અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રે 10થી સવારના છ સુધી કર્ફ્યૂ - BBC TOP NEWS

કોરોના વાઇરસના ફરી એક વખત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને ગુજરાતનાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે.

રાત્રી કર્ફ્યૂનો સમય છ કલાકથી વધારીને આઠ કલાક કરી દેવાયો છે, 17 માર્ચથી ચારેય મહાનગરોમાં રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે.

અગાઉના જાહેરનામા પ્રમાણે આજે એટલે કે 16મી માર્ચ સુધી રાતના 12થી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લદાયેલો હતો.

જે બાદ હવે કર્ફ્યૂના સમયમાં વધારો કરાયો છે.

ઑક્સફર્ડની રસી કેટલાક દેશોમાં સસ્પેન્ડ કેમ કરાઈ?

ડેન્માર્કમાં કોરોના સામે રક્ષણ આપતી ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વૅક્સિન મુકાવવાને કારણે ત્રણ લોકોને આડઅસર થતાં ત્યાંની સરકારે આ રસીના મૉડલ AZD1222ને સસ્પેન્ડ કર્યું છે. આ નિર્ણય બાદ ઑસ્ટ્રિયા, એસ્ટોનિયા, આઇસલૅન્ડ અને થાઇલૅન્ડે પણ વૅક્સિન સામે કામચલાઉ રોક લાદી દીધી હતી.

નોંધનીય છે કે ભારતમાં આ વૅક્સિન કોવિશિલ્ડના નામ હેઠળ ફ્રન્ટલાઇન વર્કરો સહિત સામાન્ય લોકોને મોટા પ્રમાણમાં આપવામાં આવી રહી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ભારતમાં પણ મેડિકલ બૉર્ડ્સ દ્વારા આ રસીનું રિવ્યૂ કરવાનો હુકમ કર્યો છે જ્યારે રસીકરણ બાદ થતી આડઅસરોના મુલ્યાંકન માટે પણ પ્રયાસો શરૂ કરી દેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જોકે અત્યાર સુધી આ રસી મુકાવવાને કારણે કોઈ સાઇડ ઇફેક્ટ થઈ હોય તેવા જૂજ સંજોગો સામે આવ્યા છે તેથી ભારતમાં સત્તામંડળો દ્વારા હજુ આ રસીના સસ્પેન્શન અંગે કોઈ ચર્ચા થઈ કરાઈ રહી નથી.

નોંધનીય છે કે પુણેસ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભારતમાં આ રસી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

મોટેરામાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજે પ્રેક્ષકો વગર રમાશે ટી20 મૅચ

આજે ભારત તથા ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજી ટી20 મૅચ અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે.

જોકે એ અગાઉ સોમવારે રાત્રે કોરોના સંક્રમણની વણસી રહેલી સ્થિતિને જોતાં લદાયેલા પ્રતિબંધો અંતર્ગત સ્ટેડિયમમાં પ્રેક્ષકોના આવવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે.

જેથી આજની ટી20 મૅચ પ્રેક્ષકોની ગેરહાજરી વચ્ચે યોજાશે.

ઉલ્લેખનીય છે કે પહેલી ટી20 મૅચમાં ઇંગ્લૅન્ડની જીત થઈ હતી, જ્યારે બીજી મૅચમાં ભારતનો વિજય થયો હતો.

ગુજરાત : કોરોનાના કેસ 900ની નજીક પહોંચ્યા

ઇન્ડિયા ટુડે ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે સોમવારે સમગ્ર ગુજરાતમાંથી કોરોનાના 890 નવા કેસ મળી આવ્યા હતા. જે બાદ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,79,097 થઈ હતી. પાછલા 24 કલાકમાં કોરોનાના કારણે સુરત જિલ્લામાં એક વ્યક્તિનું મોત પણ નીજપજ્યું હતું. આમ, અત્યાર સુધીનો રાજ્યનો કુલ મૃતાકાંક 4,425 થઈ ગયો હતો.

રાજ્ય સરકારના એક અધિકારીએ કહ્યું કે, "સુરતમાં સૌથી વધુ 262, અમદાવાદમાં 209, વડોદરામાં 97 અને રાજકોટ ખાતે 95 નવા કેસો નોંધાયા હતા. જ્યારે અન્ય જિલ્લાઓમાં 18-30 નવા કેસ જોવા મળ્યા હતા."

બીજી તરફ સમગ્ર રાજ્યમાં સોમવારે 594 કોરોનાના દર્દીઓ આ બીમારીમાંથી બેઠા થયા હતા. નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 2,69,955 દર્દીઓ આ માંદગીમાંથી બેઠા થઈ ચૂક્યા છે.

જોકે, હજુ પણ રાજ્યાં 4,717 ઍક્ટિવ કેસો છે, જે પૈકી 56 ગંભીર અવસ્થામાં છે.

રાજ્ય સરકારના એક અધિકારીએ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, "સોમવારે રાજ્યમાં 1,07,323 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી હતી. અત્યાર સુધી રાજ્યમાં 20,69,918 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મળી ચૂક્યો છે, જ્યારે 5,15,842 લોકોને રસીનો બીજો ડોઝ પણ મળી ચૂક્યો છે."

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની 50 લાખ લોકોએ મુલાકાત લીધી

ઑક્ટોબર, 2018માં થયેલ ઉદ્ઘાટન બાદ નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં સ્થિત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા, 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની અત્યાર સુધી 50 લાખ કરતાં વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. હિંદુસ્તાનટાઇમ્સ ડોટકૉમના એક અહેવાલ અનુસાર ગુજરાત રાજ્ય સરકારના એક અધિકારીએ આ જાણકારી આપી હતી.

ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી (જંગલ અને પર્યાવરણ), રાજીવ ગુપ્તાએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું હતું કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિવિધ વયજૂથના લોકો માટે જુદાં જુદાં આકર્ષણોને કારણે એક ઇન્ટરનૅશનલ ટુરિસ્ટ ડેસ્ટિનૅશન તરીકે પ્રસ્થાપિત થયું છે,

ઉદ્ઘાટન થયા બાદથી સ્ટેચ્યૂની મુલાકાત અને તેની આસપાસનાં આકર્ષણો માણવા માટે દેશ અને વિદેશમાંથી ઘણા મુસાફરો પહોંચ્યા હતા.

દેશના વિવિધ ભાગો સાથે કેવડિયાની કનેક્ટીવિટી સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા તાજેતરમાં જ દેશના વિવિધ ભાગોથી કેવડિયા સુધી ટ્રેનો શરૂ કરી છે. તેમજ અમદાવાદથી સ્ટેચ્યૂની મુલાકાત લેવા માટે સીપ્લેન સર્વિસ પણ શરૂ કરાઈ છે.

ગુજરાતની સરકારી શાળઓમાં નવ હજાર વર્ગોની ઘટ

આઉટલૂકઇન્ડિયા ડોટકૉમના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં 20 ડિસેમ્બર, 2020ની પરિસ્થિતિ મુજબ કુલ 9,405 વર્ગોની ઘટ છે.

વિપક્ષ કૉંગ્રેસના એક ધારાસભ્યના પ્રશ્નનો ઉત્તર આપતાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે વર્ગોની આ અછત નિવારવા માટે ટૂંક સમયમાં જ નવા વર્ગો બાંધવામાં આવશે.

આદિવાસીઓની વધુ વસતિ ધરાવતો દાહોદ જિલ્લો આ બાબતે 1,087 વર્ગોની ઘટની સાથે આ યાદીમાં ટોચ પર છે. જ્યારે આ યાદીમાં 662 વર્ગોની ઘટ સાથે બનાસકાંઠા છે.

આ પ્રશ્ન સાથે સંલગ્ન અન્ય એક પ્રશ્નનો ઉત્તર આપતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં પાછલાં બે વર્ષોમાં કુલ 286 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ છે.

દિલ્હી : ઉપરાજ્યપાલને વધુ સત્તા આપતું બિલ લોકસભામાં રજૂ, આપ-ભાજપ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા

કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે લોકસભામાં દિલ્હીના ઉપરાજ્યપાલને વધુ સત્તા આપતું બિલ લોકસભામાં રજૂ કરતાં પાછલા અમુક સમયથી શાંત પડેલ આમ આદમી પાર્ટી અને ભાજપના વચ્ચે ફરીથી ઘર્ષણની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આ બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્ય સરકારના કૅબિનેટ કોઈ પણ નિર્ણયનો અમલ કરતા પહેલાં ઉપરાજ્યપાલનું મંતવ્ય મેળવવાનું રહેશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારના આ પગલાંને 'ગેરબંધારણીય અને લોકશાહીવિરોધી' ગણાવીને તેની ટિકા કરી હતી.

આ હેતુ માટે કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલ બિલ, નૅશનલ કૅપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (એમેન્ડમેન્ટ) બિલ, 2021ની જોગવાઈ અનુસાર ઉપરાજ્યપાલને એ વિષયો નક્કી કરવાની સત્તા રહેશે જે માટે ચૂંટાયેલી સરકારને તેમના મંતવ્યની જરૂરિયાત હશે. તેમજ વિધાનસભામાં ઘડાયેલ કોઈ પણ કાયદામાં સરકાર શબ્દનો અર્થ ઉપરાજ્યપાલ રહેશે.

સૂત્રો પ્રમાણે આ બિલની મદદથી પાટનગર દિલ્હીને પણ અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોની માફક બનાવવાની યોજના છે. જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારનો આરોપ છે કે કેન્દ્ર સરકાર પ્રદેશમાં તેમની સરકારની કામગીરી નબળી બનાવવા માટે આવું કરી રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો