ખેડૂત આંદોલન : શંકરસિંહ વાઘેલા માર્ચ યોજે એ પહેલાં ઘરમાં જ અટકાયત

એક તરફ વિવાદિત કૃષિકાયદાઓ પાછા ખેંચવાની માગ સાથે દિલ્હીની સરહદો પર ખેડૂત સંગઠનો આંદોલન થઈ રહ્યું છે. તો બીજી તરફ આ આંદોલનની ઝાળ હવે રાજ્યો સુધી પણ પહોંચતી થઈ ગઈ છે.

દિલ્હીમાં વિવાદિત કૃષિકાયદાઓ પાછા ખેંચી લેવા માટે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં શુક્રવારે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા અમદાવાદના ગાંધી આશ્રમથી દિલ્હીના રાજઘાટ સુધી માર્ચ યોજી આમરણાંત ઉપવાસ કરવાનું આયોજન કરાયું હતું.

ગુરુવારે તેમણે પોતાના નિવાસસ્થાને ખેડૂતોના સમર્થનમાં રસ્તા પર ઊતરવાની જાહેરાત કરી હતી.

જોકે, હાલ પ્રાપ્ત થતી માહિતી અનુસાર શંકરસિંહ વાઘેલાની તેમના ઘરમાં જ અટકાયત કરી લેવામાં આવી છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે શંકરસિંહ વાઘેલાના અંગત સચિવે આ વાતની પુષ્ટિ કરી છે.

દિલ્હીકૂચના વાઘેલાના આયોજનને પાર પાડવા માટે ગાંધી આશ્રમ ખાતે તેમના સમર્થકોની પાંખી હાજરી જોવા મળી હતી.

નોંધનીય છે કે ગુરુવારે ગાંધીનગરસ્થિત પોતાના નિવાસસ્થાને આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રત્યે સરકારના વર્તનને અસંવેદનશીલ ગણાવતાં તેમણે કહ્યું હતું કે, "ભાજપના નેતાઓ આંદોલન કરી રહેલા ખેડૂતોને ખરાબ રીતે ચીતરવાનું કામ કરી રહી રહ્યા છે."

"ભાજપના આગેવાનો આંદોલન કરી રહેલા ખેડૂતોને નક્સલવાદી અને ખાલિસ્તાનના સમર્થક ગણાવી રહ્યા છે. તેમજ આંદોલનકારી ખેડૂતો સાથે વાત કરવાના સરકાર તરફથી પ્રયાસ કરાયા નથી."

"મેં પહેલાં ખેડૂતોની માગ સ્વીકારવા માટે અને નવ કૃષિ કાયદા પાછા ખેંચવા માટે કેન્દ્ર સરકારને 25 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું."

વડા પ્રધાનનો વિપક્ષ પર આરોપ

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'દરરોજ માગ બદલતા રેહવા'ના આરોપને નકરતાં ઑલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઑર્ડિનેશન કમિટીએ શુક્રવારે કહ્યું કે ખેડૂતોની એકમાત્ર માગ છે કે તમામ પાકો પર MSP આપવાની જાહેરાત કરીને તેમને એક વૈધ અને પાકી આવકનું આશ્વાસન આપવામાં આવે.

બીજી તરફ 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના' હેઠળ નવ કરોડ લાભાર્થીઓને 18 હજાર કરોડ રૂપિયા જારી કરતાં એક કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે એક વિશેષ રાજકીય વિચારધારાના લોકો ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે અને દરરોજ એક નવો મુદ્દો ઊભો કરવા માટે માગ બદલી નાખે છે જે મુદ્દા સાથે સંબંધિત પણ નથી.

તેમણે ફરી વાર ખેડૂતોને કોઈના કહ્યામાં ન આવવાની અપીલ કરી અને કહ્યું કે ખેડૂતોએ MSPને લઈને આંદોલન શરૂ કર્યું હતું પરંતુ હવે તેઓ હિંસાના આરોપમાં બંધ લોકોની મુક્તિની માગ કરી રહ્યા છે અને ટોલપ્લાઝાનો પણ વિરોધ કરી રહ્યા છે.

તેમણે કહ્યું, "ખેડૂતોના ખભા પર મૂકીને બંદૂક ચલાવનારા તેમના નામે અલગ અલગ મુદ્દા ઉઠાવી રહ્યા છે કારણ કે તેમની પાસે કોઈ તર્ક જ નથી." વડા પ્રધાને એ પણ કહ્યું કે કેરળમાં APMC મંડીઓ નથી પરંતુ ત્યાં આંદોલન નથી થઈ રહ્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો