ગુજરાતમાં આગની મોટી ઘટનાઓના કેસમાં આરોપીઓને ઓછી સજા કેમ થાય છે?

ઇમેજ સ્રોત, Bipin tankariya
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
રાજકોટની કોવિડ હૉસ્પિટલમાં આગની ઘટના હોય કે પછી અમદાવાદની શ્રેય હૉસ્પિટલની ઘટના. તાજેતરમાં હૉસ્પિટલમાં લાગેલી આગની ઘટનાઓમાં FIRમાં નામ હોય તેવા કોઈ આરોપીને પોલીસ વધુ સમય સુધી જેલમાં કે લૉકઅપમાં નથી રાખી શકી.
કેટલાક લોકો માને છે કે આવી ઘટનાઓને લઈને વધુ કડક કાયદાઓની જરૂર છે, તો અમુક લોકો માને છે કે જો પોલીસ ઇચ્છે તો આ પ્રકારની ઘટના ફરી ન થાય તે માટે દાખલો બેસાડી શકે.
જોકે હાલમાં તો પરિસ્થિતિ એવી છે કે રાજકોટની ઘટનામાં ડૉક્ટરોની ધરપકડ થયાના અમુક જ કલાકો બાદ તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા.
હાલમાં ગુજરાતમાં સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ એમ ચાર મોટાં શહેરોમાં કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. તેમાંથી અમદાવાદ અને રાજકોટની ઘટનામાં લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે વડોદરા અને સુરતની ઘટનામાં કોવિડના દર્દીઓનો બચાવ થયો હતો. સુરતની ઘટનામાં કોઈ FIR થઈ ન હતી.
રાજકોટની ઉદય શિવાનંદ હૉસ્પિટલની ઘટનાની વાત કરવામાં આવે તો અહીં પાંચ સિનિયર સિટીઝનનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનાની FIR થઈ હતી, જેમાં પાંચ ડૉક્ટરોની ધરપકડ અને ત્યારબાદ જામીન પર તેમનો છુટકારો થયો હતો.
રાજકોટ પોલીસે આ માટે ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. વિશાલ મોઢા, ડૉ. તેજસ કરમટા, ડૉ. દિગ્વિજયસિંહ જાડેજા અને ડૉ. તેજસ મોતીવારા એમ પાંચ લોકોની ધરપકડ કરી હતી.
તેમની સામે IPC 304 (અ), 114 વગેરેની કલમો લગાવીને FIR નોંધવામાં આવી હતી.

'પોલીસે ઇચ્છે તો દાખલો બેસાડી શકે'

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વગેરેએ ટ્વીટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે આ પાંચ આરોપીઓમાંથી ૩ લોકોની ધરપકડ નવેમ્બર 30ના રોજ થઈ હતી અને તેના બીજા દિવસે તેમને જામીન પર છૂટી ગયા હતા.
બીજા બે લોકોની ધરપકડ બુધવારના રોજ થઈ હતી અને તે જ દિવસે તેમને જામીન પણ મળી ગયા હતા.
જોકે આ તમામ પ્રક્રિયાને ઘણા લોકો શંકાથી જોઈ રહ્યા છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ કેટલાક વકીલો સાથે વાત કરી હતી અને ઘણાનું માનવું છે કે પોલીસ ઇચ્છે તો યોગ્ય તપાસ કરીને આવી ઘટના ન બને તે માટે એક દાખલો બેસાડી શકે છે, પરંતુ તે માટે પોલીસ અને સરકારની નિયત સાફ હોવી જોઈએ.
આ વિશે બીબીસી ગુજરાતીએ એક વકીલ સાથે વાત કરી. તેઓએ નામ ન આપવાની શરતે કહ્યું, "પોલીસ આ પ્રકારની ફરિયાદોમાં યોગ્ય કલમો ન ઉમેરીને આરોપીઓને બચાવી લે છે."
તેમણે કહ્યું કે આ પ્રકારની ફરિયાદમાં IPC 304 ઉમેરી હોય તો ઘણો ફરક પડી શકે છે.
"IPC 304માં સજાની જોગવાઈ 10 વર્ષની હોવાથી તે બિનજામીનપાત્ર ગુનો બની જાય છે અને જો IPC 304ની જગ્યાએ તેમાં IPC 304(A) કરી દેવાય તો તેમાં બે વર્ષની જ સજા છે અને તે ગુનો જામીનપાત્ર બની જાય છે."
તેઓએ કહ્યું કે આ પ્રકારની તમામ ઘટનામાં પોલીસે IPC 304ની કલમ સાથે જ FIR નોંધવી જોઈએ."

આગની ઘટનામાં કઈ કલમ લગાડી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત હાઈકોર્ટમાં પ્રૅક્ટિસ કરતા વકીલ કે. આર. કોષ્ટિના મતે, IPC 304 પ્રમાણે ખૂન ન ગણાય તેવા ગુના થકી મનુષ્યવધ કરે તે માટે વ્યક્તિને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે, જ્યારે જો કોઈ વ્યક્તિ પોતાની બેદરકારીને કારણે બીજા લોકોનું મોત નીપજાવે તેવા કિસ્સામાં IPC 304(Aની કલમ લાગી શકે છે.
તેમણે કહ્યું, "મોટા ભાગની હૉસ્પિટલો વૅન્ટિલેટર જેવાં સાધનો માટે વપરાતી ઇલેક્ટ્રિસિટીના લોડને નજરઅંદાજ કરીને પોતાની મરજી પ્રમાણે મશીન ફિટ કરતી હોય છે, જેની નોંધ ન તો ફાયર ડિપાર્ટમેન્ટ કરતું હોય છે, કે ન તો ઇલેક્ટ્રિસિટી સ્પલાય કરનાર એજન્સી કરતી હોય છે."
"પરિણામે તેમાં શૉટ-સર્કિટ થતા હોય છે. આ તમામ લોકોને પોલીસ ચોપડે લાવવા પડે તો જ આ પ્રકારની ઘટનાઓ નાબૂદ થાય."
રાજકોટ અને અમદાવાદ બંને ઘટનામાં IPC 304(A)ની કલમ લગાવવામાં આવી હતી. જોકે વડોદરા અને સુરતની ઘટનામાં કોઈ FIR નોંધાઈ ન હતી.
આ અંગે જ્યારે બીબીસી ગુજરાતીએ ભૂતપૂર્વ આઈપીએસ ઑફિસર રાહુલ શર્મા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, IPC 304 કે IPC 304(A) લગાવવી તે તમામ વાતો જે તે પ્રકારના પુરાવાઓ પર આધારિત હોય છે.
તેમણે કહ્યું, "જો ફાયર સેફ્ટીનાં સાધનો લગાવ્યાં જ ન હોય તો ચોક્કસપણે IPC 304 લગાવી શકાય છે, પરંતુ જો લગાવ્યાં હોય અને તે સારી રીતે કામ ન કરતાં હોય તો 304 (A) જ લાગી શકે છે."
જોકે તેમણે કહ્યું કે ઉપરાંત પણ બીજા પુરાવાઓને આધારે સેક્શન નક્કી થતી હોય છે.

કલમ મહત્ત્વની કે નામ?

ઇમેજ સ્રોત, BADAL DARJI
જોકે ઍડવૉકેટ શમશાદ પઠાણ માને છે કે કઈ કલમ લગાવવામાં આવે છે, તેનાથી વધારે મહત્વનું છે કે FIRમાં કોનાં કોનાં નામ આવે છે. આ તમામ ફરિયાદોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન કે ફાયર ડિપાર્ટમેન્ટ કે પછી ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરનાર એજન્સીના કોઈ લોકોનો ઉલ્લેખમાત્ર પણ નથી, જ્યારે આ પ્રકારની તમામ ઘટનાઓને રોકવા માટે આ તમામ લોકોની ખૂબ જ મહત્ત્વની જબાબદારી હોય છે.
હૉસ્પિટલોમાં બનેલી આગની દરેક ઘટનામાં એફએસએલ રિપોર્ટ ખૂબ જ મહત્ત્વનો હોય છે.
આગ લાગવાના મુખ્ય કારણથી માંડીને તેમાં કોની અને કેવી બેદરકારી હોઈ શકે તે તમામ પ્રકારનાં અનુમાન આ રિપોર્ટથી મળતા હોય છે.
હજી સુધી ઘણા કેસમાં તપાસ એફએસએલના ફાઇનલ રિપોર્ટ માટે અટકેલી છે. જેમ કે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનામાં આઈસીયુ વૉર્ડમાં આગ લાગી હતી, પરંતુ તેમાં હજી સુધી FIR નથી થઈ, કારણ કે તેમાં હજી સુધી તપાસ અધિકારીને ફાઇનલ રિપોર્ટ મળ્યો નથી.
આ વિશે વાત કરતા રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.યુ. દીવાને બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ ઘટના બાદ પોલીસે એક અરજીના આધારે તપાસ કરી હતી અને FSLના રિપોર્ટ બાદ અમે FIR કરીશું.
"જોકે હજી સુધી અમને ફાઇનલ રિપોર્ટ નથી મળ્યો, માટે અમે તપાસ આગળ વધારી શક્યા નથી."

ઇમેજ સ્રોત, ANI
આ ઘટના સંદર્ભે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) એસ.કે. પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
તેમણે કહ્યું કે આ ઘટનામાં હજી સુધી કોઈની બેદરકારી હોય તેવું સામે આવ્યું નથી, પરંતુ લાગી રહ્યું કે કે કોઈ હ્યુમન એરર નહીં પરંતુ ટેકનિકલ એરરના કારણે આગ લાગી હોય અને સ્થળ પર હાજર ડૉક્ટર્સ, તેમજ નર્સિંગ સ્ટાફે ખૂબ જ ચપળતાથી આગ પર જલદીથી કાબૂ મેળવી લીધો હતો.
જોકે અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં પણ મુખ્યત્વે FSLના રિપોર્ટને તપાસનો આધાર બનાવીને તપાસ કરવામાં આવી છે, જેમાં શૉટ-સર્કિટ અને અયોગ્ય વાયરિંગને કારણે આગ લાગી હોય તેવું તારણ કાઢવામાં આવ્યું હતું.
FSLના એક ઉચ્ચ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, "સામાન્ય રીતે સ્થળતપાસ કરીને એક પ્રાઇમરી રિપોર્ટ તો તુરંત જ પોલીસને આપી દેવામાં આવે છે અને બાકી વૅન્ટિલેટર જે ગૅઝેટમાં આગ લાગી હોય તે ગૅઝેટ વગેરેની તપાસ કરીને અમે વહેલામાં વહેલી તકે અમારો રિપોર્ટ આપી દેતા હોઈએ છીએ."
જોકે જ્યારે તેમને SSG હૉસ્પિટલના રિપોર્ટમાં થયેલી વાર સંદર્ભે પૂછ્યું તો તેમણે કહ્યું કે તે રિપોર્ટ તેમણે પોલીસને આપી દીધો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












