You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી-20 વિશ્વકપ : પાકિસ્તાનની ભારત પરની જીત ઇસ્લામની જીત કઈ રીતે ગણી શકાય?
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
ક્રિકેટનો જુસ્સો પ્રકટ કરવા માટે ભારતીય ઉપમહાદ્વીપમાં અવારનવાર એમ કહેવાય છે કે ક્રિકેટ ધર્મ છે; પણ, ભારત-પાકિસ્તાન વચ્ચે મૅચ હોય ત્યારે ઘણી વાર આ ધર્મ અફીણની જેમ વર્તે છે.
આ વાત પાકિસ્તાનના મંત્રી શેખ રશીદ ઉપરાંત અસદ ઉમરનાં બયાન અને ભારતમાં મોહમ્મદ શમીના વિરોધમાં થયેલી ઑનલાઇન ટિપ્પણીઓથી સ્પષ્ટ થાય છે.
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે મળેલી જીતને ઇસ્લામની જીત કહી હતી. રશીદે રવિવારે મળેલી જીત પછી તરત જ ટ્વિટર પર એક વીડિયો સંદેશ પોસ્ટ કરેલો અને એમાં જ આ વાત કહેલી.
રશીદે તો એટલે સુધી કહી દીધું હતું કે, "દુનિયાના મુસલમાનો સહિત હિન્દુસ્તાનના મુસલમાનોની લાગણી પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ઇસ્લામને જીત મુબારક હો. પાકિસ્તાન ઝિંદાબાદ."
પાકિસ્તાન એક ઇસ્લામિક દેશ છે, પણ ત્યાંના ગૃહમંત્રી પાકિસ્તાનની ભારત પરની જીત પછી પોતાના દેશને દુનિયાભરના મુસલમાનોના પ્રતિનિધિરૂપે રજૂ કરી રહ્યા છે.
બંધારણીય રીતે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે અને આખી દુનિયામાં પાકિસ્તાન પછી અહીં સૌથી વધારે મુસલમાન છે. શેખ રશીદે વીડિયોમાં એવી વાત કરી, જાણે એમણે જાતે પોતાને ભારતીય મુસલમાનોના પ્રવક્તા ઘોષિત કરી દીધા છે.
ક્રિકેટ અને ધર્મ
જોકે, પાકિસ્તાન તરફથી આ પ્રકારનું આ પહેલું નિવેદન નથી. 2007ના ટી-20 વિશ્વકપ ફાઇનલમાં ભારત સામે હાર્યા પછી પાકિસ્તાનના તત્કાલીન કૅપ્ટન શોએબ મલિકે મુસ્લિમ દુનિયાની માફી માગી હતી.
ત્યારે, ભારતનાં ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા સાથે શોએબ મલિકનાં લગ્ન નહોતાં થયાં. બંનેનાં લગ્ન 2010માં થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2007ના ટી-20 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં પાકિસ્તાન હારી ગયું હતું. એ વખતે શોએબ મલિક પાકિસ્તાનની ટીમના કૅપ્ટન હતા.
આ વર્લ્ડકપમાં પણ શોએબ મલિક પાકિસ્તાની ટીમના એક ખેલાડી છે, પણ કૅપ્ટન નથી.
ભારત સામે હારી ગયા પછી શોએબ મલિકે કહ્યું હતું, "હું મારા દેશ પાકિસ્તાન અને દુનિયાભરના મુસલમાનોને સમર્થન આપવા બદલ ધન્યવાદ આપું છું. ખૂબ જ આભાર. હું વર્લ્ડકપ જીતી ન શક્યો એ માટે માફી માગું છું. જોકે, રમતમાં અમે અમારા 100 ટકા આપ્યા હતા."
શોએબ મલિક ત્યારે એ ભૂલી ગયેલા કે એ મૅચમાં ભારતના ઇરફાન પઠાણને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા. અને, શોએબ મલિકને ઇરફાન પઠાણે જ આઉટ કરેલા. ત્યારે, શોએબ મલિકના એ નિવેદનની ભારતના મુસ્લિમ નેતાઓ અને ખેલીડીઓએ આકરી નિંદા કરી હતી.
દિલ્હીના લઘુમતી આયોગના તત્કાલીન પ્રમુખ કમાલ ફારુકીએ કહેલું કે, "આવું બોલવાની એમની હિંમત કઈ રીતે થઈ? શું પાકિસ્તાનમાં કોઈ બિનમુસલમાન સમર્થક નથી? એમનું આવું નિવેદન એ પાકિસ્તાનમાંના હિન્દુઓ અને ખ્રિસ્તીઓનું અપમાન છે."
તો, ભારતીય હૉકીના સ્ટાર ખેલાડી અસલમ શેરખાને કહેલું કે, "બિચારો ભાવનામાં તણાયો. અંગ્રેજી પણ સરખી આવડતી નથી અને એમાંય હાર્યા પછી બોલતો હતો."
પાકિસ્તાની ક્રિકેટ
કહેવાય છે કે, પાકિસ્તાની ક્રિકેટરોના ડ્રેસિંગરૂમની અને ત્યાંની રાજકીય સંસ્કૃતિની એમ બંનેની એમની પર ખૂબ અસર હોય છે.
2006માં ડૉક્ટર નસીમ અશરફને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના ચૅરમૅન બનાવાયા હતા. ત્યારે એમણે પોતાના ખેલાડીઓને કહેલું કે તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓને જાહેરમાં પ્રકટ ના કરે.
જોકે ડૉક્ટર નસીમના આ નિવેદનની પાકિસ્તાનના ખેલાડીઓ પર કોઈ અસર નહોતી થઈ.
આ વખતે તો ભારત સામેની મૅચ દરમિયાન ડ્રિન્કના સમયે મોહમ્મદ રિઝવાન નમાજ પઢતા દેખાયા હતા.
નમાજ અદા કરતા રિઝવાનની વીડિયો ક્લિપને ટ્વીટ કરતાં શોએબ અખ્તરે લખ્યું હતું કે, "અલ્લાહ એ માથું કોઈની સામે નમવા નથી દેતા, જે એમની સામે નમે છે. સુભાનઅલ્લાહ."
ડૉક્ટર નસીમ અશરફે સમાચાર એજન્સી રૉઇટર્સને જણાવેલું કે, "એમાં કોઈ શંકા નથી કે ખેલાડીઓને એમની ધાર્મિક આસ્થા પ્રેરિત કરે છે, એ એકજૂથ રાખે છે. પણ, ક્રિકેટ અને ધર્મ વચ્ચે સંતુલન હોવું જોઈએ."
"આ બાબતે મેં ટીમના કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હક (તત્કાલીન કૅપ્ટન) સાથે વાત કરી છે. અમને વ્યક્તિગત આસ્થા સામે કશો વાંધો નથી, પણ ઇન્ઝમામે કહ્યું છે કે ઇસ્લામ, પોતાના વિચારોને બીજા પર લાદવાની મંજૂરી નથી આપતો."
2007માં શોએબ મલિકના બયાન પછી ફારુકીએ કહેલું કે પાકિસ્તાની ખેલાડીઓ આ પ્રકારનાં નિવેદનો આપતા રહ્યા છે.
વસીમ અકરમના એક નિવેદનને યાદ કરતાં ફારુકીએ કહેલું કે, "મને યાદ છે કે બાંગ્લાદેશ સામે હાર્યા પછી વસીમ અકરમે કહેલું કે 'બ્રધર નૅશન' સામે હારી ગયા છીએ. આવી ટિપ્પણીઓ ખેલદિલીની ભાવનાવિરોધી છે."
અત્યાર સુધી યોજાયેલી વિશ્વકપ મૅચમાંથી પાકિસ્તાન સામેની ત્રણ મૅચમાં મોહમ્મદ અઝહરુદ્દીનના સુકાનીપદમાં ભારતની જીત થઈ છે.
અઝહરુદ્દીને ક્રિકેટ અને ધર્મને ક્યારેય ભેગા નથી કર્યા. પાકિસ્તાનના ખેલાડીઓ અને નેતાઓનાં આ પ્રકારનાં નિવેદનોને એમના પરના ભારતવિરોધી જીતના દબાણરૂપે પણ જોવામાં આવે છે.
રમતની પ્રતિદ્વંદ્વિતા ધાર્મિક નહીં
ભારતના પૂર્વ ક્રિકેટર સબા કરીમે બીબીસી હિન્દી સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે પાકિસ્તાન તરફથી થતાં આવાં નિવેદનો બહુ ફાલતુ છે.
તેમણે જણાવ્યું કે, "ભારત અને પાકિસ્તાનની વચ્ચેની ક્રિકેટની પ્રતિદ્વંદ્વિતા રમતના સ્તરે છે, ધાર્મિક સ્તરે નહીં. આ પ્રકારના નિવેદનમાં એમનું પાગલપન જ જોવા મળે છે."
"ભારતના મુસલમાનોના પ્રવક્તા ન બનો. ભારતના મુસલમાન ટીમ ઇન્ડિયાનો એક મહત્ત્વનો હિસ્સો રહ્યા છે અને એમની ખુશી અને નારાજગી પોતાની ટીમની હાર-જીતથી જ નક્કી થાય છે."
સબા જણાવે છે, "પાકિસ્તાન તરફથી આવી વાતો થાય છે તો ભારતના અતિવાદીઓને પણ એનાથી ઊર્જા મળે છે અને એની પ્રતિક્રિયારૂપે અહીં જે થાય છે તે મોહમ્મદ શમીના કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ."
જોકે સબા કરીમ મેદાન પર નમાજ અદા કરવાના વિરોધી નથી. તેમનું માનવું છે કે ધાર્મિક પ્રૅક્ટિસથી કોઈને નુકસાન નથી થતું.
શેખ રશીદ ઉપરાંત પાકિસ્તાનના બીજા એક મંત્રી અસદ ઉમરે પણ ભારતની હાર પછી વાંધાજનક ટ્વીટ કર્યાં હતાં.
અસદ ઉમરે પોતાના ટ્વીટમાં લખેલું કે, "અમે પહેલાં એમને હરાવીએ છીએ અને જ્યારે તેઓ જમીન પર પડી જાય છે, તો અમે ચા આપીએ છીએ."
અસદ ઉમરે ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની બાબતમાં આ વ્યંગભરી ટિપ્પણી કરી છે.
શેખ રશીદ અને અસદ ઉમર બંનેનાં આ નિવેદનોની પાકિસ્તાનમાં પણ નિંદા થાય છે.
પાકિસ્તાની પત્રકાર શિરાજ હસને શેખ રશીદની વીડિયો ક્લિપને ટ્વીટ કરતાં લખ્યું છે કે, "જીત મેળવ્યા પછી દુનિયાના બધા મુસલમાનોને વધામણી આપતું શેખ રશીદનું બયાન બકવાસ છે. મહેરબાની કરીને રાજનીતિ અને ધર્મને ક્રિકેટથી દૂર રાખો."
પાકિસ્તાનની લીગલ બાબતોનાં જાણકાર રીમા ઉમરે શેખ રશીદના વીડિયોને ટ્વીટ કરીને લખ્યું કે, "ગૃહમંત્રીનું આ નિવેદન ખતરનાક અને ભાગલા પાડનારું છે. જ્યારે ભારતીય ટીમના એક મુસ્લિમ ખેલાડી સામે એના ધર્મને કારણે એની વફાદારી અંગે સવાલ થઈ રહ્યા છે, ત્યારે કેટલાક મંત્રી જીત પછીની ગરિમા અને મર્યાદાને નિશાન બનાવી રહ્યા છે."
રીમા ઉમરે પાકિસ્તાનની જીત પછી વિરાટ કોહલીની મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમને ભેટતી તસવીરને ટ્વીટ કરતાં લખ્યું છે, "સારું છે કે ખેલાડીઓએ ખેલદિલીની ભાવના અને ગરિમાને ટકાવી રાખી."
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમનો ભાગ રહેલા હિન્દુ ખેલાડી દાનિશ કનેરિયા ધાર્મિક ભેદભાવ રખાતો હોવાનો આરોપ ઘણી વાર મૂકી ચૂક્યા છે.
કમ સે કમ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રકારના આરોપ જોવા નથી મળતા. 2005માં યુસૂફ યોહાના ખ્રિસ્તીમાંથી મુસલમાન બની ગયા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો