શું ભારતમાં કોરોના વાઇરસ રોગચાળોની સ્ટેજને પાર કરી ગયો છે? વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં વૈજ્ઞાનિકે શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, Twitter
એક તરફ ભારતમાં કોરોના વાઇરસની ત્રીજ લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ વૈજ્ઞાનિક ડૉ સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે સંભાવના છે કે ભારતમાં કોરોના વાઇરસ એન્ડેમિક સ્ટેજમાં પહોંચી રહ્યો છે જ્યાં કોરોના વાઇરસનું સંક્રમણ ધીમી અથવા મધ્યમ રીતે ફેલાઈ રહ્યું છે.
એન્ડેમિક સ્ટેજ એટલે કે જ્યારે વસતી વાઇરસની સાથે રહેતા શીખી જાય છે. આ રોગચાળો કરતાં અલગ સ્ટેજ છે. રોગચાળામાં મોટા પ્રમાણમાં વસતી કોઈ રોગથી અસરગ્રસ્ત થાય છે.
ન્યૂઝ વેબસાઇટ ધ વાયર માટે પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ભારતની વિશાળ વસતી અને તેની વિવિધતા તથા દેશમાં અલગઅલગ ભાગોમાં લોકોની રોગ પ્રતિકારકશક્તિને જોતાં દેશના વિવિધ ભાગોમાં આ રીતે પરિસ્થિતિ બદલાયા કરશે.
તેમણે કહ્યું, "આપણે એન્ડેમિક સ્ટેજમાં પહોંચી રહ્યા હોઈએ એવું બની શકે છે જેમાં વાઇરસનું સંક્રમણ ધીમી અથવા મધ્યમ ગતિએ ફેલાય, આપણે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોના વાઇરસના કેસમાં મોટો ઉછાળો નથી જોયો."
ડૉ સ્વામીનાથને કહ્યું, "જ્યાં સુધી ભારતનો સવાલ છે તેની વસતી અને તેની વિવિધતા તથા અલગઅલગ ભાગોમાં રહેતા લોકોની રોગ પ્રતિકારકશક્તિની સ્થિતિને જોતાં એવું શક્ય છે કે આપણે કોરોના વાઇરસનાં સંક્રમણની પરિસ્થિતિમાં ફેરફારો જોઈએ, ખાસ કરીને દેશના એ ભાગોમાં જ્યાંના લોકો સંક્રમણથી વધારે પ્રભાવિત થયા હોય.”
“એવા ભાગો જે પ્રથમ અને બીજી લહેરમાં વધારે પ્રભાવિત ન થયા હોય અથવા જ્યાં ઓછા પ્રમાણમાં રસીકરણ થયું હોય ત્યાં કોરોના મહામારીની પીક અથવા તેમાં ઘટાડો જોવા મળી શકે છે.”
તેમણે કહ્યું કે "વર્ષ 2022ના અંત સુધી આપણે કહી શકીશું કે આપણે 70 ટકા રસીકરણ કરી લીધું છે અને પછી અલગઅલગ દેશો સામાન્ય જીવન તરફ વધી શકે છે."

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસની ત્રીજી લહેરની બાળકો પર કેવી અસર રહેશે તેને લઈને આંશકાઓ વ્યક્ત કરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ છે હજી સુધી બાળકોને કોરોનાની રસી ન મળવી.
ડૉ સૌમ્યા સ્વામીનાથનનું કહેવું છે કે બાળકોના વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી.
તેમણે કહ્યું, સીરો સર્વેના તારણો અને અન્ય દેશોના અનુભવોથી સમજી શકાય છે કે બાળકો સંક્રમિત થાય અને અન્યોમાં સંક્રમણ ફેલાવે તેની સંભાવના છે પરંતુ તેઓ કોરોના વાઇરસથી ગંભીર રૂપે બીમાર પડે તેની સંભાવના ઓછી હોય છે, બહુ ઓછા પ્રમાણમાં બાળકો બીમાર પડે છે અને ઇન્ફ્લેમેટરી કૉમ્પલિકેશન અને કોરોના વાઇરસથી તેમનાં મૃત્યુ થાય તેનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. જોકે આપણે તૈયાર રહેવું જોઈએ જેમકે હૉસ્પિટલમાં બાળકોને દાખલ કરવા માટેની તૈયારીઓ, પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કૅર યુનિટ્સને તૈયાર કરવાથી અન્ય બીમારીથી પીડિત બાળકોને પણ મદદ મળશે, પરંતુ આપણે એવી ચિંતા ન કરવી જોઈએ કે હજારો બાળકોને આઈસીયુમાં દાખલ કરવાની પરિસ્થિતિ આવશે."
કોરોનાની ત્રીજી લહેર અંગે તેમણે કહ્યું કે કોઈ આ અંગે ભવિષ્યવાણી ન કરી શકે અને આ અશક્ય છે.
ડૉ સ્વામીનાથને કહ્યું, "ત્રીજી લહેર ક્યાં અને ક્યારે આવશે એની ભવિષ્યવાણી કરવી અશક્ય છે. જોકે સંક્રમણને અસર કરતા અલગઅલગ પરિબળોના આધારે ધારી શકાય કે શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે."




