You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : શું હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતમાં 'કિસાન આંદોલન'ને વધુ તીવ્ર બનાવશે?
આજે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપી ભારત બંધ પાળવામાં આવ્યું હતું. દિલ્હીની સિંગુર, અને ટિકરી સરહદે રસ્તા પણ બ્લૉક થયા હતા. જોકે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
ઉપરાંત રાકેશ ટિકૈતે ગુજરાતમાં આંદોલન તીવ્ર બનાવવા પણ તૈયારી દર્શાવી છે.
જોકે આ વચ્ચે ગુજરાતના અમદાવાદમાં દિલ્હીથી કેટલાક ખેડૂત આગેવાન આવ્યા હતા. આગામી 3-4 એપ્રિલના રોજ ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાત લેવાના છે તે વિશે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરવા માટે આ ખેડૂત નેતા દિલ્હીથી આવ્યા હતા.
જોકે પોલીસે ચાલુ પત્રકાર પરિષદમાં તેમની ધરપકડ કરી હતી. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અમદાવાદમાં ખેડૂત નેતા યુદ્ધવીર સિંહની ધરપકડની આકરી ટીકા કરી છે અને તેમને મુક્ત કરવાની માગ પણ કરી છે.
આ મામલે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ જણાવ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચાના નેતા યુદ્ધવીર સિંહ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી રહ્યા હતા કે રાકેશ ટિકૈત ગુજરાત આવશે.
આ વચ્ચે પોલીસે આવી તેમની અટકાયત કરી લીધી હતી.
તેજસ વૈદ્યએ જણાવ્યું હતું કે પોલીસે પત્રકાર પરિષદની મંજૂરી નથી એવું કારણ જણાવી તેમની અટકાયત કરી લીધી હતી.
તેમને પોલીસ સ્ટેશને લઈ જવાયા છે. અને કાર્યક્રમ અધવચ્ચે જ પડતો મૂકવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમારા સહયોગીને મુક્ત કરવામાં આવે, નહીં તો આંદોલન કરીશું - રાકેશ ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અમદાવાદમાં ખેડૂત નેતા યુદ્ધવીર સિંહની ધરપકડની આકરી ટીકા કરી છે અને તેમને મુક્ત કરવાની માગ પણ કરી છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે આ ગુજરાત મૉડલ છે જે અમે લોકો સામે લાવવા માગતા હતા, રાજ્યના લોકો હજુ મુક્ત નથી થયા, તેઓ પૂર્ણ રૂપે બંધનમાં છે.
તેમણે કહ્યું કે જો યુદ્ધવીર સિંહને મુક્ત કરવામાં નહીં આવે તો ગુજરાતમાં આંદોલનને સક્રિય કરવામાં આવશે અને ગુજરાતના ખેડૂતોને પણ તેમાં જોડવામાં આવશે.
રાકેશ ટિકૈતે કહ્યું, "પોલીસ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસિચવ યુદ્ધવીર સિંહ અમદાવાદમાં ચાલુ પ્રેસકૉન્ફરન્સની વચ્ચેથી ઊઠાવીને લઈ ગઈ. આ ગુજરાત મૉડલ છે જે અમે લોકોને બતાવવા માગતા હતા. લોકો ગુજરાતમાં આઝાદ નથી થયું. ગુજરાતના લોકો પૂર્ણ રૂપે બંધનમાં છે. આવું આખા દેશમાં ક્યાંય નથી થતું."
તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં સંયુક્ત કિસાન મોર્ચાની પ્રથમ પ્રેસકૉન્ફરન્સ થઈ ત્યારે પોલીસ ખેડૂત નેતાને લઈને જતી રહી. અમે આની ટીકા કરીએ છીએ.
તેમણે માગ કરી કે તેમને રાત સુધી મુક્ત કરવામાં આવે.
રાકેશ ટિકૈતે કહ્યું, "ચાર અને પાંચ એપ્રિલે ગુજરાતમાં બેઠકો છે, ગુજરાતના મુદ્દાઓ લઈને આગળ વધશું અને ગુજરાતના ખેડૂતોને પણ એમએસપી જોઈએ છે. ગુજરાતના ખેડૂતોને દેશના ખેડૂતો સાથે જોડશું. ગુજરાતમાં એવું શું છે કે કોઈ બહારના લોકો ત્યાં ન જઈ શકે. દેશમાં આ પરિસ્થિતિ નહીં ચાલે. જો યુદ્ધવીર સિંહને મુક્ત કરવામાં નહીં આવે તો આંદોલન વધારવામાં આવશે."
ખેડૂત આંદોલનને ચાર મહિના પૂર્ણ, આજે 12 કલાક સુધી ભારત બંધ
કેન્દ્રની મોદી સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિકાયદાના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ચાર મહિના થઈ ગયા છે. આ તકે ખેડૂત સંગઠનોએ શુક્રવારે ભારત બંધનું એલાન આપ્યું છે. 26 માર્ચે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ભારત બંધનું આહ્વાન કરાયું છે.
આ બંધની અપીલ સંયુક્ત કિસાન મોરચાએ કરી છે, જે પંજાબમાં ચાલીસ ખેડૂત સંગઠનો અને અન્ય રાજ્યોના કેટલાંય ખેડૂત સંગઠનોના ખેડૂતોની એક સંયુક્ત સમિતિ છે.
26 નવેમ્બર 2020એ દિલ્હીનાં પડોશી રાજ્યોમાંથી આવેલા ખેડૂતોએ દિલ્હીની સરહદો પર કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિકાયદાઓનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને સરકારને આ કાયદાઓ રદ કરવાની માગ કરી હતી.
આ સાથે જ ખેડૂત સંગઠનો માગ કરી રહ્યા છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપી પર પાકની ખરીદી ચાલુ રાખે અને આને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ લાગુ કરવામાં આવે.
આની પહેલાં પણ ખેડૂત સંગઠનોએ ભારત બંધનો કોલ આપ્યો હતો.
પંજાબ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોના હજારો ખેડૂતો દિલ્હીની સિંગુર, ટિકરી અને ગાઝીપુર સરહદ પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની માગ છે કે આ ત્રણ કૃષિકાયદાને નાબૂદ કરવામાં આવે અને એમએસપીને લઈને કાયદાકીય ગૅરંટી આપવામાં આવે.
આંદોલન કરી રહેલા ખેડૂતોને ભય છે કે નવા કૃષિકાયદાથી એમએસપી ખતમ થઈ જશે. જોકે વડા પ્રધાન મોદી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ અનેક વખત કહી ચુક્યા છે કે 'એમએસપી હતી, છે અને રહેશે.'
સંયુક્ત કિસાન મોરચાના દર્શનપાલસિંહે કહ્યું કે ખેડૂતો ગત ચાર મહિનાથી દિલ્હીમાં પ્રદર્શનો કરી રહ્યા છે પણ સરકાર તેમની માગો પૂર્ણ કરવાને બદલે તેમના આંદોલનને બદનામ કરી રહી છે.
તેમણે અપીલ કરી છે, "આ બંધને સફળ બનાવવા માટે ખેડૂત સાથીઓ અને બીજા સમર્થકો શાંતિપૂર્ણ રીતે લોકોને અપીલ કરે અને લોકોને દુકાન બંધ કરવાની વિનંતી કરે."
તેમણે એવું પણ ઉમેર્યું કે ખેડૂતો સરકાર પર દબાણ વધારવા માટે ભારત બંધનું આહ્વાન કરી રહ્યા છે, આનો ઉદ્દેશ લોકોને મુશ્કેલી પહોંચાડવાનો નથી.
'122 દિવસથી ચાલી રહેલું આંદોલન ઉપલબ્ધિ'
26 માર્ચના ભારત બંધ વિશે વાત કરતાં સંયુક્ત કિસાન મોર્ચાના નેતા અને ભારતીય કિસાન યુનિયન દોઆબાના નેતા મંજીત સિંહે બીબીસી પંજાબીને જણાવ્યું કે આપાતકાલીન મેડિકલ સેવાને છોડીને રેલવે સહિત સડક પરિવહન અને બજારો બંધ રાખવામાં આવશે.
તેમણે પંજાબના સંદર્ભમાં જણાવ્યું કે શીખ તહેવાર હોલા-મોહલ્લા પર્વમાં ભાગ લેવા આનંદપુર જતા લોકોને રોકવામાં નહીં આવે.
ઑલ ઇન્ડિયા કિસાનસભાના નેતા કૃષ્ણ પ્રસાદે કહ્યું છે કે ખેડૂતોનું આંદોલન 122 દિવસથી ચાલી રહ્યું છે અને આ એક મોટી ઉપલબ્ધિ છે. આગામી સમયમાં આંદોનલ વધુ વેગ પકડશે એવું પણ એમણે કહ્યું છે.
ભારત બંધ દરમિયાન રાજ્યો, જિલ્લા, તાલુકા અને ગામડાંમાં વિરોધપ્રદર્શન યોજવાની તેમણે વાત કરી છે.
માનવામાં આવી રહ્યું છે કે આના લીધે 12 કલાક સુધી એટલે કે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રેલવે અને માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો