તમિલનાડુ ચૂંટણીઃ જાણો આ વખતના ચૂંટણીજંગની ખાસ વાતો

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
આ વર્ષે અન્ય રાજ્યોની સાથે તમિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણીની તારીખની જાહેરાત બાદ રાજ્યમાં સત્તાની દૌડમાં સામેલ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.
તમિલનાડુના રાજકારણમાં છેલ્લા પાંચ દાયકાથી બે પક્ષ-દ્રવિડ મુન્નેત્ર કડગમ (ડીએમકે) અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કડગમ (એઆઈએડીએમકે) મહત્વના બની રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એઆઈએડીએમકેનાં પ્રમુખ જે. જયલલિતા 2016માં મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ કરુણાનિધિનું મૃત્યુ 2018માં થયું હતું.
મહત્વના આ બન્ને નેતાઓના મોત પછી રાજ્યમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ સંજોગોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી અત્યંત રસપ્રદ બની રહેશે. અહીં આ બન્ને પ્રમુખ પક્ષો સમક્ષ પોતાનું સામર્થ્ય સાબિત કરવાનો પડકાર છે.
એઆઈએડીએમકે સાથેના ગઠબંધનમાં ચૂંટણી લડી રહેલી બીજેપી માટે આ ચૂંટણી દક્ષિણ ભારતમાં પોતાનો વ્યાપ વિસ્તારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. કોંગ્રેસે આ ચૂંટણી માટે ડીએમકે સાથે હાથ મિલાવ્યા છે.
તમિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ 2021ની 24, મેએ પૂર્ણ થઈ રહ્યો છે. અહીં કૂલ 234 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી થવાની છે.
2021ની 6, એપ્રિલે અહીં એક તબક્કામાં મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 2021ની બીજી, મેએ જાહેર કરવામાં આવશે.

ક્યા પક્ષો મેદાનમાં છે?

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
તમિલનાડુની સત્તાધારી એઆઈએડીએમકે આ વખતે બીજેપી સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. એઆઈએડીએમકેએ બીજેપીને 20 બેઠકો આપી છે.
એઆઈએડીએમકે-બીજેપી ગઠબંધનને મુખ્ય વિરોધ પક્ષ ડીએમકે જોરદાર ટક્કર આપી રહ્યો હોવાનું કહેવાય છે. ડીએમકે તેના સહયોગી કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યો છે. એ ઉપરાંત વાઈકોના નેતૃત્વ હેઠળની મારુમલાર્ચી દ્રવિડ મુન્નેત્ર કઝગમ (એમડીએમકે) અને રાજ્યના 8 નાના પક્ષો ડીએમકેના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડશે. ડીએમકેને ચૂંટણીમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાનો સાથ પણ મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીએમકેએ આ વખતે કોંગ્રેસને ઓછી બેઠકો આપી છે. કોંગ્રેસ માત્ર 25 બેઠકો પરથી લડશે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા અને વિદુતલાઈ ચિરુતાગલ કચ્છીને 6-6 બેઠકો ફાળવવામાં આવી છે. આઈયુએમએલ અને કોંગુનાડુ મુન્નેત્ર કઝગમ 3-3 બેઠકો પરથી ચૂંટણી લડશે.
રાજ્યમાં બીજેપી અને કોંગ્રેસ અનુક્રમે 20 અને 25 બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેથી ખરી ટક્કર મુખ્ય પ્રાદેશિક પક્ષો એઆઈએડીએમકે અને ડીએમકે વચ્ચે જ છે એ સ્પષ્ટ છે.

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP via Getty Images
અભિનેતા કમલ હાસનનો ત્રણ વર્ષ જૂનો પક્ષ મક્કલ નિધિ મૈય્યમ પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યો છે.
કઈ રીતે નક્કી થશે વિજેતા?
વિધાનસભાની 234 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે.
તમિલનાડુમાં સરકાર રચવા માટે કમસેકમ 118 બેઠકો જીતવી પડશે. એટલે કે તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં જીતનો જાદુઈ આંકડો છે 118.

મુખ્ય ઉમેદવારો કોણ છે?

ઇમેજ સ્રોત, TWITTER@EPSTAMILNADU
તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી અને એઆઈએડીએમકેના નેતા ઈ. પલાનીસ્વામી, ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટાલિન, કમલ હાસન અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ એલ. મુરુગન ધારાપુરમ જેવા મુખ્ય ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.
મુખ્ય મતવિસ્તારો ક્યા છે?
રાજ્યના એડાપ્પડી વિધાનસભા મતવિસ્તાર પર સૌની નજર રહેશે, કારણ કે મુખ્યમંત્રી પલાનીસ્વામી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આ બેઠક પરથી 1989, 1991, 1996, 2006, 2011 તથા 2016માં ચૂંટણી લડી ચૂક્યા છે અને 1989, 1991, 2011 તથા 2016 એમ ચાર વખત તેમનો વિજય થયો હતો.
ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટાલિન કોલાથુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે એટલે તેના પર પણ લોકોની નજર રહેશે.
એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ ચેપક બેઠક પરથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરવાના છે.
કોઈમ્બતૂર સાઉથ વિધાનસભા મતવિસ્તાર પણ ખાસ છે, કેમ કે કમલ હાસન એ બેઠક પરથી નસીબ અજમાવી રહ્યા છે.
બીજેપીના પ્રદેશ અધ્યક્ષ એલ. મુરુગન ધારાપુરમ બેઠકના ઉમેદવાર છે. તેથી તેના પર પણ બધાની નજર રહેશે. બીજેપીના વરિષ્ઠ નેતા એચ. રાજા કરાઈકુડી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણીમાં મુખ્ય મુદ્દા ક્યા છે?

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
સત્તાધારી એઆઈએડીએમકે સામે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. તેના ઘણા નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ છે.
વિરોધ પક્ષના મતાનુસાર, એઆઈએડીએમકે પર બીજેપીનું વર્ચસ છે અને ગઠબંધનમાં બીજેપી જોર વધી રહ્યું છે. આ ગઠબંધનની સરકાર બનશે તો રાજ્યમાં સત્તા બીજેપીના હાથમાં હશે અને તે પોતાની નીતિ મનફાવે તેમ અમલી બનાવશે. વિપક્ષે આ વાતને મુદ્દો બનાવી છે.
તમિલનાડુ ચૂંટણીમાં નીટ પ્રવેશ પરીક્ષાનો મુદ્દો મહત્વનો જણાઈ રહ્યો છે. તમિલનાડુની મેડિકલ કોલેજોમાં એડમિશન માટે લેવામાં આવતી નીટ પરીક્ષાનો સતત વિરોધ થતો રહ્યો છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુનો મુદ્દો પણ ચૂંટણીમાં ચર્ચાઈ રહ્યો છે. ડીએમકેનું કહેવું છે કે એ સત્તા પર આવશે તો "જયલલિતાના મૃત્યુ પાછળના ખરા કારણ"ની તપાસ કરશે.
ચૂંટણીમાં જીત મળશે તો ટેક્સીસમાં અને પેટ્રોલના ભાવમાં ઘટાડાનું વચન પણ ડીએમકેએ આપ્યું છે.
ચેન્નઈથી સેલમ સુધીનો 277 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે પ્રોજેક્ટ પણ ચૂંટણીનો મુદ્દો બન્યો છે. કોર્ટે આ એક્સપ્રેસ વેના નિર્માણ સામે સ્થગન આદેશ આપ્યો હતો, પણ આ પ્રોજેક્ટને આગળ વધારવાના સંકેત કેન્દ્રની બીજેપી સરકારે કેન્દ્રીય બજેટમાં આપ્યા હોવાનું કહેવાય છે.
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ધર્મનો મુદ્દો પહેલીવાર જોવા મળી રહ્યો છે. ડીએમકે-કોંગ્રેસ-ડાબેરી પક્ષોના ગઠબંધનને બીજેપીનું ગઠબંધન 'હિન્દુ-વિરોધી' ગણાવી રહ્યું છે.
આ બધાની વચ્ચે બીજેપીના સહયોગી પક્ષ એઆઈએડીએમકેએ વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિશેનું પોતાનું વલણ બદલી નાખ્યું છે. અન્નાદ્રમુકે તેના ચૂંટણીઢંઢેરામાં સ્પષ્ટ જણાવ્યું છે કે તે સીએએ પાછો ખેંચવા માટે કેન્દ્ર સરકાર પર સતત દબાણ કરતો રહેશે. અલબત, અન્નાદ્રમુકે બે વર્ષ પહેલાં રાજ્યસભામાં સીએએને ટેકો આપ્યો હતો.

ગત ચૂંટણીમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP via Getty Images
2016ની વિધાનસભા ચૂંટણીમાં એઆઈએડીએમકેએ જયલલિતાના નેતૃત્વમાં 136 બેઠકો જીતીને સરકાર રચી હતી. ડીએમકેને 89, કોંગ્રેસને 8 અને આઈયુએમએલને એક બેઠક મળી હતી. એટલે કે ડીએમકે તથા અન્ય પક્ષોને કૂલ 98 બેઠકો મળી હતી.
એઆઈએડીએમકેએ 2016માં બીજેપી સાથે ગઠબંધન કર્યું ન હતું. એ વખતે બીજેપી તમિળનાડુમાં ખાતું પણ ખોલી શકી ન હતી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












