કોરોનાના કપરા કાળમાં તમે પણ ડિપ્રેશન અનુભવો છો, શું છે ઉપાય?

માનસિક તાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં માનસિક આરોગ્યક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ પ્રવર્તે છે અને એ વિશે જરૂરી સંશોધનોનો પણ અભાવ છે.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાઇરસે વિશ્વને અનિશ્ચિતતા તરફ ધકેલી દીધું છે. કોરોના, બેકારી, સ્વાસ્થ્યસુવિધાનો અભાવ જેવી બાબતો વ્યક્તિને અસહજ બનાવી રહી છે.

જોકે, કોરોનાકાળ પહેલાંથી જ ભારતમાં માનસિક આરોગ્યક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ પ્રવર્તે છે. આ ક્ષેત્રમાં સંશોધનો અને નિષ્ણાતોનો અગાઉથી જ અભાવ છે.

એવામાં લૉકડાઉન લદાતાં લોકોની રોજિંદી પ્રવૃત્તિઓ ખોરંભે પડી ગઈ હતી. આવી સ્થિતિમાં કેટલીક સામાન્ય બાબતો અને કાળજી માનસિક સ્વાસ્થ્યને જાળવવામાં તથા તણાવને દૂર કરવામાં મદદ કરી શકે છે.

line

માનસિક સ્વાસ્થ્ય એટલે...

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PRADEEP KUMAR / EYEEM

ઇમેજ કૅપ્શન, WHOએ કરેલી વ્યાખ્યા પ્રમાણે માનસિક આરોગ્ય એટલે માનસિક બીમારીનો અભાવ.

જેમ દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહે તે જરૂરી છે, તેમ માનસિક રીતે પણ સ્વસ્થ હોય તે જરૂરી છે, ચાહે તેના માનસિક આરોગ્યની તપાસ કરાઈ હોય કે ન કરાઈ હોય.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા માનસિક આરોગ્યની વ્યાખ્યા આ મુજબ કરવામાં આવી છે:

"માનસિક આરોગ્ય એટલે માનસિક બીમારીનો અભાવ. તેને માનસની એવી સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય, જેમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા વિશે સભાન હોય, જે જીવનના સામાન્ય તણાવનો સામનો કરી શકતી હોય, જે ઉત્પાદનક્ષમતા સાથે ફળદાયી રીતે કામ કરી શકતી હોય અને પોતાના સમાજને પ્રદાન આપી શકે તેમ હોય."

જ્યારે આપણે માનસિક રીતે સ્વસ્થ હોઈએ ત્યારે હકારાત્મક સંબંધો પ્રસ્થાપિત કરી શકીએ છીએ. જેમ તમારું આરોગ્ય સારું, એમ તમે વધુ સારી રીતે કામ કરી શકો છો.

દરેક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની બાબતમાં ચઢાવ-ઉતાર અનુભવે જ છે.

line

સ્ટ્રેસ તથા ક્રૉનિક સ્ટ્રેસ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

દિલ્હીસ્થિત સેન્ટ સ્ટીફન હૉસ્પિટલમાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રૂપાલી શિવલકરના કહેવા પ્રમાણે, "સ્ટ્રેસ એક મનોવૈજ્ઞાનિક અને શારીરિક પ્રતિક્રિયા છે, જે અસામાન્ય સંજોગોમાં બહાર આવે છે."

સરળ શબ્દોમાં કહીએ તો સ્ટ્રેસ કે તણાવ માટે રોજબરોજ બનતી ઘટનાઓ જવાબદાર હોઈ શકે.

દાખલા તરીકે, કોઈને પ્રપૉઝ કરવું, ઇન્ટરવ્યૂ આપવા જવું, બ્રેક-અપ થવું, મોંઘો ફોન પડી જવો, બાળકોની બીમારી, વાળ ઊતરવા, મેદસ્વીતા અથવા કબજિયાત.

જો તણાવ લાંબા સમય સુધી ચાલે તો તે તમારી રોગપ્રતિકારક ક્ષમતાને અસર કરે છે. જેના કારણે ડાયાબિટીસ, હૃદયની બીમારી, અલ્સર ઉપરાંત બેચેની કે ડિપ્રેશન થઈ શકે છે.

ડૉ. શિવલકર ઉમેરે છે, "અમુક પ્રમાણમાં સ્ટ્રેસ સારો હોય છે, તેને ક્લિનિકલ ભાષામાં 'પૉઝિટિવ સ્ટ્રેસ' કહેવામાં આવે છે. તે આપણને આગળ વધવામાં મદદ કરે છે. પરંતુ, જ્યારે આ સ્ટ્રેસ વિચારવાની શક્તિ ક્ષીણ કરી નાખે અથવા પૅરાલિસિસ સુધી દોરી જાય તો તે 'નૅગેટિવ સ્ટ્રેસ' બની રહે છે."

કોરોના ડિપ્રેશન તથા મેન્ટલ હેલ્થ

ઇમેજ સ્રોત, Getty Images

"આપણા મગજમાંથી જ નકારાત્મક સ્ટ્રેસની પ્રતિક્રિયા શરૂ થાય છે. આપણા શરીરમાં હાઇપૉથેલમસ નામનું એક કેન્દ્ર હોય છે. જે આપણી અનેક શારીરિક પ્રવૃત્તિઓ તથા ભાવનાઓને નિયંત્રિત કરે છે. તે આપણા શરીરીની ઑટોનોમિક નર્વસ સિસ્ટમનું પણ કેન્દ્ર હોય છે. સ્ટ્રેસ ત્રણ રીતે દેખા દે છે."

"ઍન્ગ્ઝાઇટીનાં લક્ષણ, શારીરિક કે ભાવનાત્મક હોય છે. એમાં વ્યક્તિ બેચેન રહે છે, તે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતી તથા એવું લાગે છે કે મગજ બહેર મારી ગયું છે અને તે કોઈ પ્રતિક્રિયા નથી આપી શકતી."

શારીરિક લક્ષણોમાં હૃદયના ધબકારા વધી જવા, વારંવાર ટૉઇલેટ જવું, ગળું સુકાવું અને પેટ ખરાબ થયું હોય એવું લાગવું કે પછી ચીડિયાપણું, રોવાની-ગુસ્સો કરવાની ઇચ્છા જેવાં ભાવનાત્મક લક્ષણો પણ હોઈ શકે છે.

સતત તણાવમાં રહેવાથી શરીર પર તેની નકારાત્મક અસર દેખાવા લાગે છે અને વ્યક્તિ વારંવાર બીમાર પડે છે.

line

બાળકો અને કિશોરોમાં માનસિક આરોગ્ય

માનસિક તાણ

ઇમેજ સ્રોત, EMMA RUSSELL

ઇમેજ કૅપ્શન, આજકાલ બાળકો પર અનેક રીતે પર્ફૉર્મન્સ સ્ટ્રેસ હોય છે, તેમની પાસેથી ભણતર ઉપરાંત સંગીત, ડાન્સ, રમત, ઍક્ટિંગ વગેરેમાં પણ અપેક્ષા રાખવામાં આવે છે.

બાળકો અને કિશોરો પણ સીએમડી એટલે કે કૉમન મૅન્ટલ ડિસઑર્ડરનો ભોગ બની શકે છે. બાળકો અને કિશોરોમાં આત્મવિશ્વાસનો અભાવ, ઉદાસી, ગુસ્સો, ચીડિયાપણું જેવી સમસ્યાઓ આવી શકે છે.

જ્યારે મહિલાઓમાં ગભરામણ, એકલતા અને થાક જેવી સમસ્યાઓ જોવા મળે છે. 10થી 15 ટકા મહિલાઓ ગર્ભાવસ્થા બાદ કોઈક માનસિક બીમારીનો ભોગ બને છે.

તબીબોનું કહેવું છે કે સોશિયલ મીડિયાને કારણે પણ કિશોરો અને યુવાનો ડિપ્રેશન તરફ સરકી રહ્યા છે.

આ વિશે વાત કરતાં ડૉ. શિવલકરે જણાવ્યું હતું, "આજકાલ બાળકો પર અનેક રીતે પર્ફૉર્મન્સ સ્ટ્રેસ હોય છે. માતા-પિતા દ્વારા તેમનાં સંતાનો પાસેથી ભણતર ઉપરાંત સંગીત, ડાન્સ, રમત, ઍક્ટિંગ વગેરેમાં પણ અપેક્ષા રાખવામાં આવે છે."

બીજી તરફ પીયરપ્રેશર, સોશિયલ સાઇટ્સ પર નવાં-નવાં સ્ટેટસ અપડેટ કરવાનું દબાણ તેમની સામે અસ્તિત્વનો સવાલ ઊભો કરે છે. આજના સમયમાં વિકલ્પ વધારે છે એટલે ઍક્સ્પૉઝર પણ વધારે છે, જે તેમને વધુ સ્ટ્રેસફૂલ બનાવી દે છે.

આ વિશે દિલ્હીસ્થિત ઍમ્સમાં મનોચિકિત્સા વિભાગના ડૉક્ટર નંદકિશોરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "તમારી પોસ્ટ કે ફોટોગ્રાફને લાઇક કે ડિસલાઇક મળે અથવા તો કોઈ ઍક્સ્પ્રેશન ન આવે તો તે રિજેક્ટ કે ડિજેક્ટ થવાનો અહેસાસ અપાવે છે, જેના કારણે ભાવનાત્મક ભાર વધી જાય છે."

line

તણાવકારકોને કહો 'ટાટા'

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ઘરમાં કે ઑફિસમાં અમુક બાબતો કે પરિસ્થિતિ તમારા માટે તણાવ ઊભો કરતી હોય છે. તેને ઓળખી કાઢીને તેને હઠાવવા કે ઓછી કરવા માટે પ્રયાસ કરો.

તમારા તણાવના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરો. જેમ તમે તણાવકારકોને ઓળખી શકશો, તેમ તેને પહોંચી વળવા કે દૂર કરવા માટે જાગૃત રહેશો.

જ્યારે તણાવકારકોના અસરક્ષેત્ર વિશે વિચાર કરો, ત્યારે તમારે ખુદના પ્રભાવક્ષેત્ર વિશે પણ વિચારવું જોઈએ. જે માટે તમારું ખુદનું વ્યક્તિત્વ અથવા તો ભૂતકાળના અનુભવ મદદ કરે છે.

કેટલીક બાબતોમાં તમે ફેરફાર નથી કરી શકતા, કેટલીક વખત અમુક બાબતો બનીને જ રહેવાની હોય છે, એટલે તેને દૂર કરવું દરેક વખતે શક્ય નથી હોતું.

આવા સંજોગોમાં તેમને દૂર કરવા માટે સમય કે ઊર્જા બગાડવાના બદલે, તેના વિશે વિચાર કરતા રહેવાના બદલે સ્વસ્થ રીતે તેને પહોંચી વળવા માટે પ્રયાસ કરવો જોઈએ.

વીડિયો કૅપ્શન, #MentalHealth : જાણો તમારું માનસિક સ્વાસ્થ્ય કેવું છે?
line

કોરોનાના કાળમાં તણાવથી બચવાના શું છે ઉપાય

કોરોના સંબંધિત સમાચાર વાંચવા કે જાણવાથી તમને તણાવ થતો હોય તો તેનાથી દૂર રહો.

સોશિયલ મીડિયા પર આવી વ્યક્તિઓ તથા સ્રોતોથી દૂર રહો, તેમને અન-ફૉલો કરી દો અથવા મ્યૂટ કરી દો.

કોરોનાસંબંધિત માત્ર સત્તાવાર તથા ઔપચારિક સંશોધનો તથા સ્રોતો પર આધાર રાખો. આ વિશેની કૉન્સપિરસી થિયરીઓથી દૂર રહો.

line

માનસિક મજબૂતી કેળવો

માનસિક તાણ

ઇમેજ સ્રોત, OLIVIER DOULIERY/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સારી ઊંઘ તથા પોષણક્ષમ ખોરાક આરોગ્યપ્રદ જીવનશૈલીનો પાયો છે.

તણાવ, ધમકીઓ, સંભવિત ભયસ્થાનો, વિપરીત પરિસ્થિતિ, માનસિક આઘાત, આપદાને પહોંચી વળવા માટે માનસિક ક્ષમતા કેળવવી અને જાળવવી રહી.

આ પ્રકારની પ્રતિરોધક ક્ષમતા વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા તથા હકારાત્મકતા જાળવી રાખવામાં મદદ કરે છે.

માનસિક લવચીકતા વ્યક્તિત્વના ભાગરૂપ હોય છે, છતાં તેની અમુક બાબતોને શીખી શકાય છે અને કેળવી શકાય છે. જેના આધારે વિપરીત પરિસ્થિતિમાં પણ તેમનો માનસિક ઉત્સાહ તથા ઉલ્લાસવૃત્તિ જળવાઈ રહે છે.

સારી ઊંઘ તથા પોષણક્ષમ ખોરાક આરોગ્યપ્રદ જીવનશૈલીનો પાયો છે. તણાવનો સામનો કરવા માટે આરોગ્યપ્રદ રહેવા માટે શારીરિક ફિટનેસ પણ એટલી જ જરૂરી છે.

છતાં ઘણી વખત દબાણ હેઠળ આપણે આ બાબત ભૂલી જઈએ છીએ અને તેના પરથી નજર હઠી જતી હોય છે.

line

ભારતમાં માનસિક સ્વાસ્થય

દીપિકા પાદુકોણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, થોડાં વર્ષ અગાઉ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે ડિપ્રેશનની વાત કહીને દેશમાં માનસિક આરોગ્ય અંગે ચર્ચા છેડી હતી.

એક રિપૉર્ટ મુજબ,વર્ષ 2016માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરો સાયન્સ દ્વારા 12 રાજ્યમાં એક સર્વેક્ષણ કરાવવામાં આવ્યું હતું.

જે મુજબ, દેશની લગભગ 2.7 ટકા વસતિ ડિપ્રેશન જેવા કૉમન મૅન્ટલ ડિસઑર્ડર (સીએમડી)થી ગ્રસ્ત છે. જે લોકો સીએમડીથી ગ્રસ્ત છે, તેઓ સમજી નથી શકતા કે આ એક બીમારી છે.

સીએમડીનાં અલગ-અલગ લક્ષણો હોઈ શકે છે, જેમ કે કોઈ પણ કામમાં મન ન લાગવું, કોઈ શારીરિક બીમારી ન હોવા છતાં થાક લાગવો, સતત નિંદર આવવી, વધુ પડતો ચીડિયો સ્વભાવ, ગુસ્સો કરવાની અથવા રડવાની ઇચ્છા થવી.

જો બે અઠવાડિયાં સુધી આ પ્રકારનાં લક્ષણો રહે તો તે સીએમડી તરફ ઇશારો કરે છે.

ડૉ. શિવલકરના કહેવા પ્રમાણે, જો કોઈને હૉર્મોનલ તકલીફ હોય, હાઇપરથાઇરૉઇડિઝમ, ડાયાબિટીસ અથવા તો કોઈ ક્રૉનિક (જૂની કે લાંબા સમયથી થયેલી) બીમારી હોય તો તેમના પર વધુ ધ્યાન આપવાની જરૂર રહે છે.

આ સિવાય 5.2 ટકા વસતિ જીવનમાં કોઈ અને કોઈ તબક્કે આ પ્રકારની સમસ્યાનો ભોગ બની છે.

એક અનુમાન મુજબ 15 કરોડ ભારતીયોને કોઈ અને કોઈ માનસિક કારણસર તત્કાળ તબીબી સહાયતાની જરૂર છે. મેડિકલ જર્નલ 'લૅન્સેટ'ના વર્ષ 2016ના રિપોર્ટ મુજબ, ભારતમાં જરૂરિયાતમંદ દર 10માંથી માત્ર એક જ વ્યક્તિને તબીબી સહાય મળે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ 2019માં "આત્મહત્યાને અટકાવવાની" થીમ જાહેર કરાઈ હતી.

વર્ષ 2019માં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તત્કાલીન કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને સ્વીકાર્યું હતું કે દેશમાં મનોચિકિત્સક હૉસ્પિટલો તથા વિશિષ્ટ તાલીમબદ્ધ તબીબો પૂરતી સંખ્યામાં નથી.

વર્ષ 2014-16ના WHOના આંકડા પ્રમાણે, ભારતમાં દર એક લાખની વસતીએ 0.8 સાઇકિયાટ્રિસ્ટ છે, એટલે કે એક કરતાં પણ ઓછા. સંસ્થાના માપદંડ પ્રમાણે, આ સંખ્યા ત્રણથી વધુની હોવી જોઈએ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો