You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાહરુખ ખાનના બંગલે પહોંચી એનસીબીની ટીમ, આર્યન ખાનના જામીનની સુનાવણી બૉમ્બે હાઈકોર્ટમાં 26 ઑક્ટોબરે
કથિત ડ્રગ્સ કેસમાં આરોપી અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર બૉમ્બે હાઈકોર્ટ 26 ઑક્ટોબરે સુનાવણી કરશે.
આ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની એક ટીમ અભિનેતા શાહરુખ ખાન અને અભિનેત્રી અનન્યા પાંડેનાં ઘરે પહોંચી છે.
અનન્યા પાંડે અભિનેતા ચંકી પાંડેની દીકરી છે અને શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની નજીકની મિત્ર છે. એનસીબીએ આજે એમને તપાસ માટે બોલાવ્યાં છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર એનસીબીએ આજે અનન્યા પાંડેને પણ તપાસ માટે બોલાવ્યાં છે.
અગાઉ બુધવારે જામીન અરજી રદ થયા પછી બૉમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી 26 ઑક્ટોબરે થશે.
શાહરુખ ખાને ગુરુવારે આર્થર રોડ જેલમાં પુત્ર આર્યન ખાનની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે કથિત રીતે ડ્રગ્સ ખરીદવાના અને સેવન કરવાના આરોપસર મુંબઈમાં એક ક્રૂઝ પાર્ટીમાંથી આર્યન ખાનની 2 ઑક્ટોબરની રાતે ધરપકડ કરવામાં આવી હતી.
ફેસબુકને પાંચ કરોડ પાઉન્ડનો તોતિંગ દંડ, શું છે કારણ?
બ્રિટનના સ્પર્ધા નિયમન નિરીક્ષકે (કમ્પિટિશન ઍન્ડ માર્કેટ ઑથૉરિટીએ) ફેસબુકને 2020માં 'જીફી'ની ખરીદીમાં નિયમોનો ભંગ કરવા બદલ પાંચ કરોડ પાઉન્ડનો દંડ ફટકાર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ધ કમ્પિટિશન ઍન્ડ માર્કેટ ઑથૉરિટી'એ જણાવ્યું હતું કે, "ફેસબુક તપાસ દરમિયાન જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયું હતું. કંપનીને અનેક વખત ચેતવણી આપી હતી અને ના પછી પણ ફેસબુક નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયું હોવાથી દંડ કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે વારંવાર આપવામાં આવેલી ચેતવણીની ફેસબુકે અવગણના કરી હતી."
કંપનીને આ નિયમનો ભંગ કરવા બદલ પાંચ કરોડ પાઉન્ડનો દંડ ફટકાર્યો છે.
સીએમએના મર્જરના સિનિયર ડિરેક્ટર જોએલ બેમફોર્ડે જણાવ્યું હતું કે, "અમે ફેસબુકને ચેતવણી આપી હતી કે અમને મહત્ત્વની માહિતી પૂરી પાડવાનો ઇનકાર અમારા આદેશનો ભંગ છે. બે અલગ-અલગ કોર્ટમાં અપીલ હારી ગયા પછી પણ ફેસબુકે અમારા આદેશને માન્ય રાખ્યો ન હતો."
બીજી તરફ ફેસબુકનું કહેવું છે કે, તે આ નિર્ણયની સમીક્ષા કરશે અને તેની સામે અપીલના વિકલ્પો પર વિચારણા કરશે.
નેપાળ-ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં થયેલા મોતનો આંકડો 100થી વધુ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા પૂરને પગલે વધુ છ લોકોનાં મૃતદેહો મળી આવતા કુલ મૃત્યુઆંક 50ને વટાવી ગયો છે. જ્યારે બીજી તરફ નેપાળમાં પણ પૂરને લીધે 50થી વધુ મોત થયાં છે. આમ ભારત-નેપાળ સરહદે કુલ 100થી વધુ લોકોએ પૂર અને ભૂસ્ખલનમાં જીવ ગુમાવ્યો છે.
નેપાળ અને ઉત્તરાખંડમાં ભેખડો ધસી પડવાથી ઘરો તૂટી ગયા છે તથા કેટલાક ઘરો પાણીમાં ડૂબી ગયા છે.
ઉત્તરાખંડમાં 50 જેટલા લોકોનાં મોત થયા છે. જેમાં એક જ પરિવારના 5 લોકો પણ સામેલ છે. બીજી તરફ નેપાળમાં પણ આટલી સંખ્યામાં જ મોત થયા છે. જોકે હજુ કેટલાક લોકો લાપતા છે.
ભારતના દક્ષિણી રાજ્ય કેરળમાં પણ ભારે વરસાદથી સર્જાયેલા પૂરના લીધે કુલ 39 લોકોનાં મોત થયા છે.
ઉત્તરાખંડમાં સ્કૂલ, પ્રવાસન, ધાર્મિક સ્થળો બધું જ બંધ કરી દેવાયું છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે વરસાદ હળવો થઈ રહ્યો છે.
નિકાહ સમજૂતી છે, હિંદુ લગ્નની જેમ સંસ્કાર નથી - કર્ણાટક હાઈકોર્ટ
કર્ણાટક હાઈકોર્ટે એક અવલોકનમાં નોંધ્યું કે, "ઇસ્લામમાં નિકાહ એક પ્રકારની સમજૂતી છે જેના અનેક અર્થ છે, તે હિંદુ લગ્નની જેમ કોઈ સંસ્કાર નથી."
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર કોર્ટે કહ્યુ, "નિકાહ તૂટી જવાથી પેદા થતા કર્તવ્ય અને જવાબદારીમાંથી છટકી શકાય નહીં કે પીછેહઠ કરી શકાય નહીં."
કેસ એવો છે કે એક વ્યક્તિના નિકાહ 1990ના વર્ષમાં થયા હતા પરંતુ નિકાહના થોડા મહિનાઓ બાદ જ તેમણે તલાક બોલીને તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને તેની મહેરની 5000 રૂપિયાની રોકડ રકમ પણ પરત કરી હતી.
પણ પત્નીએ 24 ઑગસ્ટ-2002ના રોજ ભરણપોષણ માટે દિવાની કોર્ટમાં પતિ સામે કેસ કર્યો હતો. ફૅમિલી કોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપતા આદેશ કર્યો હતો કે, અરજદારનાં તલાક થયાં તે તારીખથી તેમનાં મૃત્યુપર્યંત અથવા તો ફરી નિકાહ કરે ત્યાં સુધી પતિએ દર મહિને પત્નીને ભરણપોષણ પેટે 3000 રૂપિયા આપવાના રહેશે.
ફૅમિલી કોર્ટના જજ કૃષ્ણા. એસ. દીક્ષિતે પતિને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવા સાથે તેની અરજીને પણ ફગાવી દીધી હતી. પતિએ ફૅમિલી કોર્ટના આ હુકમને રદ કરાવવા હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને એ મામલે કર્ણાટક હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો