You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત આર્થિક મોરચે ચીનને પણ પાછળ મૂકી દેશે?
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં કોરોના વાઇરસની મહામારી અને લૉકડાઉના કારણે સતત પડતા જઈ રહેલા અર્થતંત્ર માટે સારા સમાચાર છે.
વર્ષ 2020માં ભારતમાં નકારાત્મક વૃદ્ધિ દર બાદ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ હવે વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 11.5 રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
શુક્રવારે સંસદમાં રજૂ કરાયેલ આર્થિક સર્વેમાં પણ 2021-22 નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિ દર 11 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
વિશ્વનાં મોટાં અર્થતંત્રો પૈકી ભારત એક માત્ર એવો દેશ છે, જેનો વૃદ્ધ દર બે આંકમાં રેહવાનું અનુમાન છે.
IMFએ મંગળવારે જાહેર કરેલા તાજા વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુકમાં આ અનુમાન વ્યક્ત કર્યું છે.
IMFના અનુમાન પ્રમાણે ચીન 2021માં 8.1 ટકાના આર્થિક વૃદ્ધિ દર સાથે બીજા સ્થાને હશે. તે બાદ સ્પેનમાં 5.9 ટકા અને ફ્રાન્સ 5.5 ટકાનો વૃદ્ધિ દર રહેવાનુ અનુમાન છે.
IMFએ વર્ષ 2020ના આંકડાને સંશોધિત કરીને જણાવ્યું કે 2020માં ભારતીય અર્થતંત્રમાં આઠ ટકાના ઘટાડાનું અનુમાન છે. ચીન એકમાત્ર મોટો દેશ છે, જેનો વૃદ્ધિ દર 2020માં 2.4 ટકા રહેવાનું અનુમાન છે.
IMF અનુસાર 2022માં ભારતનો આર્થિક વૃદ્ધ દર 6.8 ટકા અને ચીનનો વૃદ્ધિ દર 5.6 ટકા રહેવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે આ અનુમાન અંગે રાજીપો વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કર્યું કે, “વૈશ્વિક અર્થતંત્રનો ચમકતો સિતારો : IMFના 2021 માટે ભારતનો વૃદ્ધિ દર 11.5 ટકા રહેવાના અનુમાન સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની તેજ ઝડપે વૃદ્ધિની કહાણી ચાલુ રહેશે.”
તેમજ, અર્થશાસ્ત્રી આને સારો સંકેત માને છે. પરંતુ તેમનું કહેવું છે કે હજુ અર્થતંત્રમાં રિકવરીની સ્થિતિ નથી આવી.
લૉકડાઉન હઠવાની અસર
વરિષ્ઠ બિઝનેસ પત્રકાર પૂજા મેહરા કહે છે કે IMFએ જે આંકડા આપ્યા છે તે પહેલાંથી બહેતર સ્થિતિને બતાવે છે. પરંતુ આ આંકડો આટલો મોટો છે તેનો આધાર ગાણિતીક છે.
તેઓ કહે છે, “જો એક વર્ષમાં વૃદ્ધિ અત્યંત નકારાત્મક હોય છે. તો આવતા વર્ષે થોડી પણ વૃદ્ધિ થશે, તો આંકડા ખૂબ મોટા દેખાવા લાગે છે. લૉકડાઉન દરમિયાન જે કામકાજ રોકાઈ ગયું હતું, તે ફરીથી શરૂ થઈ ગયું છે. ઉદ્યોગો ચાલવા લાગ્યા છે. ઉત્પાદન થઈ રહ્યું છે, ખરીદી થવા લાગી છે અને લોકો કામ પર પાછા ફરી રહ્યા છે."
"આનાથી રોકાયેલું અર્થતંત્ર ફરી ચાલવા માંડ્યું છે. આવી પરિસ્થિતિમાં જ્યાં સુધી સ્થિતિ પહેલાં ખરાબ થઈ હતી, હવે ત્યાંથી તેમાં રિકવરી થવા લાગી છે.”
“અર્થતંત્રમાં કેટલો સુધારો થયો છે. તેની ગણતરી GDPના આધારે સારી રીતે કરી શકાય છે. આપણે જોવું પડશે કે લૉકડાઉન પહેલાં GDP ક્યાં હતી, શું એ અત્યારે ત્યાં સુધી પહોંચી છે કે કેમ?”
પૂજા મેહરા કહે છે કે વર્ષ 2020ના GDPના આંકડા પણ સંપૂર્ણપણે આવવાના બાકી છે. GDPનો એક મોટો ભાગ અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે. આ ક્ષેત્રમાં કામ કરનારા લોકો પાસે બચત અને રોજગાર એ પ્રકારનો નથી હોતો કે તે બગડતી આર્થિક પરિસ્થિતિને વધુ દિવસો સુધી સહન કરી શકે.
તેના આંકડા આવવામાં પણ વધુ સમય લાગે છે. આવી પરિસ્થિતિમાં અસંગઠિત ક્ષેત્રમાં અને તેમાં કામ કરતા લોકો પર કોરોના વાઇરસ અને લૉકડાઉનનો પ્રભાવની ખબર પડ્યા બાદ GDPનું પણ અનુમાન કરી શકાય છે.
જોકે, જાણકારો એવું પણ માને છે કે ભારતમાં લૉકડાઉન બાદથી સ્થિતિ પહેલાં કરતાં બહેતર થઈ છે.
ભારતમાં કોરોના વાઇરસના મામલા પ્રતિદિવસ 20 હજાર કરતાં ઓછા થઈ ગયા છે અને સતત ઘટતા જઈ રહ્યા છે. તેમજ કોરોનાનું રસીકરણ પણ શરૂ થઈ ચૂક્યું છે. તેનાથી લોકોમાં બીક ઓછી થઈ છે અને તેઓ સામાન્ય કામકાજ તરફ પરત ફર્યા છે.
રેટિંગ એજન્સી કૅરના ઇકૉનૉમિસ્ટ મદન સબનવીસ જણાવે છે, “શરૂઆતમાં એપ્રિલ 2020માં જે પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યાં હતાં તે લૉકડાઉન પર આધારિત હતા. ત્યારે નકારાત્મક વૃદ્ધિ દરની સ્થિતિ હતી."
"પરંતુ, તે માનવસર્જિત સ્થિતિઓ હતી. એટલે કે ઉદ્યોગ ધંધઆ આપમેળે બંધ નહોતા થયા બલકે કોઈ કારણે બંધ કરવામાં આવ્યા હતા, જેથી સરકાર લૉકડાઉન હઠાવીને ક્યારેય પણ શરૂ કરી શકે છે. જ્યારે જૂન બાદ અનલૉક શરૂ થયું, તો વૃદ્ધિ દર આપમેળે વધવા લાગ્યો.”
આ પરિસ્થિતિને એવી રીતે સમજી શકાય છે કે આપણે જાતે લાદેલા પ્રતિબંધોના કારણે 10મા સ્તરથી એકદમ ઘટીને બીજા સ્તર પર પહોંચી ગયા, પરંતુ જ્યારે એ પ્રતિબંધો હઠ્યા તો આપણે એકદમ પાંચમા સ્તર પર દેખાવા લાગ્યા. પરંતુ, હજુ પણ 10મા સ્તર સુધી પહોંચવાનું બાકી છે.
પૂજા મેહરા કહે છે, “હાલ આને રિકવરી ન કહી શકાય. આ કોરોના વાઇરસ પહેલાંની સ્થિતિની વાપસી થયા જેવું છે. જ્યારે આપણે એ જ સ્થિતિમાં પહોંચી જઈશું, ત્યારે રિકવરી થવાનું શરૂ થશે.”
ચીનનો વૃદ્ધિ દર ઓછો કેમ?
એવું કહેવાઈ રહ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે ચીનનું અર્થતંત્ર ઝડપથી બહાર આવી રહ્યું છે.
ચીને કોરોના વાઇરસ પર અન્ય મોટા દેશોની સરખામણીએ પહેલાં નિયંત્રણ મેળવી લીધું હતું અને વુહાનમાં જ એપ્રેલિ 2020માં લૉકડાઉન હઠાવવવાની શરૂઆત થઈ ગઈ હતી. તેમ છતાં 2021માં ચીનમાં વૃદ્ધિ દરનું અનુમાન 8.1 ટકા કરવામાં આવ્યું.
વિશેષજ્ઞો કહે છે કે ચીન 2020માં જ કોરોના વાઇરસ મહામારીના આર્થિક પ્રભાવથી નીકળવા માંડ્યું હતું. ચીનમાંથી સામાનની નિકાસ પણ થઈ રહી હતી. જેમ કે એન-95 માસ્ક અને PPE કિટ ઘણા દેશોમાં ચીનથી આવી રહ્યા હતા.
મદન સબનવીસ કહે છે, “ચીનને વર્ષ 2020ની શરૂઆતમાં જ કોરોના વાઇરસના કારણે મોટું આર્થિક નુકસાન થઈ ગયું હતું. પછી ત્યાં કડક લૉકડાઉન લાદી દેવાયું અને નિયમોનું કડકપણે પાલન થયું. તો તેને કોરોનો મહામારી પર જલદી કાબૂ મેળવવામાં સફળતા મળી ગઈ. માત્ર એક ત્રિમાસિક ગાળામાં જ ચીનનો નકારાત્મક વૃદ્ધિ દર નોંધાયો હતો.”
“તેથી અર્થતંત્રમાં પહેલાંથી જ સુધારો થવાના કારણે 2021માં તેના વૃદ્ધિ દરના આંકડામાં બહુ મોટો ફેરફાર નથી થયો.”
2022માં 6.8નો વૃદ્ધિ દર કેમ?
જ્યાં 2021માં 11.5 ટકા વૃદ્ધિ દરનુ અનુમાન કરવામાં આવ્યું છે, ત્યાં 2022માં તેને ઘટાવીને 6.8 કરી દેવાયું.
વૃદ્ધિ દર લગભગ ચાર ટકા ઓછા થવાનું કારણ પૂજા મેહરા જણાવે છે કે 11 ટકાથી વધુ વૃદ્ધિ દરનું અનુમાન કરવા માટે અર્થતંત્રમાં બહુ મોટો સુધારો થવાની જરૂર હોય છે. તેથી આંકડો ઓછો રાખવામાં આવ્યો છે.
પૂજાનું કહેવું છે કે IMFના આંકડા જ વર્ષમાં ત્રણ-ચાર વખત બદલાય છે. એ સાચું છે કે વૅક્સિન આવવાથી અને કારોબાર શરૂ થવાથી સુધારાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ મહામારી અને લૉકડાઉનનો અસલ પ્રભાવ આવવાનું હજુ બાકી છે.
જેમ શરીર પર ઈજા થાય છે અને ઠીક થયા બાદ પણ નિશાન રહી જાય છે. તેવી જ રીતે લૉકડાઉનથી અર્થતંત્ર પર શો પ્રભાવ પડ્યો છે, એ ત્યારે જ ખબર પડશે જ્યારે વસ્તુઓ 2019ની જેમ જ પાટા પર આવી જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો