ગુજરાતના એ 'ડૉક્ટર' બાબુઓ, જેમને કોરોના સામેની લડાઈમાં મેદાને ઉતાર્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં દિવસો સુધી કોરોના કેસમાં ઘટાડો નોંધાયા બાદ ઉછાળો દેખાવા લાગ્યો છે અને વિજય રૂપાણી સરકાર પણ સફાળી જાગી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રીઓની બેઠક દરમિયાન 'બીજી લહેર'ની ચેતવણી ઉચ્ચારી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે ગુજરાતના આઠ જિલ્લામાં કેસોની સંખ્યામાં થયેલા ઉછાળા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આને પગલે રાજ્ય સરકારે ચાર મહાનગરમાં કોરોના સંબંધિત કામગીરીના સંકલન માટે નોડલ ઑફિસરોની ટીમ જાહેર કરી છે.
માર્ચ-2020થી માર્ચ 2021ની વચ્ચે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નોડલ ઑફિસરોનું 'નિમણૂકચક્ર' પૂર્ણ થયું છે.
સાવચેતીના પગલારૂપે ગુજરાતનાં ચાર મહાનગરોમાં તા. 31મી માર્ચ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ વિગતો અનુસાર શનિવારે સમગ્ર રાજ્યમાં 6,737 ઍક્ટિવ કેસ હતા. જે પૈકી 69 દર્દીઓ વૅન્ટિલેટર પર હતા.

'ડૉક્ટર બાબુઓ'ની ટીમ ઉતારી
ગુજરાત સરકારે કોરોનાના વધતા કેસોની સમીક્ષા કરવા માટે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલ, મુખ્યસચિવ અને આરોગ્યસચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી.
જેમાં ચાર મહાનગરોમાં કોરોના કેસોને કાબૂમાં લેવા માટે ઉચ્ચ અધિકારીઓને નોડલ ઑફિસર તરીકે નીમવાની જાહેરાત કરાઈ. આ અધિકારીઓ અલગ-અલગ વિભાગ વચ્ચે સંકલનની કામગીરીને સુદૃઢ કરીને કોરોનાના કેસોને કાબૂમાં લેવામાં મદદ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કામગીરી માટે અમદાવાદમાં ડૉ. રાજીવકુમાર ગુપ્તાની, વડોદરા માટે ડૉ. વિનોદ રાવ, રાજકોટમાં ડૉ. રાહુલ ગુપ્તા તથા સુરત માટે એમ. થેન્નારસનની નિમણૂક કરાઈ છે.
કેન્દ્ર સરકારના આરોગ્યમંત્રાલયના વિશ્લેષણ મુજબ, ગુજરાતના આઠ જિલ્લામાં તા. પહેલી માર્ચથી 15મી માર્ચ દરમિયાન કોરોનાના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો હતો.
આ જિલ્લાઓમાં મહેસાણામાં 4થી 10, સુરતમાં 64થી 262, ભાવનગરમાં 5થી12, આણંદમાં 9થી 14, ખેડામાં 7થી 23, અમદાવાદમાં 99થી 209, ગાંધીનગરમાં 10થી 18 અને ભરૂચમાં 3થી 31 પર પહોંચ્યા છે.
આ આંકડા ટકાવારીની દૃષ્ટિએ આવેલા ઉછાળાને સૂચિત કરે છે, પરંતુ 'નક્કર આંકડા'ની દૃષ્ટિએ વડોદરા (84થી 93) અને રાજકોટ (50થી 95) ઉપર પહોંચ્યા છે.

અમદાવાદમાં ડૉ. રાજીવ ગુપ્તા

ઇમેજ સ્રોત, @drrajivguptaias
અમદાવાદમાં કોરોના સંબંધિત કામગીરીની ઉપર નજર રાખવા તથા અન્ય વિભાગો સાથે સંકલન કરવા માટે વન અને પર્યવરણ મંત્રાલયના અધિક સચીવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે.
ગુપ્તા 1986ની બૅચના IAS (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ઑફિસર છે. ઉત્તર પ્રદેશના અલાહાબાદના ગુપ્તાએ વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમણે ગોલ્ડમેડલ મેળવ્યો હતો.
ત્યારબાદ તેમણે રાજનીતિ શાસ્ત્રમાં સ્નાતકોત્તર અભ્યાસ કર્યો અને આંતરરાષ્ટ્રીય કાયદામાં Ph.D. કર્યું છે. સનદી અધિકારી તરીકેની પ્રારંભિક કારકિર્દીમાં તેમણે મહેસાણા, સાબરકાંઠા તથા વડોદરાના કલેકટર તરીકે ફરજ બજાવી છે.
2013થી તેઓ જીએનએફસી (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ)ના મૅનેજિંગ ડિરેક્ટર (એમ.ડી.) તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સિવાય છેલ્લાં સવાં બે વર્ષથી તેઓ 'વિઝિબ્લિટીવાળા' સરદાર સરોવરના એમ.ડી.નું પણ પદ સંભાળી રહ્યા છે.
ગુપ્તા સાથે નજીકથી કામ કરનારી એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, તેઓ ભારે 'વર્કૉહોલિક' છે અને તેમને સોંપવામાં આવેલી કામગીરીને 'ગમે તે ભોગે' પૂરી કરી જાણે છે.
ડૉ. ગુપ્તાની ગણતરી 'સંપન્ન અધિકારી' તરીકે થાય છે, તેમના વિશે કહેવાય છે કે, 'તેમને બધી બાબતોની માહિતી હોય છે અને કોઈ કર્મચારી તેમને 'પટ્ટી' ન પઢાવી શકે.
ગુપ્તા કૉમ્યુનિકેટ કરી જાણે છે. તેઓ ટ્વિટર ઉપર ઍક્ટિવ છે, જ્યાં તેમના 25 હજાર કરતાં વધુ ફૉલોઅર્સ છે. આ સિવાય બહુ થોડા અધિકારી એવા હશે, જેમની સેવાકાળ દરમિયાન જ વેબસાઇટ ઍક્ટિવ હોય અને ગુપ્તા તેમાંના એક છે.

રાજકોટમાં ડૉ. રાહુલ ગુપ્તા

ઇમેજ સ્રોત, Source: Jagdish Acharya
ડૉ. રાહુલ ગુપ્તા ઉદ્યોગખાતાના કમિશનર છે, જેમને રાજકોટનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. અમદાવાદમાં જન્મેલા ગુપ્તાએ બી.કૉમ. તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો છે.
તેમણે 'માનવવિકાસ સૂચકાંક' વિષય ઉપર મહાશોધ નિબંધ લખીને ડૉક્ટરેટની ડીગ્રી હાંસલ કરી છે. તેઓ 2004ની બૅચના IAS અધિકારી છે.
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ એપ્રિલ-2018માં વિજય રૂપાણી તેમને રાજકોટના જિલ્લા કલેકટર તરીકે જૂનાગઢથી લઈ આવ્યા.
રાજકોટ એ મુખ્ય મંત્રીનું 'હોમ સિટી' છે, જેઓ રાજકોટ-પશ્ચિમની બેઠક ઉપરથી ધારાસભ્ય છે. ગુપ્તા રાજકોટના તંત્રને જાણે છે અને તેમણે તેને નજીકથી જોયું છે.
વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના કહેવા પ્રમાણે, "રાજકોટમાં પોતાના કાર્યકાળ દરમિયાન ગુપ્તાએ મહેસૂલવિભાગમાં નોંધપાત્ર કામગીરી કરી. જ્યાં તેમણે છેલ્લાં લગભગ 30 વર્ષ દરમિયાનની પડતર સેંકડો ફાઇલોનો નિકાલ કર્યો હતો."
આ સિવાય જૂન-2019માં 'વાયુ' નામનું ચક્રવાત ત્રાટકવાનું હતું ત્યારે તેમણે 'આગોતરી તૈયારી' દ્વારા ઇમ્પ્રેસ કર્યા હતા. આ સિવાય તેઓ 'ઔચક (અચાનક) નિરીક્ષણો' માટે ચર્ચિત હતા.
આચાર્ય ઉમેરે છે કે રાજકોટમાં AIIMS (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ને માટે ડૉ. વિક્રાંત પાંડેએ કરેલા પ્રત્યનોને આગળ વધારવાનું કામ ડૉ. ગુપ્તાએ કર્યું અને કેન્દ્ર સરકાર સાથેના સંકલનને સુગમ બનાવ્યું.
ઑગસ્ટ-2019માં તેમને 'સ્થળ પર જ બઢતી' આપવામાં આવી હતી.
સપ્ટેમ્બર-2020માં તેમણે GCSRA (ગુજરાત કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબ્લિટી ઑથૉરિટી) પાસેથી મેળવીને ચાર રોબૉટ ગુજરાતની સિવિલ હૉસ્પિટલ ખાતે મોકલાવ્યા છે.
ગુજરાતમાં કાર્યરત્ કંપનીઓની કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબ્લિટીની પ્રવૃત્તિઓ અને ભંડોળને વાળવા માટે આ સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે.

વડોદરામાં ડૉ. વિનોદ રાવ

ઇમેજ સ્રોત, Twitter@FICCIARISE
શિક્ષણવિભાગના સચિવ વિનોદ રાવને વડોદરાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
શિક્ષણવિભાગ એ ગુજરાત સરકારનો સૌથી મોટો વિભાગ છે, તેનો સ્ટાફ સૌથી વધુ છે અને તેની બજેટની ફાળવણી પણ સર્વાધિક હોય છે.
ડૉ. રાવ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરશનના કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને શહેરી વિસ્તારોમાં આરોગ્યવિભાગ મહાનગરપાલિકા હેઠળ આવે છે.
ડૉ. રાવની કામગીરી અંગે કહેવાય છે કે રાજ્યમાં 'રાઇટ ટુ ઍજ્યુકેશન'ના અમલ માટે વિશેષ રસ લે છે. આ માટે તેમણે જિલ્લા અને તાલુકાસ્તર સુધીની વ્યવસ્થા કરી છે. RTEની જોગવાઈ હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ ઘરના વિદ્યાર્થીઓને ઍડમિશન આપવાનું હોય છે.
શિક્ષકોને જ ગાંધીનગરમાં બોલાવીને તેમણે 'કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટર' ઊભું કર્યું છે. ડૉ. રાવ 'ડેટા ડ્રિવન' વ્યક્તિ છે. શિક્ષકો કઈ કામગીરી અને કેવી કામગીરી કરે છે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરી છે.
જો શાળામાં નિશ્ચિત સંખ્યામાં વિદ્યાર્થી ન થાય તો શાળાને અન્ય શાળા સાથે ભેળવી દેવાની નીતિ અપનાવી છે, જેના કારણે 'શિક્ષણના ખાનગીકરણ'ને પ્રોત્સાહન મળી રહ્યું હોવાના આરોપ લાગે છે.
શિક્ષકો પાસેથી સર્વેની કામગીરી પણ કરાવવામાં આવે છે. આ બધાને કારણે ઘણીવખત શિક્ષક 'શિક્ષણ સિવાયની બધી કામગીરી' કરતા હોય છે.
રાવ જ્યારે વડોદરાના કમિશનર હતા, ત્યારે ભાજપના જ એક જૂથે તેમની સામે આંગળી ચીંધી હતી, પરંતુ બાદમાં એ પ્રકરણ સંકેલાઈ ગયું હતું. રાવને 'મુખ્ય મંત્રીકાર્યાલયમાં દિલ્હીના અધિકારી'નું પીઠબળ હોવાનું કહેવાય છે.
ડૉ. રાવ 2000ની બૅચના IAS અધિકારી છે અને તેમની જ બૅચના અન્ય એક અધિકારી એમ. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે.

સુરતમાં એમ. થેન્નારસન

ઇમેજ સ્રોત, Twitter@DarshanaJardosh
એમ. થેન્નારસને સપ્ટેમ્બર-2016થી સપ્ટેમ્બર-2019 સુધી ત્રણ વર્ષ માટે સુરતના મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર તરીકે ફરજ બજાવી હતી. વરિષ્ઠ પત્રકાર ફયસલ બકીલીના કહેવા પ્રમાણે :
"મ્યુનિસિપલ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે 'સ્માર્ટ સિટી'ના પ્રોજેક્ટની ફાઇલ તૈયાર કરવામાં તથા તેના માટે જરૂરી પ્રેઝન્ટેન્શ વગેરે માટે નોંધપાત્ર કામગીરી બજાવી હતી."
"તેઓ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની સૂરત (ભૂગોળ) અને જે-તે અધિકારીની સીરતથી વાકેફ છે. જે તેમને મદદરૂપ થશે."
થેન્નારસને કિટવિજ્ઞાનમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે.

'નિમણૂકચક્ર'નું એક વર્ષ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
એવું નથી કે ગુજરાત સરકારે મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારોમાં કોરોના સંબંધિત કામગીરી ઉપર નજર રાખવા અને સંકલન માટે પહેલી વાર અધિકારીઓની નિમણૂક કરી હોય. માર્ચમાં જ આ 'નિમણૂકચક્ર'ને એક વર્ષ પૂર્ણ થયું છે.
માર્ચ-2020માં કોરોનાએ ગુજરાતના દરવાજે દસ્તક દીધા ત્યારે પંકજ કુમાર તથા અમદાવાદ અને ગાંધીનગર, ડૉ. રાહુલ ગુપ્તાને રાજકોટ અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવને વડોદરાના સંકલનની જવાબદારી સોંપવામાં આવી હતી.
એ સમયે વરિષ્ઠ અધિકારી એમ. એસ. પટેલને સુરતના સંકલનની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે આ વખતે એમ. થેન્નારસનની નિમણૂક કરાઈ છે.
મે મહિનામાં જ્યારે કોરોનાના કેસ વધી ગયા અને સ્થિતિ કથળવા લાગી ત્યારે જવાબદારીઓમાં ફેરબદલ કરવામાં આવી હતી.
એ સમયે ગુજરાત મૅરિટાઇમ બૉર્ડના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર મુકેશ કુમારને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
કોરોના સંક્રમિત કર્મચારીઓના 'સંપર્ક'માં આવવાથી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા હોમ ક્વોરૅન્ટીન થયા ત્યારે આ જવાબદારી સોંપવામાં આવી હતી.
એ સમયે પણ ડૉ. રાજીવ ગુપ્તાને અમદાવાદનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો, જે તેમણે 'તાત્કાલિક અસર'થી સંભાળી લીધો હતો.

ગુજરાતની સ્થિતિ અને સમીક્ષા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગુરુવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવે, મુખ્ય સચિવ અનિલ મુકિમ, શિક્ષણ વિભાગનાં અગ્રસચીવ અંજુ શર્મા, ડૉ. વિનોદ રાવ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
આ બેઠકમાં 19મી માર્ચથી 10મી એપ્રિલ દરમિયાન લેવાનારી સ્નાતક સ્તરની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આઠ મહાનગરપાલિકામાં (અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ) 19મી માર્ચથી 10મી એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય (ઑફલાઇન ઍજ્યુકેશન) બંધ કરી દેવામાં આવ્યું છે.
જોકે આ ગાળા દરમિયાન આ વિસ્તારો માટે ઑનલાઇન ઍજ્યુકેશન (હોમ લર્નિંગ) ચાલુ રહેશે.
વિપક્ષ કૉંગ્રેસનો આરોપ છે કે બંને વખત ગુજરાતમાં કોરોનાની લહેર 'સ્ટેડિયમને કારણે' આવી છે.
કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ટ્વિટર ઉપર લખ્યું :
"મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીજીની એવી કેવી લાચારી કે પોતાના શેઠના દીકરાનો આભાર માનવો પડે? સરકારે ક્રિકેટ બૉર્ડને આદેશ આપવાનો હોય કે હાશ બચી ગયા એમ માની આભાર માનવાનો હોય? લોકો આંખ ઉઘાડે નહીંતર બહુ મોડું થઈ જશે. ગુજરાતમાં પહેલા અને બીજા બન્ને કોરોના વિસ્ફોટ માટે સ્ટેડિયમ જવાબદાર છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

'બીજી લહેર'ની ચેતવણી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને રાજ્યોમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
મોદીએ કહ્યું હતું કે દેશમાં કોરોનાની 'બીજી લહેર'ને શરૂ થતી અટકાવવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. તેમણે સલાહ આપી હતી કે આ મુદ્દે ગભરાવાની જરૂર નથી.
મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, વ્યાપક રસીકરણ તથા વ્યાપક ટેસ્ટિંગ ઉપર ભાર મુક્યો હતો.
આ વર્ચ્યુઅલ બેઠકમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ સહિતના પ્રધાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ બેઠકમાં રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં દૈનિક રસીકરણની સંખ્યા દોઢ લાખની આજુબાજુ છે, જેને વધારીને ત્રણ લાખ સુધી લઈ જવામાં આવશે. આ માટે મહાનગરોમાં રાત્રે 9.30 કલાક સુધી રસીકરણની પ્રવૃત્તિ ચાલુ રખાશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 31 માર્ચની રાતથી નવથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુના આદેશ આપવામાં આવ્યા છે.
જોકે, કેન્દ્રીય આરોગ્યમંત્રાલયના અધિકારીઓના કહેવા પ્રમાણે, માત્ર નાઇટ કર્ફ્યુથી લાભ નહીં થાય અને કન્ટેઇન્મૅન્ટ ઝોનનું કડકાઈપૂર્વક પાલન કરાવવાથી જ કોરોનાને કાબૂમાં લઈ શકાશે.
ગુજરાતમાં હાલમાં (તા. 17મી માર્ચની સ્થિતિ પ્રમાણે) કોરોનાને કારણે ત્રણ હજાર 146 વિસ્તારને કન્ટેઇન્મૅન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને ચાર હજાર જેટલી સર્વેલન્સની ટીમ દ્વારા ચકાસણીની કામગીરી હાથ ધરવામા આવી છે.
રેલવેસ્ટેશન, બસસ્ટેશન, ઍરપૉર્ટ તથા અન્ય રાજ્યો સાથેની સીમા ઉપર ગુજરાતમાં પ્રવેશી રહેલા લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂર પડ્યે રેપિડ ઍન્ટિજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને ધ્યાને લેતાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપૉર્ટ સર્વિસ અને અમદાવાદ બસ રૅપિડ ટ્રાન્ઝિટે આગામી આદેશ ન મળે ત્યાં સુધી શહેરમાં પોતાની બસો થોભાવી દીધી છે.
આ ઉપરાંત અમદાવાદના તમામ જાહેર બગીચા, જિમ, બૅક્વેટ વગેરે પણ બંધ કરી દેવાયા છે.
રાજ્યમાં હોળીનો તહેવાર કોરોનાના ઓછાયા હેઠળ ઉજવાશે. અનેક આયોજકોએ હોળી સંબંધિત કાર્યક્રમોને રદ જાહેર કર્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












