દિલ્હી હાઈકોર્ટ : 'સ્તબ્ધ છીએ! હૉસ્પિટલોમાં ઑક્સિજન ખૂટી પડ્યો પણ સ્ટીલ પ્લાન્ટ ચાલે છે' - BBC TOP NEWS

દિલ્હીની મૅક્સ હૉસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા તરત સપ્લાયની વ્યવસ્થા કરવાની અરજી અંગે દિલ્હીની હાઈકોર્ટમાં મોડી સાંજે સુનાવણી થઈ.

દિલ્હી હાઈકોર્ટમાં મૅક્સ હૉસ્પિટલની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોવિડની ગંભીર પરિસ્થિતિ સામે લડવા માટે માત્ર બે-ત્રણ કલાક ચાલે એટલો જ ઓક્સિજન જ બાકી રહ્યો છે.

મૅક્સ હૉસ્પિટલે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને તરત ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થાના નિર્દેશ આપવા માટે વિનંતી કરી છે, જેથી કોરોના સંક્રમણના ગંભીર દર્દીઓને સારવાર મળી રહે.

આ અરજી અંગે સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઉદ્યોગોને અપાતા ઓક્સિજનનો સપ્લાય તરત બંધ કરવા કહ્યું છે.

મૅક્સ હૉસ્પિટલે પોતાની અરજીમાં કહ્યું છે કે જો તરત જ ઓક્સિજન સપ્લાય નહીં મળે તો હૉસ્પિટલમાં દાખલ ગંભીર દર્દીઓ જે ઓક્સિજન પર છે, તેમના જીવ જોખમમાં મુકાઈ જશે.

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે તરત જ સ્ટીલ પ્લાન્ટ અને પૅટ્રોલિયમ પ્લાન્ટમાં થઈ રહેલા ઓક્સિજનના ઉત્પાદનને પોતાના હસ્તક લઈને મેડિકલ ઉપયોગ માટે સપ્લાય સુનિશ્ચિત કરે. ઉત્પાદનસ્થળથી જ્યાં જરૂર છે ત્યાં સુધી ઓક્સિજનના સપ્લાય માટે સેફ પૅસેજની વ્યવસ્થા કરે.

દિલ્હી હાઈકોર્ટે તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર પરિસ્થિતિની ગંભીરતાને સમજી નથી રહ્યું? અમે સ્તબ્ધ અને હતાશ છીએ કે હૉસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી રહ્યો છે, પરંતુ સ્ટીલ પ્લાન્ટ ચાલી રહ્યા છે.

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને તરત જ નિર્દેશનું પાલન કરવા કહ્યું જો સ્ટીલ પ્લાન્ટ અને જરૂર પડે તો પૅટ્રોલિયમ પ્લાન્ટમાં પણ થોડા સમય માટે ઉત્પાદન રોકવું પડે તો રોકે અને હૉસ્પિટલોને ઓક્સિજન સપ્લાય કરે.

'હૉસ્પિટલોમાં ખરેખર બેડની અછત નથી?' રૂપાણી સરકારને હાઈકોર્ટનો સવાલ

મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં કોરોના વાઇરસની પરિસ્થિતિ અંગે દાખલ કરાયેલી સુઓ મોટો અરજીની ઑનલાઇન સુનાવણી વખતે રાજ્ય સરકાર દ્વારા દાવો કરાયો હતો કે કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યની હૉસ્પિટલોમાં પૂરતા બેડની વ્યવસ્થા કરાઈ છે.

NDTV ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે રાજ્ય સરકાર વતી હાજર રહેલાં વકીલ મનીષા શાહની આ દલીલ સામે કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે જો હૉસ્પિટલોમાં બેડની અછત નથી તો કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ ન કરાયાની, સારવાર ન મળ્યાની વ્યાપક ફરિયાદો કેમ ઊઠી રહી છે.

આના જવાબમાં સરકારી વકીલે કહ્યું હતું, "રાજ્યની હૉસ્પિલોમાં કોરોનાના દર્દીઓ માટે 79.944 પથારીઓ છે, જે પૈકી 55,783 પથારીઓ પર જ દર્દીઓ છે. જ્યારે બાકીની તમામ પથારીઓ ખાલી છે."

રાજ્ય સરકારના આ દાવાની સત્યતા અંગે ખાતરી કરતાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે પ્રશ્ન કર્યો હતો કે શું ખરેખર રાજ્યમાં સરકારી વકીલના કહેવા મુજબ પથારીઓ ખાલી પડી છે?

ખંડપીઠે આગળ નોંધ્યું હતું કે જો તમારો દાવો સાચો હોય તો પછી રાજ્યમાં ખૂણે-ખૂણેથી દર્દીઓને દાખલ ન કરાયાની અને સારવાર ન મળ્યાની ફરિયાદો કેમ ઊઠી રહી છે. જો તમે આપ્યા એ આંકડા સત્ય હોય તો ડેઝિગ્નેટેડ હૉસ્પિટલોમાં પણ પથારીઓ ખાલી હોવી જોઈએ.

આ પ્રશ્નના જવાબમાં સરકારી વકીલ શાહે જણાવ્યું, "દર્દીઓ પોતાના ઘરની આસપાસની હૉસ્પિટલોમાં જ દાખલ થવાનો આગ્રહ રાખે છે. જે કારણે આવી અમુક હૉસ્પિટલો સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. પરંતુ ઘણી હૉસ્પિટલોમાં હજુ પથારીઓ ખાલી પડી છે."

ગુજરાતમાં કોરોનાના કેસ 12 હજારને પાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કેસ ફરી રેકર્ડ સ્તર પર પહોંચ્યા છે.

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં 12,206 નવા કેસ નોંધાયા છે અને 121 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 5,615 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં સૌથી વધુ 24 મૃત્યુ સુરત (કોર્પોરેશન)માં નોંધાયાં છે, જ્યારે અમદાવાદ (કૉર્પોરેશન)માં 23 લોકોનાં મૃત્યુ થયાં છે.

ઍક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ 76,500 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 353 દર્દી વૅન્ટિલેટર પર છે જ્યારે 76,147 દર્દીઓની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ 3,46,063 દર્દી એવા છે, જેઓ સાજા થઈ ચૂક્યા છે. અખબારી યાદી મુજબ રાજ્યનો રીકવરી રેટ 80.82 ટકા છે.

રેમડેસિવિર વહેંચણી વિવાદ : હાકોર્ટની પાટીલ અને ભાજપના અન્ય નેતાઓને નોટિસ

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટકૉમના એક અહેવાલ અનુસાર સુરતમાં ભાજપના કાર્યાલયથી રેમડેસિવિર ઇન્જેક્શનની વહેંચણી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ, ભાજપના અન્ય નેતાઓ અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને નોટિસ જારી કરી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં અમુક દિવસો પહેલાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં સુરત ખાતેના ભાજપના કાર્યાલયથી પાંચ હજાર રેમડેસિવિરનાં ઇન્જેક્શન વહેંચવાની સી. આર. પાટીલની જાહેરાત બાદ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

જે બાદ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કૉંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનના ગેરકાયદેસર સંગ્રહ અને વહેંચણી અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

જેની મંગળવારે સુનાવણી હાથ ધરાતાં હાઈકોર્ટે આ તમામને નોટિસ જારી કરી હતી.

અરજદારના વકીલ આનંદ યાજ્ઞિકે કોર્ટ સામે દલીલ કરતાં કહ્યું હતું, "સી. આર. પાટીલ અને ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા કરાયેલી રેમડેસિવિર ઇન્જેક્શનની વહેંચણી મુદ્દે ડ્રગ કમિશનર દ્વારા તપાસ થવી જોઈએ અને તે અંગેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવાનો આદેશ કરવો જોઈએ."

આ મામલાની સુનાવણી કરી રહેલ જસ્ટિસ સોનિયા ગોકાણી અને વૈભવી નાણાવટીની ખંડપીઠે પણ આ મામલે ડ્રગ કમિશનર સ્પષ્ટતા કરે તેમજ કોર્ટ સમક્ષ પોતાના દ્વારા લેવાયેલ પગલાંનો રિપોર્ટ રજૂ કરે તેવો મત વ્યક્ત કરાયો હતો.

મામલાની આગામી સુનાવણી 5 મેના રોજ રાખવામાં આવી છે.

જ્યૉર્જ ફ્લૉઇડ : જૂરીએ પોલીસ અધિકારી ડેરેક ચુવિનને હત્યાના દોષી ઠરાવ્યા

ગત વર્ષે અમેરિકામાં આફ્રિકન અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડના મૃત્યુના મામલે એક જૂરીએ પોલીસ અધિકારી ડેરેક ચુવિનને હત્યાના દોષી ઠરાવ્યા છે.

ડેરેક ચુવિન, એ જ પોલીસ અધિકારી છે, જેમણે ગત વર્ષે મે માસમાં 46 વર્ષીય જ્યૉર્જ ફ્લૉઇડની ધરપકડ કરવા દરમિયાન તેમની ગરદન નવ મિનિટ કરતાં વધુ સમય સુધી પોતાના ઢીંચણ વડે દબાવી રાખી હતી.

આ દરમિયાન જ્યૉર્જ ફ્લૉઇડ કણસી રહ્યા હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાએ યુરોપમાં રંગભેદના પુરાણા મુદ્દાને ફરી વાર ચર્ચામાં લાવી દીધો હતો. આ ઘટનાના વિરોધમાં અમેરિકાની સાથોસાથ ફ્રાન્સ અને બ્રિટનમાં પણ પ્રદર્શનો થયાં હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો