ચેતેશ્વર પૂજારા : ઑસ્ટ્રેલિયા સામે 928 બૉલનો સામનો કરી 271 રન કર્યા તેનો અર્થ સમજો તસવીરોમાં

ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં જીતનું શ્રેય કોને આપવું તે એક ચર્ચાનો વિષય બન્યો છે. મૅચમાં ત્રણ ખેલાડીઓનું પ્રદર્શન ઉત્તમ હતું.

યુવાન ખેલાડી શુભમન ગિલે ઓપનિંગમાં આવીને મૅચને જીત તરફ લઈ જવામાં મદદ કરી, જ્યારે બીજા ખેલાડી હતા ઋષભ પંત, જેમણે છેલ્લે મૅચને જીતમાં બદલવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પરંતુ ત્રીજા ખેલાડી એવા હતા, જેમણે રન ઓછા કર્યા પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય ક્રિઝ પર રહેવાનો જે વિચાર છે તેના પર અડગ રહ્યા અને પોતાની વિકેટ ગુમાવ્યા વિના તેમણે એક મોરચાને સંભાળી રાખ્યો. અને એ ખેલાડી હતા ચેતેશ્વર પૂજારા.

ઑસ્ટ્રેલિયા સામેની ચોથી મૅચમાં ચેતેશ્વર પૂજારાએ 211 બૉલમાં 56 રન બનાવ્યા હતા જે મહત્ત્વના સાબિત થયા હતા.

ભારતીય ટીમે જે પ્રકારે ત્રીજી મૅચ ડ્રૉ કરી હતી, તેમાં છેલ્લી ઇનિંગ્સમાં 205 બૉલમાં 77 રન બનાવી એક તરફનો મોરચો સંભાળી રાખ્યો હતો. ઑસ્ટ્રેલિયા ખેલાડીઓ આ વખતે પૂજારાને આઉટ કરવા નવા પ્લાન સાથે આવ્યા હતા.

ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓના ઘાતક બાઉન્સરનો સામનો કરીને પૂજારાએ એક છેડો સંભાળી રાખ્યો હતો. બૉલરોના અનેક બૉલ તેમના હેલમૅટ અને છાતી પર વાગ્યા હતા. એવું લાગતું હતું કે જાણે હેલમૅટ ના હોત પૂજારા રમી ન શકત.

પૂજારા અને શુભમન ગિલની ભાગીદારી 240 બૉલમાં 114 રનની બની હતી. ચેતેશ્વર પૂજારાએ 123 બૉલનો સામનો કરીને માત્ર 26 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ભાગીદારી અજિંક્ય રહાણે સાથે મળીને 35 રનની બનાવી હતી. ત્રીજી ભાગીદારી ઋષભ પંત સાથે મળીને 141 બૉલમાં 61 રનની કરી હતી.

મિડલ ઑર્ડરમાં જેમ રાહુલ દ્રવિડ ભારતની દીવાલ હતા તેમ ચેતેશ્વર પૂજારા પણ દીવાલ સમાન છે. ઑસ્ટ્રેલિયા સામેની આખી ટેસ્ટ સિરીઝમાં બંને ટીમમાંથી સૌથી વધારે બૉલ જો કોઈ ખેલાડી રમ્યા હોય તો ચેતેશ્વર પૂજારા છે.

તેમણે 928 બૉલનો સામનો કરીને 271 રન બનાવ્યા છે. તેમની સ્ટ્રાઇક રેટ 29.20 અને એવરેજ 33.87ની રહી છે. તેમના પછી ઑસ્ટ્રેલિયાના ખેલાડી લાબુશાને અને સ્મિથ છે. જ્યારે રહાણે ચોથા ક્રમે છે.

ટેસ્ટ મૅચમાં પૂજારાની ધીમી ઇનિંગ્સની અનેક વખત ટીકા થઈ હતી, પરંતુ ટીમના કૅપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું હતું, ''ક્રૅડિટ પૂજારાને જાય છે, જે પ્રકારે તેણે બેટિંગ કરી છે. તે જે પ્રકારે પ્રેશરને હૅન્ડલ કરે છે તે ઉત્તમ છે.''

કોચ રવિ શાસ્ત્રીએ પણ પ્રેસ-કૉન્ફરન્સમાં કહી દીધું હતું કે અમને ચેતેશ્વર પૂજારાને લઈને થઈ રહેલી ડિબેટમાં કોઈ રસ નથી.

પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 81 મૅચમાં 136 ઇનિંગ્સ રમીને 6111 રન બનાવ્યા છે. એવરેજ 47.74 છે.

તેમણે 13572 બૉલનો સામનો કર્યો છે. 45.02નો સ્ટ્રાઇક રેટ છે. 206 નૉટઆઉટ તેમનો સૌથી વધારે સ્કોર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો