ખેડૂત આંદોલન મુદ્દે વડા પ્રધાન મોદી સંસદમાં શું બોલ્યા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "કોરોના સામેની લડાઈ જીતવાનો શ્રેય કોઈ સરકાર કે વ્યક્તિને નથી જતો પરંતુ આખા ભારતને જાય છે."

તેમણે વધુમાં કહ્યું, "દેશના મનોબળને તોડે દેશના સામર્થ્યને તોડે તેવી વાત ન કરો. જેને દુનિયાનો ત્રીજો ગરીબ દેશ કહેવામાં આવ્યો તે આજે રસી સાથે તૈયાર છે. દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે.

ખેડૂત આંદોલન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું કે આપણે નક્કી કરવું પડશે કે આપણે સમસ્યાનો ભાગ બનીશું કે સમાધાનનું માધ્યમ.

રાજનીતિ અને રાષ્ટ્રનીતિમાં આપણે એક વસ્તુની પસંદગી કરવી પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંસદમાં ખેડૂત આંદોલનની સંપૂર્ણ ચર્ચા થઈ, જે પણ કહેવામાં આવ્યું તે આંદોલનને લઈને કહેવામાં આવ્યું મૂળ વાત પર ચર્ચા નથી કરવામાં આવી.

વડા પ્રધાન મોદીએ સંસદમાં ચૌધરી ચરણસિંહના નિવેદનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ખેડૂતોનો સેન્સેસ લેવામાં આવ્યો હતો, તો 33 ટકા ખેડૂત એવા છે જેમની પાસે બે વિઘાથી પણ ઓછી જમીન છે, 18 ટકા એવી છે જેમની પાસે બેથી ચાર વીઘા જમીન છે, આ ગમે તેટલી મજૂરી કરી લે. પોતાની જમીન પર જીવન ગુજારી નહીં શકે.

એમએસપી પર બોલ્યા મોદી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં એમએસપી પર કહ્યું કે એમએસપી પહેલા પણ હતું, હાલ પણ છે અને આગળ પણ રહેશે. સસ્તી કિંમતે ગરીબોને રૅશન મળતું રહેશે. મંડીઓમાં આધુનિકીકરણ કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉપરાંત પોતાના પહેલા કાર્યકાળમાં અને હાલમાં ખેડૂતોના હિત માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓ અને નીતિઓનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું "2014થી અમે ખેડૂતોને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનું શરૂ કર્યું છે. પાક વિમા યોજનાને ખેડૂતો માટે વધારે અનુકૂળ બનાવવા માટે પરિવર્તન કર્યું. વડા પ્રધાન ખેડૂત યોજના લાવ્યા.

પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર નાના ખેડૂતો માટે કામ કરી રહી છે. મોદીએ ડેરી ઉત્પાદકોના સંબંધમાં પણ ટિપ્પણી કરી.

તેમણે કહ્યું, "દૂધ ઉત્પાદન કોઈ બંધનોમાં બંધાયેલું નથી. દૂધ ક્ષેત્રમાં અથવા તો પ્રાઇવેટ અથવા કો-ઑપરેટિવ બંને મળીને કાર્ય કરી રહ્યા છે. પશુપાલકોને મળેલી આઝાદી, અનાજ અને દાળ ઉત્પન્ન કરનારા નાના અને છેવાડાના ખેડૂતોને કેમ ન મળવી જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો