You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તહેલકા : તરુણ તેજપાલ દુષ્કર્મ કેસમાં નિર્દોષ, ગોવાની કોર્ટે આપ્યો ચુકાદો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
શુક્રવારે સવારે ગોવાનીમપુસા કોર્ટ દ્વારા તરુણ તેજપાલના કેસમાં ચુકાદો આપ્યો છે અને તેમને સેક્સ્યુઅલ હરેસમૅન્ટ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ અદાલતે તરુણ તેજપાલ પર લાગેલા જાતીય સતામણીના તમામ આરોપ ફગાવી દીધા છે.
તહેલકા મૅગેઝિનના પૂર્વ સંપાદક ઉપર આરોપ હતો કે તેમણે પોતાનાં સહકર્મી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેજપાલે પોતાની ઉપરના આરોપોને નકાર્યા હતા.
તેજપાલની ઉપર ગોવામાં દુષ્કર્મ, જાતીય સતામણી તથા અસંયમિત વર્તનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીએ આરોપ મુક્યો હતો કે નવેમ્બર-2013માં તહેલકાનો વાર્ષિક કાર્યક્રમ ગોવામાં યોજાયો હતો. એ સમયે તેમની ઉપર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો.
પત્રકાર, પ્રકાશક અને લેખક એવા તેજપાલના સામયિકે એક સમયે એનડીએ સરકારને હચમચાવી નાખી હતી.
ચુકાદા પર તેજપાલે શું કહ્યું અને અદાલતમાં શું થયું?
તેજપાલ વતી તેમનાં દીકરી કારાએ એક પ્રેસનોટ પણ જાહેર કરી છે. જેમાં તેમણે ન્યાયતંત્રના નિર્ણયને આવકાર્યો છે.
તેમણે તેમાં લખ્યું છે, "અમે લાંબી લડાઈ લડી છે. ન્યાયતંત્રને સંબંધિત તમામ પ્રક્રિયાઓનું પાલન કર્યું છે. અને આખરે અમને ન્યાય મળ્યો છે. હું અમારી સાથે અડીખમ રહેનારા તમામનો આભાર માનું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું કે, "અમે આ વર્ષોમાં ઘણી તકલીફો સહન કરી છે. એટલે અમારી પ્રાઇવસીનું માન રાખવામાં આવશે એવી અમને અપેક્ષા છે."
જોકે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તરુણ તેજપાલના વકીલ રાજીવ ગૉમ્સનું ગત સપ્તાહે કોવિડ સંક્રમણથી મોત થઈ ગયું હતું. તેજપાલે નિવેદન જારી કરીને પોતાના વકીલનો પણ આભાર માન્યો છે.
તરુણ તેજપાલે લખ્યું, "એક પરિવાર તરીકે અમારા પર રાજીવ ગૉમ્સનું મોટું ઋણ છે. કોઈ પણ ક્લાયન્ટ રાજીવ જેવો જ વકીલ ઇચ્છશે. વળી આ 8 વર્ષો દરમિયાન ઘણા શાનદાર વકીલ અમારી મદદે આવ્યા. જેમાં પ્રમોદ દુબે, આમિર ખાન, અંકુર ચાવલા, અમિત દેસાઈ, કપિલ સિબલ, સલમાન ખુરશીદ, અમન લેખી, સંદીપ કપૂર, રાજન કારંજેવાલા અને શ્રીકાંત શિવાડે પ્રતિ હું વિશેષરૂપે આભારી છું."
અદાલતમાં આ સુનાવણી ઑન કૅમેરા કરવામાં આવી હતી અને તેમાં મીડિયાને પ્રવેશ ન હતો.
શું છે કેસની વિગતો?
અત્યારે 58 વર્ષીય તેજપાલ એ સમયે 50 વર્ષના હતા. તા. સાતમી અને આઠમી નવેમ્બર દરમિયાન ગોવા ખાતે તહેલકાનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજનેતાઓ, બોલીવૂડ, સ્પૉર્ટ્સ તથા આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજર રહેતી.
આ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ તેમની ઉપર એક સહકર્મચારીએ દુષ્કર્મ આચરવાનો આરોપ મૂક્યો હતો. મહિલા તેજપાલના પૂર્વ સહકર્મચારીનાં પુત્રી પણ છે.
તેજપાલે નિવેદન બહાર પાડીને કહ્યું કે 'સ્થિતિને સમજવામાં મારી ભૂલ થઈ ગઈ અને નિર્ણય લેવામાં ચૂક થઈ. એ કમનસીબ ઘટના અમે જેમાં માનીએ છીએ અને જેની વિરુદ્ધ લડીએ છીએ, તેથી વિપરીત હતી.'
એ પછી તેમણે વધુ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તપાસનીશ અધિકારીઓએ સીસીટીવી ફૂટેજની તપાસ કરવી જોઈએ, જેથી કરીને ખરેખર શું થયું હતું, તે બહાર આવી શકે.
ગોવા પોલીસે ફરિયાદી સહિત 150થી વધુ સાક્ષીના નિવેદન સહિત 2700 જેટલા પન્નાનું આરોપનામું દાખલ કર્યું હતું. આરોપો બાદ સંસ્થાના છ જેટલા કર્મચારીઓએ તહેલકા ઉપર બેવડાં વલણનો આરોપ મૂકીને રાજીનામાં ધરી દીધાં હતાં.
સરકારને હચમચાવનાર તેજપાલ
વર્ષ 2000માં તહેલકા મૅગેઝિન એક વેબસાઇટ તરીકે લૉન્ચ થયું હતું. ત્યારબાદ આ સંસ્થાએ કેટલાક એવા ખુલાસા કર્યાં, જેના કારણે રાજકારણમાં હલચલ મચી ગઈ.
આઠ મહિનાની તપાસ બાદ 2001માં 'ઑપરેશન વેસ્ટ ઍન્ડ'ના નામથી ખુલાસો કર્યો, જેમાં કેટલાક પત્રકારોએ હથિયારોના સોદાગરોનો સ્વાંગ લીધો હતો અને ઉચ્ચબાબુઓ, સૈન્ય અધિકારીઓ તથા સત્તારૂઢ ભાજપના કેટલાક પદાધિકારીઓ પૈસા માટે હથિયારોનો નકલી સોદો કરાવવા માટે તૈયાર થતા વીડિયો ઉપર ઝડપાઈ ગયા.
આ ખુલાસો કેટલો મોટો હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની સરખામણી અમેરિકાના રાજકારણમાં ચર્ચિત 'વૉટરગેટ કૌભાંડ' સાથે કરવામાં આવે છે.
આ ખુલાસા બાદ તત્કાલીન સરકારે તહેલકાની સામે અનેક સંસ્થાઓ દ્વારા તપાસ હાથ ધરી. મીડિયાને નાણાં આપનાર મુખ્ય ફાઇનાન્સર ખસી ગયા અને સંસ્થાએ અમુક લોકોને બાદ કરતાં મોટાભાગના કર્મચારીઓને છૂટા કરી દેવા પડ્યા.
2003માં પ્રકાશન સ્વરૂપે તેનું પુનર્રાગમન થયું. 2004માં એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ) સરકારનું પતન થયું અને યુપીએ (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલયાન્સ) સરકારનું આગમન થયું.
ત્યારબાદ બ્રિટનના અખબાર 'ધ ગાર્ડિયન'ને એક આપેલાં ઇન્ટરવ્યૂમાં તેજપાલે કહ્યું હતું કે 'સરકાર વળતી કાર્યવાહી કરશે તેમ તો લાગતું હતું, પરંતુ આટલું બધું કરશે, તેનો અંદાજ ન હતો.'
આ સિવાય ગુજરાતના હુલ્લડમાં પીડિતા ઝહિરા શેખને નિવેદન બદલવા માટે નાણાં ચુકવવામાં આવ્યા હોવાના, ક્રિકેટમાં ફિક્સિંગ, ગુજરાતના હુલ્લડોમાં તંત્ર તથા આરએસએસની સંસ્થાઓના પદાધિકારીઓની ભૂમિકા અને દેશમાં ખાણકામના કૌભાંડ સહિત અનેક નોંધપાત્ર ખુલાસા તહેલકાએ કર્યા.
વર્ષ 2001માં તેજપાલે સેમિનાર નામના સામયિકમાં લખ્યું હતું કે ભારત જેવા વિકસતા જતા દેશમાં જેટલી આર્થિક કૌભાંડની ચર્ચા થાય છે, તેટલી ચર્ચા જાતીય કૌભાંડની નથી થતી. તેના 12 વર્ષ બાદ પોતે જ આવા એક કૌભાંડમાં સંડોવાયા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો