You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી આવી રહેલા ખેડૂતો પર હરિયાણા પોલીસે વોટર કેનન, ટિયર ગૅસનો ઉપયોગ કર્યો
દિલ્હી તરફ આગળ વધી રહેલા ખેડૂતો પર પંજાબ-હરિયાણા વચ્ચે આવનારી શંભુ બૉર્ડર પર હરિયાણા પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો. ઉપરાંત અશ્રુ ગૅસના ગોળા પણ છોડવામાં આવ્યા હતા.
હરિણાથી દિલ્હી આવનારા તમામ રોડ પર ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
પંજાબ હરિયાણાના હજારો ખેડૂતો ટ્રેક્ટર, ટ્રોલી અને અન્ય વાહનો દ્વારા દિલ્હી આવી રહ્યા છે. જેમને રોકવા માટે હરિયાણા સરકાર તરફથી ભારે વ્યવસ્થા કરવામાં આવી છે.
26-27 નવેમ્બરે ખેડૂતોએ 'દિલ્હી ચલો'નું આહ્વાન કર્યું છે. જેમાં ભારતીય ખેડૂત યુનિયનના ઘણા સમૂહ સામેલ થયા છે.
ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતાં દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને આગળની નોટિસ સુધી દિલ્હી, નોઇડા, ફરીદાબાદ, ગાઝીયાબાદ અને ગુરુગ્રામ સુધી મેટ્રો સેવાઓ બંધ રહેશે.
આ પહેલાં ગુરુવાર બપોરે 2 વાગ્યા સુધી સેવા બંધ રાખવામાં આવી હતી પરંતુ હવે સ્થિતિને જોતાં આગળના આદેશ સુધી તેને સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે.
ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સુધારા બિલનો વિરોધ કરી રહ્યા છે.
અહમદ પટેલની દફનવિધિ માટે રાહુલ ગાંધી પિરામણ પહોંચ્યા
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલનું બુધવારે અવસાન થયું હતું, એ બાદ ગુરુવારે તેમના વતન પિરામણ ખાતે તેમની દફનવિધિમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સહિતના કૉંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહમદ પટેલની ઇચ્છા હતી કે તેમની દફનવિધિ તેમનાં માતાની કબરની બાજુમાં જ કરવામાં આવે.
કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ અહમદ પટેલ સારવાર હેઠળ હતા અને તેમની તબિયત લથડી હતી.
ચક્રવાત નિવાર તટે ટકરાયું
એનડીટીવી હિન્દીના અહેવાલ અનુસાર વાવાઝોડું નિવાર 26 નવેમ્બરે મોડી રાત્રે અઢી વાગે દરિયાકાંઠે ટકરાયું છે.
ચક્રવાતી તોફાન નિવાર નબળું થઈને અતિગંભીર શ્રેણીમાંથી ગંભીર શ્રેણીમાં ફેરવાયું છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર નિવાર જ્યારે તટીય વિસ્તારોમાં ટકરાયું ત્યારે તેની ઝડપ 120 કિલોમિટર પ્રતિ કલાકથી ઘટીને 100-110 કિલોમિટર પ્રતિ કલાક થઈ ગઈ.
ચક્રવાત ઉત્તર-પશ્ચિમમાં આગળ વધી રહ્યું હતું. આગામી કલાકોમાં તે વધારે નબળું પડ્યું હતું.
તામિલનાડુ અને પૉંડિચેરીના અધિકારીઓએ વાવાઝોડાથી ઉત્પન્ન થયેલી સ્થિતિ સામે લડવા માટે અનેક ઉપાયો કર્યા છે. તામિલનાડુ અને પૉંડિચેરીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
તામિલનાડુના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી આરબી ઉધયાકુમારે કહ્યું, "પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 1.45 લાખ લોકોનું 1516 રાહત શિબિરોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે."
ગુજરાત સરકારે પાટીદાર નેતાઓ અને કૉંગ્રેસના ધારાસભ્ય પરથી કેસ હઠાવ્યા
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ અનુસાર કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ સાથી દિનેશ બામભણિયા, દિલિપ સબવા અને અમિત ઠુમ્મર સહિત 28 લોકોને જેતપુરની ટ્રાયલ કોર્ટમાંથી રાહત મળી છે.
જેતપુરની ટ્રાયલ કોર્ટે રાજ્ય સરકારની તોફાન અને ગુનાહિત અપરાધીકરણના કેસને પરત ખેંચવાની માગને ગ્રાહ્ય રાખી છે.
પાસના નેતા હાર્દિક પટેલના કાફલા અને લેઉવા પટેલ સમાજના જૂથ સાથે અથડામણ થયા પછી જેતપુર ટાઉન પોલીસે વસોયા, બામભણિયા અને બીજા કેટલાક લોકો પર ગુનો દાખલ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે બે મહિના અગાઉ હાલના અને પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામેના કેસને જલદી પૂર્ણ કરવા કહ્યું તેના બાદ આ ફેંસલો આવ્યો છે.
પુખ્ત વયની મહિલા જ્યાં ઇચ્છે ત્યાં અને જેની સાથે ઇચ્છે તેની સાથે રહી શકે: દિલ્હી હાઈકોર્ટ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર દિલ્હી હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે એક પુખ્ત મહિલા ઇચ્છે ત્યાં અને જે વ્યક્તિ સાથે ઇચ્છે તેની સાથે રહી શકે છે.
ઉત્તર પ્રદેશ અને અન્ય ભાજપશાસિત રાજ્યોમાં 'લવ જેહાદ'ને લઈને કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા કે પુરુષ ઇચ્છે તેની સાથે પરણવાનો અધિકાર ધરાવે છે, તેવી ચર્ચા ચાલી રહી છે. આ સમયે આ ચુકાદો દિલ્હી હાઈકોર્ટે આપ્યો છે.
દિલ્હીની કોર્ટમાં છોકરીના પરિવારે દાવો કર્યો હતો કે તેમની દીકરી સગીર હતી ત્યારે તેનું અપહરણ કરી તેનાં લગ્ન કરાવી દેવામાં આવ્યાં હતાં.
કોર્ટે મહિલા સાથે ચર્ચા કરી તપાસ્યું કે તેમણે ઘર છોડ્યું ત્યારે તેઓ પુખ્ત વયનાં હતાં અને કોર્ટે પોલીસને બબલુના ઘર સુધી મોકલી આપવા ઍસ્કોર્ટ કરવા કહ્યું.
કેવડિયામાં કૉન્ફરન્સ બાદ ખેડાના સંસદસભ્ય કોરોના સંક્રમિત
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ખેડાના સંસદસભ્ય અને ભાજપના નેતા દેવુસિંહ ચૌહાણ બુધવારે કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
તેઓ 80મી ઑલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઑફિસરની કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પહોંચ્યા હતા.
નર્મદા જિલ્લાના આરોગ્યવિભાગ અનુસાર દેવુસિંહ ચૌહાણ કાર્યક્રમમાં ભાગ લીધા પછી છેલ્લે ટેસ્ટિંગ કરાવવા માટે આવ્યા હતા.
આરોગ્ય વિભાગે કહ્યું હતું કે આવનાર તમામ લોકોના ટેસ્ટિંગની જવાબદારી પોલીસની હતી.
આ પહેલાં તેમણે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અનેક ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ નેતાઓએ કોરોના વાઇરસના ટેસ્ટિંગ કરાવવા જરૂરી હતા પરંતુ અનેક નેતાઓએ આ પ્રકારે પહેલાં ટેસ્ટિંગ કરાવ્યું ન હતું.
બે દિવસીય કૉન્ફરન્સનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના અનેક સંસદસભ્ય અને નેતાઓ હાજર રહ્યા હતા.
સ્કૉટલૅન્ડ પિરિયડ પ્રોડક્ટ્સને ફ્રી બનાવતો પહેલો દેશ
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર સ્કૉટલૅન્ડ સૅનિટરી પૅડ્સને ફ્રી બનાવતો પહેલો દેશ બન્યો છે.
પિરિયડ્સ સમયે ઉપયોગમાં લેવાતાં સૅનિટરી પૅડ્સ અને ટૅમ્પોન જેવી વસ્તુઓથી ગરીબ લોકો વંચિત રહેતાં હોય છે. તેમના માટે આ સારું પગલું છે.
પિરિયડ્સ પ્રોડક્ટ્સ (ફ્રી પ્રોવિઝન) સ્કૉટલૅન્ડ બિલ હેઠળ સ્કૉટલૅન્ડમાં જાહેર સ્થળો જેવાં કે કૉમ્યુનિટી સેન્ટર્સ, યુથ ક્લબ્સ અને ફાર્મસી પર સૅનિટરી પૅડ અને ટૅમ્પોન્સ મફતમાં મળશે.
રૉયટર્સના એક અંદાજ પ્રમાણે તેની પાછળ વર્ષે 24 મિલિયન પાઉન્ડ ખર્ચાશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો