ISWOTY : ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમનની સફળતાનો વિકિપીડિયામાં ઉમેરો

ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમનની
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

બીબીસીએ ભારતનાં 50 મહિલા રમતવીરોની માહિતી વિકિપીડિયામાં છ ભારતીય ભાષામાં ઉમેરવા માટે વિદ્યાર્થીઓની મદદ લીધી છે. સંબંધિત માહિતી વિકિપીડિયા પર નહિવત્ હતી કાં તો કોઈ ઉલ્લેખ મળતો જ નહોતો.

આ એવાં મહિલા ખેલાડીઓ છે, જેમણે આંતરરાષ્ટ્રીય પદકો મેળવ્યાં છે. રાષ્ટ્રીય વિક્રમો તોડ્યા છે અને ટૉક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફિકેશન પણ હાંસલ કર્યું છે. એમ છતાં પણ વિકિપીડિયામાં તેમના વિશે ઘણી ઓછી અથવા તો બિલુકલ માહિતી નહોતી.

બીબીસીએ મહિનાઓનાં સંશોધન અને રૂબરૂ મુલાકાતો થકી 50 મહિલા રમતવીરોની અંગત પ્રોફાઇલ અને વ્યાવસાયિક સફરની માહિતી એકઠી કરીને વિકિપીડિયામાં ઉમેરી છે.

ભારતીય મહિલા રમતવીરની યાદી

  • યશસ્વિની દેશવાલ

    દિલ્હીશૂટિંગ

    યશસ્વિની સિંઘ દેશવાલ (23) દિલ્હીનાં સ્પૉર્ટસ શૂટર છે. તેઓ 10 મીટર ઍર પિસ્તોલ કૅટેગરીમાં ભાગ લે છે. 2019માં દેશવાલે આઈએસએસએફ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સફળતાને કારણે તેમને ટોક્યો ઑલિમ્પિક્સમાં સ્થાન મળ્યું હતું.

    2017માં તેમણે આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં વર્લ્ડ જુનિયર રેકૉર્ડ સરભર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. દેશવાલે આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ અને 2016માં સાઉથ એશિયન ગેમ્સમાં ટીમ અને વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  • વીકે વિસ્મયા

    કેરળઍથ્લેટિકસ

    વેલિયુવા કોરોથ વિસ્મયા (23) કેરળના કન્નુર જિલ્લાની દોડવીર છે. તેઓ 400 મીટરનાં દોડવીર છે અને નેશનલ રિલે ટીમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

    2019ની વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ફાઇનલ રમેલાં અને ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાઈ થયેલી ભારતીય મિક્સ રિલે ટીમમાં તેઓ રમ્યાં હતાં. વિસ્મયાએ 2019ની એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં સિલ્વર અને 2018ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • વિનેશ ફોગટ

    હરિયાણાકુસ્તી

    વિનેશ ફોગટ (26) હરિયાણાના ભિવાની જિલ્લાના એક ગામનાં કુસ્તીબાજ છે. હાલમાં તેઓ 51 કિ.ગ્રા. કૅટેગરીમાં સ્પર્ધા કરે છે. 2018માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારાં તેઓ ભારતનાં પ્રથમ કુસ્તીબાજ હતાં.

    આ જ વર્ષે ફોગટે કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેમણે 2019ની વર્લ્ડ કુસ્તી ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વિનેશ ફોગટને રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડ અને અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરાયાં છે.

  • સ્વપ્ના બર્મન

    પશ્ચિમ બંગાળઍથ્લેટિક્સ

    સ્વપ્ના બર્મન (24) પશ્ચિમ બંગાળના જલપાઈગુરી નજીકના એગ ગામનાં હેપ્ટાથ્લેટ છે. 2019ની એશિયન ગેમ્સમાં હેપ્ટાથ્લોનમાં ગોલ્ડ મેડલ જીતનારાં તેઓ પ્રથમ ભારતીય બન્યાં હતાં. તેમણે 2017ની એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    સ્વપ્ના બમનના બંને પગે જન્મથી જ છ આંગળીઓ છે પણ તેઓ સામાન્ય પરિવારમાંથી આવતાં હોવાથી તેમનો પરિવાર તેમના માટે ખાસ પ્રકારનાં જૂતાં બનાવી શકે તેમ નહોતો. ઘણાં વર્ષો સુધી બર્મને પગમાં દુખાવા સાથે જ રમવાનું ચાલુ રાખ્યું હતું. 2019માં તેમને અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં.

  • સુશ્રી દિવ્યાદર્શિની

    ઓડિશાક્રિકેટ

    સુશ્રી દિવ્યાદર્શિની પ્રધાન (23) ઓડિશાના ઢેનકાનલની ક્રિકેટર છે. તેઓ ઓડિશાની અંડર-23 ટીમનાં સુકાની છે.

    2019માં યોજાયેલી એસીસી વિમેન્સ ઇમર્જિંગ ટીમ એશિયા કપમાં દિવ્યાદર્શિની સૌથી વધુ વિકેટ લેનારાં બૉલર હતાં. તેમણે આ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2019માં જ અંડર-23 વિમેન્સ ચેલેન્જર્સ ટ્રૉફીમાં તેમની આગેવાની હેઠળ ભારતીય ગ્રીન ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી પરંતુ જીતી શકી ન હતી.

  • સુમિત્રા નાયક

    ઓડિશારગ્બી

    સુમિત્રા નાયક (20) ઓડિશાના જયપુર જિલ્લાના એક ગામની રગ્બી ખેલાડી છે. તેઓ ભારતીય સિનિયર ટીમ માટે રગ્બી રમે છે અને આ ટીમે એશિયન રગ્બી વિમેન્સ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તથા 2019માં એશિયા રગ્બી સેવન્સ ટ્રૉફીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

    2019માં નાયકે ભારતની અંડર-19 અને અંડર-20 રગ્બી ટીમની આગેવાની લીધી હતી. 2016માં એશિયન ગર્લ્સ રગ્બી સેવન્સમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો તેમાં નાયકે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.

  • સોનમ મલિક

    હરિયાણાકુસ્તી

    સોનમ મલિક (18) હરિયાણાના સોનીપત જિલ્લાના એક ગામનાં કુસ્તીબાજ છે. તેમણે 56 કિગ્રા વર્ગમાં મુકાબલો કરીને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો પરંતુ હવે તેઓ 65 કિગ્રા કૅટેગરીમાં ભાગ લે છે.

    2017માં કૅડેટ વર્લ્ડ કુસ્તી ચૅમ્પિયનશિપ અને વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ મલિક એક ટુર્નામેન્ટમાં ઘાયલ થયાં હતાં. તેમને ફરીથી ફિટ થતાં એક વર્ષ કરતાં વધારે સમય લાગ્યો હતો.

    2019માં મલિકે ફરીથી કૅડેટ વર્લ્ડ કુસ્તી ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • સોનાલી શિંગાટે

    મહારાષ્ટ્રકબડ્ડી

    સોનાલી વિષ્ણુ શિંગાટે (25) મહારાષ્ટ્રના મુંબઈની પ્રોફેશનલ કબડ્ડી ખેલાડી છે. 2019માં સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ અને 2018માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટીમમાં સોનાલી પણ રમ્યાં હતાં.

    2020માં સોનાલીને મહારાષ્ટ્ર રાજ્યના સર્વોચ્ચ રમતગમત શિવ છત્રપતિ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

  • સિમરનજિત કૌર

    પંજાબબોક્સિંગ

    સિમરનજિત કૌર બાથ (25) પંજાબના લુધિયાણા જિલ્લાના એક ગામનાં વતની છે અને એમેટર બૉક્સર છે. તેઓ 60 કિગ્રા અને 64 કિગ્રા કૅટેગરીમાં ભાગ લે છે.

    2019માં કૌરે 23મી પ્રૅસિડેન્ટ્સ કપ ઇન્ટરનેશનલ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2018માં AIBA વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    2016ની નેશનલ ચૅમ્પિયન કૌર ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ક્વૉલિફાઈ થયાં છે.

  • શિવાની કટારિયા

    હરિયાણાસ્વિમિંગ

    શિવાની કટારિયા (23) હરિયાણાના ગુરુગ્રામ ખાતેની એક એમેટર ફ્રી સ્ટાઇલ સ્વિમર છે.

    2019માં નેશનલ એક્વેટિક ચૅમ્પિનશિપમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. કટારિયાએ 2016ની ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. 2004 બાદ ભાગ લેનારાં ભારતનાં પ્રથમ સ્વિમર બન્યાં હતાં.

    આ જ વર્ષે તેમણે સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2017માં તેમને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ હરિયાણા રાજ્યનો ભીમ ઍવૉર્ડ એનાયત કરાયો હતો.

  • શૈલી સિંઘ

    ઉત્તર પ્રદેશઍથ્લેટિક્સ

    શૈલી સિંઘ (17) ઉત્તર પ્રદેશના ઝાંસીનાં ઍથ્લીટ છે. તેઓ લોંગ જમ્પમાં ભાગ લે છે અને જુનિયર નેશનલ્સમાં લોંગ જમ્પમાં ચૅમ્પિયન રહી ચૂક્યાં છે.

    2018માં આ યુવા ખેલાડીએ અંડર-16 કૅટેગરીમાં જુનિયર નેશનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2019માં અંડર-18 કૅટેગરીમાં નવો નેશનલ રેકૉર્ડ સ્થાપ્યો હતો.

    શૈલી સિંઘ વર્લ્ડ ઍથ્લેટિક્સ અંડર-20 ચૅમ્પિયનશિપ માટે ક્વૉલિફાઈ થયાં છે.

  • શેફાલી વર્મા

    હરિયાણાક્રિકેટ

    શેફાલી વર્મા (17) હરિયાણાના રોહતકનાં ક્રિકેટર છે. તેઓ માત્ર 15 વર્ષની વયે ભારત માટે ટી-20 ઇન્ટરનેશનલ રમનારાં સૌથી યુવા ક્રિકેટર બન્યાં હતાં.

    એ જ વર્ષે વર્માએ તેમની કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી અને આમ કરનારાં ભારતનાં સૌથી યુવાન ક્રિકેટર બન્યાં હતાં.

    હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ટી-20 ક્રમાંકમાં શેફાલી ત્રીજો ક્રમ ધરાવે છે. શેફાલીના પિતાએ એક વાર તેમના વાળ કપાવીને ટૂંકા કરાવી દીધા હતા, જેથી તેઓ છોકરા જેવાં લાગે અને સ્થાનિક ક્લબ ક્રિકેટમાં તેમના ભાઈના સ્થાને રમી શકે.

  • સંધ્યા રંગનાથન

    તામિલનાડુફૂટબૉલ

    સંધ્યા રંગનાથન (તામિલનાડુ)ના કુડ્ડાલોરનાં ફૂટબૉલર છે. નેશનલ ફૂટબૉલ ટીમમાં તેઓ મિડ ફિલ્ડર તરીકે રમે છે. 2019માં SAFF વિમેન્સ ચૅમ્પિયનશિપ અને સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ફૂટબૉલ ટીમમાં સંધ્યા રંગનાથન પણ રમ્યાં હતાં. તેમણે સૌથી વધુ ગોલ કર્યા હતા.

    તેઓ સેતુ એફસી ક્લબ માટે પણ રમે છે. આ ક્લબે 2019માં ઇન્ડિયન વિમેન્સ લીગ જીતી હતી અને રંગનાથનને ટુર્નામેન્ટનાં સૌથી વેલ્યુએબલ પ્લેયર જાહેર કરાયાં હતાં.

  • એસ કલાઇવાણી

    તામિલનાડુબૉક્સિંગ

    કલાઇવાણી શ્રીનિવાસન (21) તામિલનાડુના ચેન્નાઈનાં બૉક્સર છે. તેઓ 48 કિગ્રા કૅટેગરીમાં ભાગ લે છે. 48 કિગ્રા કૅટેગરી ઑલિમ્પિક્સનો ભાગ નથી.

    2019માં કલાઇવાણીએ સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ જ વર્ષે ઇન્ડિયન નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેમને સૌથી ઊભરતી બૉક્સર જાહેર કરાયાં હતાં.

    2012માં માત્ર 12 વર્ષની વયે કલાઈવાણીએ સબ જુનિયર વિમેન્સ નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  • રતનબાલા દેવી

    મણિપુરફૂટબૉલ

    નોંગનાઇથેમ રતનબાલા દેવી (22) મણિપુરના બિષ્ણુપુર જિલ્લાનાં ફૂટબૉલર છે. તેઓ ફોરવર્ડ અને મિડ ફિલ્ડર તરીકે રમે છે.

    2017માં તેમની ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી હતી અને તેમણે 2019માં નેશનલ ટીમને સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં મદદ કરી હતી.

    તેઓ KRYPHSA FC ક્લબ માટે રમે છે અને ટીમની કૅપ્ટન તરીકે તેમણે ટીમને 2020ની ઇન્ડિયન વિમેન્સ લીગની ફાઇનલમાં પહોંચાડી હતી પરંતુ ટીમ જીતી શકી ન હતી. દેવી હાલમાં મણિપુરની સ્ટેટ ફૂટબૉલ ટીમનાં કૅપ્ટન છે.

  • રાની

    હરિયાણાહોકી

    રાની (26) હરિયાણાના કુરુક્ષેત્રનાં હોકી ખેલાડી છે. તેઓ નેશનલ હોકી ટીમમાં સ્ટ્રાઇકર અને મિડ ફિલ્ડરની ભૂમિકા ભજવે છે.

    2018માં રાનીને ભારતીય હોકી ટીમનાં કૅપ્ટન બનાવાયાં હતાં અને તેમની આગેવાનીમાં ભારતે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે ભારતીય ટીમ ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ પણ થઈ હતી.

    રાની રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડ તથા અર્જુન ઍવૉર્ડથી સન્માનિત થઈ ચૂક્યાં છે. તેમને 2019માં વર્લ્ડ ગેમ્સ ઍથ્લીટ ઑફ ધ યર જાહેર કરાયાં હતાં. 2020માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.

  • રાહી સરનોબત

    મહારાષ્ટ્રશૂટિંગ

    રાહી સરનોબત (30) મહારાષ્ટ્રના કોલ્હાપુરનાં શૂટર છે. તેઓ 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લે છે. 2019માં તેમણે આઈએસએસએફ વર્લ્ડ કપમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ તેમણે 2013માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    2019ના ગોલ્ડ મેડલે તેમને ટોક્યો ઑલિમ્પિક્સમાં સ્થાન અપાવ્યું હતું. 2018માં સરનોબત એવાં પ્રથમ ભારતીય મહિલા હતાં જેમણે વ્યક્તિગત ઇવેન્ટમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય. એ જ વર્ષે તેમને અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં.

  • આર વૈશાલી

    તામિલનાડુચેસ

    વૈશાલી રમેશબાબુ (19) તામિલનાડુના ચેન્નાઈનાં ચેસ ખેલાડી છે. 2020માં રશિયા સાથે મળીને ફિડે ઑનલાઇન ચેસ ઑલિમ્પિયાડ જીતનારાં કોનેરુ હમ્પી અને વિશ્વનાથન આનંદની ભારતીય ટીમમાં વૈશાલી પણ હતાં.

    વૈશાલીએ 2012માં અંડર-12 ગર્લ્સ વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ, 2015માં અંડર-14 ગર્લ્સ વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને 2017માં એશિયન બ્લિટ્ઝ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2018માં તેઓ વિમેન્સ ગ્રાન્ડમાસ્ટર બન્યાં હતાં.

  • પીયુ ચિત્રા

    કેરળઍથ્લેટિક્સ

    પલ્લાકેઝીલ ઉન્નીકૃષ્ણન ચિત્રા (25) કેરલના પલ્લકડ જિલ્લાનાં ઍથ્લીટ છે.

    તેઓ મિડલ ડિસ્ટન્સ રનર છે અને 1500 મીટર કૅટેગરીમાં ભાગ લે છે. તેમણે 2019 અને 2017ની એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2018ની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    2017માં એશિયન ઇન્ડોર ઍન્ડ માર્શલ આર્ટ ગેમ્સ અને 2016ની સાઉથ એશિયન ગેમ્સમાં પણ તેમણે મેડલ જીત્યાં હતાં.

  • પૂનમ યાદવ

    ઉત્તર પ્રદેશક્રિકેટ

    પૂનમ યાદવ (29) ઉત્તર પ્રદેશના આગ્રાનાં ક્રિકેટર છે. તેઓ ભારતની મહિલા ક્રિકેટ ટીમ માટે પહેલી વાર 2013માં રમ્યાં હતાં. ટી-20 ઇન્ટરનેશનલમાં યાદવે ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપી છે. આઈસીસીના વિમેન્સ ક્રિકેટમાં સાતમા ક્રમે છે. વિમેન્સ ટી2-0 વર્લ્ડ કપમાં તેમણે સૌથી વધુ વિકેટ ઝડપી હતી.

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ 2019માં પૂનમને બેસ્ટ વિમેન્સ ક્રિકેટર જાહેર કર્યાં હતાં. એ જ વર્ષે તેમને અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં.

  • પૂજા ગેહલોત

    દિલ્હીકુસ્તી

    પૂજા ગેહલોત (23) એ દિલ્હીનાં કુસ્તીબાજ છે. તેઓ ફ્રી સ્ટાઇલ 51 કિગ્રા કૅટેગરીમાં ભાગ લે છે. 2017ની એશિયન જુનિયર ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો તે ગેહલોતની સૌપ્રથમ ઇન્ટરનેશનલ સફળતા હતી.

    બે વર્ષ બાદ 2019માં તેમણે અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. કુસ્તી માત્ર છોકરાઓ માટે જ છે તે જુનવાણી વિચારધારાનો ગેહલોતે સામનો કરવો પડ્યો હતો.

    અંતે ગેહલોતની પ્રતિબદ્ધતા જોતા તેમના પરિવારે તેમને સપોર્ટ કર્યો અને તેમની તાલીમ માટે દિલ્હી શિફ્ટ પણ થયા.

  • પૂજા ઢાંડા

    હરિયાણાકુસ્તી

    પૂજા ઢાંડા (27) હરિયાણાના હિસ્સાર જિલ્લાના એક ગામનાં વતની છે અને કુસ્તીબાજ છે. તેઓ 57 અને 60 કિગ્રા કૅટેગરીમાં હરીફાઈ કરે છે.

    2018માં કૉમનવેલ્થ ગેમ્સમાં પૂજાએ સિલ્વર મેડલ જીત્યો હતો અને વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    અગાઉ તેમણે 2010ના સમર યૂથ ઑલિમ્પિક્સમાં બે સિલ્વર મેડલ અને 2014ની એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2019માં પૂજાને અર્જુન ઍવૉર્ડ એનાયત કરાયો હતો.

  • પારુલ પરમાર

    ગુજરાતબેડમિન્ટન

    પારુલ દલસુખભાઈ પરમાર (47) ગુજરાતના ગાંધીનગરનાં પેરા-બેડમિન્ટન ખેલાડી છે. પેરા-બેડમિન્ટનના તાજા વર્લ્ડ રૅન્કિંગ મુજબ પારુલ હાલમાં મોખરાના ક્રમે છે.

    2017ની BWF પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પરમારે સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

    તેઓ ત્રણ વર્ષની વયે પોલિયોનાં શિકાર થયાં અને તેમની સાથે દુર્ઘટના પણ ઘટી હતી. તેમ છતાં તેમણે આ રમત અપનાવી. 2009માં પારુલ પરમારને અર્જુન ઍવૉર્ડ એનાયત કરાયો હતો.

  • નિખત ઝરીન

    તેલંગણાબૉક્સિંગ

    નિખત ઝરીન (24) તેલંગણાના નિઝામાબાદનાં એમેટર બૉક્સર છે. તેઓ 51 કિગ્રા કૅટેગરીમાં ભાગ લે છે. 2019માં નિખતે થાઇલૅન્ડ ઓપન ઇન્ટરનેશનલ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

    તેમણે 2011માં AIBA વિમેન્સ યૂથ ઍન્ડ જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને કારકિર્દીનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    2015માં નિખત ઝરીને સિનિયર વિમેન્સ નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ પોતાના શહેર નિઝામાબાદનાં સત્તાવાર ઍમ્બૅસૅડર છે.

  • એન્ગેનગોમ દેવી

    મણિપુરફૂટબૉલ

    એન. બાલા દેવી (31) મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના એક ગામનાં ફૂટબૉલર છે. તેઓ વિમેન્સ નેશનલ ફૂટબૉલ ટીમમાં ફૉરવર્ડ તરીકે રમે છે.

    દેવી ભારત માટે સૌથી વધુ ગોલ કરનારાં ખેલાડી છે અને પાંચ વર્ષથી ભારતની નેશનલ ફૂટબૉલ ટીમનાં કૅપ્ટન છે. 2020માં તેમણે રેન્જર્સ એફસી સાથે કરાર કર્યો હતો અને એ સાથે તેઓ ભારતનાં સૌપ્રથમ પ્રોફેશનલ ફૂટબૉલર બની ગયાં હતાં.

    2015 અને 2016માં દેવીને ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન દ્વારા વિમેન્સ પ્લેયર ઑફ ધ યર જાહેર કરાયાં હતાં.

  • મેહુલી ઘોષ

    પશ્ચિમ બંગાળશૂટિંગ

    મેહુલી ઘોષ (20) પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાનાં સ્પૉર્ટ શૂટર છે. તેઓ 10 મીટર ઍર રાઇફલ વિમેન્સ અને મિક્સ ટીમ કૅટેગરીમાં ભાગ લે છે.

    2019માં ઘોષે સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2018માં વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2017માં યોજાયેલી એશિયન ઍરગન ચૅમ્પિયનશિપમાં તેમણે કારકિર્દીનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    2016ની નેશનલ ચૅમ્પિયનશિપમાં ઘોષે નવ મેડલ જીત્યા હતા. તેઓ ભારતીય શૂટિંગદળનાં સૌથી યુવા શૂટર છે.

  • મનુ ભાકર

    હરિયાણાશૂટિંગ

    મનુ ભાકર (19) હરિયાણાના ઝાઝર જિલ્લાનાં શૂટર છે. તેઓ 10 મીટર ઍર પિસ્તોલ અને 25 મીટર પિસ્તોલ કૅટેગરીમાં ભાગ લે છે. 2018માં ઇન્ટરનેશનલ સ્પૉર્ટ્સ શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારાં તેઓ સૌથી યુવા શૂટર બન્યાં હતાં.

    એ જ વર્ષે તેમણે આઈએસએએફ જુનિયર વર્લ્ડ કપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. 2019માં ભાકર ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ થયાં હતાં.

    2020માં મનુ ભાકરને અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

  • મંજુ રાની

    હરિયાણાબૉક્સિંગ

    મનુ રાની (21) હરિયાણાના રોહતક જિલ્લાના એક ગામનાં વતની છે અને એમેટર બૉક્સર છે. તેઓ 48 કિગ્રા કૅટેગરીમાં ભાગ લે છે. 2019માં AIBA વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ અને સ્ટ્રાન્ઝા મેમોરિયલ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં તેમણે સિલ્વર મેડલ જીત્યા હતા.

    એ જ વર્ષે તેમણે થાઇલૅન્ડ ઓપન અને ઇન્ડિયા ઓપનમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

    રાની માત્ર 11 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું અને ગ્લૉવ્ઝની જોડી ખરીદવા માટે પણ તેમને ફાંફાં પડી જતા. તેમનાં માતાએ એકલા હાથે સાત બાળકોનું પાલનપોષણ કર્યું હતું.

  • માનસી જોષી

    ગુજરાતબેડમિન્ટન

    માનસી જોષી (31) ગુજરાતના રાજકોટનાં પેરા-બેડમિન્ટન ખેલાડી છે. 2019માં તેમણે પેરા-બેડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    2017માં તેમણે ચૅમ્પિયનશિપમાં સિંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 2015માં મિક્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

    તેઓ એન્જિનિયર છે પણ 2011માં એક અકસ્માતમાં ઘાયલ થયાં હતાં અને સારવાર દરમિયાન તેમણે બેડમિન્ટન રમવાનું પસંદ કર્યું હતું. અંતે તેમણે ઇન્ટરનેશનલ લેવલે રમવા માટે તાલીમ લીધી હતી.

  • માલવિકા બંસોડ

    મહારાષ્ટ્રબેડમિન્ટન

    માલવિકા બંસોડ (19) મહારાષ્ટ્રના નાગપુરનાં બેડમિન્ટન ખેલાડી છે. આ ડાબોડી ખેલાડીએ 2018ની વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

    2019માં માલદિવ્સ ઇન્ટરનેશનલ ફ્યુચર સિરીઝ અને અન્નપૂર્ણા પોસ્ટ ઇન્ટરનેશનલ સિરીઝમાં માલવિકાએ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સાથે તેઓ વિશ્વ ક્રમાંકમાં મોખરાનાં 200 ખેલાડીમાં આવી ગયાં હતાં.

    એ જ વર્ષે તેમણે ઑલ ઇન્ડિયા સિનિયર રૅન્કિંગ ટુર્નામેન્ટ અને ઑલ ઇન્ડિયા જુનિયર રૅન્કિંગ ટુર્નામેન્ટ જીતી હતી.

  • લવલિના બોર્ગોહાઇન

    આસામબૉક્સિંગ

    લવલિના બોર્ગોહાઇન (23) આસામના ગોલાઘાટનાં એમેટર બૉક્સર છે. તેઓ 69 કિગ્રા વેલ્ટરવેઇટ કૅટેગરીમાં બૉક્સિંગ કરે છે. 2018 અને 2019માં તેમણે વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને 2017માં એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    2020માં ભારત સરકાર તરફથી તેમને અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. લવલિના બોર્ગોહાઇન ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાઈ થનારાં આસામનાં પ્રથમ મહિલા છે.

  • લાલરેમસિયામી

    મિઝોરમહોકી

    લાલરેમસિયામી (20) મિઝોરમના કોલાસિબનગરનાં હોકી ખેલાડી છે. નેશનલ ટીમમાં તેઓ ફોરવર્ડ તરીકે રમે છે. એશિયાડ મેડલ જીતનારાં મિઝોરમનાં તેઓ સૌપ્રથમ રમતવીર હતાં, જ્યારે 2018માં એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ સિલ્વર મેડલ જીત્યો હતો.

    ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને 2019માં તેમને રાઇઝિંગ સ્ટાર ઑફ ધ યર જાહેર કર્યાં હતાં.

    ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ થયેલી ભારતીય હોકી ટીમમાં લાલરેમસિયામી પણ રમ્યાં હતાં.

  • કેવીએલ પાવની કુમારી

    આંધ્ર પ્રદેશવેઇટલિફ્ટિંગ

    કોલ્લી વારાલક્ષ્મી પાવનીકુમારી (17) આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના એક ગામનાં વેઇટલિફ્ટર છે. તેઓ 45 કિગ્રા વર્ગમાં ભાગ લે છે.

    2020માં એશિયન યૂથ ઍન્ડ જુનિયર વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં કુમારીએ યૂથ ગર્લ્સ અને જુનિયર કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

    આ સફળતાને કારણે તે ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઇ થયાં હતાં. 2019માં તેમણે નેશનલ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં બેસ્ટ લિફ્ટરનો ઍવૉર્ડ જીત્યો હતો.

  • કોનેરુ હમ્પી

    આંધ્ર પ્રદેશચેસ

    કોમેરુ હમ્પી (33) આંધ્ર પ્રદેશના વિજયવાડાનાં ચેસ ખેલાડી છે. ચેસના રેપિડ વિભાગમાં તેઓ હાલમાં વર્લ્ડ ચૅમ્પિયન છે.

    2002માં 15 વર્ષની વયે ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પ્રાપ્ત કરનારાં તેઓ ઇતિહાસનાં સૌથી યુવા મહિલા બન્યાં હતાં.

    હમ્પી એવાં પ્રથમ ભારતીય મહિલા છે જેમણે મેન્સ ગ્રાન્ડમાસ્ટર ટાઇટલ હાંસલ કર્યું હોય. 2003માં તેમને અર્જુન ઍવૉર્ડ અને 2007માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.

  • જમુના બોરો

    આસામબૉક્સિંગ

    જમુના બોરો (23) આસામના ઢેકિયાજુલી ગામનાં વતની છે અને એમેટર બૉક્સર છે. તેમણે 52 કિગ્રા કૅટેગરીમાં ફાઇટ કરવાનો પ્રારંભ કર્યો હતો અને 2010માં પ્રથમ નેશનલ ગોલ્ડ મેડલ જીત્યો હતો પણ હવે તેઓ 57 કિગ્રા કૅટેગરીમાં ભાગ લે છે.

    2019માં તેમણે AIBA વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    એ જ વર્ષે બોરોએ ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ બૉક્સિંગ ટુર્નામેન્ટ અને 23મી પ્રૅસિડેન્ટ કપ બૉક્સિંગ ઇન્ટરનેશનલ ઓપન ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

  • ઈશા સિંઘ

    તેલંગણાશૂટિંગ

    ઈશા સિંઘ (16) તેલંગણાના હૈદરાબાદનાં એમેટર શૂટર છે. તેઓ 10 મીટર ઍર પિસ્તોલ, 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ અને 25 મીટર પિસ્તોલ કૅટેગરીમાં ભાગ લે છે.

    2019માં ઈશા સિંઘે જુનિયર વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એ જ વર્ષે તેમણે એશિયન ઍરગન ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    2018માં 10 મીટર ઍર પિસ્તોલ કૅટેગરીમાં માત્ર 13 વર્ષની વયે તેઓ નેશનલ ચૅમ્પિયન બન્યાં હતાં.

  • એલાવેનિલ વાલારિવન

    તામિલનાડુશૂટિંગ

    એલાવેનિલ વાલારિવન (21) તામિલનાડુના કુડ્ડાલોરનાં વતની છે પણ આ શૂટર ગુજરાતમાં ઉછરેલાં છે. તેઓ 10 મીટર ઍર રાઇફલમાં ભાગ લે છે.

    2019 આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને વર્લ્ડ કપમાં તેમણે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જેને કારણે તેઓ તેમની કૅટેગરીમાં વર્લ્ડ નંબર વન બન્યાં હતાં.

    2018માં જુનિયર વર્લ્ડ કપમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો તે તેમની સૌપ્રથમ ઇન્ટરનેશનલ સફળતા હતી. વાલારિવન ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ થયેલાં છે.

  • એકતા ભયાન

    હરિયાણાઍથ્લેટિક્સ

    એકતા ભયાન (35) હરિયાણાના હિસ્સારનાં પેરા-ઍથ્લીટ છે. તેઓ ક્લબ અને ડિસ્ક થ્રો ઇવેન્ટમાં ભાગ લે છે.

    2018ની એશિયન પેરા-ગેમ્સમાં ભયાને ક્લબ થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2016, 2017 અને 2018માં તેઓ નેશનલ પેરા-ઍથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યાં છે.

    તેઓ ટોક્યો પેરાલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ થયેલાં છે. 2018માં તેમને નેશનલ ઍવૉર્ડ ફૉર એમ્પાવરમેન્ટ ઑફ પર્સન્સ વિથ ડિસએબિલિટીથી સન્માનિત કરાયાં હતાં.

  • દુતી ચંદ

    ઓડિશાઍથ્લેટિક્સ

    દુતી ચંદ (25) ઓડિશાના જાજપુર જિલ્લાના એક ગામનાં દોડવીર છે. તેઓ 100 મીટર દોડમાં ભાગ લે છે અને 2019માં વર્લ્ડ યુનિવર્સિયાડમાં ગોલ્ડ જીતીને તેઓ કોઈ પણ વૈશ્વિક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારાં સૌપ્રથમ ભારતીય બન્યાં હતાં.

    વર્તમાન નેશનલ ચૅમ્પિયન દુતી ચંદ સામે ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ ઍથ્લેટિક્સ ફેડરેશને હાઇપરએન્ડ્રોજેનિઝમનો આરોપ દાખલ કર્યો હતો, જેની સામે તેમણે સફળતાપૂર્વક લડત આપી હતી અને 2016માં રિયો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ થયાં હતાં.

    2019માં દુતી ચંદે કબૂલ્યું હતું કે તેઓ સમલૈંગિક છે. તેઓ તેમના સમલૈંગિક સંબંધોને ખૂલીને સ્વીકારનારાં ભારતનાં પ્રથમ ઍથ્લીટ છે.

  • દિવ્યા કાકરણ

    ઉત્તર પ્રદેશકુસ્તી

    દિવ્યા કાકરણ (22) ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એક ગામનાં ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ છે.

    2020માં એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપમાં 68 કિગ્રા કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારાં તેઓ ભારતનાં પ્રથમ મહિલા કુસ્તીબાજ બન્યાં હતાં.

    એ જ વર્ષે તેમને અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 2017માં નેશનલ ચૅમ્પિયનશિપ જીત્યા બાદ તેમણે કૉમનવેલ્થ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • દીક્ષા ડાગર

    હરિયાણાગોલ્ફ

    દીક્ષા ડાગર (20) હરિયાણાના ઝજ્જરનાં પ્રોફેશનલ ગોલ્ફર છે. 2018માં તેઓ લેડીઝ યુરોપિયન ટૂરમાં ટાઇટલ જીતનારાં સૌથી યુવા ભારતીય બન્યાં હતાં.

    આ ગોલ્ફર જન્મથી જ બધિર હતાં અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવવાની સાથે સ્પીચ થૅરપી લેવી પડી હતી, તેનાથી તેમની શ્રવણશક્તિ થોડા અંશે પાછી આવી હતી.

    2017માં તેમણે ડિફાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આમ કરનારાં તેઓ પ્રથમ ભારતીય બન્યાં હતાં. ડાગરની ગણના એવા જૂજ ગોલ્ફરોમાં થાય છે જે ડાબા હાથે રમે છે.

  • સીએ ભવાની દેવી

    તામિલનાડુતલવારબાજી

    ચંદાવાલાડા આનંદા સુંધરારામન ભવાની દેવી (27) તામિલનાડુના ચેન્નાઈનાં વતની છે અને ભવાની દેવી તરીકે ખ્યાતનામ છે. તેઓ તલવારબાજી (ફેન્સિંગ)ની રમતમાં સાબ્રે કૅટેગરીમાં સ્પર્ધા કરે છે.

    2018માં કૉમનવેલ્થ ગેમ્સમાં વ્યક્તિગત કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ભવાની દેવી તલવારબાજીમાં ગોલ્ડ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં હતાં.

    2015માં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 2014માં એશિયન ચૅમ્પિયનશિપમાં અંડર-23 કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઉપરાંત તેમણે ઇન્ટરનેશનલ લેવલે વિવિધ ટુર્નામેન્ટોમાં મેડલ જિતેલા છે.

  • ભાવના જાટ

    રાજસ્થાનઍથ્લેટિક્સ

    ભાવના જાટ (24) રાજસ્થાનના અજમેર જિલ્લાનાં વતની છે અને ઍથ્લીટ છે. તેઓ 20 કિલોમીટર રેસ વૉકિંગમાં ભાગ લે છે. 2020ની નેશનલ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને તેમણે નવો નેશનલ રેકૉર્ડ સ્થાપ્યો હતો.

    આ સફળતાને કારણે તેમને ટોક્યો ઑલિમ્પિક્સમાં સ્થાન મળ્યું હતું. 2016ની જુનિયર નેશનલ ચૅમ્પિયનશિપમાં ભાવના જાટે સિલ્વર મેડલ જીત્યો હતો.

    તેમના પ્રારંભિક વર્ષોમાં તેમને પૂરતી સુવિધા મળી નહોતી. તેઓ વહેલી સવારે ટ્રાફિકથી બચવા માટે ગામના મુખ્ય માર્ગો પર પ્રૅક્ટિસ કરતાં હતાં.

  • અર્ચના કામથ

    કર્ણાટકટેબલ ટેનિસ

    અર્ચના ગિરીશ કામથ (20) કર્ણાટકના બેંગલુરુનાં ટેબલ ટનિસ ખેલાડી છે. 2019માં તેમણે સિનિયર વિમેન્સ નેશનલ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ જીતી હતી અને ભારતીય નેશનલ ટેબલ ટેનિસ ટીમનાં સભ્ય બન્યાં હતાં.

    એ જ વર્ષે કામથે કૉમનવેલ્થ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં ડબલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    2018માં તેઓ યૂથ ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાઈ થયાં હતાં અને સેમિફાઇનલ સુધી પહોંચીને ચોથા ક્રમે રહ્યાં હતાં.

  • અપૂર્વી ચંદેલા

    રાજસ્થાનશૂટિંગ

    અપૂર્વી ચંદેલા (28) રાજસ્થાનના જયપુરનાં સ્પૉર્ટ્સ શૂટર છે. તેઓ 10 મીટર ઍર રાઇફલ કૅટેગરીમાં ભાગ લે છે.

    2019માં આઈએસએસએફ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતીને અપૂર્વી ચંદેલાએ નવો વર્લ્ડ રેકૉર્ડ સર્જ્યો હતો. તેને કારણે તેમને ટોક્યો ઑલિમ્પિક્સમાં સ્થાન મળ્યું હતું.

    ચંદેલાને સૌપ્રથમ ઇન્ટરનેશનલ સફળતા 2014માં મળી હતી, જ્યારે તેમણે કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2015ના વર્લ્ડ કપમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2016માં તેમને પ્રતિષ્ઠિત અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરાયાં હતાં.

  • અનુ રાની

    ઉત્તર પ્રદેશઍથ્લેટિક્સ

    28 વર્ષીય અનુ રાની ઉત્તર પ્રદેશની બસ્તી જિલ્લાનાં જેવલિન થ્રો ખેલાડી છે. 2019ની એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યા બાદ તેઓ ભારતનાં એવાં પ્રથમ મહિલા બન્યાં હતાં, જેઓ વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ માટે ક્વૉલિફાઈ થયાં હોય.

    2017માં આ જ ઇવેન્ટમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જેવલિન થ્રોમાં અનુ રાની નેશનલ રેકૉર્ડ ધરાવે છે. તેઓ આ રમતમાં આવ્યાં ત્યારે તેમનો પરિવાર સારો જેવલિન (ભાલો) ખરીદી શકે તેમ નહોતો, તેથી તેઓ લાકડાના બાંબુથી પ્રૅક્ટિસ કરતાં.

  • અંકિતા રૈના

    ગુજરાતટેનિસ

    અંકિતા રવીન્દરકૃષ્ણ રૈના (28) ગુજરાતના અમદાવાદનાં પ્રોફેશનલ ટેનિસ ખેલાડી છે. હાલમાં તેઓ ભારતના વિમેન્સ સિંગલ્સ અને ડબલ્સમાં બંને વર્ગમાં નંબર વન ખેલાડી છે.

    2018માં બ્રોન્ઝ મેડલ સાથે અંકિતા રૈના એશિયન ગેમ્સમાં સિંગલ્સમાં મેડલ જીતનારાં સાનિયા મિર્ઝા બાદ પ્રથમ ભારતીય બન્યાં હતાં.

    એ જ વર્ષે તેઓ ટેનિસ વિશ્વ ક્રમાંકમાં મોખરાનાં 200 ખેલાડીઓમાં સ્થાન મેળવનારાં પાંચમા ભારતીય ખેલાડી બન્યાં હતાં.

  • અનીતા દેવી

    હરિયાણાશૂટિંગ

    અનીતા દેવી (36) હરિયાણાના પાલવાલ જિલ્લાનાં સ્પૉર્ટ્સ શૂટર છે. તેઓ 10 મીટર અને 25 મીટર ઍર પિસ્તોલમાં હરીફાઈ કરે છે.

    2018માં તેમણે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પર્ધામાં ટીમ ઇવેન્ટમાં 10 મીટર ઍર પિસ્તોલમાં સિલ્વર અને 25 મીટર ઍર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    દેવીએ 2013ની નેશનલ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ અને 2015ની નેશનલ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે તેમનો પુત્ર પણ આ રમતમાં તાલીમ લઈ રહ્યો છે.

  • ઐશ્વર્યા પિસ્સાઈ

    કર્ણાટકમોટરસ્પૉર્ટ્સ

    ઐશ્વર્યા પિસ્સાઈ (25) કર્ણાટકના બેંગલુરુનાં મોટરસાઇકલ રેસર છે. 2019માં FIM વર્લ્ડ કપ જીતીને તેઓ મોટરસ્પૉર્ટ્સમાં વર્લ્ડ ટાઇટલ જીતનારાં પ્રથમ ભારતીય બન્યાં હતાં.

    પિસ્સાઈને 2016, 2017 અને 2019માં ફેડરેશન ઑફ મોટરસ્પૉર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા દ્વારા આઉટસ્ટેન્ડિંગ વુમન ઇન મોટરસ્પૉર્ટ્સ ઍવૉર્ડથી સન્માનિત કરાયાં હતાં.

    તેમણે નેશનલ રોડ રેસિંગ અને રેલી ચૅમ્પિયનશિપમાં છ ટાઇટલ જિતેલાં છે.

  • અદિતિ અશોક

    કર્ણાટકગોલ્ફ

    અદિતિ અશોક (22) કર્ણાટકના બેંગલુરુનાં પ્રોફેશનલ ગોલ્ફર છે. 2016માં તેઓ લેડીઝ યુરોપિયન ટૂર જીતીને આ સિદ્ધિ હાંસલ કરનારાં ભારતનાં પ્રથમ મહિલા ગોલ્ફર બન્યાં હતાં અને તેમને રૂકી ઑફ ધ યર જાહેર કરાયાં હતાં.

    એ જ વર્ષે અદિતિ અશોક રિયો ઑલિમ્પિક્સમાં રમ્યાં અને આ સાથે તેઓ 18 વર્ષની વયે પ્રથમ ભારતીય અને સૌથી યુવા ગોલ્ફર બન્યાં, જેમણે વૈશ્વિક ઇવેન્ટમાં ભાગ લીધો હોય.

    2017માં તેઓ એવાં પ્રથમ ભારતીય ગોલ્ફર બન્યાં હતાં, જેમને લેડીઝ પ્રોફેશનલ ગોલ્ફ ઍસોસિયેશન ટૂર કાર્ડ પ્રાપ્ત થયું હોય.

લોકપ્રિય વેબપૉર્ટલ વિકિપીડિયાનો ઉપયોગ લોકો માહિતી મેળવવા કરતા હોય છે. એમ છતાં બીબીસીના ધ્યાને આવ્યું કે સંબંધિત મોટાં ભાગનાં ખેલાડીઓની માહિતી અહીં કોઈ પણ ભારતીય ભાષામાં ઉપલબ્ધ નથી.

દેશની 12 સંસ્થાના સહયોગ થકી પત્રકારત્વના લગભગ 300થી વધુ વિદ્યાર્થીઓએ વિકિપીડિયાને અપડેટ કરીને તેમાં 50 ભારતીય મહિલા રમતવીરોની માહિતી હિંદી, પંજાબી, ગુજરાતી, મરાઠી, તેલુગુ, તમિળ અને અંગ્રેજી ઉમેરી છે. અહીં તેની એક ઝલક અપાઈ છે.

50 મહિલા રમતવીરો કેવી રીતે પસંદ કરવામાં આવ્યાં?

બીબીસીએ આ 50 ભારતીય મહિલા રમતવીરોની પસંદગી પ્રતિષ્ઠિત જ્યૂરીની મદદથી કરી, જેમાં ભારતના ખેલ પત્રકારો, કૉમેન્ટેટરો અને લેખકોની મદદ લીધી છે. તેમણે 2019 અને 2020માં જે-તે રમતવીરોએ કરેલા પ્રદર્શનને આધારે તેમની ભલામણો રજૂ કરી. આ 50 મહિલા રમતવીરોનાં નામ અંગ્રેજી કક્કાવારી (બારાક્ષરી) મુજબ ગોઠવવામાં આવ્યાં છે.

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો