શરદ પવારના ઘરે રાષ્ટ્રમંચની બેઠક, મોદી વિરોધીઓની મિટિંગની આટલી ચર્ચા કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વાત્સલ્ય રાય
- પદ, બીબીસી સંવાદદાતા
એનસીપીના મોવડી શરદ પવારના ઘરે આજે મોદીવિરોધી પાર્ટીઓની બેઠક મળી રહી છે અને આ બેઠકને લઈને અનેક અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ યશવંત સિંહા મુજબ આજની બેઠકને લઈને લગાવવામાં આવી રહેલાં અનુમાનોને લઈને તેઓ ગુસ્સામાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
યશવંત સિંહા ત્રણ વર્ષ અગાઉ બનાવવામાં આવેલા રાષ્ટ્રમંચ યાને નેશનલ ફૉરમના સંયોજક છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને ઘરે આજે થઈ રહેલી બેઠકને લઈને જે અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે. આ બેઠક રાષ્ટ્રમંચના નેજા હેઠળ જ થઈ રહી છે.
જોકે, ટ્વિટર પર આ બેઠકની જાણકારી આપનાર યશવંત સિંહાએ કહ્યું કે, "અગાઉ રાષ્ટ્રમંચની બેઠક થતી હતી તો કોઈ નોંધ લેતું ન હતું."
તેઓ કહે છે કે "આ એક સામાન્ય બેઠક છે, બસ તફાવત એટલો જ છે કે એ શરદ પવારના ઘરે થઈ રહી છે. એટલે મીડિયા તેની વધુ નોંધ લેવાનો પ્રયાસ કરે છે."
એમણે કહ્યું, "મીડિયા અનુસાર મંગળવારે દેશમાં ક્રાંતિ થઈ જશે. આ વિશે વધારે અમે કંઈ નથી કહેવા માગતા. મીડિયાને જે અટકળો લગાવવી હોય તે લગાવવા દો."

પવાર અને પ્રશાંત કિશોરની મુલાકાત

ઇમેજ સ્રોત, SANJAY DAS
આ બેઠકને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે કારણ કે એ શરદ પવારના ઘરે થઈ રહી છે અને આ તર્ક સાવ અકારણ પણ નથી.
શરદ પવારની તમામ બેઠકો સતત ચર્ચાનો વિષય બની રહી છે અને મંગળવારની બેઠક એ સમયે થઈ રહી છે જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કૉંગ્રેસની સંયુક્ત સરકારના ભવિષ્યને લઈને અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પવારના ઘરે થનારી બેઠકની અધિકૃત જાણકારી એનસીપી પ્રવક્તા નવાબ મલિકે સોશિયલ મીડિયામાં આપી.
પણ એ અગાઉ બેઠકને લઈને અટકળોનું બજાર ગરમ હતું.
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસનું ચૂંટણી પ્રબંધન કરનાર પ્રશાંત કિશોરે સોમવારે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.
મીડિયાને આ મુલાકાતમાં પણ રસ હતો. પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ બાદ પ્રશાંત કિશોર અને શરદ પવારની આ બીજી મુલાકાત હતી.
આ મુલાકાતને વિપક્ષની મોદીવિરોધીઓને એક કરવાની કોશિશ સાથે પણ જોડવામાં આવી.

દરેક પાર્ટીમાં પવારના દોસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
પ્રશાંત કિશોર અનેક રાજ્યોમાં નરેન્દ્ર મોદી અને ભાજપને પડકાર આપનારા નેતાઓને ચૂંટણી રણનીતિ ઘડવામાં મદદ કરી રહ્યા છે.
તેઓ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના સલાહકાર તરીકે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સાથે, દક્ષિણ ભારતમાં ડીએમકેના સહયોગી તરીકે તો પંજાબમાં મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહ સાથે જોડાયેલા રહ્યા.
મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની સંયુક્ત સરકારના ગઠન બાદ શરદ પવારને એવા નેતા માનવામાં આવે છે જેઓ રાષ્ટ્રીય સ્તરે મોદી અને ભાજપનો વિકલ્પ ઊભો કરી શકે છે.
શરદ પવારના તમામ પાર્ટીઓ સાથે સારા સંબંધ છે એમ કહેવામાં આવે છે. ત્યાં સુધી કે ભાજપની અંદર પણ એમના અનેક મિત્રો છે.

વિપક્ષને એક કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
શરદ પવારે થોડાં સમય અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરી હતી. એની પણ ખૂબ ચર્ચા થઈ હતી. ફડણવીસે તમામ અટકળોને રદિયો આપી એને એક શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
પવારના દિલ્હીસ્થિત નિવાસે થનારી મુલાકાતને લઈને અન્ય નેતાઓ ભલે જાણકારી ન આપે પરંતુ નવાબ મલિકે એની જાણકારી આપી.
એમણે કહ્યું, "મિટિંગમાં દેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે."
મલિકે એમ પણ કહ્યું કે, "શરદ પવાર દેશના વિપક્ષી દળોને એકજૂથ કરવાનું કામ કરશે."

મોદીને પડકાર

ઇમેજ સ્રોત, TWITTER/DEVENDRA FADNAVIS
નવાબ મલિક અનુસાર આ બેઠકમાં યશવંત સિંહા, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ, સીપીઆઈ નેતા ડી રાજા, નેશનલ કૉન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા, સમાજવાદી પાર્ટીના નેતા ઘનશ્યામ તિવારી ભાગ લેશે. આ બેઠકમાં લેખકો, પત્રકારો અને બુદ્ધિજીવીઓને પણ બોલાવવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલો મુજબ રાષ્ટ્રીય જનતા દળ સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓ આ બેઠકમાં ભાગ લઈ શકે છે જેથી તેને મહત્ત્વની માનવામાં આવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે, મહારાષ્ટ્રમાં એનસીપીની સહયોગી શિવસેના અને કૉંગ્રેસે બેઠકમાં કોઈ નેતાના સામેલ થવા અંગે ચોખવટ નથી કરી.
આગામી લોકસભા ચૂંટણીને હજી ત્રણ વર્ષનો સમય બાકી છે પરંતુ આવનારા વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ સમેત અનેક રાજ્યોમાં ચૂંટણી થવાની છે અને તેને ભાજપના નેતૃત્ત્વની પરીક્ષા તરીકે જોવામાં આવે છે.
ભારતીય જનતા પાર્ટીને ગત વર્ષોમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, બિહાર, ઓડિશા, દિલ્હીમાં પડકારનો સામનો કરવો પડ્યો છે પંરતુ રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે વિપક્ષ મજબૂત નથી લાગી રહ્યો.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે શુક્રવારે કહ્યું હતું કે "મજબૂત રાજકીય વિકલ્પ તરીકે હજી એક જગ્યા ખાલી છે."
કૉંગ્રેસના અનેક અન્ય નેતા અને અન્ય વિપક્ષી દળો આવું નિવેદન આપતા રહ્યા છે.
કૉંગ્રેસ અને મમતા બેનરજી ગત વર્ષોમાં ભાજપ સામે વિપક્ષોને એક કરવાની કોશિશ કરતાં રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધનની કોશિશ કરી આવો એક વિકલ્પ બનવવાની કોશિશ કરી હતી પણ તેને સફળતા મળી ન હતી.
વિપક્ષના અનેક દળોને હવે શરદ પવારમાં એ આશા દેખાય છે અને મગળવારની બેઠકને લઈને એનસીપીમાં જે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એનાથી એવું લાગે છે કે પવાર પોતે પણ આને હવા આપવા માગે છે.

રાષ્ટ્રમંચ શું છે?
2018માં ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહા સહિતના લોકોએ નેશનલ ફોરમ યાને કે રાષ્ટ્રમંચની સ્થાપના કરી હતી જેને પૉલિટિકલ ઍક્શન ગ્રૂપ કહેવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ એ વખતે કહેવામાં આવ્યું હતું કે આ મંચ દેશ જે પડકારોમાંથી પસાર થઈ રહ્યો છે તેને લોકો સુધી લઈ જશે.
એ વખતે કહેવામાં આવ્યું હતું કે આ મંચની શરૂઆત સરકારની નીતિઓને કે કોઈ પાર્ટીની નીતિઓને પડકારવા નથી કરવામાં આવી અને તે કદી પૉલિટિકલ પાર્ટી નહીં બને.
રાષ્ટ્રમંચના સાત મુદ્દાના એજન્ડામાં ગ્રામીણ ભારતની સ્થિતિ, ખેડૂતોની આત્મહત્યા, મહિલાકલ્યાણ, લઘુમતીઓના અધિકારોનું રક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.
મંચની વેબસાઇટ મુજબ તેઓ સત્તાપક્ષની પારદર્શિતા સાથે ભારતમાં લોકશાહીનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













