‘મિર્ઝાપુર’ વેબ સીરિઝને લઈને સર્જાયો વિવાદ, ઉત્તર પ્રદેશની છબિ ખરાબ કરવાના આરોપ પર સુપ્રીમ કોર્ટની નોટિસ

ઇમેજ સ્રોત, Getty Images
વેબ સીરિઝ ‘તાંડવ’ બાદ વધુ એક વેબ સીરિઝ ‘મિર્ઝાપુર’ને લઈને વિવાદ સર્જાયો છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ગુરુવારે સુપ્રીમ કોર્ટ દ્વારા એમેઝોન પ્રાઇમ વીડિયો અને વેબ સીરિઝ ‘મિર્ઝાપુર’ના નિર્માતાઓને નોટિસ જારી કરવામાં આવી છે.
‘મિર્ઝાપુર’વેબ સીરિઝ પર ઉત્તર પ્રદેશના શહેરની છબિ ખરાબ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલ નોટિસમાં એમેઝોન પ્રાઇમ વીડિયો અને ‘મિર્ઝાપુર’ સીરિઝના નિર્માતાઓ પાસેથી આ અંગે જવાબ માગવામાં આવ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે આ મામલે સુપ્રીમ કોર્ટમાં કરાયેલ અરજીમાં ‘મિર્ઝાપુર’ વેબ સીરિઝ પર પ્રતિબંધ લાદવાની માગણી કરવામાં આવી છે.
અરજદારે અરજીમાં આરોપ મૂક્યો છે કે આ વેબ સીરિઝના કારણે ઉત્તર પ્રદેશની છબિ ખરાબ થઈ છે. તેમજ અરજદારે ઑનલાઇન સ્ટ્રીમિંગ પ્લૅટફોર્મો પર રિલીઝ થતાં શો માટે એક સરકારી પેનલ નીમવાની પણ માગણી કરી છે.
નોંધનીય છે કે ‘મિર્ઝાપુર’ વેબ સીરિઝના કન્ટેન્ટ અંગે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર શહેરના એક પત્રકાર અને લેખક અરવિંદ ચતુર્વેદી દ્વારા ઉત્તર પ્રદેશ પોલીસ સમક્ષ એફઆઈઆર કરાવી છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે આ સીરિઝનાં પ્લોટ અને સંવાદો ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે તેવાં છે તેમજ આ સીરિઝમાં મિર્ઝાપુરનું ચિત્રણ ખરાબ રીતે કરવામાં આવ્યું છે.
બુધવારે આ મામલે વધુ તપાસ કરવા માટે ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મામલો સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
અહેવાલ પ્રમાણે એસ. કે. કુમાર નામના એક અરજદારે ‘મિર્ઝાપુર’ વેબ સીરિઝના કન્ટેન્ટ અંગે વાંધો રજૂ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
આ અરજીમાં કહેવાયું હતું કે, આ વેબ સીરિઝના કારણે હિંદુ પૌરાણિક કથાઓમાં સામેલ આ શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક છબિ ખરાબ થઈ છે.
અરજીમાં વધુ વાંધા રજૂ કરતાં કહેવાયું છે કે ‘મિર્ઝાપુર’ વેબ સીરિઝમાં નગ્નતા અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ તેમાં મિર્ઝાપુરના દરેક રહેવાસીને અસામાજિક ગુંડા તત્ત્વ અને વ્યભિચારી તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
આ મામલે હવે સુપ્રીમ કોર્ટે એમેઝોન પ્રાઇમ વીડિયો અને ‘મિર્ઝાપુર’ વેબ સીરિઝના નિર્માતાઓને નોટિસ મોકલી જવાબ આપવા જણાવ્યું છે.

‘તાંડવ’ બાદ વધુ એક વેબ સીરિઝ વિવાદમાં

ઇમેજ સ્રોત, AMAZON PRIME VIDEO INDIA
નોંધનીય છે કે એમેઝોન પ્રાઇમ વીડિયોની વધુ એક વેબ સીરિઝ ‘તાંડવ’ના કન્ટેન્ટને લઈને પણ તાજેતરમાં વિવાદ સર્જાયો છે.
આ વેબ સીરિઝમાં ઉત્તર પ્રદેશના પોલીસકર્મીઓ, હિંદુ દેવી-દેવતાઓ અને વડા પ્રધાનના પાત્રને ખરાબ રીતે રજૂ કરાયું હોવાની ફરિયાદ થઈ છે.
નોંધનીય છે કે ‘તાંડવ’ વેબ સીરિઝના કન્ટેન્ટ લઈને અત્યાર સુધી તેના નિર્માતાઓ અને અભિનેતાઓ વિરુદ્ધ ત્રણ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે.
આ વેબ સીરિઝમાં સૈફ અલી ખાન અને ડિમ્પલ કાપડિયા મુખ્ય ભૂમિકામાં છે.
અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશની સરકારે વેબ સીરિઝના કન્ટેન્ટ અંગે વાંધો રજૂ કરતાં કહ્યું હતું કે આ સીરિઝના નિર્માતાઓએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, તે માટે તેમણે જવાબ આપવો પડશે.
નોંધનીય છે કે આ ‘તાંડવ’ વેબ સીરિઝના કન્ટેન્ટને લઈને થયેલી ફરિયાદોની વધુ તપાસ માટે ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી છે.
અહેવાલ પ્રમાણે બુધવારે મહારાષ્ટ્ર સરકારે ‘તાંડવ’ વેબ સીરિઝ સામે થઈ રહેલા આરોપોની તપાસ માટે આશ્વાસન આપ્યું છે.
તેમજ કન્ટેન્ટને લઈને વિવાદ સર્જાયા બાદ ‘તાંડવ’ની કાસ્ટ અને ક્રૂ દ્વારા જરૂરી તમામ દૃશ્યોની એડિટિંગ કરવા માટેની તૈયારી બતાવી છે તેમજ બીનશરતી માફી પણ માગી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












