You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'બજારમાં નોકરી નથી, જો અમને છૂટા કરાશે તો પાયમાલ થઈ જશું,' ફૉર્ડ પ્લાન્ટના કર્મચારીઓ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમદાવાદ પાસે આવેલા સાણંદ ખાતે ફૉર્ડ કંપનીનો પ્લાન્ટ હવે બંધ થવાનો છે.
કંપનીની આ જાહેરાત બાદ કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં નિરાશા સાથે રોષ પણ વ્યાપી રહ્યો છે.
ફૉર્ડ ઇન્ડિયાએ જાહેરાત કરી હતી કે તેઓ હવે ભારતમાં કારનું ઉત્પાદન નહીં કરે.
કામદારોનું કહેવું છે કે આ વર્ષના અંતમાં પ્લાન્ટ બંધ થવાથી તેઓ આજીવિકા ગુમાવી દેશે.
કર્મચારીઓના કહેવા પ્રમાણે જો કંપનીનો પ્લાન્ટ બંધ થશે તો હજારો લોકોની આજીવિકા પર અસર થશે.
'અમને છૂટા ન કરો, નોકરી ચાલુ રાખો'
બીબીસીના સંવાદદાતા તેજસ વૈદ્યે સાણંદમાં ચાલતા આ પ્લાન્ટના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેમની સમસ્યા જાણવાની કોશિશ કરી હતી.
કર્મચારીઓએ બીબીસીના ફેસબુક લાઇવમાં જણાવ્યું કે કંપનીએ તેમને નોકરીના બદલામાં કોઈ અન્ય જગ્યાએ નોકરી આપવી જોઈએ.
કંપનીમાં કામ કરતાં પ્રદીપ પ્રજાપતિ કહે છે, "અમને એ માહિતી નથી કે કંપની હવે આગળ શું કરવાની છે. જો કોઈ બીજી કંપની આવે તો અમને નોકરીની સામે નોકરી આપે એવી અમે માગ પણ કરી છે, પરંતુ હજુ સુધી અમને તેનો કોઈ જવાબ મળ્યો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંપનીમાં કામ કરતાં લોકોનું કહેવું છે કે તેમણે આ અંગે સરકારને પણ અરજી કરી છે અને નોકરી બચાવવા માટે માગ કરી છે.
અંકુર નામના એક કર્મચારીએ કહ્યું કે "ઑટો મોબાઇલમાં હાલના સમયમાં કોરોનાને લીધે ક્રાઇસિસ ચાલે છે, એવા સમયે કંપનીએ અમને રાખવા જોઈએ, પણ કંપની અમને છોડી રહી છે."
"અમારી વિનંતી છે કે કંપની અમને આવી પરિસ્થિતિમાં છૂટા ન કરે અને અમારી નોકરી ચાલુ રાખે."
અમારા ભવિષ્યનું શું?
છેલ્લાં દસ વર્ષથી થતા નુકસાનને કંપનીએ પ્લાન્ટ બંધ કરવા માટેનું કારણ આગળ ધર્યું છે એવું કંપનીમાં કામ કરતા લોકોનું કહેવું છે.
કર્મચારીઓનું કહેવું છે કે "કંપની બંધ થવાથી અંદાજે બે હજાર લોકો નોકરી ગુમાવી દેશે અને કંપની સાથે સંકળાયેલા અંદાજે પચાસ હજાર લોકોની રોજગારી પર અસર થશે."
એક કર્મચારી કહે છે, "નવ સપ્ટેમ્બરે અમને જાણ કરવામાં આવી કે ડિસેમ્બર મહિના સુધી જ કંપનીનો પ્લાન્ટ ચાલુ રહેવાનો છે અને પછી નોકરી નહીં હોય. અત્યારે અમને નોકરી નહીં મળે તો બહાર અન્ય જગ્યાએ પણ કોઈ નોકરી નથી."
850 કર્મચારીઓના સંઘ, કર્ણાવતી કામદાર એકતા સંઘના પ્રતિનિધિ અનિલસિંહ ઝાલાએ કહ્યું કે, "વર્કર યુનિયને રાજ્ય સરકારના શ્રમ વિભાગ સાથે સંપર્ક પણ કર્યો છે."
તેઓ કહે છે કે, "પાંચ વર્ષ કરતાં વધુ સમય સુધી કામ કર્યા પછી અમને કહેવામાં આવી રહ્યું છે કે અમે અમારી નોકરી ગુમાવવી રહ્યા છીએ. અમારા ભવિષ્યનું શું થશે?"
કર્મચારીઓનું કહેવું છે કે તેમને તેમની પૂરેપૂરી ક્ષમતા રજૂ કરવાનો મોકો કંપનીએ આપ્યો નથી. "અમે વારંવાર મૉડલ નવું લાવવા માટે, અપગ્રેડ કરવા માટે વાત કરી હતી."
કર્મચારીઓને ચિંતા છે કે હાલમાં માર્કેટમાં કોઈ નોકરીઓ નથી, કંપનીઓ ફ્રેશર લોકોને રાખે છે, અનુભવી કર્મચારીઓને નોકરી મળતી નથી, "આથી અમારી નોકરી જવાથી અમારો પરિવાર પાયમાલ થઈ જશે."
ફૉર્ડ ભારતમાં પ્લાન્ટ બંધ કેમ કરી રહી છે?
ફૉર્ડ ઇન્ડિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, "કંપની આ વર્ષના ચોથા ક્વાર્ટરમાં તેના સાણંદ પ્લાન્ટ અને 2022માં તેના ચેન્નાઈ પ્લાન્ટમાં વાહનઉત્પાદન અને એન્જિનિયરિંગ બંધ કરી દેશે."
જોકે, તે ભારતમાં આયાત દ્વારા કાર વેચવાનું ચાલુ રાખશે. ઉપરાંત ફૉર્ડ હાલના ગ્રાહકોને સેવા આપવા માટે ડીલરોને સતત ટેકો પણ આપશે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે માત્ર 25 વર્ષની કામગીરી પછી ફૉર્ડે ભારતમાં કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેની પ્રતિસ્પર્ધી ટોયોટા 1997થી ભારતમાં છે અને સ્કોડા 2001માં ભારતમાં આવી હતી.
કંપનીએ 2 અબજ ડૉલર એટલે કે લગભગ 14,600 કરોડ રૂપિયાથી વધુનું ઑપરેટિંગ નુકસાન નોંધાવ્યું હતું અને તેનાં વાહનોની માગ ઓછી હતી.
ફૉર્ડ ઇન્ડિયાના હેડ અનુરાગ મેહરોત્રાના જણાવ્યા મુજબ, લાંબાગાળાની નફાકારકતા તરફ આગળ વધવા માટે તેઓ એક ટકાઉ માર્ગ શોધી શક્યા નથી.
2019માં મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા સાથેના જોઇન્ટ વેન્ચરને કોવિડ મહામારીને ધ્યાને રાખીને રદ કરતા ફૉર્ડ માટે બાબતો વધુ ખરાબ બની હતી.
ભારતમાં ફૉર્ડ વાહનો વિકસાવવા, માર્કેટિંગ અને વિતરણ કરવાનો અને ફૉર્ડ તથા મહેન્દ્રાનાં કેટલાંક ઉત્પાદનોને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા આંતરરાષ્ટ્રીય બજારોમાં વિતરણ કરવાનો જોઇન્ટ વેન્ચરનો ઉદ્દેશ હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો