You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PF ખાતા પર મોદી સરકાર દ્વારા લદાઈ રહેલા ટૅક્સની તમારે કેટલી ચિંતા કરવી જોઈએ?
- લેેખક, આલોક જોશી
- પદ, વરિષ્ઠ આર્થિક પત્રકાર, બીબીસી હિંદી માટે
તમારાં ભવિષ્યનિધિ કે પ્રૉવિડન્ટ ફંડ પર ટૅક્સ લાગવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પાછલા બજેટમાં એલાન કર્યું હતું કે પ્રૉવિડન્ટ ફંડના ખાતામાં વાર્ષિક અઢી લાખ કરતાં વધુ રકમ જમા થશે તો તેના વ્યાજ પર હવે ટૅક્સ લાગશે.
જોકે બાદમાં આ અંગે સ્પષ્ટતા કરતાં કહેવાયું કે સરકારી કર્મચારીઓ માટે અને જે કર્મચારીઓનાં ખાતાંમાં તેમના નોકરીદાતા તરફથી પૈસા જમા નથી કરાતા તેમને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પર ટૅક્સમાં છૂટ મળશે.
જે દિવસે આ એલાન થયું ત્યારથી જ તે અંગે જાતભાતના પ્રશ્નો ઊઠવા લાગ્યા.
શું-શું પ્રશ્નો હતા?
- સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે આખરે ટૅક્સ કયા હિસાબે લાગશે?
- એક જ PF ખાતામાં કેટલી રકમ પર ટૅક્સ લાગશે અને કેટલી પર નહીં, આ નક્કી કરવાની ફૉર્મ્યુલા કેવી હશે?
- એક વર્ષ સુધી તો સમજી શકાય, પરંતુ તે બાદ આગામી વર્ષથી કઈ રકમ પર કેટલા વ્યાજ સુધી ટૅક્સમાંથી છૂટ મળશે અને કેટલી મર્યાદા બાદ ટૅક્સ લાગશે?
- આમાં સૌથી મોટી શંકા તો છે કે ક્યાંક સરકાર PFની સંપૂર્ણ રકમ પર તો ટૅક્સ વસૂલવાની તૈયારી નથી કરી રહી?
હજુ પણ અંતિમ પ્રશ્નનો જવાબ મળવાનું બાકી છે, પરંતુ કરવિભાગે એટલું તો સ્પષ્ટ કરી દીધું છે કે આ ટૅક્સ કેવી રીત વસૂલવામાં આવશે.
કેવી રીતે વસૂલવામાં આવશે ટૅક્સ?
આ માટે હવે જે લોકોનાં ખાતાંમાં ટૅક્સ માટે નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ રકમ જમા થઈ રહી છે તેમનાં એક જ સ્થાને બે PF ખાતાં હોવાનું જરૂરી રહેશે. એક ખાતું એ જેમાં અત્યાર સુધી કપાત થયેલ રકમ અને વ્યાજની સંપૂર્ણ રકમ હશે. અને જે રકમની કપાત PF તરીકે થશે કે ખાતામાં જે રકમ જમા થશે તેમાંથી ટૅક્સ ફ્રી મર્યાદા સુધીની રકમ જ જમા થતી રહેશે.
આ ખાતામાં જમા થયેલી રકમ કે તેના પર લાગતું વ્યાજ ટૅક્સ ફ્રી હશે. હાલ તો આવું જ જણાવાયું છે. અને જે રકમ આ મર્યાદા કરતાં વધુ હશે તે એક અલગ ખાતામાં જમા કરાશે. આ ખાતામાં જમા થનાર રકમ પર જેટલું પણ વ્યાજ લાગશે તે દર વર્ષે તમારી કમાણીના સ્લૅબના આધારે ટૅક્સને પાત્ર હશે.
આવું કરવા માટે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે સીબીડીટીએ ઇન્કમટૅક્સ નિયમાવલી 1962માં ફેરફાર કર્યા છે અને ત્યાં એક નવો નિયમ 9D જોડી દેવાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નિયમમાં PF ખાતાને બે ટુકડામાં વિભાજિત કે બે અલગ ખાતાં ખોલવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. ટૅક્સવિશેષજ્ઞોનું કહેવું છે કે આ સાથે જ એક ખૂબ મોટી શંકા દૂર થઈ ગઈ છે જે PF પર ટૅક્સ લાગવાના એલાનને કારણે સર્જાઈ હતી.
તેમનું કહેવું છે કે હવે ખાતાધારકો માટે પોતાના ટૅક્સની ગણતરી કરવાનું કામ સહેલું થઈ જશે. કારણ કે ટૅક્સવાળી રકમ એક ખાતામાં અને ટૅક્સ વિનાની રકમ અન્ય એક ખાતામાં રહેશે.
કેટલા લોકો પર પડશે અસર?
દેશમાં હાલ છ કરોડ PF ખાતાં છે. તેથી લાગી રહ્યું છે કે આ નિયમ ખૂબ મોટી સંખ્યામાં લોકો પર અસર કરશે અને સરકારે ઘણા લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે.
પરંતુ સત્ય તો એ છે કે આ પૈકી 93 ટકા લોકો પર આ ફેરફારની કોઈ અસર નથી પડવાની કારણ કે તેમનાં ખાતાંમાં જમા થનારી રકમ આ મર્યાદા કરતાં ઓછી છે અને તેઓ હાલ ટૅક્સની સમસ્યાથી મુક્ત છે.
આ આંકડો પણ બહારથી નથી આવ્યો. પાછલા વર્ષે PF પર ટૅક્સની ઘણી ટીકા થઈ હતી.
જે બાદ ટૅક્સવિભાગના અધિકારીઓએ જ પોતાના બચાવમાં આ આંકડા સામે મૂક્યા હતા. તે જ સમયે એવું પણ કહેવાયું હતું કે વર્ષ 2018-19માં 1.23 લાખ ધનિકોએ પોતાનાં PF ખાતાંમાં 62,500 કરોડ રૂપિયાની રકમ જમા કરાવી હતી.
આટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું કે એક PF ખાતામાં તો 103 કરોડ રૂપિયાની રકમ જમા હતી. આ ખાતું જ દેશનું સૌથી મોટું PF ખાતું હતું. જ્યારે આવાં જ ટૉપ-20 ધનિકોનાં ખાતાંમા 825 કરોડ રૂપિયાની રકમ જમા હતી.
તે સમયે દેશમાં લગભગ સાડા ચાર કરોડ PF ખાતાં હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.
તે પૈકી ઉપરનાં 0.27 ટકા ખાતાંમાં સરેરાશ 5.92 કરોડ રૂપિયા જમા હતા અને તેઓ પૈકી દરેક વ્યક્તિ દર વર્ષે 50 લાખ જેટલું ટૅક્સ ફ્રી વ્યાજ જમા કરી રહી હતી.
શું લોકોએ ચિંતા કરવી જોઈએ?
આ બધું સાંભળીને મોટા ભાગના લોકોને લાગશે કે તેમના પર કોઈ અસર નથી પડી અને સરકારે આ ટૅક્સ લાદીને એકદમ યોગ્ય પગલું ભર્યું. પરંતુ આવું વિચારતી વખતે એવું પણ યાદ રાખવું જોઈએ કે PF પર ટૅક્સ લાદવાની આ મોદી સરકારની કોઈ પ્રથમ કોશિશ નથી.
વર્ષ 2016માં પણ બજેટ પ્રસ્તાવ આવ્યો હતો કે રિટાયર થયા બાદ જ્યારે કર્મચારી ભવિષ્યનિધિની રકમ કાઢે, ત્યારે તેના 60 ટકા ભાગ પર ટૅક્સ લાગવો જોઈએ.
જોકે, બાદમાં ભારે વિરોધને પગલે આ પ્રસ્તાવ પાછો ખેંચવો પડ્યો. આના અગાઉના વર્ષે કર્મચારીઓની તરફથી પોતાના ભવિષ્ય માટે થનારી બચત કે EPF કે NPS કે પછી અમુક સુપરઍન્યુએશન કે પેન્શન યોજનામાં જમા કરાતી કુલ રકમ પર 7.5 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી દેવાઈ હતી.
જોકે, એ પ્રશ્ન યથાવત્ રહ્યો કે તમારે શું કરવાનું છે. તો આનો સીધો જવાબ તો એ જ છે કે તમારે કંઈ ખાસ નથી કરવાનું.
જો તમારા પગારમાંથી કપાનાર PF મહિનામાં 20833.33 રૂપિયાથી વધુ છે; નોકરીદાતા તરફથી કઈ રકમ જમા નથી થતી તો તમારા કપાતની રકમ 41666.66 રૂપિયાથી વધુ છે, ત્યારે તમારે કંઈક વિચારવું પડશે.
પરંતુ તેમાં પણ જવાબદારી તમારી નહીં પરંતુ PFનો હિસાબ રાખનાર સંગઠન EPFO કે પછી તમારી કંપનીના PF ટ્રસ્ટની હશે કે તેઓ તમારું અલગ ખાતું ખોલીને બંને ખાતાંમાં હિસાબ પ્રમાણેની રકમ નાખવાનું શરૂ કરી દે.
31 માર્ચ 2021 સુધી તમારા ખાતામાં જે રકમ હતી તેના પર કે તેના વ્યાજ પર કોઈ ટૅક્સ નથી લાગ્યો અને હજુ સુધી સરકાર પબ્લિક પ્રૉવિડન્ટ ફંટ એટલે કે PPFને પણ આનાથી મુક્ત રાખ્યું છે. તેથી હાલ એ વિશે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો