ઉદ્ધવ ઠાકરે : 'મહારાષ્ટ્રમાં વધુ એક લૉકડાઉનની શક્યતા નકારી ન શકાય'

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સાંજે રાજ્યની પ્રજાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોની સંખ્યા ઉપર ચિંતા પ્રગટ કરી હતી.

આ સાથે જ તેમણે કહ્યું હતું કે દરદીઓની સંખ્યાના ઉછાળને જોતા આગામી સમયમાં મહારાષ્ટ્રમાં લૉકડાઉનની શક્યતાને નકારી શકાય નહીં. આ અંગે આગામી બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે એક તરફ સરકારની સામે લોકોનાં જીવ બચાવવાનો પ્રશ્ન છે, તો બીજી તરફ અર્થતંત્ર ખોરવાઈ ન જાય તે જોવાનો સવાલ છે, જેથી કરીને રોજગારી ન છિનવાઈ જાય. અમારા માટે રોજગારી કરતાં જીવન વધુ મહત્ત્વપૂર્ણ છે. રોજગાર ફરીથી ઊભા કરી શકાય છે, પરંતુ એક વખત પ્રાણ જાય તો તેને પાછા લાવી નથી શકાતા.

ઠાકરેએ લૉકડાઉન મુદ્દે રાજકારણ નહીં રમવા રાજકીયપક્ષોને આહ્વાન કર્યું હતું.

રાજ્યના બેડ (62 ટકા), આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ) 48 ટકા, અને ઑક્સિઝન બેડ (25 ટકા) ભરાઈ ગયા છે. જો આવી જ સ્થિતિ રહી તો આગામી 15-20માં આરોગ્યક્ષેત્રે ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે.

ઠાકરેએ વૅક્સિન લીધા પછી બેપરવાહ ન થઈ જવા નાગરિકોને આહ્વાન કર્યું હતું. તેમણે કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવા અને સહયોગ આપવા લોકોને જણાવ્યું હતું.

તા. બીજી એપ્રિલે મહારાષ્ટ્રમાં કોરોનાના 47 હજાર 827 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 202 લોકોનાં મૃત્યુ થયાં હતા.

શુક્રવારે મુંબઈ (આઠ હજાર 844), પુના (ચાર હજાર 766), નાગપુરમાં (ત્રણ હજાર ચાર), નાસિક (બે હજાર 282) કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં ઍક્ટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 89 હજાર 832 ઉપર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યારસુધી કુલ 55 હજાર 379 લોકોનનાં મૃત્યુ થયાં છે.

ગુજરાત અને દેશની સ્થિતિ

શુક્રવારની સ્થિતિ પ્રમાણે, ગુજરાતમાં 13 હજાર 559 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 158 દરદી વૅન્ટિલેટર ઉપર છે. રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન વધુ 11 મૃત્યુ નોંધાતા કુલ મરણાંક (ચાર હજાર 539) ઉપર પહોંચ્યો છે.

રાજ્યના ચાર કૉર્પોરેશન વિસ્તારોમાં ગંભીર સ્થિતિ પ્રવર્તે છે. અમદાવાદ (621), સુરત (506), વડોદરા (322), રાજકોટ (262), ભાવનગર (43), જામનગર (33), ગાંધીનગર (26) અને જૂનાગઢ (11) કેસ નોંધાયેલા છે.

દેશની વાત કરીએ તો છ લાખ 14 હજાર 696 કેસ ઍક્ટિવ છે, જેમાંથી 30 હજાર 641 કેસ ગત 24 કલાક દરમિયાન નોંધાયા હતા. 50 હજાર 356 દરદીઓને રજા આપવામાં આવી હતી. 469 દરદીઓનાં અવસાન થયા હતા. આ સાથે જ દેશનો કુલ મૃત્યુ આંક એક લાખ 63 હજાર 396 ઉપર પહોંચ્યો છે.

શુક્રવારે 36 લાખ 70 હજાર કરતાં વધુ નાગરિકોને વૅક્સિન આપવામાં આવી હતી. કુલ છ કરોડ 87 લાખ 89 હજાર કરતાં વધુ વૅક્સિન ડોઝ અપાયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો