ગુજરાતમાં કોરોનાનો કેર : ધારાસભ્યોએ ગ્રાન્ટ માટે શા માટે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવવાં પડ્યાં?

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના 65 ધારાસભ્યો તથા એક અપક્ષ ધારાસભ્યે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માગ કરી છે કે તેમને મળતી ગ્રાન્ટની સંપૂર્ણ રકમ કોરોના સામે લડવા માટેની માળખાકીય સુવિધા ઊભી કરવા માટે વાપરવાની છૂટ આપવામાં આવે.
રાજ્ય સરકાર દ્વારા કોવિડની કામગીરી સબબ ખર્ચ કરવા માટે રૂ. 25 લાખની ટોચમર્યાદા લાદવામાં આવી છે.
ગુજરાત કૉંગ્રેસનું કહેવું છે કે કોરોનાની મહામારીએ ગુજરાત મૉડલનો પર્દાફાશ કરી નાખ્યો છે, ત્યારે તાલુકાસ્તરે કોવિડ સામે લડવા માટેની માળખાકીય સુવિધા ઊભી કરવા માટે તેમની ગ્રાન્ટનો વપરાશ કરવો જરૂરી બની ગયો છે.
ગુજરાત હાઈકોર્ટેએ રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિ અંગે સુઓમોટો સુનાવણી હાથ ધરી છે અને રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે.
મંગળવાર (4 મે)ની સાંજની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં કોરોનાના એક લાખ 48 હજાર 297 કેસ છે, જેમાંથી 778 પેશન્ટ વૅન્ટિલેટર પર હતા. રાજ્યમાં મહામારીને કારણે સત્તાવાર રીતે સાત હજાર 779 લોકોનાં મૃત્યુ થયાં છે.

શું છે રજૂઆત?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે ગ્રામ્યસ્તરે પ્રાઇમરી હેલ્થ સેન્ટર તથા તાલુકાસ્તરે કૉમ્યુનિટી હેલ્થ સેન્ટરને કોવિડ-19ની હૉસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે, પરંતુ ત્યાં ઓક્સિજન, ઓક્સિજન કૉન્સન્ટ્રેટર કે વૅન્ટિલેટર જેવી સુવિધા નથી હોતી.
મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ઍડ્વોકેટ આનંદ યાજ્ઞિક મારફત રજૂઆત કરતાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા તથા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રજૂઆત કરી હતી કે કૉંગ્રેસના 65 ધારાસભ્યો તથા એક અપક્ષ ધારાસભ્ય (વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી)ને તેમને મળતી ગ્રાન્ટની સંપૂર્ણ રકમ કોવિડ સંબંધિત કામગીરી માટે વાપરવાની છૂટ મળવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસે રજૂઆત કરી છે કે તેમના ધારાસભ્યોની ગ્રાન્ટને કારણે કોરોના સામેની લડાઈમાં વધુ 100 કરોડ ઉપલબ્ધ બની શકે છે.
ગ્રામ્યસ્તરે કામ આપી શકે તેવા વાજબી કદના ઓક્સિજન પ્લાન્ટ માટે રૂપિયા 30થી 35 લાખ, એક ઍમ્બુલન્સ માટે રૂપિયા 20 લાખ તથા એક આરટી-પીસીઆર ટેસ્ટિંગની વ્યવસ્થા માટે રૂપિયા 25 લાખ જેટલો ખર્ચ થાય છે.
એક બાય-પેપ વૅન્ટિલેટર માટે રૂપિયા એક લાખ તથા ઓક્સિજન કૉન્સન્ટ્રેટર માટે રૂપિયા 35થી 75 હજાર જેટલો ખર્ચ થાય તેમ છે. ત્યારે આ મુદ્દે જો છૂટ મળે તો આ રક્મ તાત્કાલિક વપરાશ માટે ઉપલબ્ધ બની શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્યો 2017માં ચૂંટાયા છે તથા તેમની ટર્મ 2022માં પૂર્ણ થશે.
ગુજરાત વિધાનસભાના તમામ 182 ધારાસભ્યને વાર્ષિક રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ મળે છે, જેનો તેઓ નિયમોને આધીન 'વિવેકાધીન વપરાશ' કરી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઍડ્વોકેટ આનંદ યાજ્ઞિકના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં ઍપિડેમિક ડિસીઝ ઍક્ટ, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ લાગુ છે. આટલી મોટી ઇમરજન્સી છે, ત્યારે રૂપિયા 25 લાખની મર્યાદા લાદવામાં આવી છે, જેનો અર્થ નથી સરતો."
"ભારતના બંધારણમાં અનુચ્છેદ 21 હેઠળ જીવન જીવવાનો અધિકાર મળેલો છે, જેમાં આરોગ્યનો અધિકાર પણ અભિપ્રેત છે. સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટો તેના સંરક્ષણકર્તા છે. કોરોના મુદ્દે સર્વોચ્ચ અદાલતે પણ સુનાવણી ચાલી રહી છે. "
"1987માં સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે જ્યારે કાર્યપાલિકા તેની ફરજ બજાવવામાં નિષ્ફળ રહે, ત્યારે ન્યાયપાલિકા તેના પેંગડામાં પગ નાખી શકે છે."
ધારાસભ્યો સામાન્ય રીતે પોતાની ગ્રાન્ટમાંથી મતવિસ્તારમાં આવતા માર્ગનું નિર્માણ, શાળા કે આરોગ્યકેન્દ્રનાં નિર્માણ-મરામત, વૃક્ષારોપણ, જરૂરિયાતમંદને આર્થિકસહાય જેવી બાબતો માટે નાણાં ખર્ચી શકે છે.

25 લાખની મર્યાદા

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાના કહેવા પ્રમાણે, "છેલ્લાં 25 વર્ષ દરમિયાન ગુજરાતમાં ભાજપનું શાસન છે. તેને 'ગુજરાત મૉડલ' કે 'વાઇબ્રન્ટ ગુજરાત'ના નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યું."
"પરંતુ કોરોનાના સમયમાં આરોગ્યક્ષેત્રે ગુજરાતમાં શું સ્થિતિ પ્રવર્તે છે, તેનો પર્દાફાશ થઈ ગયો. ગત 13 મહિના દરમિયાન રાજ્ય સરકારે કોરોના સામે લડવા માટે કંઈ કર્યું નથી."
"ધારાસભ્યોની ગ્રાન્ટ કલેકટર પાસે ઉપલબ્ધ હોય છે, એટલે ખૂબ ઓછી વહીવટીપ્રક્રિયા દ્વારા તાત્કાલિક રકમ મળી શકે અને લોકોના જીવ બચાવી શકાય તેમ છે, એટલે આ છૂટ મળવી જોઈએ, એવી ધારાસભ્યોની લાગણી છે."
ગુજરાતની 14મી વિધાનસભાના પ્રથમ બજેટસત્ર દરમિયાન ધારાસભ્યોની ગ્રાન્ટની રકમને રૂપિયા એક કરોડથી વધારીને દોઢ કરોડ કરવામાં આવી હતી.
ગત વર્ષે કોરોનાના પગરવ સંભળાયા ત્યારે ધારાસભ્યોની ગ્રાન્ટની રકમને મોકૂફ કરી દેવામાં આવી હતી.
જોકે,માર્ચ મહિનામાં ગુજરાતના આરોગ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે તમામ ધારાસભ્યોની રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ બહાલ કરી હતી. પટેલે કહ્યું હતું :
"દરેક ધારાસભ્યને તેમના મતવિસ્તારમાં વિકાસ માટે રૂપિયા દોઢ કરોડની રકમ મળે છે. કોવિડ-19 મહામારીની શરૂઆત થઈ, ત્યારે તેને મોકૂફ કરી દેવામાં આવી હતી. મને એ જણાવતા ખુશી થાય છે કે રાજ્યની આર્થિક સ્થિતિ સુધરતા તથા ધારાસભ્યોની માગને ધ્યાને લેતાં વર્ષ 2021-22 માટે આ ગ્રાન્ટ ફરી બહાલ કરવામાં આવશે, જેથી રાજ્યનો સર્વાંગી વિકાસ થઈ શકે."
ઉલ્લેખનીય છે કે તા. 24મી એપ્રિલે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને કોરોના પૉઝિટિવ આવ્યો હતો, તેમની અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












