કાશ્મીર : એ પિતાની વ્યથા જે પોતાના અપહૃત પુત્રને શોધવા ઠેરઠેર જમીન ખોદી રહ્યા છે

ઇમેજ સ્રોત, ABID BHAT
ગત વર્ષે ઑગસ્ટ માસમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં ભારતીય સૈનિકનું એક જૂથ દ્વારા અપહરણ કરાયું હતું.
તેમના પરિવારનું માનવું છે કે તેઓ હવે જીવિત નથી.
શ્રીનગરથી જહાંગીરઅલી જણાવે છે કે તેમના પિતા પોતાના મૃત પુત્રની નિશાનીઓ શોધવા માટે હજુ પણ પ્રયત્ન કરી રહ્યા છે.
મંઝૂરઅલી વાગેને પુત્રના અપહરણના સમાચાર મળ્યાના એક દિવસ બાદ પોલીસને તેમની આગમાં બળી ગયેલી કારના અવશેષ મળી આવ્યા હતા.
15 કિલોમિટર દૂર સફરજનના બાગમાંથી તેમનું જીર્ણ-શીર્ણ, લોહીના ડાઘાવાળું લાઇટ બ્રાઉન રંગનું શર્ટ અને કાળી ટી-શર્ટ મળી આવ્યાં હતાં.
ત્યાર પછી તેમની કોઈ નિશાની મળી નહોતી.
સફરજનની ખેતી માટે જાણીતા ભારત પ્રશાસિત કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં 2 ઑગસ્ટ, 2020ની સાંજે 24 વર્ષીય શકીર મંઝૂર તેમના ઘરે ઈદની ઉજવણીમાં થોડા સમય માટે હાજર રહ્યા હતા.
તેમના પરિવાર દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે આ કાશ્મીરી મુસ્લિમ યુવક, જેઓ ભારતીય સેના માટે કામ કરતા હતા, તેઓ પોતાના બેઝ પર પાછા ફરી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનો બેઝ તેમના ઘરથી 17 કિલોમિટર દૂર આવેલો છે. બેઝ પર પાછા ફરતી વખતે અલગતાવાદીઓએ તેમની કાર રોકી હતી.

અલગાવવાદીઓએ અપહરણ કર્યું હોવાની આશંકા

ઇમેજ સ્રોત, ABID BHAT
શકીર મંઝૂરના સૌથી નાના ભાઈ શાહનવાઝ જણાવે છે કે તેમને એક સાક્ષીએ કહ્યું હતું કે, "કાર રોક્યા બાદ અમુક લોકો અંદર બેઠા અને કાર ચાલી પડી." તેઓ ક્યાં ગયા તેની કોઈને ખબર નથી.
કાયદાના વિદ્યાર્થી શાહનવાઝ જણાવે છે કે જ્યારે તેઓ મોટરબાઇક પર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે શકીરની કારને વિરુદ્ધ દિશાએથી આવતી જોઈ હતી.
તેઓ કહે છે કે તેમને યાદ છે કે તે કાર અજાણ્યા માણસોથી ભરેલી હતી. પોતાની બાઇક રોકીને શાહનવાઝે બૂમ પાડી, "તમે ક્યાં જઈ રહ્યા છો?"
ચાલુ કારમાંથી જ તેમના ભાઈએ કહ્યું કે, "મારો પીછો ન કરતો."
શકીરના અપહરણની ઘટનાને નવ મહિના વીતી ચુક્યા હોવા છતાં પિતા મંઝૂર તેમના પુત્રના શરીરની તલાશ કરી રહ્યા છે.
જે ગામમાંથી શકીરનાં કપડાં મળ્યાં હતાં ત્યાંથી શરૂ કરીને આસપાસના 50 કિલોમિટરના વિસ્તારમાં તેઓ પોતાના પુત્રની નિશાની માટે તલાશ કરી રહ્યા છે. તેઓ આ શોધમાં બાગો, ઝરણાં, ગાઢ જંગલો અને ગામડાં ખૂંદી વળ્યા છે.
આ કામમાં પિતાની મદદ કરવા માટે શાહનવાઝે પણ ભણવાનું મૂકી દીધું.
બંને પિતા-પુત્ર શકીરની અંતિમ નિશાની શોધવા માટે સમયાંતરે ખોદકામ કરનાર લોકોને કામે રાખે છે. નાની નદીઓ આસપાસ ખોદકામ કરાવે છે.
શાહનવાઝ કહે છે કે, "જ્યારે પણ અમે કોઈ નવી જગ્યાએ ખોદકામ શરૂ કરીએ છીએ ત્યારે અમારા મિત્રો અને પાડોશીઓ પણ સાધનો સાથે અમારી મદદ કરવા માટે પહોંચી જાય છે."
શકીરના અપહરણના થોડા દિવસો બાદ તેમને એક મૃતદેહ મળ્યો પરંતુ તે ગામના એક વડીલનો નીકળ્યો.
પોલીસ અનુસાર તેમનું પણ અલગતાવાદીઓએ અપહરણ કરીને મૃત્યુ નીપજાવ્યું હતું.

નવ મહિના પછી પણ સૈનિકની નથી કોઈ ખબર

ઇમેજ સ્રોત, ABID BHAT
સ્થાનિક પોલીસના વડા દિલબાગ સિંહે તાજેતરમાં જ કહ્યું હતું કે શકીરની શોધ હજુ ચાલુ છે. જોકે, તેમણે એ અંગે વધુ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
બીબીસીએ સિંહ અને તેમના મદદનીશ ઇન્સ્પેક્ટર જનરલ (કાશ્મીર) વિજય કુમારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમની સાથે વાત થઈ શકી નહોતી.
સ્થાનિક કાયદાનુસાર ગુમ થયાનાં સાત વર્ષ બાદ જે-તે વ્યક્તિને મૃત જાહેર કરી દેવામાં આવે છે.
સરકારી ચોપડે હજુ સુધી શકીર ગુમ હોવાનું જ નોંધાયું છે.
હવે વાગે કુટુંબ અપમાનિત અનુભવી રહ્યું છે.
મંઝૂર વાગે જણાવે છે કે, "મારા પુત્રે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા. જો તે ઉગ્રવાદીઓ સાથે જોડાઈ ગયો હોય તો સરકારે એ જણાવવું જોઈએ અને જો તેને ઉગ્રવાદીઓએ મારી નાખ્યો હોય તો એ વાત કહેવી જોઈએ. તેઓ કેમ તેની શહીદીને લાંછન લગાવી રહ્યા છે?"
કાશ્મીરમાં લોકોનું અચાનક આવી રીતે ગાયબ થઈ જવાની ઘટના નવી નથી.
પાછલાં 20 વર્ષોમાં હજારો લોકો આવી રીત ગાયબ થઈ ગયા છે. આ ક્ષેત્રમાં ભારતીય શાસન અને ઉગ્રવાદીઓ વચ્ચે સતત અથડામણો ચાલ્યા કરે છે.
જોકે, મુખ્ય શહેર શ્રીનગરથી માત્ર 80 કિલોમિટર દૂર અને ભારે સૈન્ય હાજરી ધરાવતા નગર શોપિયાંમાં એક સૈનિકનું અપહરણ થવું એક કોઈ નાનીસૂની વાત નથી.

સમાજનો સામનો કરીને દેશસેવા કરનારની ઉપેક્ષા?

ઇમેજ સ્રોત, MANZOOR FAMILY
મંઝૂર વાગે એ તમામ લોકોની વ્યથા પ્રતિબિંબિત કરે છે જેમણે સૈન્યદળો માટે ફરજ બજાવતા પોતાના સ્વજનોને અચાનક ગુમાવ્યા છે.
સૈન્યદળો સાથે કામ કરવા બદલ તેમને અમુક સ્થાનિક લોકો દ્વારા સામાજિક બહિષ્કારનો પણ સામનો કરવો પડે છે.
બીજી તરફ આશ્ચર્યની વાત તો એ છે કે એવું માનવામાં આવે છે કે આવી રીતે સેના સાથે જોડાયેલા લોકોનો સૈન્યદળો પણ પૂરેપૂરો ભરોસો કરતાં નથી.
મંઝૂર વાગે જણાવે છે કે તેમણે તેમના પુત્રને સેનામાં જોડાવવા બદલ ચેતવ્યા પણ હતા.
તેઓ કહે છે કે, "પરંતુ તેણે મારી વાત ન માની. આર્મીમાં જવાનું તેનું સપનું હતું. તે ક્યારેય હિંદુ-મુસ્લિમમાં ભેદ નહોતો કરતો." શકીરનું કુટુંબ હવે ધર્મસ્થાનોની શરણે ગયું છે.
જ્યારે હું રવિવારની એક બપોરે શ્રીનગરમાં મંઝૂર વાગેને મળ્યો, મને તેઓ થાકેલા જણાયા.
તેઓ થોડી વાર પહેલાં જે એક ફકીરને મળીને આવી રહ્યા હતા. તે ફકીરે દાવો કર્યો હતો કે તેની પાસે અલૌકિક તાકાત છે, જે મંઝૂરને તેમના પુત્રના શરીરને ખોળવામાં મદદ કરશે.
તેઓ તેમનાં પત્ની આઇશાને કહે છે કે, "મારો તો ફકીરો પરથી વિશ્વાસ ઊઠવા લાગ્યો છે."
મંઝૂર ગુસ્સે થઈને કહે છે, "તેણે શકીરનાં કપડાં જ્યાં મળ્યાં એ જગ્યાએ શોધ કરવાનું કહ્યું, જાણે કે અમે પહેલાંથી એવું નહીં કર્યું હોય!"
આઇશા વાગે, શકીરનાં માતા કહે છે કે, "કાશ્મીરના ઉત્તરથી દક્ષિણ છેડા સુધી એવો એક પણ ફકીર નથી જેને અમે નથી મળ્યા. મારી પુત્રીઓએ ધર્મસ્થળોએ પોતાનાં ઘરેણાં દાનમાં આપી દીધાં. અમે હાર નહીં માનીએ."
મંઝૂર વાગે કહે છે કે જ્યારે પણ તેમને નવી માહિતી મળશે તેઓ ખોદકામ કરવા માટે જશે.
તેઓ કહે છે, "ઇશ્વરે મને પૂરતું આપ્યું છે. જ્યારે તેનાં કપડાં મળ્યાં તે દિવસે જ અમે સમજી ગયા હતા કે તે ગુજરી ગયો છે. અમે તેના માટે અંતિમક્રિયામાં કરાતી દુઆ પણ કરી હતી."
"પરંતુ જ્યાં સુધી હું જીવતો છું તેની તલાશ બંધ નહીં કરું."
જહાંગીર શ્રીનગરસ્થિત એક સ્વતંત્ર પત્રકાર છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












