You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાંધીજયંતી પર હિન્દુ મહાસભાએ ગોડસેની પ્રતિમાને માળા પહેરાવી - BBC TOP NEWS
મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં શનિવારે હિન્દુ મહાસભા દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેની પ્રતિમાને માળા પહેરાવાઈ હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગાંધીની 152મી જયંતી પર આયોજિત કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતા આ દક્ષિણપંથી સંગઠનના એક નેતાએ પણ તેમને વિભાજન માટે જવાબદાર ગણાવ્યા હતા.
હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજે કહ્યું કે "અમારે ગાંધી સાથે કોઈ લેવાદેવા નથી, ગાંધી અને મોહમ્મદઅલી ઝીણા દેશના વિભાજન માટે જવાબદાર હતા. વિભાજનને કારણે સૌથી મોટો નરસંહાર થયો અને 10 લાખથી વધુ હિન્દુઓ માર્યા ગયા અને 50 લાખ વિસ્થાપિત થયા. આથી નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેએ ગાંધી અને ઝીણાને મારવાનો સંકલ્પ લીધો હતો."
કાર્યક્રમમાં ગોડસે અને આપ્ટેની તસવીરને માળા અર્પણ કરાઈ હતી અને કેટલાક કાર્યકરોએ "પંડિત નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટે અમર રહો"ના નારા પોકાર્યા હતા.
આ વર્ષે જાન્યુઆરીમાં મહાસભાએ અહીં પોતાના કાર્યાલયમાં ગોડસે પર એક અધ્યયનકેન્દ્ર ખોલ્યું હતું, પણ બે દિવસ બાદ જિલ્લા પ્રશાસનના હસ્તક્ષેપ બાદ તેને બંધ કરી દીધું હતું.
વર્ષ 2017માં મહાસભાએ કાર્યાલયમાં ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી હતી, પણ જિલ્લા પ્રશાસને જપ્ત કરી લીધી હતી.
'ગોડસે ઝિંદાબાદ' ટ્વીટ કરનારા દેશને શરમાવે છે : વરુણ ગાંધી
ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ ગાંધીએ શનિવારે ગાંધીજયંતીએ રાષ્ટ્રપિતા ગાંધીજીને અંજલિ અર્પી હતી.
ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસેને ટ્વિટર પર બિરદાવનારા લોકોને પણ તેમણે જવાબ આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ટ્વીટમાં આધ્યાત્મ અને મૂલ્યો સંદર્ભે ગાંધીજીના યોગદાનની વાત કરી હતી.
સાથે જ તેમણે લખ્યું કે, "જે લોકો ગોડસે ઝિંદાબાદનાં ટ્વીટ કરે છે તેઓ દેશને શરમાવે છે."
આ દવાથી કોરોનામાં મૃત્યુનું જોખમ ઘટી શકે છે
કોરોનાની ટૅબ્લેટની વચગાળાની ક્લિનિકલ ટ્રાયલમાં બહાર આવ્યું છે કે હૉસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું જોખમ ઘટી જાય છે.
મોલ્નુપિરાવિર ટૅબ્લેટ કોરોના સંક્રમિત દરદીઓને દિવસમાં બે વખત આપવામાં આવી હતી.
યુએસની દવા બનાવતી કંપની મર્કનું કહેવું છે કે પરિણામ ખૂબ જ હકારાત્મક આવ્યું છે.
આગામી બે અઠવાડિયાં દરમિયાન યુએસમાં તેના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી મળે એ માટે પરવાનગીની પ્રક્રિયા હાથ ધરાશે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના મુખ્ય આરોગ્ય સલાહકાર ડૉ. ઍન્થની ફાઉચીનું કહેવું છે કે, "આ ખૂબ સારા સમાચાર છે."
સાથે જ તેમણે અરજ કરી છે કે યુએસ ફુડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન ડેટાનો અભ્યાસ ન કરે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.
જો આ દવાને મંજૂરી મળી જશે તો મોલ્નુપિરાવિર કોવિડ 19 સામે રક્ષણ આપતી પહેલી ટૅબ્લેટ હશે.
કપિલ સિબ્બલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું
કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલ શનિવારે ગાંધીજયંતીએ અમદાવાદ આવ્યા છે.
ગાંધીજયંતી નિમિત્તે વાત કરતાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે સિબ્બલે કહ્યું કે, "ગુજરાતના જે નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે, કદાચ તેઓ ગાંધીજી વિશે ઓછું જાણે છે."
"તેઓ હંમેશાં કહેતા આવ્યા છે કે માત્ર ઇશ્વર છે અને ઇશ્વર જ સત્ય છે."
તેઓ કહે છે કે, "હું મોદીજીને પૂછવા માગું છું કે સત્ય શું છે? તેમના શબ્દો જૂઠા છે અને કામ પણ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો