ચીને કહ્યું, હૉંગકૉંગમાં માત્ર 'દેશભક્તો'ને સત્તા મળશે, ચૂંટણી સિસ્ટમમાં ધરખમ ફેરફાર કરાશે

ચીને પોતાની સૌથી મોટી વાર્ષિક રાજકીય મિટિંગમાં જાહેરાત કરી છે કે તે હૉંગકૉંગની ચૂંટણીપ્રક્રિયામાં બદલાવ કરશે, જેથી માત્ર "દેશભક્તો" પ્રભારી તરીકે કામ કરે.

સાથે જ ચીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી છેકે હૉંગકૉંગને લગતી બાબતોમાં દખલ દેવામાં ન આવે. ચીનના વડા પ્રધાન કેકિયાંગે નેશનલ પીપલ્સ કૉંગ્રેસ (એન.પી.સી.)માં કહ્યું હતું કે ચીન આ પ્રકારના કોઈપણ પ્રયાસનો સખત વિરોધ કરશે.

આ જાહેરાત એ વાતના સંકેત આપે છે કે સરકાર હવે હૉંગકૉંગમાં વિરોધ સહન નહીં કરે.

હૉંગકૉંગમાં વિરોધને ડામી દીધા બાદ અને કડક નિંયત્રણો લાદ્યા બાદ આ સુધારા જાહેર કરવામાં આવ્યા છે.

અઠવાડિયા સુધી ચાલનારી નેશનલ પીપલ્સ્ કૉંગ્રેસ (એનપીસી)માં આ મુદ્દે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, જેની ઉપર સંસદમાં ચર્ચા થશે.

બીજિંગમાં ચાલી રહેલી આ બેઠકમાં હાજરી આપવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં કૉમ્યુનિસ્ટ પાર્ટીના પ્રતિનિધિઓ ભેગા થયા છે.

એન.પી.સી.ના ઉપાધ્યક્ષ વેંગ ચેનએ જણાવ્યું કે શહેરની ચૂંટણીપદ્ધતિમાં બદલાવ કરાશે અને હૉંગકૉંગની ઇલેક્ટોરેલ કમિટીને લેજિસ્લેટિવ કાઉન્સિલ કરતાં વધુ સત્તા આપશે. ઇલેક્ટોરેલ કમિટીને લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્યોની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવશે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, 70 બેઠક ધરાવતી લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બેઠકો વધારવામાં આવશે અને વધારાના સભ્યોની નિમણૂક ઇલેક્ટોરેલ કમિટી દ્વારા કરવામાં આવશે. તેનાથી લોકો દ્વારા ચૂંટવામાં આવેલા સભ્યોની સંખ્યા ઘટી જશે. ઇલેક્ટોરેલ કમિટી ચીનતરફી વલણ ધરાવે છે.

હૉંગકૉંગના નિર્ણય ઉપરાંત આર્થિક વિકાસના લક્ષ્યો અને પર્યાવરણીય નીતિઓ વિશે ચર્ચા થાય તેવી શક્યતા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો