'ગુજરાતમાં ઊમટેલી ભીડ કોરોનાની ત્રીજી લહેરને નોતરશે', નિષ્ણાતો ચિંતિત
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર એકબીજાથી પાસે-પાસે ઊભેલા લોકો, ખાણીપાણીની જગ્યાઓ, બજારો, સાર્વજનિક સ્થળોએ ભીડ. તાજેતરના ઍક્સ્ટેન્ડેડ વિકઍન્ડ દરમિયાન ગુજરાતીઓ માટેનાં પર્યટનસ્થળોએ આવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
જેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પ્રકારના મેળાવડાને કારણે ગુજરાતમાં ત્રીજી લહેર આવી શકે છે.
અમુક નિષ્ણાતોના મતે ભારત 'એન્ડેમિક જેવા તબક્કા' તરફ આગળ વધી રહ્યું છે. લહેર છે કે એન્ડેમિક તેના વિશે નિશ્ચિતપણે કોઈ નિષ્ણાત કહી ન શકે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે તેમના અભિપ્રાય હોય છે.
ઑગસ્ટ મહિનાના અંત-ભાગમાં ગુજરાતમાં નવા કેસની સંખ્યા ઘટીને 12 ઉપર આવી ગઈ છે અને કોઈ મૃત્યુ થયાં ન હતાં, જ્યારે ભારતમાં ઍક્ટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 70 હજાર થઈ ગઈ છે, જે બીજી લહેર દરમિયાન દૈનિક નવા કેસની સંખ્યા કરતાં ઓછી છે.
પર્યટનસ્થળેથી પ્રસાર

ઇમેજ સ્રોત, Getty Images
ઑગસ્ટ મહિનાના અંતભાગમાં વેપારીઓ, સરકારી તથા ખાનગી કર્મચારીઓને ઍક્સ્ટેન્ડેડ વિકૅન્ડની રજા મળી રહી હતી. ચોથા શનિવાર ને કારણે કારણે ખાનગી બૅન્કો તથા સરકારી કર્મચારીઓને રજાઓ હતી. રવિવારે સાપ્તાહિક રજા હતી, જ્યારે સોમવારે જન્માષ્ટમી હતી. જે દિવસે જાહેર રજા હોય છે.
હળવાં બનેલાં નિયંત્રણો તથા રજાઓની અનુકૂળતાને કારણે ગુજરાતીઓ માટેનાં પર્યટનસ્થળ એવાં દીવ, દમણ, આબુ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, સાસણગીર અને સાપુતારામાં હોટલ, ખાણીપીણીની જગ્યાઓ તથા સ્થાનિક સ્થળોએ ભીડ જોવા મળી હતી.
આવાં જ દૃશ્ય ડાકોર, ચોટિલા, સોમનાથ, દ્વારકા, અંબાજી જેવાં સ્થળોએ પણ જોવા મળ્યાં હતાં, જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કૃષ્ણ જન્મોત્સવ માટે ઊમટી પડ્યા હતા.
મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની ભીડને કારણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કોવિડ-19ના પ્રસારને અટકાવવા સંબંધિત પ્રોટોકોલનો સરાજાહેર ભંગ થયો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી તસવીરોની સાથે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ પ્રકારના મેળાવડાને કારણે ગુજરાતમાં ત્રીજી લહેર વહેલી આવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં નવેમ્બર મહિનામાં પહેલી લહેરની ટોચ દરમિયાન દૈનિક મહત્તમ કેસ સંખ્યા 1600 આસપાસ હતી. જ્યારે બીજી લહેર દરમિયાન એપ્રિલ મહિનામાં મહત્તમ કેસસંખ્યા 14 હજાર 500 આસપાસ હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જૂન મહિનાના મધ્યભાગ દરમિયાન ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ઍઇમ્સ)ના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ આશંકા વ્યક્ત કરી હતી કે લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવશે તથા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં નહીં આવે તો આગામી છથી આઠ અઠવાડિયાંમાં સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ત્રીજી લહેર આવશે અને તેને ટાળી નહીં શકાય. તેમણે રસીકરણને વધુ વ્યાપક તથા ઝડપી કરવાની ભલામણ કરી હતી.
ડૉ. ગુલેરિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ત્રીજી લહેરમાં બાળકો વધુ ભોગ બનશે તેના વિશે કોઈ પુરાવા નથી અથવા તો તેની સંભાવના છે એવું નિશ્ચિતપણે કહી ન શકાય.
અહીં નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા બાળકો સંબંધિત યોજના ઘડવામાં આવી છે.
આઈસીએમઆરના એપિડેમોલૉજી વિભાગના વડા ડૉ. સમીરન પાંડાના કહેવા પ્રમાણે, બીજી લહેર દરમિયાન જે રાજ્યોમાં કોરોનાના મર્યાદિત કેસ જોવા મળ્યા હતા, ત્યાં મહામારી માથું ઊંચકી રહી છે. જે ત્રીજી લહેરની શરૂઆતના સંકેત છે. તેઓ રાજ્ય-વિશેષ દૃષ્ટિકોણ અપનાવવાની સલાહ આપે છે.
ડૉ. પાંડાએ ભલામણ કરી છે કે રાજ્યોએ પહેલી તથા બીજી લહેર દરમિયાન કોરોનાના સંક્રમણની સંખ્યા તથા ભયાનકતાનું વિશ્લેષણ કરીને તેના આધારે વ્યૂહરચના ઘડવી જોઈએ.
ગુજરાતમાં પહેલી કે બીજી લહેર દરમિયાન જે શહેરો કે વિસ્તારોમાં કોરોના નહિવત્ પ્રમાણમાં જોવા મળ્યો હતો, ત્યાં ત્રીજી લહેર દરમિયાન કોરોના વ્યાપક અસર દેખાડી શકે છે, તેવું નિષ્ણાતોનું માનવું છે, કારણ કે સ્થાનિકોમાં વ્યાપકપણે હર્ડ ઇમ્યુનિટી આવી ન હોવાના કારણે આવું બની શકે છે.

ત્રીજી લહેર માટેની તૈયારી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાનપુરના પ્રાધ્યાપક મનીન્દ્ર અગ્રવાલે મહામારી અગેનું ગાણિતિક મૉડલ તૈયાર કર્યું છે, જેમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે સપ્ટેમ્બર મહિનાના અંતભાગ સુધીમાં ત્રીજી લહેર આવશે.
જો કોઈ નવો વધુ ફેલાય તેવો તથા ઘાતક વૅરિયન્ટ ન આવે તો તેની તીવ્રતા બીજી લહેર કરતાં ઓછી હશે. વર્તમાન વૅરિયન્ટ જ પ્રવર્તમાન રહે તો દૈનિક નવા કેસની સંખ્યા એક લાખ સુધી પહોંચી શકે છે, જ્યારે વધારે ચેપી વાઇરસ ફેલાય તો ઑક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન દૈનિક નવા કેસની સંખ્યા દોઢથી બે લાખ સુધી પહોંચી શકે છે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કોઈ પણ રોગ જ્યારે સમાજમાં જોવા મળે ત્યારે તે ઘંટાકાર આલેખની આકૃતિ ધરાવે છે. જેમાં ધીમે-ધીમે કેસોની સંખ્યા વધે છે, તે ટોચ પર પહોંચે છે, ત્યારબાદ તે ઘટવા લાગે છે.
ગુજરાતમાં સ્વાસ્થ્યવિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીના કહેવા પ્રમાણે, "બીજી લહેર પછી, ત્રીજી લહેરની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવ હતી કે સપ્ટેમ્બર, ઑક્ટોબર તથા નવેમ્બર મહિનામાં ત્રીજી લહેર આવી શકે છે."
"ઑગસ્ટ મહિનાના અંતભાગમાં સાતમ-આઠમના તહેવાર આવે છે, જેનું સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહત્ત્વ છે. સુરત, અમદાવાદ વડોદરા તથા અન્ય શહેરોમાં વસતા લોકો આ સમયગાળા દરમિયાન પોતાના ગામમાં જવાનું પસંદ કરતા હોય છે."
"આ સિવાય ગણેશોત્સવ, નવરાત્રી તથા દિવાળી જેવા તહેવારોને કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ઉપરોક્ત ત્રણ મહિના દરમિયાન ગુજરાતમાં ત્રીજી લહેર જોવા મળી શકે છે. તેના આધારે હૉસ્પિટલના બેડ, જરૂરી દવાઓ, ઓક્સિજન તથા અન્ય માળખાકીય સુવિધા ઊભી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો."
અગાઉ રાજ્ય સરકારે શ્રાવણ મહિના તથા ગણેશોત્સવ જેવા તહેવારો ઉપર નિયંત્રણ લાદવાનો અભિગમ દાખવ્યો હતો, બાદમાં તેમાં વ્યાપક છૂટછાટો આપવામાં આવી છે. રસીકરણ, ભૂતકાળમાં ચેપગ્રસ્તોની સંખ્યા તથા સીરો સર્વેના આંકડાને કારણે સરકાર આ માટે પ્રેરિત થઈ હોય તેવી સંભાવના છે.
મે મહિનામાં રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19 સંદર્ભે ઉચ્ચ અધિકારીઓની ટાસ્ક ફોર્સનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમ, દવાઓની ખરીદી, માળખાકીય સુવિધા, ટેસ્ટ, રસીકરણ જેવી જવાબદારીઓની ફાળવણી કરવામાં આવી હતી. આ સિવાય તેમાં અલગ-અલગ વિભાગના મંત્રીઓ પણ સામેલ છે.
ગાંધીનગરસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકરના કહેવા પ્રમાણે, "ત્રીજી લહેરની સંભાવનાનો જવાબ 'હા'માં પણ હોઈ શકે અને 'ના'માં પણ હોઈ શકે. ગુજરાત 75 ટકા લોકોમાં ઍન્ટીબૉડી ઊભા થઈ છે. જ્યારે પાંચથી દસ ટકા લોકોમાં સૅલ્યુલર ઇમ્યુનિટી હોય શકે છે. જેનો મતલબ એ કે હર્ડઇમ્યુનિટી આવી ગઈ છે, જેને હકારાત્મક બાબત ગણી શકાય."
સાથે જ ડૉ. માવળંકર ઉમેરે છે, "એ સર્વેલન્સનું સૅમ્પલ સાઇઝ નાનું હતું. વાઇરસનો કોઈ નવો વૅરિયન્ટ આવે કે જે આ ઇમ્યુનિટીને તોડી શકે અથવા તો તે ઇમ્યુન-ઍસ્કેપની લાક્ષણિકતા ધરાવતો હોય તો ત્રીજી લહેર આવી શકે છે."
"તાજેતરની રજાઓ દરમિયાન આપણને જે ભીડ જોવા મળી, જેમાં કોવિડસંબંધિત પ્રોટોકોલનું પાલન ન થતું હોય તેમ જણાય છે, પરંતુ આવાં દૃશ્યો અગાઉ આપણને બજારોમાં જોવા મળી જ રહ્યાં હતાં."

એન્ડેમિક તરફ અગ્રેસર ?

ઇમેજ સ્રોત, Getty Images
ગત સપ્તાહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને શક્યતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસ એન્ડેમિક સ્ટેજમાં પહોંચી રહ્યો છે, જ્યાં કોરોના વાઇરસનું સંક્રમણ ધીમી અથવા મધ્યમ ગતિએ ફેલાઈ રહ્યું છે.
એન્ડેમિક સ્ટેજ એટલે કે જ્યારે વસતી વાઇરસની સાથે રહેતા શીખી જાય છે. ત્યાં રોગચાળો ફાટી નીકળે તો પણ તે મૅનેજ કરી શકાય તેવી સ્થિતિમાં હોય છે. જે મહામારી (પેન્ડેમિક) કરતાં અલગ તબક્કો છે. મહામારીમાં મોટા પ્રમાણમાં વસતી કોઈ રોગથી અસરગ્રસ્ત થાય છે અને તે આરોગ્યવ્યવસ્થા ઉપર ભારણ ઊભું કરે છે.
ડૉ. સ્વામીનાથનના મતે, ભારતની વિશાળ વસતી અને તેની વિવિધતા તથા દેશમાં અલગઅલગ ભાગોમાં લોકોની રોગ પ્રતિકારકશક્તિને જોતાં દેશના વિવિધ ભાગોમાં આ રીતે પરિસ્થિતિ બદલાયા કરશે.
તેમણે કહ્યું કે "વર્ષ 2022ના અંત સુધી આપણે કહી શકીશું કે આપણે 70 ટકા રસીકરણ કરી લીધું છે અને પછી અલગઅલગ દેશો સામાન્ય જીવન તરફ વધી શકે છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












