‘બાબા જેલમાં છે પણ મને રોજ દેખાય છે’, કાશ્મીરી દીકરીઓની મોદીને વિનંતી

- લેેખક, રિયાઝ મસરૂર
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર
“હું દરરોજ મારા સપનામાં બાબાને જોઉં છું, મને લાગે કે તેઓ મને બોલાવે છે અને કહે છે કે તેઓ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. પછી મને મારી માતા જગાડી દે છે અને થોડા સમય પછી હું ભાનમાં આવું છું.”
પ્રમુખ કાશ્મીરી અલગાવવાદી નેતા શબ્બીર અહમદ શાહનાં દીકરી સહર શબ્બીર શાહનું કહેવું છે કે તેઓ પોતાના પિતાની ધરપકડ બાદ ઉદાસ અને તણાવમાં રહે છે.
ચાર વર્ષ પહેલાં તપાસ એજન્સી એનઆઈએ દ્વારા થયેલા ઑપરેશનમાં ચરમપંથીઓને ભંડોળ આપવાના મામલામાં સંખ્યાબંધ અલગાવવાદી નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે સાથે શબ્બીર શાહની પણ ધરપકડ થઈ હતી અને તેમને દિલ્હીની તિહાર જેલમાં કેદ કરાયા હતા.
તેમાં પૂર્વ વિધાયક એંજિનયર રશીદ અને મહેબૂબા મુફ્તીની પીડીપી પાર્ટીના યુવા નેતા વહીદ-ઉર-રહમાન પર્રા પણ સામેલ છે.
સહર શબ્બીર શાહ આ દરમિયાન માનસિક તણાવનો શિકાર થઈ ગયાં. તેઓ લાંબા સમય સુધી સમજી નહીં શક્યાં કે તેમના પિતા કેમ જેલમાં છે.
તેઓ કહે છે, “મને વારંવાંર બારી અથવા તિજોરીના કાચમાં બાબા દેખાય છે. એક વાર તિજોરીના કાચમાં અંદર જોવા મળ્યા અને કહ્યું કે મને બહાર કાઢો. મે કાચ જ તોડી નાખ્યો. મારા બંને હાથ ઘાયલ થઈ ગયા. હવે મારી માતા કાચને કપડાથી ઢાંકી દે છે.”
સહરનો અભ્યાસ પણ પ્રભાવિત થયો છે. મનોચિકિત્સક પાસે સારવાર દરમિયાન તેમણે 12મા ધોરણની પરીક્ષા આપી હતી.
“હું તણાવમાં રાહત આપતી ઘણી દવાઓ લેવા લાગી હતી. મને બાબાની પણ યાદ આવી રહી હતી આથી મને સારા માર્ક્સ ન મળ્યા. પરંતુ હવે મેં તેમની મુક્તિ માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તિહાર જેલમાં જ કેદ એક અન્ય હુર્રિયત નેતા અલતાફ શાહનાં દીકરી, રુવા શાહ છેલ્લાં ચાર વર્ષોમાં ઘણી પરેશાનીમાંથી પસાર થયાં છે.
તેઓ હાલ તુર્કીમાં રહે છે, પરંતુ ગત કેટલાંક વર્ષોમાં પિતાને દરરોજ મળવા માટે તેમણે દિલ્હીમાં ઘણો સમય પસાર કર્યો છે.
તેઓ કહે છે,“હું દરરોજ તિહાર જેલ જતી આવતી હતી. તપાસ થતી પછી લાંબી પ્રતીક્ષા બાદ જ્યારે મારો વારો આવતો, તો કાચની દીવાલ વચ્ચે સૌની સામે તેમની સાથે વાત કરવી, આ બધું હું યાદ કરું તો પરેશાન થઈ જાઉં છું.”
મોહમ્મદ અલ્તાફ શાહ હુર્રિયત કૉન્ફરન્સના એક ગ્રૂપના નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈ પણ છે અને ગિલાનીના નેતૃત્ત્વવાળા હુર્રિયત કૉન્ફરન્સના પ્રમુખ નેતાઓમાં સામેલ છે.
રુવાની સમસ્યા એ છે કે જ્યારે તિહાર જેલથી ફોન દ્વારા તેમના ઘરે ખબર પહોંચી કે તેઓ ઠીક છે, ત્યારે જ તેઓ તુર્કીથી ફોન કરીને પોતાના પિતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી શકે છે.
મીરવાઇઝ ઉમર ફારુખના રાજકીય સચિવ, આફતાબ હિલાલી શાહ ઉર્ફે શાહિદુલ ઇસ્લામ પણ આ આરોપોમાં તિહાર જેલમાં બંધ છે.

‘પિતા ઓળખી ન શક્યા

સુંદુસ કહે છે, “ગત વર્ષે જ્યારે હું મુલાકાત લેવા મારી માતા સાથે તિહાર જેલ ગઈ તો પિતાએ માતાને પૂછ્યું કે સુંદુસ ક્યાં છે, તે કેવી છે. માતાએ મારા તરફ ઇશારો કર્યો તો તેઓ રડી પડ્યા. એટલો સમય વીતી ચુક્યો હતો કે તેમણે મને ઓળખી જ નહીં. ત્યાર બાદ જ્યારે અમે ઘરે પરત ફર્યાં તો હું કેટલાય દિવસો સુધી સૂઈ ન શકી.”
આફતાબ શાહનાં મોટાં દીકરી સુઝેન શાહ કહે છે, “અમે અનાથની જેમ જીવન ગુજારીએ છીએ. ખાસ કરીને કોરોના માહામારીના કારણે હવે તો મુલાકાતો પણ બંધ છે. મહિનામાં એક વાર ફોન આવે છે. ચાર મિનિટ વાત કરવાની મંજૂરી હોય છે અને તેમાં પણ અવાજ બરાબર ન સંભળાય. ચાર મિનિટમાં વ્યક્તિ રડે કે વાત કરી શકે?”
વર્ષ 2017માં એનઆઈએ દ્વારા કાશ્મીરનાં બે અલગાવવાદી દળો, લિબરેશન ફ્રન્ટ અને જમાત-એ-ઇસ્લામી પર ચરમપંથીઓને આર્થિક સહાય આપવાના આરોપ હેઠળ પ્રતિબંધ લગાવી દેવાયો હતો અને સંખ્યાબંધ નેતાઓ અને તેમના કાર્યકર્તાઓની ધરપકડ કરીને તિહાર જેલમાં કેદ કરી દેવાયા હતા.
ઑગસ્ટ 2019માં જ્યારે કાશ્મીરની અર્ધ-સ્વાયત્તતાને સમાપ્ત કર્યા બાદ કેટલાક મહિનાઓ સુધી કરફ્યુ લગાવવાની સાથે સાથે સંચારસાધનો પર પણ પ્રતિબંધો લગાવી દેવાયા હતા ત્યારે સંખ્યાબંધ કાશ્મીરીઓને જેલમાં નાખી દેવાયા હતા.

કોરોનાના કારણે વધતી મુશ્કેલી

કાશ્મીરના કેદીઓ સાથે સંબંધીઓની મુલાકાત એક સામાન્ય વાત હતી પરંતુ ગત વર્ષે એપ્રિલમાં ભારતે કોરોનાની મહામારીને પગલે જેલોમાં બંધ કેદીઓને સંબંધીઓ સાથે મળવા મામલે રોક લગાવી દીધી હતી.
હવે કેદીઓનાં દીકરીઓ માટે ચિંતાનું મુખ્ય કારણ જેલોમાં ફેલી રહેલું કોરોનાનું સંક્રમણ પણ છે.
ગત મહિને સૈયદ અલી ગિલાનીની હુર્રિયત કૉન્ફરન્સના પ્રમુખ નેતા મોહમ્મદ અશરફ ખાન ઉર્ફ સહરાઇ જેલમાં જ સંક્રમિત થયા અને જેલમાં જ તેમનું મોત થયું.
સરકારે પુષ્ટિ પણ કરી કે મૃત્યુ કોરોનાને લીધે થયું છે પરંતુ તેમના પરિવારનો દાવો છે કે મૃત્યુ પહેલાં તેમનો ટેસ્ટ નૅગેટિવ હતો અને તેમનું મૃત્યુ જેલના અધિકારીઓની નિષ્કાળજીને કારણે થયું હતું.
સહર શાહ, સુઝૈન, સુંદુસ, રુવા શાહ અને અન્ય આવા કેદીઓનાં દીકરીઓ તથા દીકરા હવે એ વાતથી ચિંતિત છે કે જેલમાં કોરોના વાઇરસ ફેલાવાની સત્તાવાર પુષ્ટિ છતાં સરકાર ન કેદીઓને છોડી રહી છે ન તો કાશ્મીરની જેલોમાં મોકલી રહી છે.
સુંદુસ અને તેમનાં મોટાં બહેન સુઝેન શાહે વડા પ્રધાન મોદીને તેમના પિતાને મુક્ત કરવા અપીલ કરી છે.
તેમણે અપીલ કરી છે કે, “કૃપા કરીને તેમને મુક્ત કરો. તેમને ઘણી બીમારીઓ છે. તેમને જામીન પર મુક્ત કરો, ઘરમાં નજરબંધ રાખો અન્યની જેમ પણ મુક્ત કરો. અમે તેમનું ધ્યાન રાખવા માગીએ છીએ. ઘર નહીં તો ઓછામાં ઓછું કાશ્મીરની જેલમાં ટ્રાન્સફર કરો. ત્યાં જઈ શકીશું જેથી ખબર પડે કે તેઓની હાલત કેવી છે.”

જેલમાં બંધ ચાર હજારથી વધુ કાશ્મીરી કેદી

ઇમેજ સ્રોત, Getty Images
શબ્બીર શાહનાં દીકરી સહર શાહે જણાવ્યું કે તેમના પિતા જે ચાર સાથી કેદીઓ સાથે નમાજજ પઢતા હતા તેમને ચારેયને કોરોના થઈ ગયો છે અને શબ્બીર શાહ પહેલાંથી જ કેટલીક બીમારી ધરાવે છે.
“ઓછામાં ઓછું તેમને કાશ્મીરની જેલમાં શિફ્ટ કરી દેવામાં આવે તો અમને રાહત થશે.”
ભારત પ્રશાસિત કાશ્મીરની 13 મોટી જેલોમાં હાલ 4500થી વધુ કાશ્મીરી કેદી છે. જેલ અધિકારીઓનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરની જેલોમાં કોરોનાની સુરક્ષાની સારી વ્યવસ્થા છે અને કેદીઓનું સ્ક્રીનિંગ તથા રસીકરણ સારી રીતે થાય છે.
દરમિયાન સુપ્રીમ કોર્ટે ભારત સરકારને કહ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાને રાખીને જેલોમાં ભીડ ઓછી કરવા માટે તિહાર જેલમાં બંધ કેદીઓને તેમના ગૃહક્ષેત્રમાં જ રાખવામાં આવે.
આ સંબંધમાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ અને કાશ્મીરી કેદીઓનાં દીકરી, સુપ્રીમ કોર્ટના આ આદેશનો આધાર આપીને ભારત સરકારને સતત અપીલ કરી રહ્યાં છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












