INDvsPak : પાકિસ્તાન સામે ભારતની હાર પછી મોહમ્મદ શમીને ટ્રોલ કરનારાઓને વિરાટ કોહલીએ ગણાવ્યા 'કરોડરજ્જુ વગરના'

ભારતીય ટી-20 ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ શનિવારે ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી પર ટિપ્પણી કરતા લોકોની ટીકા કરી અને કહ્યું કે એ લોકો ‘કરોડરજ્જુ વિના’ના ટ્રોલ છે.

નોંધનીય છે કે સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં યોજાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત પોતાની પ્રથમ મૅચમાં હારી ગયું હતું.

આ કારમા પરાજય પછી સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ભારતના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની પણ ટીકા કરી હતી અને ધાર્મિક ટિપ્પણી પણ કરી હતી.

શમીને ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલ કરવામાં આવ્યા હતા અને તેમના પર મુસ્લિમ હોવાને કારણે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.

કોહલીએ શું કહ્યું?

ન્યૂઝીલૅન્ડની વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ મૅચ પહેલાં પત્રકારો સાથે વાત કરતાં કોહલીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રોલ્સની ટીકા કરી હતી.

કોહલીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારા લોકો કરોડરજ્જુ વિનાના લોકો છે જેઓ વાસ્તવિક જીવનમાં કોઈ અસલી પડકારનો સામનો કરી શકતા નથી.

કોહલીએ કહ્યું કે, અમે મેદાન પર મુકાબલો કરીએ છીએ સોશિયલ મીડિયા પર નહીં. એવા કરોડરજ્જુ વિનાના લોકોની વાસ્તવમાં કોઈની સામે કંઈ બોલવાની હિંમત થતી નથી હોતી."

મોહમ્મદ શમીને ટ્રોલ કરાયા પછી સચીન તેંડુલકર સહિત ભારતના કેટલાક સ્ટાર ખેલાડીઓ તેમના સમર્થનમાં આવ્યા હતા.

કોહલીએ કહ્યું કે, "લોકો કઈ પરિસ્થિતિ વિશે શું વિચારે છે તે વ્યક્ત કરવાનો અધિકાર તેમની પાસે છે પરંતુ મેં ક્યારે પણ વ્યક્તિગત રીતે કોઈની સાથે ધર્મના આધારે ભેદભાવ કર્યો નથી."

તેમણે કહ્યું કે " ધર્મ એક પવિત્ર અને વ્યક્તિગત બાબત છે અને કોઈને પણ કોઈની ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ."

તેમણે વધુમાં કહ્યું કે તેઓ આવા નિષ્ફળ લોકો પર સમય વ્યર્થ નથી કરવા માગતા જેમણે એ વાતની અવગણના કરી કે શમીએ અત્યાર સુધી કેટલી મૅચ જિતાડી છે.

તેમણે કહ્યું કે, "મોહમ્મદ શમી છેલ્લાં કેટલાંક વર્ષોથી અમારા મહત્ત્વપૂર્ણ બૉલર છે અને તેમણે ભારતને કેટલીક મૅચ જિતાડી છે. "

'દેશનું પ્રતિનિધિત્વ કરતા લોકો ત્યાગ કરે છે, એ વિશે લોકો અજાણ'

કોહલીએ કહ્યું કે ટીમની ભાવના પર આ રીતેના વિવાદની કોઈ અસર નથી થતી અને તેમણે ડ્રેસિંગ રૂમમાં એવો માહોલ ઊભો કર્યો છે કે ત્યાં સુધી આ વાત પહોંચશે પણ નહીં.

તેમણે કહ્યું કે અમે પૂર્ણ રીતે શમીની સાથે ઊભા છીએ. અમે 200 ટકા તેમની સાથે છીએ. જે લોકો તેમના પર હુમલો કરે છે, તેઓ ઇચ્છે તો બે ગણી શક્તિ વાપરે, અમારા પર કોઈ અસર નહીં થાય. અમારો ભાઈચારો, અમારી મિત્રતા અને અમારી વચ્ચે પ્રેમ યથાવત્ રહેશે."

સોશિયલ મડિયા પર લોકો પર નિશાન સાધવાની સંસ્કૃતિ પર કોહલીએ કહ્યું કે આ માનવીય વર્તનનું સૌથી નીચલું સ્વરૂપ છે.

તેમણે કહ્યું કે લોકો પોતાની ઓળખ છુપાવીને સોશિયલ મીડિયા પર લોકોની પાછળ પડે છે અને તેનાથી મનોરંજન મેળવે છે. આજના સમયમાં આ સોશિયલ એન્ટરટેન્મૅન્ટ બની ગયું છે. આ દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ પરિસ્થિતિ છે."

તેમણે કહ્યું કે જે લોકો શીર્ષ સ્તર પર દેશનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ બહુ ત્યાગ કરે છે જેનો લોકોને અંદાજ પણ નથી હોતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો