એમ. જે. અકબર : મોદી સરકારના એ પૂર્વ મંત્રી જેમના પર 21 મહિલાએ લગાવ્યા છે જાતીય સતામણીના આરોપ

મોદી સરકારની પ્રથમ ટર્મમાં રાજ્યકક્ષાના વિદેશ મામલાના મંત્રી રહી ચૂકેલા એમ. જે. અકબરે વર્ષ 2018માં પત્રકાર પ્રિયા રમાણી વિરુદ્ધ દાખલ કરેલા ગુનાહિત બદનક્ષીના કેસમાં આજે દિલ્હીની કોર્ટ બુધાવરે પોતાનો ચુકાદો આપી શકે છે.

બંને પક્ષની હાજરીમાં ઍડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ રવીન્દ્રકુમાર પાંડે એક ઓપન કોર્ટમાં પોતાનો ચુકાદો આપશે.

10મી ફેબ્રુઆરીએ બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 17 ફેબ્રુઆરી સુધી પોતાના નિર્ણય મુલતવી રાખ્યો હતો.

પ્રિયા રામાણીના વકીલ રૅબેકા જૉને કોર્ટ પાસે માગ કરી હતી કે તેમનાં અસીલને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવે. બીજી તરફ એમ. જે. અકબરનાં વકીલ ગીતા લુથરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રામાણીના આક્ષેપોના કારણે તેમના અસીલની છબી ખરાડાઈ છે.

નોંધનીય છે કે અમુક વર્ષો પહેલાં જ્યારે ભારત સહિત સમગ્ર દુનિયામાં યૌનશોષણનાં શિકાર થયેલાં મહિલાઓ દ્વારા #MeToo ચળવળની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત અનેક મહિલાઓએ પોતાની સાથે ઘટેલી યૌનશોષણની ઘટનાઓ લોકો સમક્ષ મૂકી હતી.

આવા જ એક મામલામાં પત્રકાર પ્રિયા રમાણીએ તત્કાલીન રાજ્યકક્ષાના વિદેશી મામલાના મંત્રી એમ. જે. અકબર સામે જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો.

તેમણે સૌપ્રથમ 2017માં પોતાના આર્ટિકલમાં એક અજાણ્યા શખ્સ ઉપર પોતાની સાથે બનેલી જાતીય સતામણીની ઘટનાનો આરોપ મૂક્યો હતો. પરંતુ બાદમાં તેમણે 2018માં ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તે આર્ટિકલ એમ. જે. અકબર ઉપર હતો.

જેમાં તેમણે ભૂતપૂર્વ રાજ્યકક્ષાના વિદેશમામલાના મંત્રી સામે વર્ષ 1994માં એક જોબ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની જાતીય સતામણી કર્યાનો આરોપ મૂક્યો હતો.

બાદમાં એક બાદ એક અકબર પર 20 અન્ય મહિલા પત્રકારોએ પણ જાતીય સતામણીના આરોપો મૂક્યા હતા.

જોકે, અકબરે આ બધા આરોપોનું ખંડન કર્યું હતું અને તેમને ઘડાયેલા આરોપો ગણાવ્યા હતા. તેમજ તમામ આરોપ મૂકનાર સામે કાયદાકીય પગલાં લેવાની વાત કરી હતી.

આ દરમિયાન તેમના વિરુદ્ધ સતત થઈ રહેલી જાતીય સતામણીની ફરિયાદોને પગલે તેમણે 17 ઑક્ટોબર, 2018ના રોજ પોતાના મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું હતું.

નોંધનીય છે કે તેમના રાજીનામાના ત્રણ દિવસ પહેલાં જ એટલે કે 14 ઑક્ટોબર, 2018ના રોજ પત્રકાર પ્રિયા રામાણી વિરુદ્ધ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ભારતીય દંડસંહિતાની કલમ 499 અંતર્ગત બદનક્ષીની 41 પાનાંની ફરિયાદ દાખલ કરાઈ હતી.

જેમાં પુરાવા તરીકે રામાણી દ્વારા સોશિયલ મીડિયા પર કરવમાં આવેલી ટિપ્પણીઓ અને અખબારના અહેવાલો બીડવામાં આવ્યા હતા.

કોણ છે એમ. જે. અકબર?

ધ પ્રિન્ટના એક અહેવાલ મુજબ એક સમયે પશ્ચિમ બંગાળના તેલિનિપરામાં રહેતા મોબાશર જાવેદ અકબર, એક સમયે દેશના સૌથી ખ્યાતનામ પત્રકારો પૈકીના એક હતા.

તેમના પિતા વિભાજન પછી થોડો સમય પાકિસ્તાનમાં રહીને ભારત પરત ફર્યા હતા. તેઓ શણના કારખાનાના એક લેબર કૉન્ટ્રેક્ટર હતા.

અકબરની અંગ્રેજી પર સારી પકડ હોવાના કારણે તેમને કલકત્તા બૉય્ઝ સ્કૂલમાં પ્રવેશ મળ્યો. તેઓ પ્રૅસિડેન્સી કૉલેજના અંડરગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ હતા.

માત્ર 23 વર્ષની ઉંમરે તેઓ એક પખવાડિક મૅગેઝિનના સંપાદક બન્યા. 25 વર્ષની ઉંમરે તેઓ એક સાપ્તાહિક મૅગેઝિનના તંત્રી બન્યા.

અંગ્રેજી તેમના માટે તેલિનિપરામાંથી નીકળવાનું પાસપૉર્ટ સાબિત થઈ. તેમણે 1970-71માં ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયામાં ખુશવંતસિંહના હાથ નીચે એક ટ્રેઇની તરીકે કામ કર્યું.

વર્ષ 1982માં ધ ટેલિગ્રાફ અખબાર શરૂ કર્યું અને તે સાથે જ રાષ્ટ્રીય પત્રકારત્વમાં પોતાની નોંધ લેવાય એ સુનિશ્ચિત કર્યું. 1985માં દૂરદર્શનની પ્રથમ ખાનગી ન્યૂઝ મૅગેઝિન ન્યૂઝલાઇન ઍન્કર કરી.

કારકિર્દીના પ્રગતિનાં પગથિયાં ચડતાં-ચડતાં તેઓ સન્ડે અને એશિયન એજ જેવાં અખબારોના સંપાદક બન્યા.

તેમની કારકિર્દી દરમિયાન તેમની છબિ એક મહેનતુ અને પારખું પત્રકાર તરીકેની રહી.

તેમને તેમના કેટલાક સહયોગીઓ મહિલાઓને ભારતીય પત્રકારિતામાં તમામ ક્ષેત્રોમાં હાથ અજમાવવાની તક આપનાર સંપાદકો પૈકી એક પણ માને છે.

અકબરનો રાજકારણમાં પ્રવેશ

1989માં તેમણે રાજકારણમાં પદાર્પણ કર્યું. તેઓ બિહારની કિશનગંજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

તેમણે 1991માં ફરી વખત ચૂંટણીમાં નસીબ અજમાવ્યું પરંતુ ત્યાંથી તેઓ હારી ગયા. વર્ષ 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને પાછા પત્રકારત્વમાં સક્રિય થયા.

રાજીવ ગાંધીના વડા પ્રધાનપદના કાર્યકાળ દરમિયાન અકબર તેમના પ્રવક્તા હતા.

એશિયન એજમાં તેમના કાર્યકાળ દરમિયાન તેઓ આરોપોનો સામનો કરી રહેલા રાજનેતા સુરેશ કલમાડી, ફાઇનાન્સર કેતન સોમૈયા અને વિજય માલ્યા જેવી વિવાદાસ્પદ હસ્તીઓ સાથે હાથમાં હાથ મિલાવી ઊભેલા જોવા મળ્યા હતા.

એશિયન એજમાંથી વર્ષ 2008માં કાઢી મુકાયા બાદ તેમણે ઘણાં મૅગેઝિનો અને અખબારો શરૂ કર્યાં, જે બાદમાં સમયાંતરે બંધ થઈ ગયાં. અંતે તેઓ ઇન્ડિયા ટુડેના એડિટોરિયલ ડાયરેક્ટર બન્યા.

એશિયન એજમાં તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 2002માં તેમણે નરેન્દ્ર મોદીની તુલના હિટલર સાથે કરી હતી.

કોણ જાણતું હતું કે એક સમયે જેમને હિટલર ગણાવ્યા તેમની જ આગેવાની હેઠળ એમ. જે. અકબર ભારતના કેન્દ્રીય મંત્રી બનવાના હતા.

વર્ષ 2014માં તેઓ ભાજપમાં જોડાયા. અને વર્ષ 2015માં તેઓ ઝારખંડમાંથી રાજ્યસભામાં ચૂંટાયા.

ત્યારબાદ તેમને મોદી સરકારના કૅબિનેટ વિસ્તારમાં રાજ્યકક્ષાના વિદેશ મામલાના મંત્રી નીમવામાં આવ્યા. પરંતુ વર્ષ 2018માં જાતીય સતામણીના આક્ષેપો બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો