Holi : શું હતું ધુળેટી, ગ્રેટ શોમૅન રાજ કપૂર અને વ્યંડળોનું કનેક્શન

ઇમેજ સ્રોત, RK STUDIO
- લેેખક, મધુ પાલ
- પદ, મુંબઈથી બીબીસી ગુજરાતી માટે
હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હોળી માત્ર કલાકારો માટે જ નહીં, ફિલ્મ પ્રશંસકો માટે પણ કુતૂહલનો વિષય રહે છે.
બોલીવૂડમાં સૌથી પ્રખ્યાત કપૂર પરિવારની હોળી હતી. પૃથ્વીરાજ કપૂરથી શરૂ થયેલી હોળીની ઉજવણીની પરંપરા રાજ કપૂર સુધી ચાલી. રાજ કપૂરના જમાનામાં આરકે સ્ટૂડિયોની હોળીની સમગ્ર હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રાહ જોતી હતી.
એ જમાનામાં નાના-મોટા બધાં જ કલાકારને રાજ કપૂરને ત્યાં હોળી રમવા નિમંત્રણ આપવામાં આવતું હતું.
તેઓ ખૂબ ગર્વનો અનુભવ કરતા હતા કેમ કે તેનાથી ઇન્ડસ્ટ્રીમાં તેમની હેસિયતનો અંદાજો લગાવી શકાતો હતો.

ઇમેજ સ્રોત, RK STUDIO
ફિલ્મ સમીક્ષક જયપ્રકાશ ચૌકસે જણાવે છે, "ઘણાં નવા કલાકારોને અહીં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાની તક મળતી હતી. જેનું ઉદાહરણ છે અમિતાભ બચ્ચન."
"અમિતાભ બચ્ચનની સતત નવ ફિલ્મોને નિષ્ફળતા મળ્યા બાદ એક વખત તેઓ આરકે સ્ટુડિયો પહોંચ્યા હતા. ત્યારે રાજ કપૂરે તેમને કહ્યું હતું કે આજે કંઈક ધમાલ થઈ જાય. જુઓ કેટલા લોકો આવ્યા છે કે જેઓ તમારી પ્રતિભા નિહાળી શકશે."
"ત્યારે પહેલી વખત અમિતાભ બચ્ચને પોતાના અવાજમાં 'રંગ બરસે ભીગે ચુનર વાલી...' ગીત ગાયું હતું અને તેઓ એ રીતે ઝૂમી પડ્યા હતા કે લોકો તેમના દીવાના થઈ ગયા. વર્ષો બાદ યશ ચોપડાએ આ ગીતનો ઉપયોગ પોતાની ફિલ્મ 'સિલસિલા'માં કર્યો હતો."

ઇમેજ સ્રોત, RK STUDIO
આરકે સ્ટુડિયોમાં મહેમાનોનું સ્વાગત રંગ ભરેલી ડોલ ઠાલવીને કરવામાં આવતું હતું અને પછી તેમણે રંગ ભરેલા પૂલમાં ડૂબકી લગાવવી પડતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે લોકો હા-ના કરતા હતા, તેમને જબરદસ્તી પૂલમાં ફેંકી દેવામાં આવતા હતા. પછી અવાજ આવતો હતો ઢોલ, મંજીરા અને હાર્મોનિયમની સાથે ગીત સંગીત કાર્યક્રમનો.
આ કાર્યક્રમમાં રાજ કપૂર પોતાના ફિલ્મ જગતના મિત્રો સાથે ગીત ગાતા હતા.
આરકે સ્ટુડિયોની ઐતિહાસિક હોળીમાં નરગિસ, વૈજયંતી માલા, હેમા માલિની, ધર્મેન્દ્ર, દિલીપ કુમાર, મનોજ કુમાર, રાજેન્દ્ર કુમાર, જીતેન્દ્ર, દારા સિંહ, રાકેશ રોશન, પ્રાણ, પ્રેમનાથ, મિથુન, રાજેશ ખન્ના, અમિતાભ, અનિલ કપૂર, શત્રુઘ્ન સિન્હા, રાખી, રેખા, શ્રીદેવી, જીન્નત અમાન જેવાં કલાકારો હાજરી આપતાં હતાં.

ઇમેજ સ્રોત, RK STUDIO
જયપ્રકાશ ચૌકસેના જણાવ્યા અનુસાર, "આ હોળીમાં દેવ આનંદ સિવાય બધા જ લોકો હાજર રહેતા હતા. દેવને હોળી રમવું ગમતું નહોતું."
"એટલે તેઓ હંમેશા આ તહેવારથી દૂર રહેતા હતા અને રાજ સાહેબ આ વાત સારી રીતે જાણતા હતા."
"એ માટે તેમણે દેવ સાહેબ સાથે ક્યારેય હોળી રમવા માટે જબરદસ્તી કરી ન હતી."
ચૌક્સે ઉમેરે છે, "બધાં લોકો જતા રહે, ત્યારબાદ સાંજે ચાર વાગ્યે રાજ કપૂરને મળવા માટે કિન્નર આવતા હતા. આરકે સ્ટુડિયોમાં તેઓ તેમની સામે રંગ ઉડાવતા હતા, રંગ લગાવતા અને તેમને પણ પોતાની સાથે નચાવતા હતા. રાજ કપૂર પોતાની નવી ફિલ્મોના ગીત તેમને સંભળાવતા અને તેમની મંજૂરી બાદ જ તે ગીતને ફિલ્મમાં રાખતા હતા."

ઇમેજ સ્રોત, RK STUDIO
"ફિલ્મ 'રામ તેરી ગંગા મેલી'નાં ગીતોમાંથી એક ગીત કિન્નરોને પસંદ ન પડ્યું તો રાજ કપૂરે એ જ સમયે રવિન્દ્ર જૈનને બોલાવ્યા અને તેમને નવું ગીત બનાવવા કહ્યું."
"ત્યારે 'સુન સાહિબા સુન...' ગીત તૈયાર થયું અને કિન્નરોને આ ગીત ખૂબ પસંદ પડ્યું હતું. તેમણે રાજ કપૂરને કહ્યું હતું કે જોઈ લેજો, આ ગીત વર્ષો સુધી ચાલશે અને થયું પણ એવું જ."
રાજ કપૂરનાં પૌત્રી કરીના કપૂર કહે છે, "મેં સાત વર્ષ સુધી મારા દાદાજી સાથે હોળી મનાવી હતી, પરંતુ તેમના નિધન બાદ મેં હોળી રમવાનું છોડી દીધું. તેમણે હોળી રમવાનો નવો અંદાજ રજૂ કર્યો હતો, પરંતુ હવે તેવું કંઈ બચ્યું નથી... હવે બસ યાદો રહી ગઈ છે."

ઇમેજ સ્રોત, RK STUDIO
1988માં રાજ કપૂરના નિધન બાદ તેમના બાળકોએ હોળીની ઉજવણી બંધ કરી દીધી હતી.
રાજ કપૂર બાદ જે બોલીવૂડ સ્ટાર્સની હોળી પાર્ટી ચર્ચામાં રહે છે તેમાં અમિતાભ બચ્ચન, યશ ચોપડા અને સુભાષ ઘાઈના નામ સામેલ છે.
સુભાષ ઘાઈની હોળી પાર્ટી તેમના મઢ આઇલેન્ડવાળા બંગલો પર થાય છે.
80ના દાયકામાં તમામ ફિલ્મી સ્ટાર્સ ઘાઈની હોળીની પાર્ટીની મજા માણતા હતા.
તો યશ ચોપડા પોતાના યશરાજ સ્ટુડિયોમાં હોળી ઊજવતા.

ઇમેજ સ્રોત, RK STUDIO
અમિતાભ બચ્ચનના જુહૂ વાળા બંગલો પર આયોજિત થતી હોળી પાર્ટીમાં બોલીવૂડના તમામ મોટા કલાકાર સામેલ થતા હતા. બચ્ચન પરિવાર દર વર્ષે ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરતો હતો.
પરંતુ 2008માં મુંબઈ પર થયેલા હુમલા બાદ બચ્ચન પરિવારે 2009માં હોળી મનાવી ન હતી.
ત્યારે અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર લખ્યું હતું, "આતંકવાદી હુમલા બાદ આપણે આ પ્રકારની ઉજવણી કરવી ન જોઈએ."
આમ પણ, તેમના પિતા હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચનના મૃત્યુ બાદ અમિતાભ બચ્ચને ધામધૂમથી હોળીની ઉજવણી કરવાનું બંધ કરી દીધું હતું.

ઇમેજ સ્રોત, KABIR
છેલ્લા કેટલાક વર્ષોથી શબાના આઝમી અને તેમના પતિ જાવેદ અખ્તરે પોતાના જૂહુ સ્થિત ઘર પર હોળીની શાનદાર પાર્ટી આપવાનું શરૂ કર્યું છે.
તેમાં ઇન્ડસ્ટ્રીના ઘણાં મોટા ચહેરાની સાથે નવા ચહેરા પણ જોવા મળે છે કે જેઓ હોળીનો આનંદ ઉઠાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












