ગુજરાત : હૅર ટ્રાન્સપ્લાન્ટથી માણસનું મૃત્યુ થઈ શકે? સર્જરી કેટલી જોખમી?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

“ઘરવાળાએ હૅર ટ્રાન્સપ્લાન્ટ ન કરાવવા સલાહ આપી હતી, પણ તે માન્યો નહીં અને ઑપરેશન કરાવ્યું. પછી મોત થઈ ગયું.”

મહેસાણાના 31 વર્ષીય અરવિંદ ચૌધરીના પિતરાઈ ભાઈ સચીન ચૌધરીના આ શબ્દો છે. અરવિંદ ચૌધરીનું તાજેતરમાં મૃત્યુ થઈ ગયું છે. અને પરિવારના કેટલાકનું માનવું છે કે તેમણે હૅર ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન કરાવ્યું પછી આવું થયું છે.

પરિવાર અનુસાર ઑપરેશન મામલેની બેદરકારીને કારણે આવું થયું હતું.

જોકે બીજી તરફ મહેસાણા બી ડિવિઝન પોલીસના જણાવ્યા અનુસાર, “આ ઘટના મામલે એડી (એક્સીડેન્ટલ ડેથ યાને કે આકસ્મિક મૃત્યુ)નો કેસ દાખલ કરાયો છે. અને પોસ્ટમૉર્ટમ કરી વિસેરા એફએસએલને મોકલી દેવાયા છે. હવે એફએસએલ તેનો રિપોર્ટ મોકલશે ત્યાર પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ તેની એક આકસ્મિક મૃત્યુ તરીકે નોંધ લેવાઈ છે.”

મહેસાણા બી ડિવિઝનના પીએસઆઈ બી. કે. ભુનાતર આ કેસની તપાસ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, “એડી દાખલ કરી છે એટલે હવે આગળનો મદાર એફએસએલના પુરાવા પર છે. તેના આધારે જાણવા મળશે કે શું થયું હતું.”

વ્યક્તિએ હૅર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને પછી તેનું મૃત્યુ થતા પરિવારજનોએ તબીબી બેદરકારી અને ટ્રાન્સપ્લાન્ટ મામલે સવાલ-શંકા સર્જતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જેને પગલે પોલીસે વિસેરાને એફએસએલને મોકલવા પડ્યા છે.

ઓછી ઉંમરે વાળની સમસ્યા અને લગ્નની ચિંતા

મૃતક અરવિંદ ચૌધરી મહેસાણાના વિસનગર તાલુકાના ખોડાસણ ગામમાં રહેતા હતા. અને તેઓ એક વાંચનાલય ચલાવતા હતા.

તેમણે 15મી સપ્ટેમ્બરના રોજ એક મહેસાણામાં જેલ રોડ પરની એક ક્લિનિકમાં હૅર ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન કરાવ્યું હતું.

મૃતક અરવિંદ ચૌધરીના ભાઈ સચીને બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, “ભાઈને એમ હતું કે હું યુવાન છું, ઉંમર ઓછી છે પણ આ વાળની સમસ્યા છે એટલે લગ્નમાં પરેશાની આવી શકે છે. એટલે પછી તેણે ઘરવાળાએ ના કહ્યું છતાં આખરે ઑપરેશન કરાવ્યું.”

તેમણે વધુમાં ઉમેર્યું, “ઑપરેશનના એકાદ દિવસ બાદ તેમની તબિયત ખરાબ થઈ. એટલે પછી હૉસ્પિટલ ગયા. ત્યાં ડૉક્ટરે દાખલ કર્યાં. ડૉક્ટરે કહ્યું કોઈ ઝેરી જીવજંતુ કરડી જવાથી સંક્રમણ થયું હશે. પણ તેમનું માથું મોટું થઈ ગયું હતું અને બધે ગળામાં કાળાશ આવવા લાગી હતી.”

“પછી આઈસીયુમાં દાખલ કર્યાં. અને બીજે દિવસે સવારે તો ગુજરી ગયા.”

પરિવારના કેટલાક સભ્યો માને છે કે આ ઑપરેશનના લીધે કંઈક થયું હતું. જોકે તેઓ હાલ એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે મૃતદેહ પેનલ પોસ્ટમૉર્ટમ માટે મહેસાણા સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યો હતો જ્યાંથી તેને વિસેરા એફએસએલને મોકલી દેવાયા હતા.

દરમિયાન આ મામલે હૉસ્પિટલ(હૅર ટ્રાન્સપ્લાન્ટ કરનાર તબીબ) સાથે વાત નથી થઈ શકી પરંતુ પોલીસે તબીબનું નિવેદન નોંધ્યું હતું. અને પછી સમગ્ર બાબતોને ધ્યાને લીધા બાદ વિસેરા એફએસએલને મોકલવામાં આવ્યા છે.

આ ઘટના પરથી એક સવાલ એ સર્જાય છે કે શું કૉસ્મેટિક હેતુથી કરાવવામાં આવતી સર્જરી જોખમી હોય છે? તેને કરાવતા પહેલા કઈ બાબતો ધ્યાનમાં રાખવા જોઈએ?

કૉસ્મેટિક સર્જરીમાં જોખમ અને સાવચેતી

કૉસ્મેટિક સર્જરીમાં જોખમ અને સાવધાની બાબતે આ અંગે બીબીસીએ સુરતની પિક્સી ફોરેન્સિક ઍન્ડ મેડિકોલીગલ કન્સલ્ટન્સીના વડા ડૉ. વિનેશ શાહ સાથે વાતચીત કરી.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “જ્યાં સુધી ઉપરોક્ત કેસની વાત છે, તો તેમાં એફએસએલના રિપોર્ટ પર બધો મદાર છે. તેમાં શું આવે છે તે જોવું પડે.”

તેઓ ઑપરેશન મામલે જરૂરી બાબતો વિશે જણાવતા કહે છે, “કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સર્જરી કે ઑપરેશન કરાવતા પહેલાં તેનાથી થનાર ફાયદા અને ગેરફાયદા વિશે ડૉક્ટર સાથે વાતચીત કરવી જોઈએ. આ જાણવાનો તેને અધિકાર છે.”

તેઓ કહે છે “વળી ઑપરેશન પહેલાં, ઑપરેશન દરમિયાન અને ઑપરેશન પછી રાખવાની કાળજી બાબતે પણ તબીબ સાથે પહેલેથી જ ચર્ચા કરી લેવી જોઈએ. વળી જો સારવાર કે ઑપરેશન દરમિયાન કોઈ જટિલ સમસ્યા પેદા થાય તો શું થઈ શકે તે મામલે પણ વાત કરવી જોઈએ. કેમ કે એવું જરૂરી નથી કે તબીબની બેરદરકારીથી જ ઘટના બને. ઘણી વાર સમસ્યા જ એવી ઉદભવતી હોવાથી મૃત્યુ થતું હોય છે.”

ડૉ. વિનેશ શાહ આવી સર્જરીમાં તબીબની ગુણવત્તા વિશે પણ ધ્યાન દોરે છે અને કહે છે કે વ્યક્તિએ તબીબની ડિગ્રી, જે તે ક્ષેત્રમાં તેની નિપુણતા, હૉસ્પિટલનો ટ્રૅક રેકર્ડ, મેડિકલ મામલેના દસ્તાવેજોની તમામ સમજણ બાદ આવી સર્જરી માટે આગળ વધવું જોઈએ અને એ પછી ઑપરેશન માટેના સંમતિપત્રકનું કાળજીપૂર્વક વાંચીને તેના પર સહી કરવી જોઈએ.

જો તબીબી બેદરકારી સામે આવે તો શું થઈ શકે એ વિશે જણાવતા ડૉ. વિનેશ શાહ કહે છે, “જો રિપોર્ટમાં જણાય કે મૃત્યુનું કારણ સર્જરી છે અથવા બેદરકારી છે તો પછી પોલીસ કાર્યવાહી કરી શકે છે. બાદમાં જિલ્લાની હૉસ્પિટલના વડાને જણાવવામાં આવતા તેઓ એક મેડિકલ બોર્ડ નીમે છે. તેઓ પછી તબીબનું નિવેદન લઈને તકનીકી પાસાઓ પર એક રિપોર્ટ તૈયાર કરે છે.”

“બાદમાં કોર્ટમાં પણ વધુ કાર્યવાહી આગળ વધે છે. જેમાં મેડિકલ બોર્ડ તેનો રિપોર્ટ સુપરત કરે છે. તથા સામે પક્ષે તબીબ પણ પોતાનો બચાવપક્ષ ત્યાં રજૂ કરી શકે છે.”

પોલીસે એફઆઈઆર નહીં પણ એ.ડી કેમ દાખલ કરી?

મહેસાણા પોલીસે અરવિંદ ચૌધરીના કેસમાં એ.ડી દાખલ કરી છે. એફઆઈઆર નહીં. એ.ડી એટલે કે કોઈ પણ અકસ્માતને પગલે થયેલ મૃત્યુની નોંધ.

આ વિશે વધુ જાણકારી માટે બીબીસીએ ગુજરાતના ભૂતપૂર્વ આઈજીપી (ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ) રમેશ સવાણી સાથે વાતચીત કરી.

તેઓ વડોદરા પોલીસ ટ્રેનિક અકાદમીના પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું, “પૂર હોનારત કે અન્ય અકસ્માતની ઘટનામાં મૃત્યુ થાય એટલે તેની નોંધ તો રાખવી પડે. એટલે તેની એડી દાખલ થાય છે.”

“એફઆઈઆર અને તેમાં એટલો તફાવત છે કે જો ફોરેન્સિક રિપોર્ટમાં બહાર આવે કે મૃત્યુનું કારણ જે દેખાયું તે નહોતું, તો પછી પોલીસ હત્યાની ફરિયાદ દાખલ કરે છે.”

“ઉદાહરણ તરીકે રાજકોટમાં તાજેતરમાં વરસાદી પૂરના લીધે વાહનચાલક ગાડી સાથે તણાઈ ગયો. એટલે પ્રાથમિક દૃષ્ટિએ તે અકસ્માતના લીધે થયેલું મૃત્યુ જણાય છે. એટલે તેની નોંધ એડી તરીકે થાય.”

“પણ ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા ઘરમાં સળગીને મૃત્યુ પામી હોય અને પોલીસ ત્યાં જાય તપાસ કરે અને પ્રાથમિક તારણમાં એવું લાગે કે પ્રાઇમસ કે સિલિન્ડર બ્લાસ્ટના લીધે મોત થઈ છે. તે એડી દાખલ કરે અને સાક્ષીઓના નિવેદન લેતી હોય છે.”

“પરંતુ પછી જો પરિવાર હત્યાની શંકા વ્યક્ત કરે અને પોલીસ ફોરેન્સિકની મદદ લે અને તેમાં એવું જોવા મળે કે મહિલાનું મોત તો સળગતા પહેલાં જ થઈ ચૂક્યું હતું. તેને માત્ર એક દુર્ઘટના દર્શાવવા બ્લાસ્ટ થયો હોય એવી શક્યતા છે. તો પછી પોલીસ આ કેસમાં હત્યાનો કેસ દાખલ કરી આગળ તપાસ કરી શકે છે.”

રમેશ સવાણી જણાવે છે કે કોઈ પણ કેસમાં તપાસ અધિકારી પર યોગ્ય તપાસ કરવાની જવાબદારી હોય છે. અને તપાસ મામલે ફોરેન્સિક વિભાગ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવતો હોય છે.

જ્યારે ભૂતકાળમાં મુંબઈમાં પણ આવો કિસ્સો બન્યો....

વર્ષ 2019માં મુંબઈમાં પણ આવો જ એક કિસ્સો બન્યો હોવાનું એક અહેવાલમાં જાણવા મળે છે. જેમાં હૅર ટ્રાન્સપ્લાન્ટ બાદ વ્યક્તિનું 28 કલાક પછી મૃત્યુ થઈ ગયું હતું.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર ચાંદીવલીની શ્રવણકુમાર ચૌધરી નામની વ્યક્તિનું કથિતરૂપે હૅર ટ્રાન્સપ્લાન્ટના કેટલાક કલાકો બાદ મૃત્યુ થયું હતું.

અહેવાલમાં કહેવાયું છે કે પરિવારનો આરોપ હતો કે, તેમને ગળામાં દુખાવા બાદ ગભરામણ થઈ હતી અને પછી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના પોસ્ટમૉર્ટમના પ્રાથમિક રિપોર્ટ અનુસાર તેમને ઍલર્જીના રિએક્શનને કારણે આવું થયું હતું.

(આ અહેવાલ સૌપ્રથમ 22 સપ્ટેમ્બર 2021માં પ્રકાશિત થયો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો