હોળી-ધૂળેટી : તહેવારની મજા તમને કઈ રીતે સુપરસ્પ્રેડર બનાવી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
2020માં એ માર્ચનો જ મહિનો હતો જ્યારે ભારતમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થવાની શરુઆત થઈ હતી. હોળી પછી તરત શાળાઓ અને કૉલેજો બંધ કરી દેવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
આશરે એક વર્ષ વીતી ગયાં બાદ આ વખતે ફરી હોળી આવી છે અને ફરીવાર કોરોનાના કેસ પણ વધી રહ્યાં છે. છેલ્લાં એક મહિનામાં કોરોના વાઇરસના કેસમાં ફરીથી વધારો થયો છે, જેને ભારતમાં કોરોનાની બીજી લહેર કહેવામાં આવી રહી છે.

ઘણી જગ્યાએ લૉકડાઉન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
26 માર્ચના રોજ ભારતમાં કોરોના વાઇરસના 59118 કેસ નોંધાયા છે અને 257 લોકોનાં મૃત્યુ થયાં છે.
અત્યાર સુધી ભારતમાં કોરોના વાઇરસના 1.18 કરોડ કેસ નોંધાયા છે અને 4 લાખ 21 હજારથી વધુ ઍક્ટિવ કેસ છે.
દેશમાં ઘણી જગ્યાએ લૉકડાઉન લાદવામાં આવ્યું છે. રસીકરણ અભિયાનને વધુ તીવ્ર કરવાની જાહેરાત થઈ છે તો ફરીથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે 29 માર્ચે હોળી છે અને સરકાર ઍલર્ટ થઈ છે. તહેવારો બાદ કોરોના વાઇરસના કેસોમાં ઝડપ આવી હોય એવું પહેલાં પણ સામે આવ્યું છે.
પાછલાં વર્ષે ઑક્ટોબર અને નવેમ્બરમાં નવરાત્રિ અને દિવાળી દરમિયાન કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળ્યો હતો.
કોરોનાની બીજી લહેર અને કોવિડ-19ના નવા વેરિયન્ટ વચ્ચે હોળીની ઉજવણી કરતી વેળા નાની ચૂક કોરોના વાઇરસ સામેની લડાઈમાં એક પડકાર બની શકે છે.
ડૉક્ટરો મુજબ આપણે જૂનાં અનુભવોથી શીખવું જોઈએ અને સમારોહમાં જઈને સુપરસ્પ્રેડર બનવાથી પોતાની જાતને બચાવવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

હોળીમાં લોકો સુપરસ્પ્રેડર બની શકે છે?

ઇમેજ સ્રોત, EPA
આકાશ હૅલ્થકૅરમાં ઇન્ટરનૅશનલ મેડિસિન ડિપાર્ટમેન્ટના વડા ડૉ. રાકેશ પંડિત કહે છે કે, ''ઘણી વખત સામે આવ્યું છે કે મોટી ઉજવણીઓ, તહેવારો કે મેળાવડાઓ પછી કોરોના વાઇરસના કેસોમાં વધારો જોવા મળે છે. ઉત્તરાખંડમાં કુંભ મેળો ચાલી રહ્યો છે ત્યાં પણ કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યાં છે.''
''લગ્ન બાદ આમંત્રિતો અને વર-વધૂ પણ કોરોના વાઇરસથી સંક્રમિત મળી આવ્યાં છે. આવી સ્થિતિમાં જ્યારે પણ કોરોના વાઇરસથી બચવા માટેના નિયમો તોડવામાં આવે છે ત્યારે વાઇરસને ફેલાવવાની તક મળી જાય છે. "
તેઓ વધુમાં કહે છે કે, ''અત્યારે કોરોના વાઇરસનાં નવા વેરિયન્ટસ્ પણ સામે આવી રહ્યાં છે. હાલમાં ડબલ મ્યુટેડેટ વાઇરસ મળી આવ્યો છે. આ નવા વેરિયન્ટસ્ વધારે ચેપી છે. હોળીમાં લોકો એક-બીજા સાથે મળે છે, ભેગા થાય છે અને સાથે ખાણી-પીણી કરે છે. આ સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન થઈ શકતું નથી. આ બધા કારણો ભેગા મળીને કોરોના વાઇરસનું સંક્રમણ વધારી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતમાં જુદી-જુદી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. કયાંક આ એક દિવસનો તહેવાર છે તો કયાંક તે દિવસો સુધી ચાલે છે. ઘણી જગ્યાએ હોળી મેળાનું પણ અયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે.
કોરોના વાઇરસ માટે હરિયાણામાં નોડલ ઑફિસર ડૉ. ધ્રુવ ચૌધરી કહે છે કે, આવી ઉજવણીઓમાં સુપરસ્પ્રેડરના કિસ્સા ઘણીવાર જોવા મળ્યાં છે. ભીડમાં હાજર એક ચેપગ્રસ્ત વ્યક્તિ અનેક લોકોને લોકોને ચેપ લગાવી શકે છે. જો તમે માસ્ક પહેર્યો પણ તો પણ તે પલળી જશે, જેના કારણે તે સુરક્ષિત રહેશે નહીં.
આવી સ્થિતિમાં શું તકેદારી રાખવી જોઈએ, તે વિશે જણાવતા ડૉ. રાકેશ કહે છે કે, તમે હોળીની ઉજવણી જરુરથી કરો પરતું ભીડ હોય એવી જગ્યાએ ન જશો. જો તમે ઘરે રહીને હોળીની ઉજવણી કરશો તો સારું રહેશે. આ સિવાય કોરોના વાઇરસના કેસ વધુ હોય એવા રાજ્યોમાં પણ જવાનું ટાળો. કોરોના વાઇરસને લઈને જો બેદરકારી રાખવામાં આવશે તો આવનાર દિવાળી પણ બગડી શકે છે.

રાજ્યોએ શું સૂચના બહાર પાડી છે?

ઇમેજ સ્રોત, Reuters
હોળી દરમિયાન રોગચાળાના વધતાં જોખમને ધ્યાને લઈ રાજ્ય સરકારો સજાગ થઈ ગઈ છે અને હોળીની ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.
મુંબઈમાં તમામ ખાનગી (સ્થાનિક સોસાયટીની અંદર) અને જાહેર સ્થળોએ હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોલિકાદહન અને રંગ પંચમીની ઉજવણી ઘરમાં જ કરવાની રહેશે.
હરિયાણા સરકારે જાહેર સ્થળોએ તહેવારની ઉજવણી કરવા પર અને પૂજા-અર્ચના માટે ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહી કરવા માટેની સુચના આપવામાં આવી છે.
દિલ્હીમાં હોળી પર કોઈ સાર્વજનિક કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહીં. એટલે કે ભેગા થઈને હોળી રમવાની મંજૂરી નથી. જે રાજ્યોમાં કોરોના વાઇરસના વધારે કેસ છે ત્યાંથી આવનાર વ્યક્તિની કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ નૅગેટિવ આવ્યા પછી જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
હોળી સંબંધિત તમામ ઉજવણી પર ચંદીગઢ વહીવટીતંત્ર દ્વારા સ્ટે ઑર્ડર બહાર પાડવામાં આવ્યો છે. હોળીમાં કલ્બ, હોટલ અને રેસ્ટોરેન્ટમાં ભેગા થઈ શકાશે નહીં. તેમને પોતાની બેઠક ક્ષમતા 50% રાખવી પડશે.

ઇમેજ સ્રોત, Getty Images
યુપી સરકારે વરિષ્ઠ નાગરિકો અને જોખમી જૂથોને કહ્યું છે કે હોળીની ઉજવણી ન કરે. વહીવટીતંત્રની પરવાનગી વગર કોઈ શોભાયાત્રા અથવા સમારોહ યોજી શકાશે નહીં. જે રાજ્યોમાં કોરોના વાઇરસના વધારે કેસ છે ત્યાંથી આવનાર વ્યક્તિનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે.
મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકોને અપીલ કરી છે કે તેઓ ઘરની અંદર હોળીની ઉજવણી કરે. હોળી પ્રસંગે કોઈ પણ પ્રકારના મેળાનું આયોજન કરવામાં આવશે નહીં. કોઈ પણ કાર્યક્રમમાં 20થી વધુ લોકો સામેલ નહીં થઈ શકે.
બિહાર સરકાર દ્વારા હોળી મિલન કાર્યક્રમો પર પ્રતિબંધ લાદ્યી દેવામાં આવ્યો છે. બીજા રાજ્યોથી આવતાં લોકોનો ઍરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર ટેસ્ટ કરવામાં આવશે.
ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે લોકો પારંપરિક રીતે હોળીની ઉજવણી કરી શકે છે. હોળીના દિવસે જાહેર સમારંભો અને ભીડ એકઠી થઈ શકે તેવા કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે નહીં.

બીજી લહેર ઝડપી કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસના પ્રથમ લહેર હતી ત્યારે 50 હજારના આંક સુધી પહોંચવામાં ચારથી પાંચ મહિનાનો સમય લાગ્યો હતો, પરંતુ બીજી લહેરમાં માત્ર એક મહિનાની અંદર કેસ 9000થી વધીને 50 હજાર સુધી પહોંચી ગયા છે.
ડૉ. ધ્રુવ કહે છે કે, "પ્રથમ લહેર હતી ત્યારે લૉકડાઉન હતું અને ચેપ ઓછો હતો. અત્યારે લૉકડાઉન નથી. લોકો એકબીજાને મળી રહ્યાં છે. બીજી બાજુ નવા વેરિએન્ટ્સ પણ બહાર આવી રહ્યાં છે. પંજાબમાં નવો વેરિએન્ટ મળી આવ્યો છે, જેની ચેપ લગાવવાની ક્ષમતા 50થી 60 ટકા વધારે છે. તેના કારણે નવી લહેર ઝડપથી આગળ વધી રહી છે. "
"એપ્રિલ અને મે મહિનો આપણા માટે પડકારજનક બની રહેશે. બીજી લહેરની પીક માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. એ અલગ-અલગ રાજ્યો પ્રમાણે અલગ-અલગ આવશે. કોઈ રાજ્યમાં ઓછા કેસ છે તો કોઈ રાજ્યમાં વધારે કેસ છે, ત્યાં પીક તેમની સ્થિતિ પ્રમાણે આવશે.

રસીકરણ અનેલૉકડાઉન

ઇમેજ સ્રોત, Getty Images
ગયા અઠવાડિયે આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલે કહ્યું હતું કે "જેમ કે આપણે જોઈ રહ્યાં છીએ કે બીજી લહેર ઝડપથી આવી ગઈ છે અને અમે કોરોના વાઇરસ સામે લડતા એક વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ. આપણું ધ્યાન ટેસ્ટિંગ, માસ્ક પહેરવા પર અને રસીકરણ પર છે."
રસીકરણ છતાં કોરોનાની ઝડપ ઘટાડવા માટે ઘણા રાજ્યોમાં લૉકડાઉન અથવા કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં કોરોના વાઇરસને અટકાવવા માટે કયાં પગલાં અસરકારક સાબિત થઈ શકે છે એ વિશે ડૉક્ટર રાકેશ સાથે બીબીસીએ વાત કરી.
ડૉક્ટર રાકેશ કહે છે કે, ''લૉકડાઉન એ એક અસ્થાયી વિકલ્પ છે. તેને લાંબા સમય સુધી અપનાવી શકાય નહીં કારણ કે તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. એટલા માટે વધુને વધુ રસીકરણ કરવું એ સૌથી અસરકારક પદ્ધતિ છે. પરંતુ, તેની સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ટેવ પણ જાળવવી પડશે.
હાલમાં સરકારનું ધ્યાન એ રાજ્યોમાં કોરોના વાઇરસના કેસ ઘટાડવામાં છે જ્યાં સૌથી વધુ કેસ સામે આવ્યાં છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં પણ કેસો ઝડપથી કેસ વધી રહ્યા છે. બીજી બાજુ દિલ્હી, તમિલનાડુ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.












