You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇથિયોપિયાની સેનાએ પોતાના જ દેશમાં સેંકડો લોકોની કતલ કરી? : બીબીસી ઇન્વેસ્ટિગેશન
- લેેખક, આફ્રિકન આઈ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
બીબીસી આફ્રિકન આઈની તપાસમાં એ બાબતના પુરાવા મળ્યા છે કે ઇથિયોપિયન સૈન્ય દ્વારા ઉત્તર ઇથિયોપિયામાં જાન્યુઆરીમાં એક હત્યાકાંડ કરવામાં આવ્યો હતો.
આ હત્યાકાંડ જ્યાં થયો હતો તેનું ચોક્કસ સ્થળ પણ શોધી કાઢવામાં આવ્યું છે, જેમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા.
માર્ચની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર પાંચ વીડિયો ક્લિપ્સ ફરતી થઈ હતી, જેમાં લશ્કરી ગણવેશ પહેરેલા, હથિયારધારી લોકો કેટલાક નિઃશસ્ત્ર પુરુષોને એક ભેખડની ધાર પર લઈ જાય છે અને પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી બધાને ઠાર મારે છે. ત્યારપછી તેઓ તેમના મૃતદેહોને ભેખડ પરથી નીચે ધકેલી દે છે.
બીબીસીએ એ વાતની પુષ્ટિ કરી છે કે આ હત્યાકાંડ ઇથિયોપિયાના ઉત્તર ટિગ્રે પ્રાંતના માહબેરે ડેગો શહેર નજીક થયો હતો, જ્યાં ઇથિયોપિયન આર્મી ટિગ્રે પીપલ્સ લિબરેશન ફ્રન્ટ (TPFL)નાં પ્રાદેશિક દળો સામે લડી રહી છે.
ગયા નવેમ્બરમાં ઇથિયોપિયા સરકારે TPLF વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી ત્યારથી સંઘર્ષની શરૂઆત થઈ હતી.
વડા પ્રધાન એબી અહમદનો આરોપ છે કે TPLFએ સરકારી મિલિટરી બેઝ પર હુમલો કર્યો હતો.
એબી અહમદ કેન્દ્ર સરકારની સત્તા વધારવા માગે છે જ્યારે TPLF તેનો વિરોધ કરે છે. TPLFએ કહ્યું છે કે તે "લાંબી લડત" જારી રાખશે.
ટિગ્રેના વહીવટી તંત્રે જણાવ્યા પ્રમાણે આ સંઘર્ષના કારણે અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને 40 લાખથી વધુ લોકોને સહાયની જરૂરિયાત પેદા થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફૂટેજનું ભૌગોલિક સ્થળ શોધાયું
બીબીસી આફ્રિકન આઈની ઇન્વેસ્ટીગેશન ટીમે મીડિયા સંસ્થાઓ બૅલિંગકેટ અને ન્યૂસી સાથે મળીને આ હત્યાકાંડ ખરેખર ક્યાં થયો હતો તે શોધી કાઢ્યું છે.
આ વીડિયો ક્લિપ્સને સોશિયલ મીડિયા પર સૌથી પહેલાં પોસ્ટ કરનારા લોકોએ દાવો કર્યો છે કે આ વીડિયો માહબેરે ડેગો નજીક શૂટ કરાયા હતા.
આફ્રિકન આઈએ વીડિયોમાં જોવા મળતા ભૌગોલિક ફીચર્સનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં માટી, રસ્તા, મેદાની પ્રદેશ, અને ઢોળાવની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારપછી આ માહિતીને આ શહેરની આસપાસના વિસ્તારની સેટેલાઈટ તસવીરો સાથે સરખાવવામાં આવી હતી.
હથિયારધારી લોકોના પડછાયાની દિશા તથા લંબાઈ પરથી જાણી શકાયું છે કે દિવસમાં કયા સમયે આ હત્યાકાંડ થયો હશે. તેમાં જોવા મળ્યું હતું કે ઢોળાવની દિશા ઉત્તર-દક્ષિણ હતી. તેના પરથી આફ્રિકા આઈને સંભવિત સ્થળને ઓળખવામાં મદદ મળી હતી.
વીડિયો ફૂટેજમાં દેખાતા પહાડની ઉપલી ધારની તસવીરોને આ જગ્યાના ટૉપોગ્રાફિકલ મેપ પર પાથરવામાં આવી હતી જેથી લૉકેશન બરાબર મેળ ખાય છે કે નહીં તે જાણી શકાય. નદીનો સૂકો પટ, અમુક ઝાડી-ઝાંખરાં અને વૃક્ષોની પેટર્ન પરથી તેને સચોટ સરખાવી શકાયા હતા.
બીબીસીએ માહબેરે ડેગોના એક રહેવાસી સાથે ફોન પર વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં ઇથિયોપિયન સેના ટિગ્રે શહેર અને આસપાસના વિસ્તારોમાંથી 73 પુરુષોને પકડીને લઈ ગઈ હતી. તેમાં આ વ્યક્તિના ત્રણ સ્વજનો પણ હતા. તેમણે કહ્યું કે ત્યારપછી આ પૈકીની કોઈ વ્યક્તિનો પતો નથી.
બીબીસીએ પડોશના એક ગામના રહેવાસી સાથે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું કે હત્યાકાંડમાં તેના ભાઈને મારી નાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ હત્યાકાંડ માહબેરે ડેગોમાં થયો હતો અને તેમણે પણ જાન્યુઆરી 2021નો જ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું, "તે બધાને ભેખડ પર મારી નાખવામાં આવ્યા હતા."
હથિયારધારી લોકો અને મૃતકોની ઓળખ
આફ્રિકા આઈ આ વીડિયો ફૂટેજમાં જે હથિયારધારી લોકો જોવા મળે છે તેની ઓળખની પુષ્ટિ કરી શક્યું નથી. પરંતુ તેમણે જે યુનિફોર્મ પહેર્યા છે તે ઇથિયોપિયન નેશનલ ડિફેન્સ ફોર્સ (ENDF) દ્વારા પહેરવામાં આવતા યુનિફોર્મ સાથે મેચ થાય છે.
લશ્કરી ગણવેશની કૅમોફ્લેજ પેટર્ન અને ઇથિયોપિયન ઝંડાના રંગનો આર્મ બે જ પણ મેચ થાય છે.
બીજાં કેટલાંક ફીચર્સ પણ ENDFના યુનિફોર્મ સાથે બંધ બેસે છે, જેમ કે પૉકેટ્સના કટ અને તેની સ્ટાઈલ.
એક હથિયારધારી વ્યક્તિએ ગ્રીન બૅરેટ (ગોળ ટોપી) પહેરી છે જેના પર જે સંજ્ઞા છે તે ENDF બેરેટના રંગ અને સંજ્ઞા સાથે એકદમ મળતી આવે છે.
વીડિયોમાં હથિયારધારી લોકો એમહેરિક ભાષા બોલે છે જે ઇથિયોપિયાની સત્તાવાર ભાષા છે.
પાંચ વીડિયો ક્લિપ્સ પૈકી પ્રથમ વીડિયોમાં તેઓ નિઃશસ્ત્ર પુરુષોની આસપાસ ટોળે વળેલા હોય ત્યારે એકબીજા સાથે વાત કરતા સાંભળવામાં આવે છે. આ વીડિયોમાં નિઃશસ્ત્ર લોકો જમીન પર બેસેલા દેખાય છે.
કૅમેરા પર ન દેખાતી એક વ્યક્તિનો અવાજ સંભળાય છે, "આપણે આ લોકોને છોડવા ન જોઈએ. તેમાંથી એક વ્યક્તિ પણ બચવી ન જોઈએ."
બીજો અવાજ સંભળાય છે, "આપણે આ લોકો કેવી રીતે માર્યા ગયા તેનો વીડિયો ઉતારવાનો છે."
ત્યારપછીની ચાર ક્લિપમાં નિઃશસ્ત્ર લોકોને બંદૂકની અણીએ ભેખડની ધાર તરફ લઇ જવાતા હોય તેવું જોવા મળે છે.
તેમાં સશસ્ત્ર લોકો કેટલાક બંધકોને ઠાર મારે છે અને તેમના મૃતદેહને ભેખડ પરથી નીચે ફેંકી દે છે.
ફૂટેજના કેટલાક ભાગમાં બંદૂકધારી લોકો મૃતદેહો પર નજીકથી ગોળીબાર કરતા હોય તેવું જોવા મળે છે. બીજા અમુક ભાગમાં તેઓ મૃતકોની હાંસી ઉડાવતા અને તેમને અપશબ્દો કહેતા સંભળાય છે.
એક ક્લિપમાં કૅમેરા પર ન દેખાતી એક વ્યક્તિ કહે છે, "મારી ઇચ્છા છે કે આ બધા પર ઇંધણ છાંટીને તેમને સળગાવી દઉં."
"આ લોકોને બાળવા માટે ઇંધણ હોત તો સારું હતું," તેમ એક વ્યક્તિ જવાબ આપે છે.
"ભારતીયો મૃતદેહો સળગાવે છે તે રીતે આ લોકોના મૃતદેહોને સળગાવી દો."
આ વીડિયોમાં મૃતકોએ નાગરિકો જેવાં સાદાં કપડાં પહેર્યાં છે અને તેમની ઓળખ થઈ શકી નથી. તેઓ ટિગ્રે પ્રાંતની ભાષા ટિગ્રિન્યા બોલતા સાંભળવા મળે છે. આ ફૂટેજમાં હત્યારાઓ કહે છે કે તેમના માનવા પ્રમાણે મરનારા લોકો TPLFના સભ્યો છે.
TPLF માટે એક બીભત્સ શબ્દ (સ્લેન્ગ)નો ઉપયોગ કરતા એક હથિયારધારી વ્યક્તિ કહે છે, "આ વોયેનનો ખાતમો છે."
"અમે દયા નથી દેખાડતા"
હ્યુમન રાઇટ્સ વોચના હોર્ન ઑફ આફ્રિકા ડિરેક્ટર લેટિટિયા બેડરે બીબીસીને જણાવ્યું કે, નિરીક્ષકોએ તાજેતરના મહિનાઓમાં આ વિસ્તારમાં "અત્યંત મોટા પ્રમાણમાં ગંભીર અત્યાચારો" જોયા છે. પરંતુ આ ફૂટેજ "ખાસ કરીને ખૂબ વિચલિત કરી દેનારાં" છે.
તેમણે કહ્યું, "તેમાં બંધક બનાવાયેલા નિઃશસ્ત્ર લોકોની હત્યા થતી હોય તેવું દેખાડવામાં આવ્યું છે."
"આ એવી ઘટના છે જેની વધારે તપાસ કરવી જરૂરી છે, કારણ કે આપણે આ વીડિયોમાં જે જોઈ રહ્યા છીએ તે યુદ્ધ અપરાધની સમકક્ષ ગણી શકાય."
બીબીસીએ પોતે એકત્ર કરેલા પુરાવા ઇથિયોપિયન સરકાર સમક્ષ મૂક્યા હતા.
સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે "સોશિયલ મીડિયા પરની પોસ્ટ અને દાવાને પુરાવા તરીકે ગણી ન શકાય."
સરકારે નિવેદનમાં એમ પણ જણાવ્યું કે, ટિગ્રે પ્રાંત "સ્વતંત્ર તપાસ કરવા માટે ખુલ્લો છે."
- તપાસકકર્મી : ઍલિયુમ લૅરોય, જિયાનકાર્લો ફિયોરેલા (બેલિંગકેટ) અને જૅક ગૉડિન (ન્યૂસી).
- પૂરક રિપોર્ટિંગઃ ડૅનિયલ એડેમસન, જોએલ ગુંટર, ચિયારા ફ્રેન્કાવિલા, બર્ટ્રામ હિલ, કાર્લોસ ગોન્ઝાલેસ, મોહમ્મદ ઓસમાન અને સમીર.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો