગાડે ત્યારે સિવિલ હૉસ્પિટલ પહોંચે છે. ઈએસઆઈ સંલગ્ન જે ડૉક્ટર હોય તે પણ ઈએસઆઈ સાથે જોડાયેલી મલ્ટિસ્પેશ્યાલીટી કે ખાનગી હૉસ્પિટલમાં દરદીને મોકલતા નથી. ખરેખર તેમણે તે કરવું જોઈએ."
થાનગઢમાં મોટી સંખ્યામાં કામદારો ચોપડે નોંધાયેલા નથી. તેથી તેમને આરોગ્યના કે સરકારી લાભ મળતા નથી. એ વિશે જણાવતાં અમિતભાઈએ કહ્યું કે, "કામદારો જો ચોપડે નોંધાતા હોય તો કારખાનેદારો તો રાજી જ છે."
"કારણ કે કારખાનેદારોને તો રીબેટ મળે છે. જો કામદારનું નામ ચોપડે ચઢેલું હોય અને અકસ્માતે કોઈ દુર્ઘટના ઘટી હોય તો તેને તરત મદદ મળી રહે અને કારખાનેદાર સામે બીજા કોઈ સવાલ પણ ઊભા ન થાય. ઘણા કામદાર એવા છે કે તેઓ જ પોતાના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ અને ઈએસઆઈ પ્રીમીયમ નથી કપાવા દેતા."
"તેઓ સામેથી એવું કહેતા હોય છે કે અમારું નામ ચોપડે ન ચઢાવો, અમારે પૈસા વીમા માટે કે પીએફ માટે કપાવા દેવા નથી. પોતાનો પગાર કપાય તે તેમને કદાચ માફક નહીં આવતું હોય. તેથી ખૂબ ઓછા કામદારો નોંધાયેલા છે એનું એક કારણ આ છે."
"બીજી એક બાબત એ છે કે સિરામિકના કામદારો અનુભવે જ કેળવાય છે. કેટલાક કામદાર પોતે જતા રહે છે તો કેટલાકનું કામ બરાબર ન હોય તો કારખાનેદાર રજા આપી દે છે. તેથી 60 - 70 ટકા કામદારો બદલાતા રહે છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















