ભાવનગર : FB પોસ્ટ લખવા મુદ્દે કોળી યુવકની હત્યા, બેની ધરપકડ

ઇમેજ સ્રોત, Dhapa family
ભાવનગરના કાટકડા (તાલુકો મહુવા) ગામે કથિત રીતે ફેસબુક પોસ્ટ લખવા મુદ્દે કોળી યુવકની હત્યા થઈ છે.
મૃતકે એક આરોપીની પુત્રીને ભગાડવામાં મિત્રની મદદ કરી હોવાની આશંકાએ તણાવ પ્રવર્તતો હતો, ત્યાં ફેસબુક પોસ્ટને કારણે મામલો બિચક્યો હતો.
આરોપીઓએ લાકડી અને પાઇપથી મૃતકને માર માર્યો હતો. મૃતકના પિત્રાઈ ભાઈએ ગામના બે દરબાર શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ આ મુદ્દે 'જ્ઞાતિવાદ'ની વાતને નકારે છે અને બે શખ્સની ધરપકડ કરી છે, જેમને સોમવારે સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

પ્રેમપ્રકરણ અને પોસ્ટનો વિવાદ

ઇમેજ સ્રોત, Dhapa family
ફરિયાદી મથુરભાઈ તેજાભાઈ ઢાપાના કહેવા પ્રમાણે, તેમના કાકા ગાભાઈ અને કાકીનાં મૃત્યુ બાદ તેમના પિત્રાઈ ભાઈ પ્રવીણ તથા તેમનાં બહેન દયા તેમની સાથે રહેતાં હતાં.
22 વર્ષીય પ્રવીણ ભાવનગરની કૉલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા, પરંતુ લૉકડાઉનના કારણે કૉલેજ બંધ થઈ ગઈ હોઈ, તેઓ ગામડે પરત આવી ગયા હતા. બંને ભાઈબહેન મથુરભાઈને ખેતમજૂરીકામમાં મદદ કરતાં હતાં.
એફ.આઈ.આર. પ્રમાણે, ત્રણેક મહિના અગાઉ ગામમાં જ રહેતા મેરામભાઈ કામળિયાનાં પુખ્તવયનાં પુત્રીએ ભાટકડા ગામના જયદીપ કોળી સાથે લગ્ન કર્યું હતું. જયદીપ તથા પ્રવીણ મિત્ર હોઈ મેરામભાઈને આશંકા હતી કે તેમનાં પુત્રીને ભાગી જવામાં પ્રવીણે મદદ કરી છે.
એફ.આઈ.આર પ્રમાણે પ્રવીણે ફેસબુક પર "રાણો રાણાની રીતે, કોળી સમાજનું નામ રોશન કર્યું" એવું લખ્યું હતું. આ પોસ્ટને કારણે આરોપી ઉશ્કેરાયા હતા અને પ્રવીણનું અપહરણ કર્યું હતું
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

માર માર્યો અને વીડિયો ઉતાર્યો
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર જયદીપ વસંતને ફરિયાદીએ આપેલી વિગત પ્રમાણે, 'શુક્રવારે મેરામભાઈ તથા ગામમાં જ મહિપતભાઈએ તેમની વાડીએ પ્રવીણને ગોંધી રાખ્યો હતો અને આરોપીઓના હાથમાં લાકડી અને પાઇપ હતા.'
'આરોપીઓએ મથુરભાઈને તેમના જ પિત્રાઈ પ્રવીણને સોટીથી ન મારે તો પ્રવીણને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મથુરભાઈએ હળવેકથી તેમના ભાઈ પ્રવીણને સોટી મારી હતી. આરોપીઓએ તેનો વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ પ્રવીણને પછાડીને તેમના સાથળ ઉપર લાકડી અને પાઇપથી પ્રહાર કર્યા હતા.'
માર માર્યા બાદ આરોપીઓએ મથુરભાઈને તેમના ભાઈ પ્રવીણને ત્યાંથી લઈ જવા કહ્યું હતું.
લોહીલુહાણ અવસ્થામાં પ્રવીણને ખભે નાખીને મથુરભાઈ રોડ સુધી લઈ ગયા હતા. દરમિયાન મથુરભાઈના ફોનના આધારે 108ની ઍમ્બુલન્સ પણ ત્યાં આવી પહોંચી હતી.
જ્યાંથી પ્રવીણને સારવાર અર્થે તળાજા લઈ જવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર અર્થે તેમને ભાવનગરની સર ટી. હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં ફરજ પરના તબીબે પ્રવીણને મૃત જાહેર કર્યા હતા.
ભયભીત મથુરભાઈએ ફરજ પરના તબીબો અને પોલીસકર્મીને પ્રવીણભાઈ ગાડીમાંથી પડી ગયા હોઈ, ઈજાગ્રસ્ત થયેલા છે એવું જણાવ્યું હતું. બાદમાં પરિવારજનોની સલાહ ઉપર આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી.
મથુરભાઈની માગ છે પોલીસ તત્કાળ કાર્યવાહી કરે અને તેમના પરિવારને ન્યાય મળે. મથુરભાઈએ આ અંગે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
પોલીસ સમગ્ર ઘટનામાં જ્ઞાતિવાદની શક્યતાને નકારે છે. જયદીપ વસંત સાથેની વાતચીતમાં ભાવનગરના પોલીસ સુપરિન્ટેન્ડટ જયપાલસિંહ રાઠોડે જણાવ્યું :
"આ મામલો જ્ઞાતિવાદનો નહીં, પરંતુ ફેસબુક પોસ્ટ અને દીકરીને ભગાડી જવા મુદ્દે અદાવતનો છે. આ અંગે પોલીસે કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને કાયદો કાયદાનું કામ કરશે."
આ મામલે આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, સંપર્ક સાધી શકાયો નથી. સંપર્ક સાધ્યા બાદ અહીં અપડેટ કરાશે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













