You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિંઘુ બૉર્ડર : ખેડૂત આંદોલનનું રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર મનદીપ પુનિયા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં
- લેેખક, સત સિંહ
- પદ, સિંઘુ બૉર્ડરથી, બીબીસી ગુજરાતી માટે
શનિવારે સાંજે સિંઘુ બૉર્ડર પરથી સ્વતંત્ર પત્રકાર મનદીપ પુનિયાની ધરપકડ બાદ એમને રવિવારે તિહાડ જેલમાં મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા અને એ પછી એમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
મનદીપના વકીલે કહ્યું કે, એમની તરફથી બચાવપક્ષનો વકીલ પણ કોર્ટમાં રજૂ નહોતો થયો અને એમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
મનદીપ પુનિયાના વકીલ સરીન નાવેદે કહ્યું કે, "અમને કહેવામાં આવ્યું હતું કે એમને રોહિણી કોર્ટમાં 2 વાગે રજૂ કરવામાં આવશે પરંતુ પછી કહેવામાં આવ્યું કે તિહાડ કોર્ટ કોમ્પલેક્ષમાં સાડા 12 વાગે રજૂ કરે છે. બચાવપક્ષના વકીલને થોડો સમય અગાઉ નોટિસ આપવાની હોય છે. મનદીપનો હક છે કે બચાવપક્ષનો વકીલ એમની સાથે હોય."
મનદીપ પુનિયાની જામીન અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને તેની સુનાવણી સોમવારે થશે.
શનિવારે સાંજે સિંઘુ બૉર્ડર પર સ્વતંત્ર પત્રકાર મનદીપ પુનિયાની ધરપકડના સમાચારો આવવાની શરૂઆત સૌપ્રથમ સોશિયલ મીડિયા પર થઈ.
એમની ધરપકડની અધિકૃત પુષ્ટિ પોલીસે અનેક કલાકો સુધી કરી નહોતી. હવે થોડી વાર અગાઉ મનદીપ પુનિયાને મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા છે.
શનિવારે સાંજે સાત વાગે એક વીડિયો વાઇરલ થવાની શરૂઆત થઈ, જેમાં પોલીસ એક વ્યક્તિને ખેંચીને લઈ જવાની કોશિશ કરતી જોવા મળતી હતી.
એ પછી મોડી રાતે મનદીપ પુનિયા વિશે પત્રકારોએ ટ્વીટ કરવાનું શરૂ કર્યું કે પોલીસે એમની ધરપકડ કરી છે પણ ક્યાં લઈ જવામાં આવ્યા છે એની જાણકારી લોકોને સવાર સુધી મળી નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનદીપ પુનિયા ધ કૈરેવાન સહિત અનેક પત્ર-પત્રિકાઓમાં ખેડૂતોના મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરતાં રહ્યા છે.
મનદીપ ઉપરાંત સિંઘુ બૉર્ડરથી એક અન્ય પત્રકાર ધર્મેન્દ્ર સિંહની પણ ધરપકડ થઈ છે.
ધર્મેન્દ્ર પોતાની યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. આ બેઉ પત્રકારોનો સંબંધ હરિયાણાના ઝાજ્જર જિલ્લા સાથે છે.
સિંઘુ બૉર્ડર પર શું થયું હતું?
ધર્મેન્દ્ર સિંહને પોલીસે મનદીપ પુનિયાની સાથે પકડ્યા હતા, પરંતુ એમને રવિવારે સવારે પાંચ વાગે છોડી દેવામાં આવ્યા હતા.
એમના કહેવા મુજબ, તેઓ પોલીસ એક્શનનો કોઈ વીડિયો હવે શૂટ નહીં કરે અને મીડિયા સાથે વાત નહીં કરે એવી લેખિત બાંહેધરી બાદ દિલ્હી પોલીસે એમને છોડ્યા.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જ્યારે સિંઘુ બૉર્ડર પર ધર્મેન્દ્રને પોલીસે પકડ્યા ત્યારે મનદીપ એમની સાથે જ ઊભા હતા. એમણે પોલીસ સામે અવાજ ઉઠાવ્યો કે પત્રકારને કેમ પકડી રહ્યા છો, તો પોલીસવાળાઓએ એમને પણ પકડ્યા અને ખેંચી લીધા.
પંજાબના એક ન્યૂઝ પોર્ટલમાં કામ કરનાર મનદીપ સિંહે કહ્યું કે, "કિસાન મોરચાની પ્રેસ-કૉન્ફરન્સ થવાની હતી, સ્ટેજ પાસે થોડો અવાજ થયો ત્યારે ખબર પડી કે મનદીપ પુનિયા અને ધર્મેન્દ્ર સિંહને પોલીસે પકડ્યા છે. તેઓ એ સમયે પોલીસની બેરિકેડને કારણે પડી રહેલી તકલીફ પર એક વીડિયો રેકૉર્ડ કરી રહ્યા હતા."
આખી રાત કંઈ ખબર નહીં
ન્યૂઝલૉન્ડ્રી માટે કામ કરી રહેલા પત્રકાર વસંત કુમારે કહ્યું કે, જેવી પત્રકારોને ખબર પડી કે પોલીસે એમના બે સાથીઓની સિંઘુ બૉર્ડર પરથી ધરપકડ કરી છે તો તેઓ અલીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા. જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું તો એમણે ધર્મેન્દ્ર સિંહ કે મનદીપ પુનિયા નામની કોઈ પણ વ્યક્તિની સિંઘુ બૉર્ડરથી ધરપકડ કરી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.
અનેક પત્રકારો અલીપુર પોલીસ સ્ટેશન પર સવારે ત્રણ વાગ્યા સુધી બેસી રહ્યા પણ પોલીસ તરફથી એમને કોઈ જાણકારી ન મળી. ત્યાં જ સોશિયલ મીડિયા પર મનદીપ પુનિયા સંબંધિત બે-ત્રણ હેશટેગ ટ્રૅન્ડ કરવા લાગ્યા.
આજે બપોરે પત્રકારોના એક સમૂહે દિલ્હી પોલીસના વડામથકે જમા થઈને પોલીસની કાર્યવાહી સામે પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે.
પોલીસ ફરિયાદમાં શું છે?
આશરે 12 કલાક પોલીસ કસ્ટડીમાં રાખ્યા પછી દિલ્હી પોલીસે મનદીપ પુનિયાની સામે એક ફરિયાદ નોંધી છે.
આ ફરિયાદમાં, ભારતીય દંડસંહિતાની કલમ 186 (સરકારી કામમાં અવરોધ ઊભો કરવો), કલમ 353 (સરકારી કર્મચારી પર હુમલો કરવો), કલમ 332 (જાણી જોઈને અવરોધરૂપ બનવું) અને કલમ 341 (ગેરકાયદે હસ્તક્ષેપ કરવો)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, "દિલ્હી પોલીસ શનિવારે સિંઘુ બૉર્ડર પર પોતાની ડ્યૂટી કરી રહી હતી, જ્યાં કેટલાક ખેડૂતો બેરિકેડ તોડવાની કોશિશ કરી રહ્યા હતા. આશરે સાડા છ વાગે કેટલાક ખેડૂતો બેરિકેડ તોડવાના ઇરાદાથી આવ્યા અને પોલીસ જવાનો સાથે મારામારી કરવા લાગ્યા. એ સમયે એક પોલીસકર્મી સાથે મારામારી કરી રહેલા મનદીપ પુનિયાને પોલીસે પકડી લીધા."
રવિવારે સવારે દિલ્હી પોલીસ મનદીપ પુનિયાને સમયપુર બાદલી સ્ટેશનથી તિહાર જેલ કોર્ટ કોમ્પલેક્સ લઈ ગઈ જ્યાં એમને મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા.
પોલીસની ફરિયાદમાં ધર્મેન્દ્ર સિંહની અટકાયત કર્યાનો કે છોડી દેવાનો કોઈ ઉલ્લેખ નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો