અમદાવાદમાં મૉનોલિથ દેખાતા લોકોમાં ભારે કુતૂહલ, અત્યાર સુધી 30 દેશોમાં દેખાયું મૅટલનું શિલ્પ

વિશ્વના અલગઅલગ દેશમાં દેખાનારો રહસ્યમયી મૉનોલિથ હવે ભારતમાં પણ દેખાયો છે. અમદાવાદમાં આવેલા 'સિમ્ફૉની ફૉરેસ્ટ પાર્ક'માં આ મૉનોલિથ દેખાયો છે.

અમદાવાદમાં દેખાયેલું આ 'શિલ્પ' વિશ્વનાં અલગઅલગ શહેરોમાં દેખાયેલા મૉનોલિથને મળતું આવે છે.

આ ચમકદાર સ્ટિલના થાંભલા આકારનું શિલ્પ અમદાવાદના જે પાર્કમાં દેખાયું છે, એ પાર્ક ચોતરફ બાંધકામોથી ઘેરાયેલો છે.

આ મૉનોલિથ વિશે કોઈ માહિતી ન હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના બગીચાવિભાગના ડિરેક્ટર જિજ્ઞેશ પટેલે બીબીસી ગુજરાતીની સંવાદદાતા ઋષિ બેનરજીને જણાવ્યું છે.

જિજ્ઞેશ પટેલે કહ્યું, "હાલ હું રજા પર છું એટલે મને બહુ માહિતી નથી કે આ મૉનોલિથ ક્યારે મૂકવામાં આવ્યો. ગાર્ડનમાં કંઈ થાય તો માહિતી મળી જાય છે. આ વિશે મને એક વ્યક્તિને ફોન આવ્યો હતો જે બાદ મેં તપાસ કરાવી છે."

તેઓ વધુમાં જણાવે છે કે "આ મૉનોલિથ નથી પણ શિલ્પ છે. મૉનોલિથ બીજી વસ્તુ છે. તે પ્રાકૃતિક રીતે પ્રકટ થાય છે અને ગાયબ પણ થઈ જાય છે. આ ગાર્ડનમાં આકર્ષણ ઊભું કરવા માટે મૂકવામાં આવ્યું છે."

આ મૉનોલિથ પાછળ કોણ?

રસપ્રદ વાત એ છે અમદાવાદમાં જોવા મળેલા આ મૉનોલિથમાં થોડા અણસાર પણ અપાયા છે.

આ ત્રિકોણાકારના થાંભલા જેવા શિલ્પ પર કેટલીક સંખ્યા પણ લખાઈ છે.

'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના અહેવાલ પર અનુસાર આ મૉનોલિથ પર અપાયેલી સંખ્યા કુદરત અને વન્યજીવોના રક્ષણ તરફ ઇશારો કરે છે. જોકે, ખરેખર આ સંખ્યા શું કહેવા માગે એ સ્પષ્ટ થઈ શક્યું નથી.

મૅટલના આ શિલ્પ પાછળ એક મહિલા શિલ્પકાર હોવાનું અખબાર જણાવે છે.

પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે આ કલાકારે અખબારને જણાવ્યું છે આ પ્રકારની કલાકૃતિ "લોકોને જીવનના ઉંડાણને સમજાવે છે અને આ જ આ શિલ્પનો સાર છે."

ચાર કરોડના ખર્ચે તૈયાર કરાયો ગાર્ડન

લગભગ ત્રણ મહિના પહેલાં તૈયાર કરાયેલો 'સિમ્ફૉની ફૉરેસ્ટ પાર્ક' અમદાવાદના સિંધુભવન માર્ગ પર સ્થિત છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ પાર્કનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું.

પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ થકી આ પાર્ક તૈયાર કરાયો છે. આ ગાર્ડન ચાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે.

15,000 ચોરસ મીટર વિસ્તારમાં આ ગાર્ડન પથરાયલો છે. ગાર્ડનની દેખરેખની જવાબદારી સિમ્ફની કંપની પાસે છે.

અમેરિકામાં સૌપ્રથમ દેખાયા મૉનોલિથ

આ પ્રકારનો પ્રથમ મૉનોલિથ અમેરિકાના ઉટાહ રાજ્યની અંતરિયાળ ખીણમાં જોવા મળ્યો હતો. એ બાદ આ જ પ્રકારનાં મૅટલનાં શિલ્પો વિશ્વનાં અલગઅલગ 30 રાષ્ટ્રોમાં જોવાં મળ્યાં હતાં. શરૂઆતમાં આ મૉનોલિથ પરગ્રહવાસીઓ દ્વારા મૂકાયા હોવાની થિયરી પણ વહેતી થઈ હતી.

જોકે, અમેરિકામાં જોવા મળેલા સૌ પ્રથમ મૉનોલિથ પાછળ 'ધ મૉસ્ટ ફૅમસ આર્ટિસ્ટ' નામે અજાણ્યા કલાકારોનો ફાળો હતો.

કલાકારોના આ સમૂહે ઇન્સ્ટાગ્રામ પર ઉટાહના મૉનોલિથની તસવીર શૅર કરી હતી અને તેની 45,000 અમેરિકન ડૉલરની કિંમત આંકી હતી.

'2001: અ સ્પેસ ઑડિસી' નામે હોલીવૂડમાં વર્ષ 1968માં બનેલી ફિલ્મમાં પરગ્રહવાસીઓ દ્વારા આ પ્રકારના કાળા મૉનોલિથ લગાવવાની વાત કરાઈ હતી. આ ફિલ્મ જાણીતા દિગ્દર્શક સ્ટૅન્લી કુબ્રિકે બનાવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો