You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીએમ મોદીએ ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હૉકી ટીમના કપ્તાન-કોચને ફોન કરીને શું કહ્યું?
નવા કૅબિનેટ ફેરફાર બાદ યુવા અને ખેલ બાબતોના મંત્રાલયના કેન્દ્રીયમંત્રી બનેલા અનુરાગ ઠાકુરે ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પુરુષ હૉકી ટીમને ટોકિયો ઑલિમ્પિકમાં તેમના પ્રદર્શન બદલ અભિનંદન આપી રહ્યાં છે.
વીડિયોમાં ભારતીય પુરુષ હૉકી ટીમના કપ્તાન મનપ્રીતસિંહ વડા પ્રધાન સાથે ફોન પર વાત કરી રહ્યા છે.
જેમાં વડા પ્રધાન ટીમને તેમના પર્ફૉર્મન્સ બદલ અભિનંદન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે સમગ્ર દેશને હૉકી ટીમ પર ગર્વ છે. ઉપરાંત પીએમ મોદીએ ટીમને 15મી ઑગસ્ટે દિલ્હી માટે આમંત્રણ પણ આપ્યું છે.
કહેવાઈ રહ્યું છે કે કપ્તાન મનપ્રીતસિંહ અને કૉચ બંનેને પીએમ દ્વારા આ એક આકસ્મિક કૉલ હતો.
તેઓ ફોનમાં કહી રહ્યા છે, "મનપ્રીત તમારી ટીમને અભિનંદન. તમે ખૂબ જ સરસ પર્ફૉર્મ કર્યું છે. દેશવાસીઓ ખુશ છે અને હું પણ. તમારી ટીમને મારી શુભેચ્છા પાઠવું છું. આપણે 15મી ઑગસ્ટે મળીએ."
વળી પીએમ મોદીએ કોચ ગ્રેહામ રેડ સાથે પણ વાત કરી. તેમણે પૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડી રેડને કહ્યું, "તમારી મહેનતે સારું પરિણામ આપ્યું છે."
જેની સામે રેડે કહ્યું, "સેમિફાઇનલ પછીના તમારા શબ્દોએ ઘણી પ્રેરણા આપી છે. આપની વાત ખૂબ જ પ્રભાવક હતી. આભાર."
આ ઘટના પર સોશિયલ મીડિયા પર કેટલીક પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુબ્બા રાવ નામના યૂઝરે ટ્વિટર પર વીડિયોના જવાબમાં લખ્યું, "મોદીજીએ વાત કરી તે સારું કામ કર્યું. ભારતીયો માટે ગર્વની પળ છે. તમામને અભિનંદન."
દુર્ગેશ બી ઓઝા નામના યૂઝરે લખ્યું, "'ટીમને અભિનંદન. બ્રોન્ઝ પણ ગોલ્ડ જ છે. તમામે સારું પર્ફૉર્મ કર્યું. તમામને શુભેચ્છા."
બીજી તરફ આભાસ નામના એક યૂઝરે લખ્યું, "આ બાબત પ્રસારણ કરવાની જરૂર જ નહોતી."
જ્યારે દિનેશ નામના યૂઝરે લખ્યું, "પુરુષ કે મહિલા હૉકી ટીમને કોઈ સ્પૉન્સર નહોતું કરી રહ્યું, ત્યારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આગળ આવ્યા હતા. તેમણે કોઈ પણ પ્રચાર વગર ટેકો આપ્યો. અને આટલું કરવા છતાં શ્રેય નથી લીધું."
મેધા નામના યૂઝરે લખ્યું, "તમે જુઓ, સ્પષ્ટપણે મુખ્ય કોચનો હાથ ફોન પર વાત કરતી વખતે ધ્રૂજી રહ્યો હતો."
રસપ્રદ વાત એ રહી કે આ મામલે ટ્વિટર પર યૂઝર્સ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પ્રત્યે પણ અભિનંદન અને આભાર વ્યક્ત કરી રહ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો