You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રજાસત્તાક દિન ખેડૂતોની પરેડ : પહેલી ફેબ્રુઆરીએ ખેડૂતો પગપાળા સંસદ તરફ કૂચ કરશે
દિલ્હીની સરહદે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામેનું ખેડૂતોનું આંદોલન ટ્રેક્ટર પરેડ પર આવી પહોંચ્યું છે ત્યારે હવે સંસદ કૂચની પણ તૈયારી થઈ રહી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ ક્રાંતિકારી કિસાન યુનિયનના નેતા દર્શન પાલે કહ્યું છે કે હવે ખેડૂતો એક ફેબ્રુઆરીએ દિલ્હીના અલગ અલગ સ્થળોએથી સંસદ તરફ પગપાળા કૂચ કરશે.
ઉલ્લેખનીય છે કે હજારો ખેડૂતો બે મહિનાથી દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર અને દિલ્હી-યુપીની ગાઝીપુર બૉર્ડર પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
જોકે, અત્યાર સુધી તેમણે દિલ્હીની અંદર દાખલ થવાની કોશિશ કરી નથી.
હવે ખેડૂતોનું કહેવું છે કે તેઓ સંસદ તરફ કૂચ કરશે.
શું આ ખેડૂતો પાકિસ્તાનના છે? શરદ પવાર
એક તરફ ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ માટે સજ્જ થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ખેડૂતો સમર્થનમાં આગળ આવ્યા છે.
મુંબઈના આઝાદ મેદાનમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો અને મજૂરો વિરોધપ્રદર્શનમાં જોડાયા છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામે મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો જમા થયા છે.
પ્રદર્શનકારી ખેડૂતોએ રાજભવન તરફ કૂચ કરી પણ પોલીસે એમને રોકી લીધા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઝાદ મેદાનમાં ખેડૂતોને સંબોધન કરતા એનસીપી નેતા શરદ પવારે કહ્યું કે, આકરી ઠંડીમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો પાછલા 60 દિવસથી આંદોલન કરી રહ્યા છે. શું વડા પ્રધાને એમના વિશે પૂછ્યું? શું આ ખેડૂતો પાકિસ્તાનના છે?
એમણે મહારાષ્ટ્રના રાજ્યપાલ પર પણ ટિપ્પણી કરી અને કહ્યું, "તમે રાજ્યપાલને મળવા રાજભવન જઈ રહ્યા છો. મહારાષ્ટ્રે આજ સુધી આવા રાજ્યપાલ નથી જોયા. એમની પાસે કંગના રણૌતને મળવાનો સમય છે પણ ખેડૂતોને મળવાનો સમય નથી. રાજ્યપાલની નૈતિક જવાબદારી છે કે તેઓ અહીં આવીને તમને મળે."
ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં અવરોધ ઊભો કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ?
ખેડૂતો ગણતંત્રદિવસે દિલ્હીમાં ટ્રૅક્ટર પરેડ યોજશે. આ માટેની મંજૂરી તેમને મળી ગઈ છે અને આ માટેના માર્ગ પણ નક્કી કરી લેવાયા છે. આ બાદ સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન જાહેર કરીને પરેડમાં ભાગ લેનારા પોતાના સાથીઓ માટે કેટલાંક સૂચનો આપ્યાં છે.
સંયુક્ત કિસાન મોરચાએ પોતાની રિલીઝમાં જણાવ્યું છે, "આપણે આ પરેડ થકી દેશ અને દનિયાને આપણું દુઃખ બતાવવાનું છે. ખેડૂતવિરોધી ત્રણેય કાયદાની હકીકત બતાવવાની છે."
"આપણે ધ્યાન રાખવાનું છે કે આ ઐતિહાસિક પરેડમાં કોઈ પ્રકારનો ડાઘ ન લાગે. પરેડ શાંતિપૂર્ણ અને કોઈ ઘટના વગર જ પૂરી થાય, એમાં જ આપણો વિજય છે. યાદ રાખો, આપણે દિલ્હી જીતવા નથી જઈ રહ્યા. આપણે દેશની જનતાનું દિલ જીતવા જઈ રહ્યા છીએ."
સંગઠને પરેડમાં ભાગ લેનારા ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ પોતાની સાથે કોઈ પણ પ્રકારનાં હથિયાર ન રાખે અને કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક કે નકારાત્મક સૂત્રો ન પોકારે.
સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે પરેડ દરમિયાન સ્વચ્છતા પર ધ્યાન રાખવા ઉપરાંત કોઈ પણ પ્રકારની આપાત સ્થિતિને પહોંચી વળવા માટે પણ તૈયાર રહેવું પડશે.
પાકિસ્તાનમાંથી અવરોધ ઊભો કરવા પ્રયાસ?
દિલ્હી પોલીસે રવિવારે દાવો કર્યો કે દિલ્હીમાં પ્રસ્તાવિત ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં અવરોધ ઊભો કરવા માટે પાકિસ્તાનમાંથી લગભગ ૩૦૦ ટ્વિટર હૅન્ડલ બનાવાયાં છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર પ્રસ્તાવિત ટ્રૅક્ટર રેલીની યોજના અંગે જણાવતાં એક પત્રકારપરિષદમાં દિલ્હીના વિશેષ પોલીસ કમિશનર (ગુપ્તચર વિભાગ) દીપેન્દ્ર પાઠકે કહ્યું કે ગણતંત્રદિવસે પરેડ પૂર્ણ થયા બાદ ભારે સુરક્ષાવ્યવસ્થા વચ્ચે આ રેલી મંગળવારે આયોજીત કરવામાં આવશે.
તેમણે કહ્યું, "ખેડૂતોની ટ્રૅક્ટર રેલી અંગે ભ્રમ ફેલાવી તેમાં અવરોધ ઊભો કરવા માટે જાન્યુઆરી 13થી 18 વચ્ચે પાકિસ્તાનમાં લગભગ ત્રણ સો જેટલાં ટ્વિટર હૅન્ડલ બનાવાયાં છે. કેટલીય એજન્સીઓએ આ પ્રકારની જાણકારી આપી છે. અમારા માટે આ રેલીનું આયોજન બહુ જ પડકારજનક છે."
પોલીસ અને ખેડૂતો વચ્ચે સહમતિ
આ પહેલાં ખેડૂત સંગઠન અને દિલ્હી પોલીસ વચ્ચે પ્રજાસત્તાક દિન નિમિત્તે થનારી ટ્રૅક્ટર રેલી મુદ્દે સમાધાન થઈ ગયું હતું.
'સ્વરાજ અભિયાન'ના નેતા યોગેન્દ્ર યાદવે મીડિયાને જણાવ્યું હતું કે જે રસ્તા પર દિલ્હી પોલીસ રેલી કાઢવાનું કહી રહી છે તે અંગે ખેડૂતો રાજી થઈ ગયા છે. ઉપરાંત ખેડૂતોની ટ્રૅક્ટર રેલીથી સરકારી કાર્યક્રમમાં કોઈ અગવડતા ઊભી નહીં થાય.
આ સાથે જ ખેડૂતોએ કહ્યું કે આ રેલીમાં શિસ્તનું સચોટપણે પાલન કરવામાં આવશે.
અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના સંગઠન સચિવ અવિક સાહોએ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "ઘણા દિવસોની ચર્ચા બાદ આખરે પોલીસ અને ખેડૂતો વચ્ચે રસ્તાને લઈને સહમતિ સધાઈ છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો