સોનલ શુક્લ : એક ઠરેલ છતાં માથાનાં ફરેલ પ્રેમાળ ઘડવૈયાની વિદાય
- લેેખક, હેતલ દેસાઈ
- પદ, મુંબઈથી, બીબીસી ગુજરાતી માટે
1990ના દાયકામાં ગુજરાતી પત્રકારત્વમાં હું સક્રિય બની ત્યારે એક એવો વણલખ્યો નિયમ હતો કે સ્ત્રીઓ વિશે કે ફૅમિનિઝમ વિશે કોઈ પણ સ્ટોરી કરવાની હોય ત્યારે સોનલબહેનના વ્યૂઝ, ક્વૉટ તો લેવાનાં જ હોય.
આવી જ રીતે એક સ્ટોરી માટે હું તેમને પહેલી વાર મળવા ગઈ ત્યારે એમના વિશે મારી પાસે ઝાઝી માહિતી તો નહોતી, પણ એટલો ખ્યાલ હતો કે તેઓ એક વિદૂષી નારી અને ફાયરબ્રાન્ડ ફૅમિનિસ્ટ છે.

ઇમેજ સ્રોત, Sheela Bhatt/FB
હું એમના ઘરે પહોંચી અને ઇન્ટરવ્યૂ શરૂ કરું તે પહેલાં જ સોનલબહેન એ દિવસે કરેલી શૉપિંગનો પટારો મારી સામે ખોલીને બેસી ગયાં.
એમણે ખરીદેલી ખૂબસૂરત હેન્ડલુમની તમામ સાડીઓ એક પછી એક દેખાડીને એની ખાસિયત વર્ણવવાં માંડ્યા અને ત્યાર પછી તો કલાકો સુધી અમે ગામગપાટા હાંક્યા.
મારે ઇન્ટરવ્યૂમાં એમને જે પૂછવાનું હતું એ તો કદાચ 10 મિનિટમાં જ પતી ગયું, પણ અમારી વાતો ત્યારે પણ ન ખૂટી અને પછી છેક 28 વર્ષ સુધી જિવંત રહેલી અમારી મિત્રતામાં વાતોનો સિલસિલો હંમેશાં ઝરણાંની જેમ સ્ફૂર્તિપૂર્વક વહેતો રહ્યો.
સોનલબહેનની મને સૌથી વધુ ગમતી ખાસિયત એ હતી કે તેમની વિદ્વત્તાનો ભાર તેઓ પોતે પણ ન અનુભવતાં અને સામેની વ્યક્તિને પણ તેનો ભાર ક્યારેય ન લાગતો.
મને પ્યારી એવી તેમની બીજી ખાસિયત એ હતી કે ઉંમરમાં પોતાનાથી 25-30-40 વર્ષ નાના હોય એવા લોકો સાથે પણ સોનલબહેન એકદમ સહજ રીતે કનેક્ટ કરી શકતાં. અને હા, એમની ત્રીજી ખાસિયત, જે પણ મને ખૂબ પ્રિય હતી, તે હતી તેમનો કૂથલી-રસ. તેઓ કાયમ હસીને કહેતાં: ગૉસિપ કિપ્સ મી યંગ (કૂથલી મને જુવાન રાખે છે).
એમને મળવું એટલે સમૃદ્ધ થવું. એમની પાસેથી મેં જે જ્ઞાન-સમજ-ઘડતર મેળવ્યાં છે તેનો હિસાબ થઈ શકે તેમ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ ઠરેલ છતાં માથાનાં ફરેલ, ખૂબ વાંચેલ, ખૂબ સક્રિય એવા સોનલ શુક્લ કચડાયેલી સ્ત્રીઓને મદદ મળે તે માટે ઘણું લડ્યાં.

ઇમેજ સ્રોત, Sheela Bhatt/FB
સંદર્ભોનો તેઓ ખજાનો અને તેમના જેવી તીક્ષ્ણ યાદશક્તિ બીજા કોઈ પાસે મેં જોઈ નથી. વિશ્વપ્રવાસી પણ ખરાં.
એમની એક્સ-રે જેવી નજર સમાજને આરપાર જોઈ શકતી. અસલી સજ્જતા અને જ્ઞાન-સમૃદ્ધિ કોને કહેવાય તેનો નગીનદાસ સંઘવી જેવો જૂની પેઢીનો એક મજબૂત દાખલો એટલે સોનલબહેન. પોતે જે વિષય હાથમાં લે તેનો તલસ્પર્શી અભ્યાસ કરવાની તેમની વૃત્તિ અને ખંત નવી પેઢીને નવાઈ પમાડે તેવાં હતાં.
સાથોસાથ એ હળવાફૂલ પણ એટલાં કે કોઈ પુરુષની વાત નીકળે તો સપાટ ચહેરે બોલે: 'એ તો મને લાઈન મારતો હતો.'
તેમના ઘરે જબરી મહેફિલો જામે. સંગીત, ઇતિહાસ, સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્રમાં તેમનાં રસ અને સમજ ભારે ઊંડાં. તોફાન-મસ્તી-ટીખળ ખૂબ કરે. ખૂબ પ્રેમાળ. મિત્રોને ખૂબ સંભાળે, લાડ લડાવે.
એમના ઘરે જવા માટે ક્યારેય સંકોચ ન થાય, એપોઈન્ટમેન્ટ લઈને જ જવું પડે એવો ભાર ન અનુભવાય.
એટલે જ તો દીપક મારો નવોસવો અને સીધોસાદો મિત્ર હતો ત્યારે એક વાર પાર્લામાં તેની સાથે ફરતી વખતે અચાનક 'ચાલ, એક સરસ વ્યક્તિ સાથે તારી મુલાકાત કરાવું' એમ કહીને હું તેને સોનલબહેનને ત્યાં લઈ ગઈ.
અમે તો થોડી જ વાર માટે ગયેલાં, પણ છેવટે જમીને જ નીકળ્યાં. શાર્પ સોનલબહેને એ તો માપી જ લીધું કે દીપક ભોજનના મામલે કશું ફૅન્સી પસંદ નહીં કરે એટલે એમણે અમારાં માટે ખીચડી-કઢી બનાવ્યાં. પણ આથી પણ વધુ મોટું અને મહત્ત્વનું એવું એમનું શાર્પ ઑબ્ઝર્વેશન એ હતું કે 'આ બેય પરણી જવાનાં.'
આ વાતની તેમને ખબર પડી ગયેલી ત્યારે હજુ અમને બન્નેને પણ આવી ખબર નહોતી. પણ છેવટે સોનલબહેનનું જજમૅન્ટ સાચું ઠર્યું અને અમે પરણી ગયાં.
પરણીને અંધેરીમાં રહેવાં આવ્યાં એટલે બાજુના જ પરા પાર્લામાં રહેતાં સોનલબહેન સાથેનો અમારો નાતો વધુ ગાઢ બન્યો. આજીવન પાર્લાવાસી અને પાર્લાપ્રેમી એવાં સોનલબહેનની વિદાય બાદ પાર્લા-વેસ્ટ હવે અમને અગાઉ જેવું ક્યારેય નહીં લાગે.
સોનલ શુક્લને માણસ એક વાર મળ્યા પછી ક્યારેય ન ભૂલી શકે. એમનો ધીમો છતાં વજનદાર અવાજ, એમનો ચમકતો ચહેરો, એમની વિદ્વત્તા, એમની ઍસ્થેટીક સેન્સ, એમની હળવાશ વગેરે મળીને એમના વ્યક્તિત્વને શાનદાર અને યાદગાર બનાવતાં.
બહુ યાદ આવશે સોનલબહેન, તેમનો મિજાજ, તેમની અણીદાર રમૂજવૃત્તિ, તેમની મહેફિલો, તેમની સમૃદ્ધ ગૉસિપ, તેમનો સ્કૂર્તિલો જીવનરસ, તેમનું જ્ઞાન, તેમણે આપેલી સમજ. પ્રેમાળ ઘડવૈયાને વંદન.

સોનલબહેનનાં કાર્યો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નારીવાદી ચળવળમાં સોનલબહેન કેટલાય દાયકા સુધી સક્રિય રહ્યાં.
શાળાના અભ્યાસ દરમિયાન જ સોનલબહેન મહાત્મા ગાંધીના બુનિયાદી શિક્ષણની કાર્યપદ્ધતિના પરિચયમાં આવ્યાં અને દલિતો માટે કામ કરવાની એમણે શરૂઆત કરી.
સોનલબહેને ક્યારેક સફાઈકામદારો સંલગ્ન પ્રોજેક્ટના ઇન્ચાર્જ તરીકે કામ કર્યું તો ક્યારેક સમાજના સૌથી નીચલા વર્ગ, મંબઈના મૂળ વસાહતી ગણાતા માછીમારોને સંલગ્ન પ્રોજેક્ટની દેખરેખ કરી.
એમણે ફૅમિનિઝમનું સૂત્ર જીવનમા ઊતાર્યું હતું, 'ધ પર્સનલ ઇઝ પોલિટિકલ'
મુંબઈના પ્રથમ સ્વાયત્ત ફૅમિનિસ્ટ ગ્રૂપ 'ફોરમ અગેઇન્ટ રૅપ'નાં સ્થાપકોમાં સોનલબહેન એક હતાં અને મહિલાઓને મદદ કરવા માટે વર્ષો સુધી પોતાના ઘરને 'સહાયકેન્દ્ર' બનાવી દીધું હતું. આ ફોરમ હવે 'ફોરમ અગેઇન્સ્ટ ઑપ્રેશન ઑફ વિમેન' તરીકે ઓળખાય છે.
મહિલાઓ માટે કામ કરનારાઓની મદદ માટે જ 'વાચા ચૅરિટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરવામાં આવી હતી અને સોનલબહેન એમનાં સંસ્થાપક ટ્રસ્ટી હતાં
20 સદીની મહિલા ક્રાંતિકારીઓનાં જીવનનું તેમણે દસ્તાવેજીકરણ કર્યું હતું. જર્મનીસ્થિત લોકશાહી અને સામાજિક ન્યાય તરફી સંસ્થા 'ફ્રૅડરિક ઍબર્ટ સ્ટીફટંગ'એ સોનલબહેનને આ જ વર્ષે 'ફૅમિનિસ્ટ આઇકન ઇન ઇન્ડિયા' ગણાવ્યાં હતાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













