You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુભાષચંદ્ર બોઝ : રામનાથ કોવિંદે નેતાજીની ખોટી તસવીરનું અનાવરણ નહોતું કર્યું
23મી જાન્યુઆરીએ ભારતીય સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ પ્રસંગે નેતાજીના પૉર્ટ્રેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જોકે, સોશિયલ મીડિયા પર આ પૉર્ટ્રેટના ઉદ્ઘાટનની તસવીરો મુકાતાં રાજકીય હસ્તીઓ સહિત ઘણા સોશિયલ મીડિયા યુઝરોએ રાષ્ટપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં ખુલ્લું મૂકવામાં આવેલ પૉર્ટ્રેટ ખરેખર સુભાષબાબુનું નહીં પરંતુ બંગાળી ફિલ્મ ગુમનામીમાં તેમની ભૂમિકા ભજવનાર ઍક્ટર પ્રોસેનજીત ચેટર્જીનું હતું તેવો દાવો કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન બંગાળી ફિલ્મ ડિરેક્ટર શ્રીજીત મુખરજીએ કર્યું હતું.
સોશિયલ મીડિયા પર આ પૉર્ટ્રેટની તસવીરો મુકાતાંની સાથે જ ઘણા સોશિયલ મીડિયા યુઝરોએ હળવાશભર્યા અંદાજમાં અન્ય ફિલ્મ અભિનેતાઓ, જેમણે સ્વતંત્રતા સેનાનીઓ અને અન્ય દેશભક્તોની ભૂમિકા ફિલ્મી પડદે જીવંત બનાવી છે, તેમના ફોટો મૂકી આ આખી પરિસ્થિતિ પર કટાક્ષ કરતાં ટ્વીટ કર્યાં હતાં.
સોશિયલ મીડિયામાં પડ્યા વિવાદના પડઘા
કૃષ્ણન નામના એક ટ્વિટર યુઝરે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ પૉર્ટ્રેટ ખુલ્લુ મુકાયું તે કાર્યક્રમના ટ્વિટર પર પોસ્ટ કરાયેલા ફોટો અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે, “રાષ્ટ્રપતિજી આ બંગાળી ફિલ્મમાં નેતાજીની ભૂમિકા અદા કરનાર ઍક્ટર પ્રસેનજીતનું પૉર્ટ્રટ છે, ના કે નેતાજીનું. આવતા અઠવાડિયે તમે ગાંધી ફિલ્મના બેન કિંગ્સલેના પૉર્ટ્રેટનું ઉદ્ઘાટન કરજો. આવું કરવાથી સેટ કમ્પ્લીટ થઈ જશે.”
આ સિવાય સાઝ નામના એક યુઝરે આ પરિસ્થિતિ અંગે કટાક્ષ કરતું વધુ એક હાસ્યાસ્પદ ટ્વીટ કર્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, “બિગ બ્રેકિંગ : આવનારી 7 મેના રોજ રાષ્ટ્રપતિ રવિન્દ્રનાથ ટાગોરની 160મી જન્મજયંતિ નિમિત્તે તેમના પૉર્ટ્રેટનું ઉદ્ઘાટન કરશે.”
આ ટ્વીટની ખાસ વાત એ હતી કે તેમાં રવીન્દ્રનાથ ટાગોરના સ્થાને વડા પ્રધાન મોદીની વધેલી દાઢીવાળી તસવીર મૂકવામાં આવી હતી.
ભરત નામના એક યુઝરે પોતાના ટ્વીટમાં રાષ્ટ્રપતિ દ્વારા કથિતપણે કરાયેલી આ ભૂલને અપમાન ગણાવી હતી. તેમણે લખ્યું હતું કે, “આદરણીય સર, આ નેતાજી નહીં પરંતુ ઍક્ટર પ્રોસેનજીત છે. આ વડા પ્રધાનના સ્થાને વિવેક ઓબેરોયની તસવીર મૂકવા જેવું છે. આ એક અપમાન છે.”
તેમજ સેલ્મનભાઈ નામના એક યુઝરે પરિસ્થિતિ પર હળવાશભર્યો કટાક્ષ કરતાં અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરની તસવીર મૂકી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવન પ્રમાણે મનમોહન સિંઘ આ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરિફ અય્યુબ નામના એક યુઝરે ટ્વીટર પર આ વિવાદ અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, “તમારી સરકાર એક અપમાન છે. સરકારને નેતાજીની કોઈ એક ઑરિજિનલ તસવીર ન મળે એ વાત તેમની યાદોનું અપમાન છે. હું તેમની યાદોનું તમારા દ્વારા થયેલું અપમાન જોઈને શરમ અનુભવું છું.”
ધ ક્વિન્ટના એક અહેવાલ પ્રમાણે આ સમગ્ર વિવાદમાં તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ પણ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, “ભગવાન ભારતને બચાવે (કારણ કે આ સરકાર ચોક્કસપણે તેવું નહીં કરી શકે.)”
તેમણે આગળ લખ્યું કે. “રામમંદિર માટે પાંચ લાખ રૂપિયા દાન કર્યા બાદ રાષ્ટ્રપતિએ નેતાજીના માનમાં ઍક્ટર પ્રસેનજીતની તસવીર ખૂલી મૂકી. પ્રસેનજીતે તેમની ભૂમિકા ભજવી હતી.”
જોકે, આ સમગ્ર વિવાદમાં રાષ્ટ્રપતિ ભવન દ્વારા કે ભાજપના કોઈ નેતા કે કાર્યકર્તા દ્વારા કોઈ પણ પ્રકારની ચોખવટ હજુ સુધી કરાઈ નથી.
આ બધામાં એક વાત તો સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ દ્વારા ખુલ્લી મુકાયેલી તસવીર ઍક્ટર પ્રોસેનજીતની હોવાનું માનતો વર્ગ ખૂબ મોટો છે. અને તેઓ આ અંગે સોશિયલ મીડિયા પર સરકાર અને રાષ્ટ્રપતિની આ મામલે જોરદાર ટીકા કરી રહ્યા છે.
શું છે તસવીરની કહાણી?
આ પોટ્રેટ ભલે અમુક લોકોને એકટર પ્રસન્નજીતનું લાગતું હોય પરંતુ અસલમાં આ તસવીરને નેતાજીના પ્રોત્રએ જ કેટલાક દિવસો અગાઉ ટ્વિટ કરી હતી.
ભાજપના નેતા અને નેતાજીના પ્રોત્ર ચંદકુમાર બોઝે ગત વર્ષે એક બ્લેક ઍન્ડ વ્હાઇટ તસવીર ટ્વિટ કરી હતી.
11 જાન્યુઆરી 2020ના રોજ પોસ્ટ થયેલી એ તસવીર અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનાવરણ કરેલા પોટ્રેટમાં તસવીરમાં સમાનતા જોવા મળે છે.
રાષ્ટ્રપતિ ભવનમાં લગાવવામાં આવેલા પોટ્રેટનો આધાર આ તસવીર હોય એમ બની શકે છે. આ પોટ્રેટને કલાકાર પરેશ મૈતીએ બનાવ્યું છે.
પત્રકાર રાજદીપ સરદેસાઈએ પણ તેની પુષ્ટિ ટ્વીટમાં કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો