બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચે રાજકીય હિંસા કેમ થઈ રહી છે?

કાર

ઇમેજ સ્રોત, SANJAY DAS/ BBC

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી 2021માં થવાની છે અને ભાજપ તથા તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ થઈ રહ્યું છે.

2019ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે 18 બેઠકો મેળવતાં તૃણમૂલ કૉંગ્રેસમાં સોપો પડી ગયો હતો અને ભાજપ હવે પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યો છે.

સત્તાની સાઠમારીમાં બંને પક્ષો વચ્ચે હિંસક ઝડપ પણ થઈ છે, જેમાં બંને પક્ષોના કાર્યકરો મૃત્યુ પામ્યા છે.

નવેમ્બરની 2જી તારીખે ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળના વિવિધ પોલીસ સ્ટેશનો બહાર વિરોધપ્રદર્શનો કરાયાં હતાં.

ભાજપના નેતાઓનો આરોપ હતો કે ટીએમસી દ્વારા તેમના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ટ્વિટર પર જણાવ્યું હતું કે જાન્યુઆરી 2020 થી લઈને 11 સપ્ટેબર 2020 સુધી ભાજપના 14 કાર્યકર્તાઓની હત્યા થઈ છે.

બીજી બાજુ તૃણમૂલ કૉંગ્રેસે પણ ભાજપ પર હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર બંગાળમાં અનલૉકની શરૂઆત સાથે જ હિંસાની પણ શરૂઆત થઈ છે. અત્યાર સુધી રાજ્યમાં 11 રાજકીય કાર્યકરોની હત્યા કરી દેવાઈ છે. આમાંથી છ ભાજપના કાર્યકરો, જ્યારે ટીએમસીના પાંચ અને એસયુસીઆઈના એક કાર્યકરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભાજપના એક ધારાસભ્ય અને ત્રણ કાર્યકરો ફાંસો ખાધેલી મૃત અવસ્થામાં પણ મળી આવ્યા છે.

line

ભાજપ પ્રમુખના કાફલા પર હુમલો

જે પી નડ્ડા

ઇમેજ સ્રોત, SANJAY DAS/ BBC

ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા પક્ષના કાર્યકર્તાઓની એક બેઠકમાં ભાગ લેવા માટે દક્ષિણ 24 પરગણાસ્થિત ડાયમંડ હાર્બર જઈ રહ્યા હતા, જ્યારે તેમના કાફલા પર કેટલાક લોકોએ ઈંટ અને પથ્થરોથી હુમલો કર્યો હતો.

આ ઘટના કોલકાતાથી 30 કિલોમીટર દુર સિરાકોલ પાસે થઈ, જે દક્ષિણ 24 પરગણામાં આવે છે.

જે. પી. નડ્ડા બુલેટપ્રૂફ કારમાં બેઠા હોવાથી તેમને નુકસાન થયું નહોતું, પરતું ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય, મુકુલ રૉય, દિલીપ ઘોષ અને અનુપમ હાઝરા જે કારમાં બેઠા હતાં, તેના કાચ તૂટી ગયા હતા. ભાજપના આઠ કાર્યકર્તાઓને ઈજા થતાં હ઼઼ૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રૉયને ઘટનામાં સામાન્ય ઈજાઓ થઈ છે. ભાજપે આક્ષેપ કર્યો છે હુમલા પાછળ તૃણમૂલ કૉંગ્રેસનો હાથ છે.

મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી ડાયમંડ હાર્બરના સાંસદ છે અને એટલા માટે ભાજપ તૃણમૂલ કૉંગ્રેસને જવાબદાર ગણી રહ્યો છે.

ગુરુવારની ઘટના બાદ ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ એક-બીજા પર પ્રહાર કરી રહ્યા છે.

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇન્ડિન એક્સપ્રેસના અહેવાલ અનુસાર જે. પી. નડ્ડાએ કહ્યું, "ડાયમંડ હાર્બરથી આવતી વખતે મેં જે દૃશ્યો જોયાં છે, તેનાથી મમતા બેનરજીના રાજમાં જે અરાજકતા છે, તેના પુરાવા મળે છે."

"અહીં કાયદા જેવું કશું નથી અને ટીએમસીના કાર્યકરોએ લોકશાહીને ઉખેડી નાખવા માટે કંઈ બાકી રાખ્યું નથી. આ એકદમ ગુંડારાજ છે."

ભાજપ પર વળતો ઘા કરતાં તૃણમૂલ કૉંગ્રેસે જણાવ્યું કે આ ઘટના પાછળ ભાજપનો જ હાથ છે.

ગુરુવારે કોલકાતામાં કૃષિકાયદા સામે ધરણા પર બેઠેલાં મમતા બેનરજીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ પાસે કોઈ મુદ્દા નથી અને એટલા માટે પક્ષ નાટક કરી રહ્યો છે.

તેમણે કહ્યું, "આ નાનકડી ઘટના થઈ છે, પરંતુ હું પૂછવાં માગું છું કે કાફલામાં 50 કારો કેમ હતી? અમે જ્યારે પ્રવાસ કરીએ છીએ ત્યારે ત્રણ કાર હોય છે. 50 કારોના કાફલા, 30 પ્રેસની ગાડીઓ અને 40 મોટરસાઈકલ લઈને ત્યાં કેમ ગયા?"

"મેં ઘણીવાર તેમને (ભાજપ)ને કહ્યું છે કે કાયદા અને વ્યવસ્થાના મામલામાં દખલગીરી કરવી નહીં. પોતાની સુરક્ષા માટે તેઓ કેન્દ્રીય એજન્સીઓ રાખે છે. તેઓ સીઆઈએસએફ અને બીએસએફને સાથે રાખીને ફરે છે તો કઈ રીતે હુમલો થયો?"

તેઓ વધુમાં જણાવે છે કે, "તૃણમૂલ કૉંગ્રેસે ગુરુવારે સિકરોલમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પરતું ભાજપના કાર્યક્રમના કારણે સમય બદલી કાઢ્યો હતો."

"કંઈક થયું અને તેનું તરત પ્રસારણ થવા લાગ્યું. શું આ અગાઉથી પ્લાન થયું હતું? મેં પોલીસને સારી રીતે તપાસ કરવા માટે જણાવ્યું છે."

line

બંગાળ ડીજીપી અને ચીફ સેક્રેટરીને નોટિસ

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

ભાજપના કાફલા પર હુમલો થયા બાદ ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળના ડીજીપી અને ચીફ સેક્રેટરીને નોટિસ પાઠવી છે.

કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ આ નોટીસમાં ચીફ સેક્રેટરી આલાપન બંદોપાધ્યાય અને ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી)ને 14 ડિસેમ્બરના રોજ દિલ્હી બોલાવ્યા છે.

પશ્ચિમ બંગાળમાં જે કાયદો- વ્યવસ્થાની સ્થિતિ છે, તેની ચર્ચા કરવા માટે ગૃહમંત્રાલયે આ બેઠક બોલાવી છે.

કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાને એક પત્ર લખીને પશ્ચિમ બંગાળની સરકારે જણાવ્યું છે કે ચીફ સેક્રેટરી આલાપન બંદોપાધ્યાય અને ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીજીપી) આ મિટીંગમાં હાજરી નહીં આપે કારણ કે તેઓ આ ઘટનાની પહેલાંથી તપાસ કરી રહ્યા છે.

ચીફ સેક્રેટરી આલાપન બંદોપાધ્યાયે પત્રમાં લખ્યું છે કે, ઘટના સંદર્ભે જે બીજા રિપોર્ટ અને માહિતી ભેગી કરવામાં આવી રહી છે.

line

રાજ્યપાલે મમતાને ચેતવણી આપી

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકર અને મુખ્ય મંત્રી મમતા બેનરજી ઘણી વાર એકબીજા સામે શાબ્દિક પ્રહાર કરતાં રહે છે.

ગુરુવારની ઘટના બાદ રાજ્યપાલે ફરીથી રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું.

મમતા બેનરજીએ ભાજપ પ્રમુખ નડ્ડાની ટીકા કરતાં, રાજ્યપાલ ધનકરે આકરા શબ્દોમાં મુખ્ય મંત્રીની ટીકા કરી છે. તેમણે મમતા બેનરજીને 'આગ સાથે ન રમવાની ચેતવણી' આપી છે.

રાજ્યપાલે કહ્યું, "મુખ્ય મંત્રીએ જે નિવેદન આપ્યું છે તેની મેં બહુ ગંભીર નોંધ લીધી છે. એક જવાબદાર મુખ્ય મંત્રી, જે કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે, બંધારણમાં વિશ્વાસ કરી શકે અને સમૃદ્ધ બંગાળી સંસ્કૃતિમાં વિશ્વાસ રાખે છે, કઈ રીતે આવી વાત કરી શકે? "

"હું તેમને અપીલ કરું છું. - મહેરબાની કરીને અટકી જાવ, મહેરબાની કરીને થોડી ગરિમા અને સભ્યતા જાળવી રાખો, અને આ શબ્દો પાછા લઈ લો."

મમતા બેનરજીએ પ્રશ્ન કર્યો હતો કે શું આ હુમલો આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય લાભ ખાટવા માટે કરવામાં આવ્યો છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો