તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં ક્યાં કેટલું નુકસાન કર્યું?

ગુજરાતમાં વાવઝોડું તૌકતે પ્રવેશી ચૂક્યું છે અને દીવ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં તે અસર પહોંચાડી રહ્યું છે. ઉપરાંત બીજી તરફ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે પવનો અને વરસાદ સતત ચાલુ જ છે.

અહીં વાવાઝોડાની અસર અને સ્થિતિની વાત કરીએ તો વાવાઝોડું અહીંથી ગત રોજ પસાર થઈ ચૂક્યું છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મંગળવારે સવારે માહિતી આપી હતી કે ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

એક વ્યક્તિનું મૃત્યુ વાપીમાં, રાજકોટમાં દીવાલ પડવાથી એક બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે ગારિયાધારમાં એક ઉંમરલાયક મહિલાનું મૃત્યુ થયું છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઓક્સિજનને લઈને રાજ્યમાં કોઈ મોટી સમસ્યા ઊભી નથી થઈ.

રાજ્યની 1400 કોવિડ હૉસ્પિટલમાંથી 16 હૉસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 12 હૉસ્પિટલમાં પરત ફર્યો હતો. હાલ 4 જનરેટર પર ચાલુ છે.

રાજ્યમાં કુલ 2437 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જ્યારે 485 ગામમાં ફરી સ્થપાયો છે. રાજ્યમાં 1081 થાંભલા પડી ભાગ્યા છે.

રાજ્યના 159 રસ્તા તૂટી ગયા છે, 196 રસ્તા બંધ થયા છે. જ્યારે 40 હજાર વૃક્ષો પડી ગયા છે.

તૌકતે વાવાઝોડાના કારણે સાડા 16 હજાર મકાન અને ઝૂંપડા અસરગ્રસ્ત થયા છે.

ગુજરાતના વિવિધ જિલ્લામાં કેટલો વરસાદ વરસ્યો?

બગસરામાં 9 ઇંચ વરસાદ, રાજ્યના 35 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

રાજ્યના 35 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

રાજ્યમાં સૌથી વધારે વરસાદ બગસરામાં પડ્યો છે. બગસરામાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે.

ગીર ગઢડા અને ઉનામાં 8 ઇંચ, સાવરકુંડલા 7 ઇંચ, અમરેલીમાં પાંચ ઇંચ, રાજુલા ખાંભામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે.

અમરેલી અને ગીર સોમનાથના બે તાલુકામાં વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે બાકી 1થી 3 ઇંચ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં શું થયું?

ગીર સોમનાથ જિલ્લામાં કોડિનાર અને ઊનામાં વૃક્ષો વાવાઝોડાને લીધે પડી ગયા હતા. તેને હઠાવીને બંધ થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સવારથી ચાલી રહી છે.

વાવાઝોડું અને વરસાદને લીધે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં છાપરાં ઊડી જતાં કપાસ અને ડુંગળીનો જે પાક માર્કેટિંગ યાર્ડમાં હતો તેને નુકસાન થયું છે.

તાલાળા ગીરમાં કેરીના પાકને નુકસાન થયું છે. ભારે પવનથી કેરી નીચે પડી ગઈ હતી. તેમજ ઊનામાં કેટલીક નાળિયેરીના ઝાડ પણ જમીનદોસ્ત થઈ ગયા હતા.

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના કેટલાંક ગામોમાં ગત રાતે વીજળી જવાની સમસ્યા થઈ હતી. કેટલેક ઠેકાણે વીજળીના થાંભલા પણ પડી ગયા હતા.

ધોરાજીમાં કાચા મકાનોનાં છાપરાં ઊડી ગયા હતા.

ભાવનગરમાં રસ્તા પર મોટા વૃક્ષ પડી જતાં રસ્તા પર વાહન વ્યવહારને અસર થઈ હતી. જૂનાગઢમાં વૃક્ષ પડી ગયા હતા.

દક્ષિણ ગુજરાતમાં કેવી છે સ્થિતિ?

સુરત, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોએ સતત વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મિમિથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

સુરતમાં નાના વૃક્ષો ધરાશાયી થયાના છુટાછવાયા બનાવો બન્યા છે પરંતુ તંત્રએ રસ્તા પરથી તેને લગભગ દૂર કરી દીધા છે. તથા કેટલાક શેડ્સ પવનને લીધે ફંગોળાઈ જવા પામ્યા હતા. પરંતુ તે સિવાય કોઈ ગંભીર બનાવ નથી નોંધાયા.

દરમિયાન સુરત કલેક્ટર ડો. ધવલ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે સુરત જિલ્લામાં તૌકતે વાવાઝોડાને પગલે કોઈ જાનહાનિ નથી નોંધાઈ કે ન કોઈ મોટું નુકસાન હાલ જોવા મળ્યું છે.

તેમણે બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું, “સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. જિલ્લામાં કોઈ જાનહાનિ નથી થઈ ન કોઈ મોટું નુકસાન નોંધાયું છે. જોકે 60-70 કિલોમિટર ઝડપી પવનો અને વરસાદની સ્થિતિ રહી છે. પરંતુ અમારી ટીમો ખડેપગે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું, “વાવાઝોડાની પ્રવર્તમાન અસર છતાં જિલ્લામાં કોરોનાની સારવાર મામલે કોઈ ખલેલ નથી ઊભી થઈ. તમામ કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. અને બધી જ તકેદારીના પગલા લેવાયા છે.”

તેમણે વાવાઝોડાના પગલે વાતાવરણમાં આવેલા મોટા ફેરફાર અને તેના પડકારો મામલે કહ્યું કે વહીવટીતંત્રએ આગામી પડકારો મામલે પણ વ્યવસ્થાઓ કરી રાખેલ છે. અને સતત મૉનિટરિંગ ચાલુ છે.

વળી સુરત શહેરના મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધિ પાની અનુસાર સુરતમાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ 85 કિમીની ઝડપે પવન અને વરસાદને પગલે વાતાવરણ પડકારજનક હોવાથી સ્થાનિકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

દરમિયાન વલસાડ જિલ્લા કલેક્ટર આર. આર. રાવલ અનુસાર વલસાડ જિલ્લામાં પણ કોઈ જાનહાની અત્યાર સુધી નથી નોંધાઈ. પરંતુ નાના બનાવોમાં કેટલાક ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલો સામે આવ્યા છે.

બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં કલેક્ટર આર. આર. રાવલે જણાવ્યું, “સતત ઝડપી પવન અને વરસાદ ચાલુ છે. 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાય છે. જોકે તેમ છતાં વાવાઝોડાને લીધે કોઈ મોત નથી થયું.”

“વળી કોરાનાની સારવાર કરતી 47 હોસ્પિટલોમાં પણ સારવાર કે કામગીરીમાં કોઈ વિક્ષેપ નથી સર્જાયો. બે એનડીઆરએફ ટીમ એક વલસાડ અને ઉમરગામ તૈનાત છે. ક્લાસ-1 લેવલના અધિકારીની ટીમો પણ સક્રિય છે અને સતત મૉનિટરિંગ ચાલુ છે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો