રાહુલ ગાંધી: અર્ણવ ગોસ્વામીને બાલાકોટ ઍરસ્ટ્રાઇકની ગુપ્ત માહિતી કોણે આપી?

મંગળવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પત્રકારપરિષદ સંબોધીને 'ખેતી કા ખૂન' નામથી પુસ્તિકા બહાર પાડી હતી. આ સાથે જ તેમણે પત્રકાર અર્ણવ ગોસ્વામીની વાઇરલ વૉટ્સઍપ ચેટ ઉપર સવાલ ઉઠાવીને તેને 'ગુનાહિત કૃત્ય' ગણાવ્યું હતું.

'કંઇક મોટું થશે' એવી ગોસ્વામીની કથિત ચેટને દેશવિરોધી ગણાવીને તપાસની માગ કરી હતી. ગાંધીના કહેવા પ્રમાણે, જેણે માહિતી આપી તેની સામે પણ કાર્યવાહી થવી જોઇએ તથા જેણે માહિતી મેળવી, તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

લગભગ 42 મિનિટ સુધી ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી અને પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે મોદી સરકારની ચીનની નીતિ તથા ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાના આરોપો ઉપર પણ જવાબ આપ્યો હતો.

શું કહ્યું રાહુલ ગાંધી?

અર્ણવ ગોસ્વામીની કથિત ચેટનો ઉલ્લેખ કરતા ગાંધીએ કહ્યું, "આવું (બાલાકોટ ઍરસ્ટ્રાઇક) જેવું કંઇક થશે તેવી માહિતી વડા પ્રધાન, ગૃહપ્રધાન, સંરક્ષણપ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સેનાના વડા કે વાયુદળના વડા જ જાણતા હતા."

"આ પ્રકારની ગુપ્ત માહિતી પત્રકારને આપવીએ ઓફિશિયલ સિક્રૅટ ઍક્ટનો ભંગ છે. આ લોકો ખુદને દેશપ્રેમી અને રાષ્ટ્રવાદી ગણાવે છે, પરંતુ તેઓ નથી. આ દેશવિરોધી કૃત્ય છે. અર્ણવ ગોસ્વામીને આ પ્રકારની માહિતી આપીને દેશના વાયુદળના પાઇલટ્સને જોખમમાં મૂક્યા છે. તેની તપાસ થવી જોઇએ."

માહિતી આપનાર તથા લેનાર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની માગ ગાંધીએ કરી હતી.

સાથે જ ઉમેર્યું હતું કે "તપાસની પ્રક્રિયા શરૂ થવી જોઇએ, પરંતુ વડા પ્રધાન નહીં થવા દે."

ગાંધીના કહેવા પ્રમાણે જો આ માહિતી અર્ણવ ગોસ્વામીની વૉટ્સઍપ ચેટમાં હોય તો સંભવતઃ તે પાકિસ્તાનીઓ સુધી પણ પહોંચી હોય.

મુંબઈ પોલીસે ટી.આર.પી. (ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ) કૌભાંડમાં રિપબ્લિક ટીવીના માલિક તથા BARC (બ્રૉડકાસ્ટ ઑડિટન્સ રિસર્ચ કાઉન્સિલ)ના પૂર્વ સી.ઈ.ઓ. (ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર) પાર્થો દાસગુપ્તા વચ્ચેની વૉટ્સઍપ ચેટ પુરાવા તરીકે મુંબઈની સ્થાનિક કોર્ટમાં રજૂ કરી છે.

કથિત ચેટ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ છે. આ ચેટમાં એક તબક્કે ગોસ્વામી પુલાવા હુમલાને 'સારી બાબત' ગણાવે છે. આના વિશે ટિપ્પણી કરતા ગાંધીએ કહ્યું :

"આ બાબત વડા પ્રધાનની માનસિક્તા જેવી મનોવૃત્તિને છતી કરે છે. જેમને લાગતું હતું કે સારું થયું 40 લોકો માર્યા ગયા છે, હવે આપણે ચૂંટણી જીતી જઈશું."

ઉલ્લેખનીય છે કે તા. 14મી ફેબ્રુઆરી 2019ના દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે કેન્દ્રીય સુરક્ષાબળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા ઉપર આત્મઘાતી ઉગ્રપંથી હુમલો થયો હતો, જેમાં 40 કરતાં વધુ જવાન મૃત્યુ પામ્યાં હતાં.

વળતી કાર્યવાહીના ભાગરૂપે ભારતે તા. 26મી ફેબ્રુઆરી, 2019ના દિવસે પાકિસ્તાનના બાલાકોટ ખાતે જૈશ-એ-મોહમ્મદના કથિત આતંકવાદી તાલીમ મથક ઉપર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો, જેને પાકિસ્તાને નકારી કાઢ્યો હતો.

'ગોળી મારી શકશે, પણ...'

રાહુલ ગાંધીએ પત્રકારપરિષદ દરમિયાન ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા દ્વારા મૂકવામાં આવેલાં આરોપોનો જવાબ આપ્યો હતો. નડ્ડાના આવા જ એક નિવેદન ઉપર ગાંધીએ કહ્યું:

"આ ખેડૂતો સત્ય જાણે છે. તમામ ખેડૂતોને ખબર છે કે રાહુલ ગાંધી શું કરે છે. ભટ્ટા પરસૌલમાં નડ્ડા પણ ન હતા. મારું ચરિત્ર પાક અને સાફ છે. હું ભયભીત નથી. તેઓ મને કંઈ કરી શકે તેમ નથી. તેઓ મને ગોળી મારી શકે છે."

2011માં ઉત્તર પ્રદેશના ગ્રૅટર નોઇડાના ભટ્ટા પરસૌલ ખાતે જમીનઅધિગ્રહણની વિરુદ્ધ ખેડૂતઓએ આંદોલન છેડ્યું હતું, જેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

એ સમયે રાહુલ ગાંધી ઇન્ડિયન યૂથ કૉંગ્રેસના અધ્યક્ષ હતા અને તેઓ ભટ્ટા પરસૌલ ગયા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. ગાંધીએ ધરણાં કર્યા હતા અને તેમની અટકાયત પણ કરવામાં આવી હતી.

ખેતી કા ખૂન

રાહુલ ગાંધીએ ખુદને ખેડૂતોના વિરોધી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાયદાને કારણે સમગ્ર સૅક્ટર ઉપર ત્રણ-ચાર ઉદ્યોગપતિઓનો કબજો થઈ જશે.

ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર સમગ્ર સૅક્ટર ઉદ્યોગપતિઓને સોંપી દેવાનો આરોપ મૂક્યો. ગાંધીએ 'ખેતી કા ખૂન'ના નામથી પુસ્તિકા પણ બહાર પાડી હતી.

ખેડૂતોનું સમર્થન કરતા ગાંધીએ કહ્યું કે તેઓ માત્ર પોતાને માટે નહીં, પરંતુ દરેકને માટે લડી રહ્યા છે. એટલે બધાએ ખેડૂતોની પડખે ઊભું રહેવું જોઇએ. તેમણે ખાસ કરીને યુવાનોને ખેડૂતોની પડખે ઊભા રહેવા આહ્વાન કર્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગમે તે થાય પણ કેન્દ્ર સરકારે આ કાયદા પાછા ખેંચવા જ પડશે.

તેમણે કહ્યું :"સરકારને લાગે છે કે ખેડૂતોને થકવી શકાશે. તેમને બેવકૂફ બનાવી શકાય છે, પરંતુ વડા પ્રધાન કરતાં દેશના ખેડૂત વધુ સમજદાર છે. આનો એક જ ઉકેલ છે કે ત્રણેય કાયદા પાછા ખેંચવામાં આવે."

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીની પત્રકારપરિષદ બાદ પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી અને કહ્યું : "તમે ખેતીના ખૂનની વાત કરો છો, પરંતુ વિભાજન વખતે થયેલાં ખૂનખરાબાનું શું? 1984માં નવી દિલ્હીમાં ત્રણ હજાર શીખોને જીવતા સળગવી દેવાયા હતા, શું તે ખૂનખરાબો નહોતો? કૉંગ્રેસના રાજમાં લાખો ખેડૂતોએ જીવ દીધા, શું તેમના શરીરમાં લોહી નહોતું?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો