બજેટ 2021 : ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય કેટલું દૂર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી ગુજરાતી માટે
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. છેલ્લા બે મહિનાથી વધારે સમયથી કેન્દ્ર સરકારના કૃષિકાયદાઓથી નારાજ ખેડૂતો દિલ્હીની સરહદો પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે..
જોકે નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના બજેટના ભાષણમાં દાવો કર્યો કે 'સરકાર ખેડૂતો માટે પ્રતિબદ્ધ' છે.
"ખેડૂતોની સ્થિતિમાં છેલ્લા એક દાયકામાં સુધારો થયો હોય તેમ મને નથી લાગતું. ઓછો વરસાદ પડે અને પેદાશ ન મળે તો અમારે બિયારણ અને બીજો બધો ખર્ચ માથે પડે છે, સારો વરસાદ પડે તો ટેકાના ભાવ નથી મળતા."
"અમારો ઇનપુટ ખર્ચ સતત વધતો જાય છે અને અમે દેવું ઉતારી શકવાની સ્થિતિમાં જ નથી. માવઠાં કે દુષ્કાળની સ્થિતિમાં પાક નિષ્ફળ જાય તો સમયસર પાક વીમો નથી મળતો અને જે ચુકવણી થાય તે બહુ મામૂલી હોય છે. પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો એ માત્ર પોકળ વચન હતું."
સૌરાષ્ટ્રના ટંકારા તાલુકાના સીમાંત (માર્જિનલ) ખેડૂત બિહારીદાન બોક્સા આ શબ્દોમાં પોતાની સ્થિતિ વ્યક્ત કરે છે, જે સ્થિતિ ગુજરાતના લાખો ખેડૂતોની છે.
15 ઑગસ્ટ, 2017ના દિવસે સ્વતંત્રતાનાં 75 વર્ષની ઉજવણી નિમિત્તે લાલ કિલ્લા પરથી ભાષણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેમની સરકાર પાંચ વર્ષમાં, એટલે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની યોજના ધરાવે છે.
આ બહુ મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય હતું તેવું નિષ્ણાતોએ તે સમયે જ જણાવી દીધું હતું. અત્યારે દેશવ્યાપી ખેડૂત આંદોલન, ખેડૂતો પરના દેવાનો બોજ અને નાણાકીય કટોકટીના કારણે આત્મહત્યા કરતા ખેડૂતોની સંખ્યા જોતા કહી શકાય કે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં ધાર્યો સુધારો થયો નથી.
ખેડૂતો જંગી પાક ઉતારે ત્યારે તેમને ટેકાના ભાવે ખરીદી કરવાનું વચન આપવામાં આવે છે પરંતુ બધા ખેડૂતો પોતાની પેદાશને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે તેવી સ્થિતિમાં હોતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેથી તેમણે સહકારીમંડળી કે શાહુકારની લૉન ભરવા માટે પાક ઊતરતાની સાથે જ વેપારીઓ અથવા વચેટિયાઓને નીચા ભાવે માલ વેચવાની ફરજ પડે છે.
બિહારીદાન કહે છે કે, ટેકાના ભાવે ખરીદી થાય તો પણ તેના રૂપિયા છ મહિને મળે છે. મોટા ભાગે ગણવત્તાના સવાલ ઉઠાવીને માલની ખરીદી ટાળવામાં આવે છે. ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ લઈને જાય ત્યારે હરાજી થતી નથી અને તેમણે યાર્ડની બહાર ટ્રૅક્ટરોમાં માલ રાખીને બેસવું પડે છે.

વીજપુરવઠો અને પાકવીમાની સમસ્યા

ઇમેજ સ્રોત, EPA
ગુજરાતમાં પાકવીમાને લઈને પણ ખેડૂતોમાં નારાજગી છે.
બોક્સા કહે છે, "એક લાખ રૂપિયાના કપાસ સામે માત્ર રૂ. 11 હજાર અને એક લાખની મગફળી સામે ફક્ત 14,000 રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે. પૂરતો વીમો મળે તે માટે વર્ષોથી કેસ ચાલે છે."
"ગયા વર્ષે માત્ર નવ ટકા વીમાની ચુકવણી થઈ હતી. આ વખતે વધારે પડતો વરસાદ પડવાથી મારો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને નુકસાન ભોગવવું પડ્યું છે."
સરકારે ખેડૂતોને વધારે સમય સુધી વીજળી આપવાની જાહેરાત કરી છે, પરંતુ તેનો વાસ્તવિક અમલ જોવા મળતો નથી.
હાલમાં ખેડૂતોને માત્ર આઠ કલાક વીજળી મળે છે જેથી તેમણે પાણીના પંપ ચલાવવા ડીઝલનો ઉપયોગ કરવો પડે છે. ડીઝલનો ભાવ પણ અત્યારે વિક્રમ સપાટીએ છે.
બિહારીદાન કહે છે, "2010 સુધી અમારી આવક વધતી હતી, પરંતુ ત્યારપછી વાર્ષિક આવક વધવાના બદલે ઘટી છે. માત્ર સધ્ધર ખેડૂતોને અત્યારની સ્થિતિમાં ફાયદો છે."
"દવાઓના સતત ઉપયોગના કારણે તેની અસરકારકતા પણ ઓછી થઈ છે. અગાઉ એક વીઘા દીઠ બે બજાર રૂપિયાની જંતુનાશક દવાની જરૂર પડતી હતી, હવે વીઘા દીઠ છથી સાત હજાર રૂપિયાનો ખર્ચ આવે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મહત્ત્વાકાંક્ષી યોજનાના મોટા આંકડા

ઇમેજ સ્રોત, Getty Images
2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે 2019ના ઇકૉનૉમિક સરવેમાં સાત મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
તેમાં પાકની ઉત્પાદકતા વધારવી, ઢોરઢાંખરની ઉત્પાદકતા વધારવી, સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ, ઉત્પાદનખર્ચમાં બચત, ઊંચી કિંમત આપી શકે તેવા પાકની વાવણી, ખેડૂતોને મળતા વાસ્તવિક ભાવમાં સુધારો અને ફાર્મથી બિન-ફાર્મ વ્યવસાય તરફ શિફ્ટ થવાનો સમાવેશ થતો હતો.
જોકે, આર્થિક સરવેમાં પહેલેથી જાહેર કરાયેલા કાર્યક્રમોનો જ ઉલ્લેખ હતો. તેમાં કોઈ નવા પ્રોગ્રામનું એલાન થયું ન હતું.
તેમાં મૉડલ કૉન્ટ્રાક્ટ ફાર્મિંગ ઍક્ટની જાહેરાત, ખેડૂતો પાસેથી કૉમૉડિટીની સીધી ખરીદી માટે ગ્રામીણ હાટનું અપગ્રેડેશન, ખેડૂતોને ઇલેક્ટ્રોનિક ઑનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ આપવા e-NAM, રાસાયણિક ખાતરનો યોગ્ય વપરાશ થાય તે માટે સોઇલ કાર્ડ આપવાં, ટપક સિંચાઈપદ્ધતિથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ વગેરે યોજના સામેલ છે.
આ ઉપરાંત 2019ના આર્થિક સરવેમાં નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી વાર્ષિક 3000 રૂપિયાનું વૃદ્ધાવસ્થા પેન્શન આપવાની સેન્ટ્રલ સ્કીમની વાત હતી. તેમાં પ્રથમ ત્રણ વર્ષમાં યોજના હેઠળ લગભગ 5 કરોડ લાભાર્થીને આવરી લેવાના હતા.
આ સ્વૈચ્છિક યોજના હતી જેમાં 18થી 40 વર્ષની પ્રવેશ વય રાખવામાં આવી હતી. સરકારે માર્ચ 2022 સુધી રૂ. 10774 કરોડની બજેટરી જોગવાઈ મંજૂર કરી હતી.

દેશમાં ખેડૂતોની સ્થિતિ આંકડાની દૃષ્ટિએ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારનું કૃષિમંત્રાલય દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાં ખેતી અને ખેડૂતોની સ્થિતિ વિશે એક પૉકેટબુક બહાર પાડે છે.
જોકે, તેમાં ઘણી માહિતી જૂની હોય છે તેથી હાલની સ્થિતિ સાથે સરખાણી કરવી મુશ્કેલ પડે છે.
2019ની કૃષિઆંકડાની પૉકેટબુકમાં તેંડુલકર મેથડ મુજબ ગરીબીરેખા નીચે જીવતા લોકોના 2012ના આંકડા અપાયા છે જે મુજબ ગુજરાતમાં ગ્રામીણ ગરીબોની ટકાવારી 21.54 ટકા અને શહેરી ગરીબોની ટકાવારી 10.14 ટકા હતી.
આ ગાળામાં છત્તીસગઢમાં સૌથી વધુ 44 ટકા ગ્રામીણ ગરીબી અને ગોવામાં ફક્ત 6.81 ટકા ગ્રામીણ ગરીબી હતી.
સિંચાઈની વાત કરીએ તો 2016માં ગુજરાતમાં તમામ પાક હેઠળ સિંચાઈની ટકાવારી 52.4 ટકા હતી જ્યારે હરિયાણામાં આ પ્રમાણ 91.4 ટકા, પશ્ચિમ બંગાળમાં 64 ટકા, પંજાબમાં 98 ટકા અને બિહારમાં 69 ટકા હતું.
કૃષિલૉનના ક્ષેત્રે ગુજરાતમાં પાકલૉનના 3189731 એકાઉન્ટ હતાં જેમાં 3985046 લાખની રકમ ફાળવાઈ હતી.
2019માં તમામ વીમા યોજનાઓ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં ગુજરાતમાં આ પ્રમાણ 22.66 ટકા, આંધ્રપ્રદેશમાં 29.66 ટકા, છત્તીસગઢમાં 40 ટકા, મધ્યપ્રદેશમાં 54 ટકા અને મહારાષ્ટ્રમાં 37 ટકા હતું.
કોલ્ડ સ્ટોરેજની વાત કરીએ તો 2019માં ગુજરાતમાં કુલ 956 પ્રોજેક્ટ હતા જેની સંગ્રહક્ષમતા 3790311 મેટ્રિક ટનની હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ ગાળામાં ઉત્તર પ્રદેશમાં કોલ્ડ સ્ટોરેજના સૌથી વધુ 2376 પ્રોજેક્ટ હતા જેની કુલ ક્ષમતા 14545618 મેટ્રિક ટનની હતી. આ ગાળામાં મહારાષ્ટ્રમાં કોલ્ડ સ્ટોરેજના 604 પ્રોજેક્ટ અને પશ્ચિમ બંગાળમાં 510 પ્રોજેક્ટ હતા.
દેવા હેઠળના કુલ કૃષિ પરિવારોની ટકાવારી જોવામાં આવે તો આંધ્રમાં આ પ્રમાણ 93 ટકા, આસામમાં 17.5 ટકા, બિહારમાં 42.5 ટકા, ગુજરાતમાં 42.6 ટકા હતું. જ્યારે કર્ણાટક અને કેરળમાં આ પ્રમાણ 77 ટકા, તામિલનાડુમાં 82.5 ટકા, અને પંજાબમાં 53 ટકા હતું.
2019ની કૃષિમંત્રાલયની પૉકેટબુકમાં વિવિધ રાજ્યોના ખેડૂતોની માસિક આવકના આંકડા પણ અપાયા છે જે પ્રમાણે ગુજરાતના ખેડૂતોની માસિક આવક રૂ. 3523, પંજાબના ખેડૂતોની આવક રૂ. 16349 અને હરિયાણાના ખેડૂતોની આવક રૂ. 10916 હતી.
2019માં ટ્રેક્ટરના વેચાણની બાબતમાં ગુજરાતનો દેખાવ સારો હતો. વર્ષ દરમિયાન ગુજરાતમાં 57,148 ટ્રેક્ટર વેચાયા હતા, જ્યારે આંધ્રપ્રદેશમાં 41,472 ટ્રેક્ટર, તેલંગણામાં 42,385, બિહારમાં 56,900, કર્ણાટકમાં 43,000, મધ્યપ્રદેશમાં 84,310, રાજસ્થાનમાં 63,364, પંજાબમાં 20,700, અને ઉત્તર પ્રદેશમાં 1.33 લાખ ટ્રેક્ટર વેચાયા હતા.
જૂન 2013ના આંકડા પ્રમાણે કૃષિ પર આધારિત પરિવારોની સરેરાશ માસિક આવક ગુજરાતમાં રૂ. 7926, જમ્મુ અને કાશ્મીરમાં રૂ.12,684, હરિયાણામાં રૂ. 14,434, પંજાબમાં રૂ. 18,059 હતી.
ખેતમજૂરોના દૈનિક વેતનની બાબતમાં ગુજરાત બીજા રાજ્યો કરતાં પાછળ છે. 2019માં ગુજરાતમાં અનસ્કીલ્ડ મજૂરો માટે મહત્તમ વેતન રૂ. 276 હતું જ્યારે સેમી સ્કીલ્ડ માટે રૂ. 284 અને સ્કીલ્ડ મજૂરો માટે દૈનિક વેતન રૂ. 293 હતું.
બીજી તરફ સ્કીલ્ડ મજૂરોના વેતનમાં આંધ્રપ્રદેશ (દૈનિક રૂ. 507), છત્તીસગઢ (રૂ.380), ગોવા (રૂ. 465), તમિલનાડુ (રૂ. 808) અને કેરળ (રૂ.557) આગળ હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

સરકાર તેના લક્ષ્યથી ઘણી દૂર

ઇમેજ સ્રોત, Ani
ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, "સરકાર પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યની ક્યાંય નજીક દેખાતી નથી."
"ખેડૂતોની આવક બમણી કરવી હોય તો 2017થી કૃષિ વિકાસદર વાર્ષિક 12 ટકાથી ઉપર રહેવો જોઈતો હતો જે થયું નથી. તેનાથી વિપરીત કૃષિવિકાસ દર સ્થગિત થઈ ગયો છે. માત્ર કોરોના કાળમાં કૃષિ વિકાસદર વધ્યો છે."
તેઓ કહે છે, "આ વર્ષે ચોમાસુ સારું હતું અને આપણે હજુ પણ વરસાદ પર આધારિત ખેતી ધરાવીએ છીએ. લોકડાઉનમાં અગાઉની સિઝનનો માલ વેચવામાં મુશ્કેલી પડી હતી."
"ગુજરાતમાં ખેતીની સમસ્યા એ છે કે સિંચાઈ હેઠળનો વિસ્તાર વધવો જોઈએ જે વધ્યો નથી. 1995માં ગુજરાતમાં 26 ટકા ખેતીને કેનાલ દ્વારા સિંચાઈ હેઠળ આવરી લેવાઈ હતી. 2005માં આ પ્રમાણ વધીને 23.29 ટકા થયું અને 2015માં પ્રમાણ વધવાના બદલે સહેજ ઘટીને 23.26 ટકા થયું હતું."
"આ દરમિયાન સિંચાઈ હેઠળના કેટલાક વિસ્તારને ઇન્ડસ્ટ્રીય વિસ્તારમાં ફેરવી નખાયો હતો. આ ઉપરાંત ગુજરાતમાં ડેમોની ક્ષમતાનો પૂરતો વપરાશ થતો નથી. ડેમમાંથી અમુક વર્ષે કાંપ દૂર કરવો જોઈએ જે થતો નથી. સંગ્રહ ક્ષમતા નથી વધી. કેનાલો બિસમાર હાલતમાં છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તેમના મતે વડાપ્રધાને ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કરી તે વધારે પડતી મહત્ત્વાકાંક્ષી હતી. આ પહેલેથી જ અશક્ય કામ હતું જેને શક્ય બનાવવાના પગલાં પણ લેવાયા નથી.
સાગર રબારીના મતે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ગુજરાત ઘણું પાછળ છે.
તેઓ કહે છે, "ખેડૂતોની આવક વધારવી હોય તો વેરહાઉસ સ્થાપવા જોઈએ, પ્રોસેસિંગ યુનિટ ઉભા કરવા જોઈએ. વેલ્યુ એડિશન કરવામાં આવે તો કૃષિ પેદાશના સારા ભાવ મળે. અત્યારે ખેડૂતો 19 રૂપિયે કિલોના જથ્થાબંધ ભાવે ઘઉં વેચવા પડે છે. તેઓ તેનો લોટ દળીને પાંચ-દશ કિલોના પેકમાં વેચી શકે તેવી વ્યવસ્થા થાય ત્યારે તેમની આવક બમણી થશે."
"ખેડૂતો પાસે ટામેટાંનો મબલખ પાક ઉતરે ત્યારે બે-ત્રણ રૂપિયાના કિલોએ ટામેટાં વેચવા પડે અથવા રસ્તામાં ફેંકી દેવા પડે છે. તેના બદલે તેઓ ટોમેટો કેચઅપ બનાવીને વેલ્યુ એડિશન કરીને વેચી શકે ત્યારે તેમની આવક બમણી થઈ શકે."
જોકે તેઓ કહે છે કે, નવા કૃષિ કાયદાને હું એક નવા પ્રયોગ તરીકે જોઉં છું. વર્ષોથી કૃષિનો ગ્રોથ સ્ટેગનન્ટ છે ત્યારે નવા કાયદાથી પ્રયોગ કરવા જરૂરી હતા. જોકે સરકારે ભૂલ એ કરી કે કાયદા લાવવામાં ઉતાવળ કરી, ખેડૂતોને વિશ્વાસમાં ન લીધા.

ખેડૂતો પોતાની પેદાશના ભાવ નક્કી નથી કરી શકતા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો ભાવ ખેડૂતો નહીં પણ વચેટિયા નક્કી કરે છે. ખેડૂતો એક રૂપિયાનો માલ વેચે કે 100 રૂપિયામાં વેચે, મિડલમેનને તેનું કમિશન મળી જાય છે, તેમ સાગર રબારી જણાવે છે.
ભારતમાં કયા રાજ્યમાં ખેડૂતોના હિત વધુ સચવાય છે?
સાગર રબારીનો દાવો છે કે, "પંજાબમાં ખેડૂતોના મોટા ભાગના હિત સચવાય છે જ્યારે ગુજરાતમાં એવું નથી. પંજાબમાં ખેડૂતોને સિંચાઈ, વીજળી, ટેકાના ભાવની સારી સુવિધા મળે છે. તેમનો મોટા ભાગનો પાક ટેકાના ભાવે ખરીદાઈ જતો હોવાથી તેઓ વધારે ઉત્પાદન લેવા માટે ફર્ટિલાઈઝર, બિયારણનો વધારે ઉપયોગ કરે છે. તેથી ઇનપુટ ખર્ચ વધી જાય છે."
"પરિણામે માથાદીઠ નફાની રીતે જોવામાં આવે તે પંજાબના ખેડૂતો પાછળ રહી ગયા છે તેથી જ આંદોલન કરવામાં તેઓ આગળ છે. કેટલાક ખેડૂત નેતાઓના મતે તેમની 95 ટકા જમીન ગીરવે મુકાયેલી છે. અત્યારે બૅંકો તેમને લોન ચૂકવવા કહે તો 90 ટકા ખેડૂતો પોતાની જમીન છોડાવી શકે તેમ નથી. "
તેઓ કહે છે કે, "પંજાબ પછી કર્ણાટકમાં ખેતી વધારે પ્રગતિશીલ છે, સિંચાઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા છે. પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ કરતા ગુજરાત ઘણું પાછળ છે. "

કૃષિ દેવાની સમસ્યા અને બૅંકોની વધતી એનપીએ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ખેડૂતોએ બિયારણની ખરીદીથી લઈને ખેડાણ, જંતુનાશક દવાઓની ખરીદી સહિતના ઘણા ખર્ચ માટે ઋણ લેવું પડે છે.
બિહારીદાન બોક્સા કહે છે, "ખેડૂતોએ 800થી 900 રૂપિયે મણના ભાવે મગફળી વેચી નાખી ત્યાર પછી સરકારે 1200 રૂપિયાના ટેકાના ભાવની જાહેરાત કરી."
"આ દરમિયાન ખેડૂતો પાસેની મગફળી મોટા વેપારીઓ પાસે પહોંચી ગઈ હતી. તેથી ઊંચા ભાવનો લાભ માત્ર વેપારીઓને મળશે. અમે સસ્તામાં માલ વેચી દઈએ ત્યાર પછી તેનું જ બિયારણ 2200થી 2300 રૂપિયાના ભાવે ખરીદવું પડે છે."
ફર્ટિલાઈઝરની વાત કરીએ તો ડીએપી અને યુરિયાનો ભાવ છેલ્લા સાત-આઠ વર્ષમાં બમણો થઈ ગયો છે.
તેઓ કહે છે કે સહકારી મંડળી પાસેથી તેમને ત્રણ ટકાના વ્યાજના દરે લૉન મળે છે જ્યારે બેન્ક લોનનો દર ઘણો ઊંચો હોય છે.
ખેડૂત એકતા મંચના સાગર રબારી કહે છે કે, "ગુજરાતમાં બૅંક સુવિધાનું એક્સેસ હોય તેવા બધા ખેડૂતો દેવું કરે છે. જેમને બૅંકની સુવિધા નથી મળતી તેઓ ખાનગી શાહુકારો પાસે નાણાં ઉછીના લે છે."
"ગુજરાતના ખેડૂતો પર લગભગ 92,000 કરોડ રૂપિયાનું દેવું છે. એસએલબીસીના રિપોર્ટ પ્રમાણે ખેતીમાં એનપીએ વધી છે જે સૌથી ખરાબ નિશાની છે કારણ કે તેમાં ત્રણ લાખની લૉન સામે 40 લાખની જમીન મોર્ગેજ મૂકાયેલી હોય છે."
સ્ટેટ લેવલ બૅંકર્સ કમિટિ (એસએલબીસી)ના તાજેતરના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કૃષિ લૉન ક્ષેત્રે નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ)માં 38 ટકાનો વધારો થયો હતો. આ વધારો બે વર્ષના સમયગાળામાં થયો છે.
2018-19ના પ્રથમ ક્વાર્ટરમાં કૃષિ લૉનની એનપીએ રૂ.4270 કરોડ હતી જે 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં વધીને રૂ.5916 કરોડ થઈ હતી.
સમાન ગાળા દરમિયાન કૃષિ લૉનની એનપીએમાં 10 ટકાનો વધારો થયો હતો અને આ આંકડો રૂ.82,075 કરોડથી વધીને રૂ.90,513 કરોડ થયો હતો.
ગયા વર્ષમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હતું જ્યારે ત્યાર પછી લોકડાઉનમાં માલ વેચવામાં અડચણો પેદા થઈ હતી.
લોકડાઉન વખતે એપીએમસી બંધ હોવાથી ખેડૂતોને ચૂકવણી મળી ન હતી અને એનપીએમાં વધારો થયો હતો.

ડીઝલ, ફર્ટિલાઇઝર, બિયારણ મોંઘાં થયા, પેદાશોના ભાવ ઘટ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલના મતે પાંચ વર્ષમાં આવક બમણી થવાની વાત દૂર રહી, ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "2017માં વડા પ્રધાને યોજનાની જાહેરાત કરી ત્યાર પછી પાંચ વર્ષમાં ઇનપુટ ખર્ચ વધ્યો છે. તે સમયે ડીઝલ 55 રૂપિયે લિટર હતું તે 85થી 87 રૂપિયાએ પહોંચ્યું છે."
"ફર્ટિલાઈઝર પરની સબસિડી મિક્સ ફર્ટિલાઈઝરમાં શૂન્ય કરી દેવામાં આવી તેથી ખર્ચમાં 25 ટકા વધારો થયો. બિયારણ મોંઘું, લેબર ખર્ચ વધ્યો."
તેઓ કહે છે, "ઉપજની વાત કરીએ તો કપાસનો ભાવ 6500થી 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો તે ઘટીને 4500થી 5000 મળે છે. મગફળીના ભાવ 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા તેની જગ્યાએ 4500 મળે છે."
"ઘઉંના ભાવ 1800થી 2200 પ્રતિ ક્વિન્ટલ હતા તે 1500થી 2000 થયા."
તેઓ કહે છે, "હાલમાં ભારતમાં 16 કરોડ કુટુંબો ખેતી પર નભે છે. એટલે કે 64 કરોડ લોકો ખેતી પર આધારિત છે. તેમાં પાંચથી છ કરોડ મજૂરોને ઉમેરો તો કુલ 70 કરોડ થાય."
"સરકારે એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઈસ) વધારી પરંતુ ખરીદી ક્યાં થાય છે? ગુજરાતમાં ખેડૂતોનો માત્ર છ ટકા માલ લઘુતમ ટેકાના ભાવે ખરીદાય છે. બાકીનો ભાવ ઓપન માર્કેટમાં નીચા ભાવે વેચવો પડે છે. ડાંગરનો ભાવ પાંચ વર્ષ અગાઉ 2200થી 2350 મળતો હતો તે ઘટીને 1600થી 1800 પર આવ્યો છે."

ઇમેજ સ્રોત, Getty Images
શું સરકારે વધારે પડતી મહત્ત્વાકાંક્ષી યોજના જાહેર કરી હતી?
આ સવાલના જવાબમાં જયેશ પટેલ કહે છે કે, "સરકારને ઇરાદો ત્યારે પણ ખોટો હતો અને અત્યારે પણ ખોટો છે. આવક બમણી કરવાની જાહેરાત કરી દીધી પણ તેનું કોઇ પ્લાનિંગ ન હતું. તે માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત હતી જેને બજેટરી સપોર્ટ મળ્યો નથી."
"સ્વામીનાથન કમિટિની એક પણ ભલામણનો અમલ નથી થયો. ખેડૂતને પેદાશનો જે ભાવ મળે તેમાં તેના ઇનપુટ કોસ્ટ, પારિવારિક શ્રમ અને 50 ટકા નફો - આ ત્રણ વસ્તુનો સરવાળો થવો જોઈએ. પણ તેમ થતું નથી."
"ઇન્ડસ્ટ્રીને 24 કલાક વીજળી મળે છે જ્યારે ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી મળે છે અને તે પણ તબક્કાવાર રીતે. ખેડૂતોને પ્રોત્સાહન આપવું હોય તો ઉદ્યોગોની જેમ સપોર્ટ કરો."
આખા દેશમાં ખેડૂતોની સ્થિતિ સરખી છે. પંજાબ હરિયાણાના ખેડૂતોના મોટા ભાગના ઘઉં અને ચોખા પીડીએસ માટે ખરીદી લેવાય છે.
જયેશ પટેલ જણાવે છે કે, "ગુજરાતના માર્કેટ યાર્ડમાં માલના સંગ્રહની વ્યવસ્થા નથી, વાવાઝોડું આવે, માવઠું પડે, ચોરી થાય તો ખેડૂતોએ સહન કરવાનું. હાલનું આંદોલન એટલા માટે છે કારણ કે સરકાર મલ્ટિ-મિલિયનેરને ખેતી વેચવા માંગે છે. ખેડૂતોને પોતાના ખેતરમાં મજૂરી કરતો કરી દેવો છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












