ગુજરાત : 18થી 45 વર્ષનાં લોકોને ફ્રીમાં અપાશે કોરોનાની રસી, સરકારનો નિર્ણય

ઇમેજ સ્રોત, EPA
ગુજરાતમાં 1લી મેથી 18 વર્ષથી 45 વર્ષની વયનાં લોકોને ફ્રીમાં રસી આપવામાં આવશે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ માટે રાજ્ય સરકારને 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી લીધી છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાત સરકારે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદ ની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસી ના 50 લાખ ડોઝ મેળવવા માટે ઑર્ડર આપી દીધો છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં નવા 551 ઓક્સિજનના પ્લાન્ટ ઊભા કરાશે, નાણાં પીએમ કેયર્સ ફંડમાંથી અપાશે

ઇમેજ સ્રોત, EPA
ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન બનાવવામાં આવેલા પીએમ કેયર્સ ફંડથી ભારતમાં ઑક્સિજનના 551 પ્લાન્ટ લગાવવામાં આવશે.
પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો (પીઆઈબી)એ વડા પ્રધાન કાર્યલાયના હવાલાથી એક રિલિઝ જારી કરીને આ જાણકારી આપી છે.
રિલીઝમાં કહેવામા આવ્યું છે કે દેશના અલગ-અલગ વિસ્તારોમાં જિલ્લા મુખ્યાલયો અને સરકારી હૉસ્પિટલોમાં પીએસએ ઓક્સિજનના 551 પ્લાન્ટ લગાવવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ પ્લાન્ટ્સને જેમ બને તેમ જલ્દી શરૂ કરવામાં આવશે.
ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનું અને તેને શરૂ કરવાનું કામ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આ પહેલાં પીએમ કેયર્સ ફંડમાંથી 162 ઓક્સિનજ પ્લાન્ટ લગાવવા માટે 201.558 કરોડ રૂપિયાની ફાળવણ કરી દેવામાં આવી છે.
છેલ્લા ઘણા દિવસોથી લોકો સોશિયલ મીડિયા પર આ સવાલ પૂછી રહ્યા હતા કે જ્યારે દેશ મહામારીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે પીએમ કેયર્સ ફંડ શું મદદ કરી રહ્યું છે.

દિલ્હીમાં કેજરીવાલે એક અઠવાડિયું લૉકડાઉન લંબાવ્યું, કોરોનાની ગંભીર સ્થિતિ

ઇમેજ સ્રોત, EPA
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાઇરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને એક બીજા અઠવાડિયા માટે લૉકડાઉનને વધારવાની જાહેરાત કરી છે.
દિલ્હી સરકારે પહેલાં છ દિવસનું લૉકડાઉન લાગુ કર્યું હતું. જે સોમવારે 26 એપ્રિલે પૂર્ણ થવાનું હતું. આને હવે એક અઠવાડિયું થઈ ગયું છે, એટલે હવે દિલ્હીમાં જ્યારે સોમવારે મે ત્રણ તારીખે સવારે પાંચ વાગ્યા સુધી લૉકડાઉન લાગુ રહેશે.
કેજરીવાલે કહ્યું કે જે પ્રકારે દિલ્હીમાં કોરોનાના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે તેને જોતા પ્રદેશ સરકાર માટે લૉકડાઉન લગાવવું જરૂરી છે.
તેમણે કહ્યું, "આ છેલ્લું હથિયાર હતું જે અમે ઉપયોગમાં લેવા માગતા ન હતા પરંતુ હવે અમારે લૉકડાઉન લગાવું પડી રહ્યું છે."

ભારતની કોરોનાની ગંભીર સ્થિતિમાં મદદ કરવા અંગે અમેરિકાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકને ભારતમાં કોરોના વાઇરસની ભયાનક ત્રાસદી પર કહ્યું છે કે તેમની સંવેદના ભારતીયોની સાથે છે.
બ્લિંકને ટ્વીટ કરી લખ્યું છે, "અમે આ કેસમાં પોતાના સાથીદાર ભારતની સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે ભારતીયો અને ભારતના આરોગ્ય કર્મચારીઓની મદદ માટે વધારાનું સમર્થન ઝડપથી આપી રહ્યા છીએ."
https://twitter.com/SecBlinken/status/1386148447179493380
ભારતમાં ઝડપથી રસીકરણ શરૂ થવા માટે જરૂરી છે કે અમેરિકા કોરોના વાઇરસની વૅક્સિન બનાવવામાં ઉપયોગમાં લેવાની જરૂરી વસ્તુઓ પરથી પ્રતિબંધ હઠાવે. બે દિવસ પહેલાં અમેરિકાએ નિકાસ પર પ્રતિબંધની નીતિનો બચાવ કરતા કહ્યું કે બાઇડન વહીવટીતંત્ર પહેલાં પોતાના નાગરિકોની સુરક્ષા પર ધ્યાન આપી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું હતું, "અમેરિકા પોતાના નાગરીકોને અસરકારકતાથી રસી આપવા પર કામ કરી રહ્યું છે હાલ આ ચાલુ છે અને ત્યાં સુધી પૂર્ણ નહીં થાય જ્યાં સુધી નીતિમાં પરિવર્તન સંભવ નથી. અમારી ઉપર પહેલાં અમેરિકાના નાગરિકોની જવાબદારી છે. કોઈપણ દેશની સરખામણીમાં અમેરિકામાં વધારે મૃત્યુ થયા છે. પાંચ લાખ, 50 હજારથી વધારે લોકોના જીવ ગયા છે અને હાલ સુધીમાં લાખો લોકો સંક્રમિત થયા છે."
ગુજરાતમાં કોરોનાનો કેર : દર કલાકે છનાં મોત, 55 દિવસમાં 35 ગણા કેસો વધ્યા

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર શનિવારે ફરી એક વાર રાજ્યમાં કોરોના વાઇરસના નવા કેસોનો રેકર્ડ 24 કલાકમાં જ તૂટી જવા પામ્યો છે. ગુજરાતમાં શનિવારે કોરોનાના નવા 14,097 નવા કેસ નોંધાયા હતા.
તેમજ સમગ્ર રાજ્યમાં 152 લોકોનાં મૃત્યુ પણ થયાં હોવાના સમાચાર મળ્યા હતા.
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં 407 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આ સંખ્યા શનિવારે વધીને 14,097 સુધી પહોંચી ગઈ હતી.
એટલે કે 55 દિવસમાં જ કેસો 35 ગણા વધી ગયા છે. જોકે, સ્થાનિક મીડિયા અને ઘણા નિષ્ણાતો કેસો અને મોતના આ આંકડાને સરકારી આંકડા હોઈ ખૂબ જ ઓછા ગણાવે છે. તેમના મતે વાસ્તવિક આંકડા આ આંકડાઓ કરતાં ભયાનક હદે વધુ હોઈ શકે છે.
પોતાની વાતના સમર્થન માટે તેઓ રાજ્યના તમામે તમામ સ્મશાનોમાં અંતિમ વિધિ માટે લાગી રહેલી લાઇનોને દૃષ્ટાંત સ્વરૂપે રજૂ કરે છે.
જોકે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને સરકારી એજન્સીઓની ગાઇડલાઇન પ્રમાણે તમામ આંકડા રજૂ કરી રહી હોવાનો દાવો કરે છે.

અભાવમાં સેંકડોનાં મૃત્યુ બાદ, શાહની જાહેરાત - 'ગુજરાતમાં 11 ઓક્સિજન પ્લાન્ટ બનશે'

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, "ખૂબ જ ટૂંક સમયમાં ગુજરાતમાં 11 ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે."
ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે તેમણે ગાંધીનગરમાં કોલવાડા આયુર્વેદિક હૉસ્પિટલ ખાતે 280 લિટર ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓક્સિજનની માગને પહોંચી વળવા માટે રાજ્યમાં ટૂંક સમયમાં નવા PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાશે.
તેમણે કહ્યું હતું કે આ બાબત કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ગઈ છે. આ પ્લાન્ટ જલદી જ કાર્યરત્ થશે.
નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. હૉસ્પિટલોમાં દર્દીઓની અને સ્મશાનમાં મૃતદેહોની લાંબી લાઇનો રાજ્યમાં કોરોનાની ભયાનકતાની તસવીર રજૂ કરી રહી છે.
જોકે, અહીં નોંધનીય છે કે ગુજરાત અને કેન્દ્ર સરકાર વારંવાર કહી ચૂકી છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઓક્સિજનની કોઈ અછત નથી અને જરૂરિયાતમંદોને તાત્કાલિક ઓક્સિજન પહોંચાડાઈ રહ્યા છીએ.
જોકે બીજી બાજુ સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયામાં ઓક્સિજનની અછતના કારણે ઘણી હૉસ્પિટલોમાં દાખલ દર્દીઓનાં કરુણ મોત નીપજ્યાના સમાચારો જોવા મળી રહ્યા છે. તો ઘણી હૉસ્પિટલોએ દાખલા બંધ કરી દીધા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

કોરોના : જરૂરિયાતમંદ ક્ષેત્રોમાં જલદી ઓક્સિજન પહોંચાડવા ઍરફોર્સ મેદાને

ઇમેજ સ્રોત, Getty Images
બિઝનેસ સ્ટાન્ડર્ડ ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે ઇન્ડિયન ઍરફોર્સે શનિવારે પુણેથી ગુજરાતના જામનગર સુધી બે લિક્વિડ ઓક્સિજન ભરેલા કન્ટેઇનર પહોંચાડ્યા હતા.
નોંધનીય છે કે ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં ઓક્સિજનની અછતના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા હોવાના અહેવાલો જોવા મળી રહ્યા છે. ઓક્સિજનની ભારે અછતના કારણે સર્જાયેલી પરિસ્થિતિના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારોની ટીકા પણ થઈ રહી છે.
આ પરિસ્થિતિને પહોંચી વળવા અને જરૂરિયાતમંદ સ્થળોએ ઝડપથી ઓક્સિજન પ્રાપ્ય બનાવવા માટે ઇન્ડિયન ઍરફોર્સને મેદાને ઉતારાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયામાં ઓક્સિજનની અછતના કારણે ઘણા દર્દીઓને બચાવી શકાય તેવી પરિસ્થિતિ હોવા છતાં જીવ ગુમાવવો પડ્યો હોવાના અહેવાલો જોવા મળી રહ્યા છે.
નાની હોય કે મોટી દરેક હૉસ્પિટલમાં અમુક દિવસ કે કલાકો સુધી ચાલે તેટલો જ ઓક્સિજન પ્રાપ્ય હોવાની ફરિયાદો વ્યાપક બની હતી.
હવે જ્યારે ઇન્ડિયન ઍરફોર્સને આ પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે કામે લગાવાઈ છે ત્યારે એ જોવું રહ્યું કે શું આ પગલાથી ઓક્સિજનની સપ્લાય સાથે સંકળાયેલી મુશ્કેલીઓ દૂર થશે?

કોરોનાને કારણે રાજ્યમાં એપ્રિલ-મેમાં યોજાનાર 80% લગ્નો પાછળ ઠેલાયાં

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં એપ્રિલ-મે માસમાં યોજાનાર 80 ટકા લગ્નો કોરોનાની વકરતી પરિસ્થિતિને જોતાં પાછાં ઠેલવામાં આવ્યાં છે.
નોંધનીય છે કે હાલ ગુજરાત સરકારની ગાઇડલાઇન પ્રમાણે રાજ્યમાં લગ્નોમાં માત્ર 50 વ્યક્તિઓને જ બોલાવવાની પરવાનીગ આપવામાં આવી છે. તેમજ નાઇટ કર્ફ્યુ દરમિયાન કોઈ પણ પ્રકારના સમારોહો યોજવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
આવી પરિસ્થિતિમાં ઘણા લોકો ઓછા મહેમાનો અને નિયંત્રણો સાથે લગ્ન કરવા કરતાં લગ્નની તારીખ આગળ વધારી રહ્યા છે.
નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા ઘણા સમયથી કોરોનાના કેસોમાં સતત વ્યાપક વધારો જોવા મળી રહ્યો છે. પહેલી લહેરમાં કોરોનાનું જે સંક્રમણ મોટાં શહેરો સુધી સીમિત રહ્યું હતું તે હવે ગામડાંમાં પણ તીવ્ર ગતિથી ફેલાઈ રહ્યું છે.
આટલું જ નહીં આ વખત કોરોના યુવાનો અને બાળકોને પણ પોતાના શિકાર બનાવી રહ્યો છે. જેથી વસતિનો એક મોટો ભાગ કોરોનાની ઝપેટમાં આવે તેવી શક્યતા હોવાના કારણે ઘણા લોકો લગ્નો પાછળ ઠેલવાનું યોગ્ય ઠરાવી રહ્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












