દલિત યુવકના વરઘોડા પર પોલીસની હાજરીમાં પથ્થરમારો, 10ની ધરપકડ - BBC TOP NEWS

રાજસ્થાનના જયપુરમાં એક દલિત યુવકના વરઘોડા પર પથ્થરમારો કરવાના આરોપસર પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસે પોલીસને ટાંકીને લખ્યું છે કે, ગુરુવારે રાત્રે એક દલિત યુવકની જાન કિરોડી ગામ પહોંચી હતી. જ્યાં ઘોડા પર સવાર થઈને જઈ રહેલા યુવકની જાન પર પથ્થરમારો થયો હતો.

વધુપક્ષનો આરોપ છે કે, જે સમયે લોકોએ પથ્થર ફેંક્યા તે સમયે સુરક્ષા માટે પોલીસકર્મીઓ હાજર હતા અને એમ છતાં જાન પર પથ્થરમારો થયો હતો.

વધુના પિતાએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું હતું કે, "પરિવારના અંદાજે 10થી 15 લોકોને પથ્થર વાગ્યા છે. મારા ભત્રીજાને તો ટાંકા પણ લેવા પડ્યા છે."

"અમારા ગામમાં આ નવું નથી, ભેદભાવની પરંપરા છે. હું તેને તોડવા માંગતો હતો. જેથી મેં અગાઉથી જ પોલીસને જાણ કરી દીધી હતી."

'અમે સત્તામાં આવીશું તો ભારત પાસેથી કાલાપણી, લિપુલેખ પરત લઈશું' - નેપાળના પૂર્વ PM

નેપાળના પૂર્વ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ શુક્રવારે આપેલા એક નિવેદનથી વિવાદ સર્જાયો છે.

તેમની પાર્ટીના એક સંમેલનમાં તેમણે કહ્યું હતું કે,"જો પાર્ટી સત્તામાં આવશે તો અમે ભારત પાસેથી કાલાપાણી, લિમ્પિયાધુરા અને લિપુલેખ પરત મેળવી લઈશું."

ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાલ (યુનિફાઇડ માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ)ના 10મા રાષ્ટ્રીય અધિવેશનમાં ઓલીએ આ નિવેદન આપ્યું હતું.

ઓલીએ નિવેદનમાં જણાવ્યું કે તેમની પાર્ટી સત્તામાં આવ્યા બાદ આ વિવાદિત સ્થળો અંગે ભારત સાથે વાટાઘાટ કરશે અને વિસ્તારોને નેપાળમાં સમાવાશે.

સુરતની મિલમાં ભીષણ આગ, બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી નામની મિલમાં ભીષણ આગ લાગી છે.

બીબીસી ગુજરાતીના સહયોગી ધર્મેશ અમીન જણાવે છે કે ફાયરવિભાગની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આગના કારણે બે કિલોમીટર સુધી ધુમાડા દેખાઈ રહ્યા છે અને હાલ ફાયરવિભાગના કર્મીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જે મિલમાં આગ લાગી છે, ત્યાં કાપડનો મોટો જથ્થો છે.

આ ડાઇંગ અને પેન્ટિંગની મિલ હોવાથી અહીં જ્વલનશીલ કૅમિકલનો જથ્થો પણ હતો, જેના કારણે આગ વિકરાળ બની હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

આ પ્રકારની આગને માત્ર પાણીથી કાબૂમાં લેવી મુશ્કેલ હોય છે, તેથી ફાયરવિભાગ દ્વારા ફૉર્મયુક્ત પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે.

પરિવારવાદ દ્વારા ચાલતા રાજકીય પક્ષો લોકશાહી માટે જોખમી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, "ભારત સંકટ તરફ આગળ વધી રહ્યું છે. વર્ષોથી પરિવારવાદ પર ચાલતા રાજકીય પક્ષો લોકશાહી માટે જોખમી છે."

એનડીટીવીના અહેવાલ મુજબ, વડા પ્રધાન મોદીએ આ નિવેદન બંધારણદિવસના રોજ યોજાયેલા એક કાર્યક્રમમાં આપ્યું હતું. જેમાં 14 વિરોધી પક્ષો ગેરહાજર રહ્યા હતા.

આગામી સપ્તાહથી યોજાનારા લોકસભાના શિયાળુ સત્રમાં સરકારને ઘેરવાની વ્યૂહરચના ઘડવા માટે તમામ વિપક્ષી દળોની બેઠક બોલાવવામાં આવી હતી.

જેના બીજા દિવસે વિપક્ષની પાર્ટીઓ કાર્યક્રમમાં ગેરહાજર રહી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, "પરિવાર માટે પરિવાર દ્વારા ચાલતી પાર્ટી. શું મારે વધારે કંઈ બોલવાની જરૂર છે?"

"જો કોઈ પાર્ટીને એક જ પરિવાર દ્વારા પેઢીઓ સુધી ચલાવવામાં આવે તો તે લોકશાહી માટે ઠીક નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો