નરેન્દ્ર મોદીએ AIIMSમાં લીધો કોરોનાની રસીનો પહેલો ડોઝ, , ભારતમાં બીજા તબક્કાના રસીકરણની શરૂઆત

ભારતમાં કોરોના વૅક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત આજથી થઈ છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે.

વડા પ્રધાને પોતે આ અંગે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે.

એમણે લખ્યું કે, ''ઍઇમ્સમાં કોરોના વૅક્સિનનો મારો પહેલો ડોઝ લીધો. આપણાં ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ ટૂંકા ગાળામાં કોવિડ-19 સામેની વૈશ્વિક લડાઈમાં જે કામગીરી કરી છે તે સરાહનીય છે. જે પણ લોકો યોગ્યતા ધરાવે છે એમને રસી લેવા માટે હું અપીલ કરું છું. ચાલો, ભારતને કોવિડ-19 મુક્ત બનાવીએ.''

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન રસીનો ડોઝ લીધો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ દેશમાં વૅક્સિનેશન કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે અનેક લોકોએ વડા પ્રધાને સૌપ્રથમ રસી લેવી જોઈએ એમ કહ્યું હતું.

ભારતમાં કોરોના વાઇરસ સામે રસીકરણના બીજા તબક્કાના અભિયાનની શરૂઆત 1 માર્ચથી થઈ રહી છે.

આ તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન; તથા 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને અન્ય રોગોથી પીડિત લોકોને આવરી લેવામાં આવશે.

દેશભરમાં 10 હજારથી વધુ સરકારી કેન્દ્રો ઉપર નિઃશુલ્ક રસીકરણ હાથ ધરાશે, જ્યારે 20 હજારથી વધુ ખાનગી હૉસ્પિટલમાં વૅક્સિન લેવા માટે ચાર્જ ચૂકવવો પડશે. ખાનગી હૉસ્પિટલમાં રસીકરણ માટે ડોઝની કિંમત 250 રૂપિયા રાખવામાં આવી છે.

આ પહેલાં 16મી ફેબ્રુઆરીથી પ્રથમ તબક્કાનું વૅક્સિનેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફ્રન્ટલાઇન વર્કર તથા આરોગ્ય કર્મચારીને રસી આપવામાં આવી હતી.

રસીકરણનો બીજો તબક્કો

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારની પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે બીજા તબક્કાના રસીકરણ અભિયાનમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધને કોઈ બીમારી નહીં હોય તો પણ તેમને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે.

જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પણ કૉ-મૉર્બિડિટી (બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, લિવર જેવી સહબીમારી) ધરાવતા લોકોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. આવા લાભાર્થીઓની સંખ્યા 10 કરોડ કરતાં વધુ હોવાનો અંદાજ છે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશભરમાં 10 હજાર કરતાં વધુ સરકારી સેન્ટર ઉપર આ રસી નિઃશુલ્ક મૂકી આપવામાં આવશે.

આ સિવાય જો વ્યક્તિ ઇચ્છે 20 હજાર કરતાં વધુ ખાનગી સેન્ટર ઉપરથી પણ રસી લઈ શકે છે. જોકે, ખાનગી હૉસ્પિટલોમાં રસી લેવાનો ખર્ચ વ્યક્તિએ ચૂકવવાનો રહેશે. એ માટેની કિંમત 250 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં ડૉક્ટર, નર્સ, પોલીસ કર્મચારી, સફાઈકર્મચારી તથા કોરોનાસંબંધિત ફરજ બજાવતા કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો