You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પોલીસ ગ્રેડ પે આંદોલન : 'જે પોલીસ દ્વારા સરકાર આંદોલનો કચડે છે, તે જ પોલીસને આંદોલન કરવું પડે" - સોશિયલ
ગુજરાતના પોલીસકર્મીઓ ગુજરાતની જ ભૂપેન્દ્ર પટેલ સરકારની સામે ગ્રેડ પે મુદ્દે આંદોલન કરી રહ્યા છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસકર્મચારીઓના પરિવારજનો ધરણાં કરી રહ્યા છે; અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેલીઓ, પ્રદર્શનો થયાં છે, સાથે જ ઠેર-ઠેર આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.
પોલીસકર્મચારીઓના આ આંદોલનનો સૌથી મહત્ત્વનો મોરચો છે સોશિયલ મીડિયા.
છેલ્લા ત્રણ દિવસથી ટ્વિટર સહિતનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પોલીસકર્મચારીઓ અને તેમના પરિવારજનો ગ્રેડ પે મુદ્દે માગ કરી રહ્યા છે.
ટ્વિટર પર ગુજરાતપોલીસ #gujaratpolicegradepay, #gujarat_police_4200, #GradePay જેવાં અનેક હૅશટૅગ ટ્રૅન્ડમાં છે.
મીડિયા અહેવાલો પ્રમાણે તંત્ર સોશિયલ મીડિયા પર થઈ રહેલા વિરોધને નાથવા માટે પણ પગલાં લઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર હવે પોલીસ કર્મચારીઓની સાથે-સાથે કેટલીક સંસ્થાઓ, વિવિધ સમુદાયના આગેવાનો, રાજકીય આગેવાનોની પણ પ્રતિક્રિયા આવી રહી છે.
કેટલાક લોકો પોલીસ કર્મચારીઓનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક લોકો પોલીસ કર્મચારીઓના આંદોલન મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા
દિવ્યાબા જાડેજા નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, "જનરક્ષકોને જ જો પોતાના હક અને ન્યાય માટે આંદોલન કરવા પડે, તો સરકારે ડૂબી મરવુ જોઈએ."
અનિલ શેખળિયા નામના ટ્વિટર યૂઝર લખે છે કે, "પોલીસ-જવાનો રાતદિવસ મહેનત કરે, છતાં બીજાં રાજ્યોની સરખામણીમાં ગ્રેડ પે ન મળે."
ભાવિક રાજપુરોહિત લખે છે, "તેઓ (પોલીસકર્મી) આપણી સુરક્ષામાં 24*7 અને 365 દિવસ ઊભા રહે છે. હવે વખતે છે કે આપણે તેમની માટે ઊભા થઈએ."
થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત લખે છે કે, "કેવી કરુણતા.... જે પોલીસ દ્વારા સરકાર આંદોલનો કચડે છે, તે જ પોલીસને પોતાના અધિકાર માટે આંદોલન કરવું પડે છે."
આ સાથે જ અનેક લોકો પોલીસ કર્મચારીઓની માગણીઓના સમર્થનમાં આવેદનપત્ર આપવાં, પ્રદર્શન યોજવાં જેવા કાર્યક્રમો યોજી રહ્યા છે અને તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે.
કુંભજી ઠાકોર નામના ટ્વિટર યૂઝરે આવેદનપત્ર સુપરત કરતી તસવીર ટ્વીટ કરી છે.
આ તસવીર સાથે લખ્યું છે કે, "હું ગુજરાત પોલીસનું સમર્થન કરું છું, અમદાવાદ ઠાકોર સેના દ્વારા ગુજરાત પોલીસની ગ્રેડ પેની માગણીના સમર્થનમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું."
રમેશ ઠાકોર નામના ટ્વિટર યૂઝરે પેટલાદની મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યાની તસવીરો ટ્વીટ કરી છે.
ગુજરાત પોલીસે આંદોલનનો માર્ગ કેમ અપનાવ્યો?
સૂચિત ઑલ ગુજરાત પોલીસ કૉન્સ્ટેબલ ઍસોસિયેશનના પ્રમુખ ઇસ્માઇલ સુમરાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાત સરકાર સામે 1986માં સૌથી પહેલાં પોલીસ યુનિયને સરકાર સામે આંદોલન કર્યું હતું. જેણે સરકારના નાકે દમ લાવી દીધો હતો."
"1989માં આ યુનિયન પર પ્રતિબંધ મુકાયો તે બાદ પોલીસ યુનિયન ખતમ થઈ ગયું હતું. લાંબી કાનૂની લડાઈ પછી પોલીસ યુનિયનની મંજૂરી મળી છે, પણ તે સૂચિત છે. એટલે અમે સીધું આંદોલન કરી શકતા નથી. આથી અમે ટેકનૉલૉજીનો ઉપયોગ શરૂ કર્યો છે."
સુમરા ઉમેરે છે કે "2019થી અમારો ગ્રેડ પે રૂપિયા 18 હજાર છે, જેને વધારવો જોઈએ."
"સરકારના ત્રીજા વર્ગના કર્મચારી પ્રમાણે કૉન્સ્ટેબલને રૂપિયા 28 હજાર, હેડ કૉન્સ્ટેબલને રૂપિયા 36 હજાર અને એએસઆઈ (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર)ને રૂપિયા 42 હજારનો પગાર, માસિક રૂપિયા 20 સાઇકલ ઍલાઉન્સ વધારીને રૂપિયા 500, પોલીસ કૉન્સ્ટેબલને વીકલી-ઑફ અને જો ઇમર્જન્સીમાં વીકલી-ઑફ ન મળે તો રૂપિયા 1000નું ભથ્થું; તથા ડ્રેસ અને શૂઝ ઍલાઉન્સમાં વધારો થાય એ અમારી માગો છે."
"અમારી આ માગણીઓ 2019થી ચાલુ હતી પણ કોરોના મહામારી આવી એટલે પોલીસે આ માગણીઓને કોરાણે મૂકી દીધી હતી, પરંતુ હવે આ માગ ફરી કરી છે. અમને સીધા આંદોલન કરવાનો અધિકાર નથી અને પોલીસ આંદોલન કરે ત્યારે પ્રજાને મોટું નુકશાન થાય એટલે અમે ટેકનૉલૉજી મુજબ, સોશિયલ મીડિયાના આધારે આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું."
"આથી, ઍડિશનલ ડીજીપી (ડાયરેક્ટર જનરલ પોલીસ) લૉ ઍન્ડ ઑર્ડર નરસિંહ્મા રાવ તોમરે એક પરિપત્ર બહાર પાડી; આચારસંહિતા લગાડી સોશિયલ મીડિયા પર અમારી માગણીઓ સાથે વિરોધ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. એટલે અમારો એક પ્રતિનિધિ ગાંધીનગર વિધાનસભા સામે પ્રતીકાત્મક ધારણાં પર બેઠો હતો જેની અટકાયત કરવામાં આવી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો